તેઓ મદદ કરવા ઊભા રહ્યા
કેનેડાના ઍલ્બર્ટા રાજ્યની આ વાત છે. બૉબ પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા. ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો અને કડકડતી ઠંડી હતી. તે ૧૦૦ કિલોમીટરની સ્પીડથી ગાડી ચલાવી રહ્યા હતા. એ જ સમયે અચાનક ડાબી બાજુના પાછળના ટાયરમાં પંચર પડ્યું. શરૂઆતમાં તો બૉબને ખબર જ ના પડી, પણ પછી લાગ્યું કે ટાયરની હવા નીકળી ગઈ છે. પણ તેમણે વિચાર્યું, ‘ઘર તો બસ પાંચ જ કિલોમીટર દૂર છે, ઘરે જઈને જોઈ લઈશ.’
પછી શું થયું? એ વિશેની માહિતી બૉબના પત્રમાં જોવા મળે છે. એ પત્ર તેમણે નજીકના યહોવાના સાક્ષીઓના પ્રાર્થનાઘરને મોકલ્યો હતો. પત્રમાં બૉબ જણાવે છે, “એક કારમાં પાંચ યુવાનો હતા, જેઓ યહોવાના સાક્ષી હતા. તેઓ મારી કારની બાજુમાં પોતાની કાર ચલાવવા લાગ્યા. તેઓએ કારનો કાચ નીચે કરીને મને જણાવ્યું કે કારના પાછલા ટાયરમાં જરાય હવા નથી. મેં કાર સાઇડમાં ઊભી રાખી, તેઓએ પણ એવું કર્યું. તેઓએ કહ્યું કે મારી કારનું ટાયર બદલી આપશે. મને તો ખબર જ ન’તી કે મારી પાસે બીજું ટાયર અને જૅક છે કે નહિ. હું હાઈવેની સાઇડમાં પોતાની વ્હીલચેરમાં બેઠો હતો. એ યુવાનિયાઓ કારની નીચે જઈને ટાયર અને જૅક કાઢી લાવ્યાં અને ટાયર બદલી નાખ્યું. કડકડતી ઠંડી હતી અને બરફ પડી રહ્યો હતો. તેઓએ સારાં કપડાં પહેર્યાં હતાં, તોપણ કપડાંની ચિંતા કર્યા વગર મારી મદદ કરી. તેઓના લીધે મારી કારમાં હું હેમખેમ ઘરે પહોંચ્યો. જો તેઓ ના હોત તો મારું શું થાત!
હું એ પાંચ સાક્ષી બાળકોનો દિલથી આભાર માનું છું. મારી મદદ કરી ત્યારે, તેઓ પ્રચાર કરવા નીકળ્યાં હતાં. આ બાળકો જે સંદેશો કહેવા નીકળ્યાં હતાં, એ સંદેશો પોતે પણ પાળી રહ્યાં હતાં. જો તેઓ ના હોત, તો હું બરાબરનો ફસાઈ જાત. તેઓની મદદની દિલથી કદર કરું છું. મને લાગે છે કે ભગવાને આ નાના દૂતોને મારા માટે જ મોકલ્યા હતા!”