કુટુંબ માટે મદદ
ગુસ્સાને કઈ રીતે કાબૂમાં રાખવો?
ધારો કે તમારા જીવનસાથી એવું કંઈક કરે અથવા કહે, જેનાથી તમને ગુસ્સો આવે છે. તમે ગુસ્સો ભરી રાખો છો. પણ તમારા જીવનસાથીને ખબર પડી જાય છે કે કંઈક તો થયું છે. એટલે તે તમને એ વિશે પૂછવા લાગે છે. એનાથી તમને વધારે ગુસ્સો આવવા લાગે છે. એવા સમયે ગુસ્સા પર કાબૂ રાખવા તમે શું કરી શકો?
તમારે શું જાણવું જોઈએ?
ગુસ્સા પર કાબૂ ન રાખવાથી તંદુરસ્તીને નુકસાન થાય છે. સંશોધનથી જાણવા મળ્યું છે કે ગુસ્સા પર કાબૂ ન રાખવાથી હૃદયની બીમારી, ડિપ્રેશન, પાચનને લગતી તકલીફો અને બી.પી વધી જવાનું જોખમ રહેલું છે. એટલું જ નહિ, એનાથી ઊંઘ ન આવવી, વધારે પડતી ચિંતા થવી, ચામડીના રોગો અને લકવો (સ્ટ્રોક) થઈ શકે છે. એટલે જ બાઇબલમાં લખ્યું છે: “ગુસ્સો પડતો મૂક . . . , કેમ કે એનાથી નુકસાન જ થશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૮, ફુટનોટ.
ગુસ્સો ભરી રાખવાથી પણ નુકસાન થાય છે. ગુસ્સો એક એવી બીમારી જેવો છે, જે તમને અંદરથી કોરી ખાય છે. કઈ રીતે? કદાચ તમારો સ્વભાવ એવો થઈ જાય કે બધી વાતે વાંધાવચકા કાઢવા લાગો. એનાથી તમારા જીવનસાથીનું જીવવું અઘરું થઈ શકે છે અને તમારા લગ્નજીવનને ભારે નુકસાન થઈ શકે છે.
તમે શું કરી શકો?
તમારા જીવનસાથીના સારા ગુણો પર ધ્યાન આપો. તમને ગમતા હોય એવા, તમારા જીવનસાથીના ત્રણ સારા ગુણો લખો. પછી જ્યારે તેમના પર ગુસ્સો આવે ત્યારે એ ગુણો વિશે વિચાર કરો. એનાથી તમે ગુસ્સા પર કાબૂ રાખી શકશો.
બાઇબલ સિદ્ધાંત: “બતાવી આપો કે તમે કેટલા આભારી છો.”—કોલોસીઓ ૩:૧૫.
માફ કરવા તૈયાર રહો. સૌથી પહેલા, સંજોગોને તમારા જીવનસાથીની નજરે જોવાની કોશિશ કરો. એમ કરવાથી તેમની લાગણી સમજી શકશો અને બાઇબલમાં લખ્યું છે તેમ “સુખ-દુઃખના સાથી” બની શકશો. (૧ પિતર ૩:૮) પછી પોતાનો પૂછો, ‘શું મારા ગુસ્સે થવાનું કારણ એટલું મોટું છે કે હું માફ ન કરી શકું?’
બાઇબલ સિદ્ધાંત: ‘અપરાધ નજરઅંદાજ કરવામાં માણસનો મહિમા છે.’—નીતિવચનો ૧૯:૧૧.
પ્રેમથી અને સમજી-વિચારીને પોતાની લાગણીઓ જણાવો. વાત કરતી વખતે, “હું” અને “મને” જેવા શબ્દ વાપરો. તમારા જીવનસાથીને આવું ન કહો: “તમે ક્યારેય ફોન કરીને જણાવતા નથી કે તમે ક્યાં છો. તમને તો મારી કંઈ પડી જ નથી.” પણ એના બદલે આવું કંઈક કહો: “તમને મોડું થાય છે ત્યારે મને ચિંતા થવા લાગે છે. તમે બરાબર છો કે નહિ એ જાણવું હોય છે.” આ રીતે પ્રેમથી વાત કરવાથી તમારા ગુસ્સા પર કાબૂ રાખી શકશો.
બાઇબલ સિદ્ધાંત: “જેમ મીઠું ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે, તેમ સાંભળનારને પસંદ પડે એવા માયાળુ શબ્દો બોલો.”—કોલોસીઓ ૪:૬.
ધ્યાનથી સાંભળો. તમારી લાગણીઓ જણાવ્યા પછી, તમારા સાથીને પણ બોલવાનો મોકો આપો. તે વાત કરતા હોય ત્યારે વચ્ચે ટોકશો નહિ. તેમની વાત બરાબર સમજ્યા છો કે નહિ, એ જાણવા એ વાત તમારા શબ્દોમાં જણાવો. તમારા જીવનસાથી જોડે વાત કરવાથી ઘણી હદે તમે ગુસ્સા પર કાબૂ મેળવી શકશો.
બાઇબલ સિદ્ધાંત: “ધ્યાનથી સાંભળવું, વિચાર્યા વગર ન બોલવું.”—યાકૂબ ૧:૧૯.