યહોવાના સાક્ષીઓના લગ્નમાં શું થાય છે?
યહોવાના સાક્ષીઓનો લગ્નપ્રસંગ મોટા ભાગે સાદો હોય છે અને પ્રસંગને ધ્યાનમાં રાખીને બધું શોભતી રીતે થાય છે. તેઓનાં લગ્નમાં બાઇબલમાંથી પ્રવચન આપવામાં આવે છે. એ પછી અમુક યુગલ રિસેપ્શન રાખવાનું પસંદ કરે છે, જેમાં લોકો ભેગા મળે છે અને મિજબાનીનો આનંદ માણે છે.a ઈસુએ પણ પોતાના સેવાકાર્યની શરૂઆતમાં લગ્નની મિજબાનીનો આનંદ માણ્યો હતો, જે કાના ગામમાં હતી.—યોહાન ૨:૧-૧૧.
લગ્ન કઈ રીતે થાય છે?
લગ્નમાં ત્રીસેક મિનિટનું એક પ્રવચન હોય છે અને એ ખૂબ જ મહત્ત્વનું હોય છે. યહોવાના સાક્ષીઓમાંથી એક ભાઈ એ પ્રવચન આપે છે. ભાઈ ખૂબ જ પ્રેમથી યુગલને સમજાવે છે કે બાઇબલની સલાહ પાળવાથી કઈ રીતે તેઓનું લગ્નજીવન કાયમ ટકી શકે છે તેમજ એકબીજા સાથે ખુશીથી અને પ્રેમથી રહી શકે છે.—એફેસીઓ ૫:૩૩.
ઘણા દેશોમાં યહોવાના સાક્ષીઓના અમુક ભાઈઓને સરકાર તરફથી લગ્ન રજિસ્ટર કરાવવાનો કાનૂની અધિકાર મળે છે. જો એ ભાઈ લગ્નમાં મેરેજ રજિસ્ટ્રાર તરીકે આવે, તો પ્રવચનના અંતે યુગલ લગ્નના સોગંદ લે છે. તેઓ કદાચ એકબીજાને વીંટી પણ પહેરાવે. પછી એ ભાઈ યુગલને પતિ-પત્ની જાહેર કરે છે.
અમુક દેશોમાં નિયમ હોય છે કે યુગલો સરકારી કચેરીમાં લગ્ન કરે. તેઓ પ્રવચનના અમુક દિવસ પહેલાં એવું કરે છે. જો વર-કન્યાએ કચેરીમાં સોગંદ લીધા ન હોય, તો પ્રવચનના અંતે લઈ શકે. જો તેઓએ પહેલાં સોગંદ લીધા હોય અને ફરીથી લેવા માંગે, તો અગાઉ સોગંદ લીધા છે એ રીતે બોલે છે. પ્રવચનના અંતે યુગલ પર આશીર્વાદ માટે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવે છે.
યહોવાના સાક્ષીઓનું લગ્ન ક્યાં રાખવામાં આવે છે?
જો શક્ય હોય તો ઘણાં સાક્ષીઓ પ્રાર્થનાઘરમાં લગ્નનું પ્રવચન રાખવાનું પસંદ કરે છે.b જો રિસેપ્શન હોય, તો એ બીજી કોઈ જગ્યાએ રાખે છે.
લગ્નમાં કોણ કોણ આવી શકે?
જો લગ્નનું પ્રવચન પ્રાર્થનાઘરમાં હોય, તો ત્યાં કોઈ પણ વ્યક્તિ આવી શકે, પછી ભલે તે સાક્ષી હોય કે ન હોય. જો રિસેપ્શન રાખવામાં આવે, તો યુગલ નક્કી કરે છે કે એમાં કોને બોલાવવા.
લગ્નમાં સાક્ષીઓ કેવાં કપડાં પહેરે છે?
જો લગ્ન પ્રાર્થનાઘરમાં હોય, તો કેવાં કપડાં પહેરવાં એ માટે કોઈ નિયમ નથી. પણ યહોવાના સાક્ષીઓ કપડાં વિશે બાઇબલના સિદ્ધાંતો પાળે છે. તેઓ પોતાના પર વધારે પડતું ધ્યાન ખેંચતા નથી અને પ્રસંગનું માન જળવાય એ રીતે તૈયાર થાય છે. જ્યારે મહેમાનો પણ એ સિદ્ધાંતો પાળે છે, ત્યારે યહોવાના સાક્ષીઓને સારું લાગે છે. (૧ તિમોથી ૨:૯) જો યુગલ રિસેપ્શન રાખે, તો એમાં પણ આ જ સિદ્ધાંતો લાગુ પડે છે.
શું લગ્નમાં ભેટ આપવામાં આવે છે?
