યહોવાના સાક્ષીઓ એવા લોકો સાથે કઈ રીતે વર્તે છે, જેઓ અગાઉ તેઓના ધર્મ સાથે જોડાયેલા હતા?
અમે બધા લોકો સાથે પ્રેમથી વર્તવા અને તેઓને માન આપવા બનતું બધું કરીએ છીએ. જો યહોવાના સાક્ષીઓમાંથી કોઈ ભાઈ કે બહેન ભક્તિમાં પહેલાં જેટલું કરતા ન હોય અથવા ભક્તિ કરવાનું સાવ છોડી દીધું હોય, તો તેમને મદદ કરવા અમે પગલાં ભરીએ છીએ. અમે તેમની સાથે વાત કરીએ છીએ, તેમને અમારા પ્રેમની ખાતરી અપાવીએ છીએ અને તેમને યહોવા સાથેનો સંબંધ ફરીથી પાકો કરવા મદદ કરીએ છીએ.—લૂક ૧૫:૪-૭.
અમુક કિસ્સામાં કોઈ ભાઈ કે બહેન એવાં કામ કરે, જેના લીધે તેમને મંડળમાંથી દૂર કરવામાં આવે. (૧ કોરીંથીઓ ૫:૧૩) જોકે, અમે ચાહતા નથી કે એવું થાય. એટલે કોઈ ભાઈ કે બહેનને મંડળમાંથી દૂર કરવામાં આવે એ પહેલાં જ અમે પ્રેમથી પ્રેરાઈને તેમને મદદ કરવા બનતું બધું કરીએ છીએ. જો તેમને મંડળમાંથી દૂર કરવામાં આવે, તોપણ બાઇબલમાં લખ્યું છે તેમ અમે તેમની સાથે પ્રેમથી અને આદરથી વર્તીએ છીએ.—માર્ક ૧૨:૩૧; ૧ પિતર ૨:૧૭.
શાના લીધે વ્યક્તિને મંડળમાંથી દૂર કરવામાં આવે છે?
બાઇબલમાં સાફ સાફ જણાવ્યું છે કે જો કોઈ ભાઈ કે બહેન મોટું પાપ કરે અને પસ્તાવો ન કરે, તો તેમને મંડળમાંથી દૂર કરવાં જોઈએ.a (૧ કોરીંથીઓ ૫:૧૧-૧૩) બાઇબલમાં એ પણ જણાવ્યું છે કે કયાં અમુક ગંભીર પાપના લીધે કોઈ વ્યક્તિને મંડળમાંથી દૂર કરવી પડે. જેમ કે, વ્યભિચાર કરવો, વધુ પડતો દારૂ પીવો, ખૂન કરવું, કુટુંબના સભ્યોનું શારીરિક અને જાતીય શોષણ કરવું અને ચોરી કરવી.—૧ કોરીંથીઓ ૬:૯, ૧૦; ગલાતીઓ ૫:૧૯-૨૧; ૧ તિમોથી ૧:૯, ૧૦.
પણ મોટું પાપ કરનાર ભાઈ કે બહેનને અમે મંડળમાંથી તરત જ દૂર કરતા નથી. મંડળના વડીલોb પહેલા તો તેમને પોતાનામાં ફેરફારો કરવા મદદ કરે છે. (રોમનો ૨:૪) વડીલો તેમની સાથે પ્રેમથી, કોમળતાથી અને માયાળુ રીતે વર્તે છે. (ગલાતીઓ ૬:૧) એમ કરવાથી શું ફાયદો થશે? એ ભાઈ કે બહેનને સમજાશે કે તેમણે ભૂલ કરી છે અને તેમને પસ્તાવો કરવાનું મન થશે. (૨ તિમોથી ૨:૨૪-૨૬) પણ જો વડીલોએ વારંવાર મદદ કરી હોવા છતાં તે ખોટું કામ કરતા રહે અને પસ્તાવો ન કરે, તો તેમને મંડળમાંથી દૂર કરવામાં આવે છે. વડીલો મંડળમાં એટલી જ જાહેરાત કરે છે કે એ ભાઈ કે બહેન હવે યહોવાનાં સાક્ષી નથી.
