માર્ચ ૨-૮, ૨૦૨૬
ગીત ૪૮ યહોવાને માર્ગે ચાલીએ
યહોવાના “માર્ગદર્શન” પર હંમેશાં આધાર રાખીએ
૨૦૨૬નું આપણું વાર્ષિક વચન: “જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે તેઓ સુખી છે.”—માથ. ૫:૩.
આપણે શું શીખીશું?
યહોવાનું માર્ગદર્શન મેળવવા અને સાચી ખુશી મેળવવા આપણે શું કરી શકીએ?
૧. માણસોને શાની જરૂર હોય છે? (માથ્થી ૫:૩)
યહોવા જાણે છે કે માણસોને શાની જરૂર છે. દાખલા તરીકે, આપણને ખોરાક, કપડાં અને માથે છતની જરૂર હોય છે. જો એ બધું થોડા સમય માટે પણ ન હોય તો જીવન ખૂબ જ અઘરું બની જાય છે. જોકે, આપણને બીજા કશાકની પણ જરૂર છે. ખુશ રહેવા જરૂરી છે કે આપણે યહોવાનું માર્ગદર્શન લઈએ. તેમણે જ આપણામાં તેમને ઓળખવાની અને તેમના માર્ગદર્શન પર આધાર રાખવાની ઇચ્છા મૂકી છે. (માથ્થી ૫:૩ વાંચો.) એટલે જરૂરી છે કે આપણે એ વાત સમજીએ અને યહોવાના માર્ગદર્શન પર હંમેશાં આધાર રાખીએ.
૨. “ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ” હોવી એટલે શું? દાખલો આપીને સમજાવો.
૨ મૂળ ભાષામાં “ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ” માટે જે શબ્દો વપરાયા છે, એનો આવો પણ અર્થ થાય છે: એવી વ્યક્તિ જે પવિત્ર શક્તિની ભીખ માંગે છે. જરા એક લાચાર ભિખારીનો વિચાર કરો. તેનાં કપડાં ચીંથરેહાલ થઈ ગયાં છે. તેની પાસે ખાવા માટે સૂકો રોટલોય નથી. દિવસે તે ધગધગતા તાપમાં બેસી રહે છે અને રાતે કડકડતી ઠંડીમાં ઠૂંઠવાય છે. લોકો તેને જોઈને પોતાનું મોં ફેરવી લે છે. તે સાવ સુકાઈ ગયો છે. તેનું મોં ઊતરી ગયું છે. એ ભિખારી જાણે છે કે જીવતા રહેવા અને થોડી તાકાત મેળવવા તેને કોઈની મદદની જરૂર છે. એવી જ રીતે, જેઓમાં ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ હોય છે, તેઓ જાણે છે કે ઈશ્વરની મદદ વગર ખુશ રહેવું અશક્ય છે. એટલે ઈશ્વર જે પણ માર્ગદર્શન આપે છે, એમાંથી તેઓ ફાયદો મેળવવાની પૂરી કોશિશ કરે છે.
૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૩ આ લેખમાં આપણે સૌથી પહેલા ફિનીકિયાની સ્ત્રીના દાખલા પર વિચાર કરીશું, જેણે ઈસુ પાસે મદદની ભીખ માંગી હતી. એ બનાવમાંથી શીખીશું કે જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે, તેઓએ કયા ત્રણ મહત્ત્વના ગુણો કેળવવા જોઈએ. પછી આપણે પિતર, પાઉલ અને દાઉદના દાખલા પર ચર્ચા કરીશું, જેઓએ મદદ માટે યહોવા પર આધાર રાખ્યો હતો.
ત્રણ મહત્ત્વના ગુણો
૪. ફિનીકિયાની સ્ત્રી ઈસુ પાસે કેમ આવી હતી?
૪ એક દિવસે ફિનીકિયાની એક સ્ત્રી ઈસુ પાસે આવી. તેની દીકરી “દુષ્ટ દૂતની પકડમાં” હતી. ‘તે એને બહુ રિબાવતો હતો.’ (માથ. ૧૫:૨૧-૨૮) એ સ્ત્રી ઘૂંટણિયે પડી અને ઈસુ પાસે મદદની ભીખ માંગવા લાગી. એ વખતે ફિનીકિયાની સ્ત્રીએ સરસ ગુણો બતાવ્યા. ચાલો એમાંના અમુક ગુણો પર ધ્યાન આપીએ.
