નૂહ અને પૂરનો અહેવાલ—શું એ બસ વાર્તા છે?
શાસ્ત્રમાંથી જવાબ
પૂર ખરેખર આવ્યું હતું. દુષ્ટ લોકોનો નાશ કરવા માટે ઈશ્વર પૂર લાવ્યા હતા. પણ તેમણે નૂહને વહાણ બનાવવાનું કહ્યું, જેથી સારા લોકોને અને પ્રાણીઓને બચાવી શકાય. (ઉત્પત્તિ ૬:૧૧-૨૦) પૂર ખરેખર આવ્યું હતું એ વાત પર આપણે ભરોસો મૂકી શકીએ છીએ, કેમ કે એ વિશે બાઇબલમાં લખવામાં આવ્યું છે, જે “ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે.”—૨ તિમોથી ૩:૧૬.
હકીકત કે વાર્તા?
બાઇબલમાં જણાવ્યું છે કે નૂહ આ પૃથ્વી પર ખરેખર થઈ ગયા હતા અને પૂરની ઘટના સાચી છે. એ કંઈ વાર્તા કે દંતકથા નથી.
બાઇબલ લેખકો માનતા હતા કે નૂહ ખરેખર થઈ ગયા હતા. દાખલા તરીકે, એઝરા અને લૂક નામના બાઇબલ લેખકો કુશળ ઇતિહાસકારો હતા. તેઓએ સંશોધન કરીને ઇતિહાસની સચોટ માહિતી આપી હતી. ઇઝરાયેલ રાષ્ટ્રની વંશાવળીમાં તેઓએ નૂહ વિશે લખ્યું. એ બતાવે છે કે નૂહ ખરેખર થઈ ગયા હતા. (૧ કાળવૃત્તાંત ૧:૪; લૂક ૩:૩૬) માથ્થી અને લૂક નામના બાઇબલ લેખકોએ પોતાનાં પુસ્તકોમાં જણાવ્યું કે ઈસુએ નૂહ અને પૂર વિશે શું કહ્યું હતું.—માથ્થી ૨૪:૩૭-૩૯; લૂક ૧૭:૨૬, ૨૭.
પ્રબોધક હઝકિયેલ અને પ્રેરિત પાઉલે જણાવ્યું હતું કે નૂહે જોરદાર શ્રદ્ધા બતાવી હતી અને સચ્ચાઈથી ચાલ્યા હતા. (હઝકિયેલ ૧૪:૧૪, ૨૦; હિબ્રૂઓ ૧૧:૭) જરા વિચારો: જો નૂહ ખરેખર થઈ ગયા ન હોત, તો શું એ લેખકોએ આપણને નૂહના પગલે ચાલવાનું કહ્યું હોત? સાફ જોઈ શકાય છે કે આપણે નૂહ અને શ્રદ્ધા બતાવનાર બીજાં સ્ત્રી-પુરુષોનો દાખલો અનુસરી શકીએ છીએ, કેમ કે તેઓ હકીકતમાં થઈ ગયાં હતાં.—હિબ્રૂઓ ૧૨:૧; યાકૂબ ૫:૧૭.
પૂર વિશે બાઇબલમાં ચોક્કસ માહિતી આપી છે. મોટા ભાગે વાર્તા કે દંતકથાઓની શરૂઆત આવા શબ્દોથી થાય છે: “એક વખતની વાત છે.” પણ બાઇબલમાં પૂરના અહેવાલ વિશે જણાવ્યું છે ત્યારે એવા શબ્દો નથી વાપર્યા. એના બદલે, બાઇબલમાં સ્પષ્ટ જણાવ્યું છે કે પૂરને લગતી ઘટનાઓ કયા વર્ષે, કયા મહિને અને કયા દિવસે બની હતી. (ઉત્પત્તિ ૭:૧૧; ૮:૪, ૧૩, ૧૪) એમાં એ પણ જણાવ્યું છે કે નૂહે બાંધેલું વહાણ કેટલું ઊંચું, લાંબું અને પહોળું હતું. (ઉત્પત્તિ ૬:૧૫) એનાથી ખબર પડે છે કે પૂર ખરેખર આવ્યું હતું, એ કંઈ વાર્તા કે દંતકથા નથી.
પૂર કેમ આવ્યું હતું?
બાઇબલમાં જણાવ્યા પ્રમાણે પૂર પહેલાં “લોકોની દુષ્ટતા ખૂબ વધી ગઈ” હતી. (ઉત્પત્તિ ૬:૫) વધુમાં, “સાચા ઈશ્વરની નજરમાં પૃથ્વી સાવ બગડી ગઈ હતી,” કેમ કે લોકો ખૂબ હિંસક થઈ ગયા હતા અને અધમ વ્યભિચારમાં ડૂબી ગયા હતા.—ઉત્પત્તિ ૬:૧૧; યહૂદા ૬, ૭.