વડીલો પાપ કરનાર વ્યક્તિ સાથે પ્રેમથી, કોમળતાથી અને માયાળુ રીતે વર્તે છે
ખોટું કામ કરવાનું ચાલુ રાખનાર વ્યક્તિને મંડળમાંથી દૂર કરવામાં આવે છે ત્યારે, કયાં સારાં પરિણામો આવે છે? પહેલું, મંડળ ઈશ્વરનાં ધોરણો પ્રમાણે કામ કરતું રહે છે અને વ્યક્તિની ખરાબ અસરોથી મંડળનું રક્ષણ થાય છે. (૧ કોરીંથીઓ ૫:૬; ૧૫:૩૩; ૧ પિતર ૧:૧૬) બીજું, ખોટા કામ કરનારને એ કામ છોડી દેવાનું અને પોતાનામાં ફેરફારો કરવાનું મન થાય છે.—હિબ્રૂઓ ૧૨:૧૧.
યહોવાના સાક્ષીઓ એવા લોકો સાથે કઈ રીતે વર્તે છે, જેઓને મંડળમાંથી દૂર કરવામાં આવ્યા છે?
બાઇબલમાં લખ્યું છે કે જે વ્યક્તિને મંડળમાંથી દૂર કરવામાં આવી છે, તેની સાથે ખ્રિસ્તીઓએ ‘સંગત ન રાખવી.’ અરે, તેઓએ “એવા માણસ સાથે ખાવું પણ નહિ.” (૧ કોરીંથીઓ ૫:૧૧, ફૂટનોટ) એટલે અમે એવી વ્યક્તિ સાથે હળતાં-મળતાં નથી. પણ એવું નથી કે અમે તેની સાથેના સંબંધો સાવ જ તોડી નાખીએ છીએ. અમે તેની સાથે માનથી વર્તીએ છીએ. તે અમારી સભાઓમાં આવી શકે છે. તે ત્યાં આવે ત્યારે કદાચ અમુક ભાઈ-બહેનો તેને ‘કેમ છો’ કહે.c તે મંડળમાં પાછી આવી શકે એ માટે વડીલો પાસે મદદ પણ માંગી શકે છે.
જેઓને મંડળમાંથી દૂર કરવામાં આવ્યા છે, તેઓ અમારી સભાઓમાં આવી શકે છે
ધારો કે કોઈ ભાઈ કે બહેનને મંડળમાંથી દૂર કરવામાં આવ્યાં છે, પણ તેમનાં લગ્નસાથી અને બાળકો હજુ યહોવાના સાક્ષીઓ છે. એવા કિસ્સામાં શું? હવે તે કુટુંબ સાથે મળીને યહોવાની ભક્તિ કરતા નથી. એટલે ભક્તિને લગતા સંબંધો બદલાઈ જાય છે, પણ લોહીના સંબંધો બદલાતા નથી. તેઓ એક જ ઘરમાં રહે છે, એટલે પતિ-પત્ની વચ્ચેના સંબંધો અને માબાપ-બાળકો વચ્ચેના સંબંધો એવા જ રહે છે. તેઓ હજી પણ એકબીજાને પ્રેમ બતાવતા રહે છે.
જે ભાઈ કે બહેનને મંડળમાંથી દૂર કરવામાં આવ્યાં છે, તે વડીલોને વિનંતી કરી શકે કે તેમને મળવા આવે. એ મુલાકાતો દરમિયાન વડીલો તેમને બાઇબલમાંથી સલાહ આપશે. તેમ જ, પસ્તાવો કરવા અને ઈશ્વર પાસે પાછા ફરવા પ્રેમથી ઉત્તેજન આપશે. (ઝખાર્યા ૧:૩) જો તે ખોટાં કામો કરવાનું બંધ કરી દે અને બતાવી આપે કે તે સાચે જ બાઇબલનાં ધોરણો પ્રમાણે ચાલવા માંગે છે, તો તે ફરીથી મંડળનો ભાગ બની શકે છે. મંડળ તેમને ‘દિલથી માફ કરશે અને દિલાસો આપશે.’ કોરીંથ મંડળના એક માણસે મોટું પાપ કર્યું હતું. પણ તેણે સુધારો કર્યો ત્યારે મંડળનાં ભાઈ-બહેનોએ એવું જ કર્યું હતું.—૨ કોરીંથીઓ ૨:૬-૮.
જે ભાઈ-બહેનોને અગાઉ મંડળમાંથી દૂર કરવામાં આવ્યાં હતાં, તેઓને હવે કેવું લાગે છે?
ચાલો અમુક યહોવાના સાક્ષીઓ પાસેથી સાંભળીએ, જેઓને મંડળમાંથી દૂર કરવામાં આવ્યા હતા, પણ પછીથી ઈશ્વર પાસે પાછા ફર્યા.
“મને મંડળમાંથી દૂર કરવામાં આવી એને ઘણાં વર્ષો વીતી ગયાં હતાં. એટલે મેં જ્યારે મંડળમાં પાછા ફરવાનું નક્કી કર્યું, ત્યારે મને લાગતું હતું કે એ વર્ષો દરમિયાન મેં શું કર્યું હતું એ વિશે વડીલોએ જાણવું હશે. પણ એવું કંઈ ન થયું. તેઓએ બસ એટલું કહ્યું: ‘પાછલી વાતો ભૂલી જા. તું હવેથી શું કરીશ, બસ એના પર ધ્યાન આપ.’ એ સાંભળીને મારી બધી ચિંતાઓ દૂર થઈ ગઈ.”—મારિયા, અમેરિકા.
“હું મંડળમાં પાછો ફર્યો એટલે ભાઈ-બહેનો ખૂબ ખુશ હતાં. મને લાગ્યું કે હું મંડળનો ભાગ છું. મારા મંડળનાં ભાઈ-બહેનોએ મને અહેસાસ કરાવ્યો કે યહોવાએ અને તેઓએ મને માફ કરી દીધો છે. એનાથી મને જૂની વાતો ભૂલી જવા અને આગળ વધવા મદદ મળી. યહોવા સાથેનો મારો સંબંધ ફરીથી મજબૂત થાય એ માટે વડીલો મને મદદ કરવા હંમેશાં તૈયાર હતા. તેઓએ મને દિલાસો આપ્યો અને એ જોવા મદદ કરી કે યહોવા હજી મને કીમતી ગણે છે અને પ્રેમ કરે છે.”—માલ્કમ, સિયેરા લિયોન.
“હું ખૂબ ખુશ છું કે યહોવા તેમના લોકોને પ્રેમ કરે છે અને તેમનું સંગઠન શુદ્ધ રહે એનું ધ્યાન રાખે છે. અમુક લોકોને લાગી શકે કે કોઈ વ્યક્તિને મંડળમાંથી દૂર કરવી એ માનવતા નથી. પણ હકીકત તો એ છે કે એમ કરવું જરૂરી છે અને સાચે જ એ એક પ્રેમાળ ગોઠવણ છે. સ્વર્ગમાંના આપણા પિતા પ્રેમ કરનાર અને માફ કરનાર ઈશ્વર છે. હું હંમેશાં એ માટે કદર બતાવતી રહીશ.”—સેન્ડી, અમેરિકા.
a અગાઉ અમે કહેતા હતા કે પસ્તાવો ન કરનાર વ્યક્તિને બહિષ્કૃત કરવામાં આવી છે. પણ હવે અમે બાઇબલના શબ્દો વાપરીએ છીએ અને કહીએ છીએ કે વ્યક્તિને મંડળમાંથી દૂર કરવામાં આવી છે.
b વડીલો વફાદાર અને અનુભવી ભાઈઓ છે. તેઓ શાસ્ત્રવચનોમાંથી શીખવે છે, યહોવાના લોકોની સંભાળ રાખે છે અને તેઓને ઉત્તેજન આપે છે. એ કામ માટે તેઓને કોઈ પગાર આપવામાં આવતો નથી.—૧ પિતર ૫:૧-૩.
c અમુક કિસ્સામાં એવું બને કે વ્યક્તિ પોતે મંડળ છોડીને જતી રહે. એટલું જ નહિ, તે જાણીજોઈને મંડળની નિંદા કરે અથવા બીજાઓને ખોટાં કામ કરવા ઉશ્કેરે. એવું બને ત્યારે અમે બાઇબલની આ સલાહ પાળીએ છીએ: “તેને સલામ કહેશો નહિ.”—૨ યોહાન ૯-૧૧.