૫. ઈસુએ ફિનીકિયાની સ્ત્રી માટે શું કર્યું અને કેમ? (ચિત્ર પણ જુઓ.)
૫ ફિનીકિયાની સ્ત્રી સાચે જ નમ્ર હતી. આપણે કેમ એવું કહી શકીએ? જ્યારે તેણે ઈસુ પાસે મદદ માંગી ત્યારે ઈસુએ કહ્યું: “બાળકોની રોટલી લઈને ગલૂડિયાંને નાખવી બરાબર નથી.” ધ્યાન આપો કે એ સમયે બીજી પ્રજાના લોકો પોતાના ઘરમાં ગલૂડિયાને પાલતું પ્રાણી તરીકે રાખતા હતા. જો એ સ્ત્રીની જગ્યાએ બીજું કોઈ હોત, તો કદાચ એવી સરખામણીથી તેમને ખોટું લાગ્યું હોત. ઈસુ તેમનું અપમાન કરે છે, એવું વિચારીને તે ત્યાંથી ચાલ્યા ગયા હોત. પણ ફિનીકિયાની સ્ત્રીએ એવું ન કર્યું. એનાથી દેખાઈ આવે છે કે તે નમ્ર હતી. એટલું જ નહિ, તેણે હાર ન માની. તે ઈસુ પાસે મદદ માંગતી રહી. તેણે એવું કેમ કર્યું? કેમ કે તેને ઈસુમાં પૂરી શ્રદ્ધા હતી. તેની અડગ શ્રદ્ધા ઈસુના દિલને સ્પર્શી ગઈ. ભલે અગાઉ ઈસુએ એવું કહ્યું હતું કે તે ફક્ત ‘ઇઝરાયેલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં પાસે’ આવ્યા હતા, પણ એ સ્ત્રીની અડગ શ્રદ્ધાને લીધે ઈસુએ તેની દીકરીને દુષ્ટ દૂતની પકડમાંથી આઝાદ કરી.
ફિનીકિયાની સ્ત્રી ચાહતી હતી કે ઈસુ તેની દીકરીને મદદ કરે. એ સ્ત્રી નમ્ર હતી, તેણે હાર ન માની અને ઈસુમાં તેની શ્રદ્ધા અડગ હતી (ફકરો ૫ જુઓ)
૬. ફિનીકિયાની સ્ત્રી પાસેથી આપણે શું શીખી શકીએ?
૬ યહોવા પાસેથી માર્ગદર્શન મેળવતા રહેવા ખૂબ જરૂરી છે કે આપણે એ સ્ત્રી જેવા ગુણો કેળવીએ. આપણે નમ્ર બનીએ, હાર ન માનીએ અને અડગ શ્રદ્ધા રાખીએ. જો આપણે નમ્ર હોઈશું તો જલદી હાર નહિ માનીએ અને યહોવા પાસે મદદની ભીખ માંગતા રહીશું. એટલું જ નહિ, આપણે ખ્રિસ્ત ઈસુ પર અડગ શ્રદ્ધા રાખીશું અને તે જે ભાઈઓ દ્વારા માર્ગદર્શન આપે છે, તેઓ પર પૂરો ભરોસો રાખીશું. (માથ. ૨૪:૪૫-૪૭) જો આપણે એ સ્ત્રી જેવા ગુણો બતાવીશું તો યહોવા અને ઈસુ આપણાથી ખુશ થશે. તેમ જ, તેઓ આપણને મદદ કરશે અને માર્ગદર્શન આપશે. (યાકૂબ ૧:૫-૭ સરખાવો.) હવે ચાલો જોઈએ કે યહોવા કઈ રીતે માર્ગદર્શન આપે છે, જેથી તે આપણને શીખવી શકે, નવો સ્વભાવ કેળવવા મદદ કરી શકે અને આપણું રક્ષણ કરી શકે. એ પણ જોઈશું કે એ માર્ગદર્શનમાંથી ફાયદો મેળવવા આપણે કઈ રીતે પિતર, પાઉલ અને દાઉદના દાખલાને અનુસરી શકીએ.
પિતરની જેમ ઊંડી વાતો શીખતા રહીએ
૭. પિતરને કઈ જવાબદારી મળી હતી અને તેમણે પોતે શું કરવાનું હતું? (હિબ્રