શું કોઈ વ્યક્તિ એવો નિર્ણય લઈ શકે કે તે યહોવાના સાક્ષી તરીકે ઓળખાવવા માંગતી નથી?
હા, તે એવો નિર્ણય લઈ શકે છે. તે એવું બે રીતે કરી શકે છે:
માહિતી આપીને. કોઈ વ્યક્તિ સાક્ષીઓના મંડળને કહીને અથવા લખીને જણાવી શકે કે તે હવેથી યહોવાના સાક્ષી તરીકે ઓળખાવવા માંગતી નથી.
પોતાનાં કામોથી. તે કદાચ એવું કોઈ કામ કરે જેનાથી દેખાય આવે કે તે યહોવાના સાક્ષી તરીકે ઓળખાવવા માંગતી નથી. (૧ પિતર ૫:૯) જેમ કે, તે કદાચ બીજા ધર્મમાં જોડાઈ જાય અને તેને પાછા આવવું ના હોય.—૧ યોહાન ૨:૧૯.
કોઈ સાક્ષી પ્રચારમાં અને સભાઓમાં જવાનું બંધ કરી દે તો શું? એનો અર્થ એવો કે તેણે મંડળ છોડી દીધું છે?
ના, એવું નથી. મંડળ છોડી દેવું કે સાક્ષીઓ સાથેના બધા સંબંધ તોડી નાંખવા એક અલગ વાત છે, પણ કોઈની શ્રદ્ધા નબળી પડી જાય એ સાવ જુદી વાત છે. મોટા ભાગે નિરાશાને લીધે વ્યક્તિ પ્રચારમાં અને સભામાં જવાનું બંધ કરી દે છે. એનો અર્થ એ નથી કે તેણે સંગઠન છોડી દીધું છે. એટલે, એવી વ્યક્તિથી દૂર રહેવાને બદલે અમે તેને દિલાસો અને સાથ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૪; યહૂદા ૨૨) જો તે ચાહે કે કોઈ આવીને તેની સાથે વાત કરે, તો મંડળના વડીલો તેને મળે છે અને તેની શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરે છે.—ગલાતીઓ ૬:૧; ૧ પિતર ૫:૧-૩.
યહોવાના સાક્ષી રહેવું કે નહિ એ માટે વડીલો કોઈને પણ દબાણ કરતા નથી. એ નિર્ણય દરેકનો પોતાનો છે. (યહોશુઆ ૨૪:૧૫) અમે માનીએ છીએ કે જો કોઈ વ્યક્તિ ઈશ્વરની ભક્તિ કરવા માંગે, તો તેણે પૂરા દિલથી અને ખુશી ખુશી કરવી જોઈએ.—ગીતશાસ્ત્ર ૧૧૦:૩; માથ્થી ૨૨:૩૭.