બાઇબલમાં જણાવ્યું છે કે પૃથ્વી પર દુષ્ટતા કેમ વધી ગઈ હતી. અમુક દૂતો બહુ દુષ્ટ હતા. તેઓ સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવ્યા અને પૃથ્વી પરની સ્ત્રીઓ સાથે જાતીય સંબંધો બાંધ્યા. એ દૂતોનાં બાળકો નેફિલિમ કહેવાયા. તેઓએ આખી પૃથ્વી પર આતંક ફેલાવી દીધો. (ઉત્પત્તિ ૬:૧, ૨, ૪, ફૂટનોટ) એટલે ઈશ્વરે નક્કી કર્યું કે તે દુષ્ટ લોકોનો વિનાશ કરશે અને સારા લોકોને બચાવી લેશે, જેથી તેઓ નવેસરથી પોતાનું જીવન શરૂ કરી શકે.—ઉત્પત્તિ ૬:૬, ૭, ૧૭.
પૂર આવવાનું છે એ વિશે શું લોકોને ખબર હતી?
હા. ઈશ્વરે નૂહને જણાવ્યું હતું કે આગળ શું થવાનું છે. તેમણે નૂહને એ પણ જણાવ્યું હતું કે તે એક વહાણ બનાવે, જેથી નૂહનું કુટુંબ અને પ્રાણીઓ બચી જાય. (ઉત્પત્તિ ૬:૧૩, ૧૪; ૭:૧-૪) નૂહે આવનાર વિનાશ વિશે લોકોને ચેતવણી આપી, પણ તેઓએ આંખ આડા કાન કર્યા. (૨ પિતર ૨:૫) બાઇબલમાં લખ્યું છે: “પૂર આવ્યું અને એ બધાને ખેંચી લઈ ગયું ત્યાં સુધી તેઓએ ધ્યાન આપ્યું નહિ.”—માથ્થી ૨૪:૩૭-૩૯.
નૂહનું વહાણ કેવું દેખાતું હતું?
એ વહાણ મોટી લંબચોરસ પેટી જેવું હતું. એ આશરે ૧૩૩ મીટર (૪૩૭ ફૂટ) લાંબું, ૨૨ મીટર (૭૩ ફૂટ) પહોળું અને ૧૩ મીટર (૪૪ ફૂટ) ઊંચું હતું.a વહાણ સૌથી સારા લાકડામાંથી બનાવવામાં આવ્યું હતું. એની અંદર અને બહાર ડામર ચોપડવામાં આવ્યો હતો. વહાણમાં ત્રણ માળ હતા અને એની અંદર ઘણી ઓરડીઓ હતી. વહાણની એક બાજુએ દરવાજો હતો. કદાચ વહાણના ટોચના ભાગથી થોડે નીચે એક બારી હતી. એવું લાગે છે કે વહાણની છત વચ્ચેથી થોડી ઊંચી હતી, જેથી પાણી જમા ન થાય અને વહી જાય.—ઉત્પત્તિ ૬:૧૪-૧૬.
નૂહને વહાણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો?
બાઇબલમાં એ નથી જણાવ્યું કે નૂહને વહાણ બાંધતા કેટલો સમય લાગ્યો હતો. પણ એવું લાગે છે કે એ બનાવતા તેમને ઘણાં વર્ષો લાગ્યાં હતાં. નૂહને પહેલો દીકરો જન્મ્યો ત્યારે તે ૫૦૦ કરતાં વધારે વર્ષના હતા અને પૂર આવ્યું ત્યારે તે ૬૦૦ વર્ષના હતા.b—ઉત્પત્તિ ૫:૩૨; ૭:૬.
ઈશ્વરે નૂહને વહાણ બનાવવાનું કામ સોંપ્યું ત્યારે નૂહના ત્રણ દીકરાઓ મોટા થઈ ગયા હતા અને તેઓના લગ્ન થઈ ગયા હતા. એમાં ૫૦-૬૦ વર્ષ વીત્યાં હશે. (ઉત્પત્તિ ૬:૧૪, ૧૮) જો એ વાત સાચી હોય તો એમ કહેવું વાજબી છે કે વહાણ બનાવતા ૪૦ કે ૫૦ વર્ષ લાગ્યાં હશે.
a બાઇબલમાં નૂહના વહાણનું માપ હાથમાં આપ્યું છે. “એક હિબ્રૂ હાથ એટલે ૪૪.૪૫ સે.મી. (૧૭.૫ ઈંચ).”—ધી ઇલસ્ટ્રેટેડ બાઇબલ ડિક્શનરી, રીવાઇઝ્ડ એડિશન, ભાગ ૩, પાન ૧૬૩૫.
b નૂહ અને બીજા લોકો કેટલું જીવ્યા હતા એ જાણવા ચોકીબુરજ, ડિસેમ્બર ૧, ૨૦૧૦માં (અંગ્રેજી) આપેલો આ લેખ જુઓ: “શું બાઇબલ સમયના લોકો સાચે જ લાંબું જીવન જીવતા હતા?”