બાઇબલમાં લખ્યું છે કે આપણે ઉદાર બનવું જોઈએ. (ગીતશાસ્ત્ર ૩૭:૨૧) યહોવાના સાક્ષીઓ ખુશીથી લગ્નમાં ભેટ આપે છે અને લે છે. (લૂક ૬:૩૮) પણ તેઓ બીજાઓ પાસે સામે ચાલીને ભેટ માંગતા નથી અથવા ભેટ આપનારનાં નામની જાહેરાત કરતા નથી. (માથ્થી ૬:૩, ૪; ૨ કોરીંથીઓ ૯:૭; ૧ પિતર ૩:૮) એવા રીતરિવાજોને બાઇબલ ટેકો આપતું નથી અને એનાથી મહેમાનો પણ શરમમાં મુકાઈ જશે.
શું સાક્ષીઓના લગ્નમાં ટોસ્ટિંગ થાય છે?
ટોસ્ટિંગ એટલે દારૂનો ગ્લાસ ઊંચો કરીને યુગલ માટે બે શબ્દો કહેવા. બાઇબલમાં ક્યાંય એવું લખ્યું નથી કે ટોસ્ટિંગ કરવું અથવા દારૂનો ગ્લાસ બીજા ગ્લાસ સાથે ટકરાવવો ખોટું છે. પણ બીજાઓને ઠોકર ન લાગે એટલે અમુક યુગલો કદાચ મહેમાનોને એમ ન કરવાનું જણાવે.—રોમનો ૧૪:૨૧.
શું યુગલ પર ચોખા કે બીજું કંઈક નાખવામાં આવે છે?
અમુક જગ્યાએ લોકો ચોખા, ફૂલો કે એના જેવી વસ્તુઓ યુગલ પર નાખે છે. તેઓ માને છે કે એમ કરવાથી યુગલનું નસીબ ઉઘડી જશે, તેઓ ખુશ રહેશે અને લાંબું જીવશે. પણ યહોવાના સાક્ષીઓ એવા રીતરિવાજો પાળતા નથી, કેમ કે એ અંધશ્રદ્ધા સાથે જોડાયેલા છે. તેઓ ‘ગુડ લક’ પણ કહેતા નથી, કેમ કે એવું કહેવું બાઇબલના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.—યશાયા ૬૫:૧૧.
શું રિસેપ્શનમાં જમવાની અને દારૂની ગોઠવણ કરવામાં આવે છે?
લગ્નના પ્રવચન પછી પ્રાર્થનાઘરમાં જમવાનું રાખવામાં આવતું નથી. અમુક યુગલ રિસેપ્શન રાખવાનું નક્કી કરે છે, જેમાં તેઓ જમવાનું કે નાસ્તો રાખતા હોય છે. (સભાશિક્ષક ૯:૭) જો તેઓ દારૂ પીરસવાનું નક્કી કરે, તો અમુક વાતોનું ધ્યાન રાખે છે.c તેઓ હદ બહાર દારૂ પીરસતા નથી અને દારૂ પીવાની કાયદેસર ઉંમરના લોકોને જ દારૂ પીરસે છે.—લૂક ૨૧:૩૪; રોમનો ૧૩:૧, ૧૩.
શું સંગીત કે ડાન્સ હોય છે?
જો યુગલ ચાહે તો રિસેપ્શનમાં સંગીત અને ડાન્સ રાખી શકે છે. (સભાશિક્ષક ૩:૪) તેઓ પોતાને ગમતાં ગીતો રાખે છે અથવા પોતાની સંસ્કૃતિ પ્રમાણે સંગીત રાખે છે. પણ તેઓ ધ્યાન રાખે છે કે એ ગીતોના શબ્દો સારા હોય અને એની મહેમાનો પર સારી અસર થાય. પ્રાર્થનાઘરમાં લગ્ન વખતે એવું સંગીત વગાડવામાં આવે છે, જે બાઇબલને આધારે હોય.
શું યહોવાના સાક્ષીઓ લગ્નની એનિવર્સરી ઊજવે છે?
એનિવર્સરી અથવા લગ્નનો દિવસ ઊજવવો કે નહિ, એ વિશે બાઇબલમાં કોઈ સિદ્ધાંત આપ્યો નથી. એટલે યુગલો એ વિશે પોતે નક્કી કરે છે. જો તેઓ એ ઊજવવાનું નક્કી કરે, તો તેઓ પોતાના સાથી જોડે અથવા કુટુંબીજનો અને દોસ્તો જોડે ઊજવે છે.
a અમુક રીતરિવાજો અને કાયદાકીય જરૂરિયાતો જગ્યા પ્રમાણે અલગ અલગ હોય શકે છે.
b જે ભાઈ પ્રવચન આપે છે, તે એ માટે પૈસા કે દાન લેતા નથી. પ્રાર્થનાઘરનો ઉપયોગ કરવા પણ પૈસા ચૂકવવા પડતા નથી.
c ધ્યાન આપો, અમુક જગ્યાએ દારૂ પીવા પર સરકારનો પ્રતિબંધ હોય છે. એવા કિસ્સામાં સાક્ષીઓ એ નિયમ પાળે છે.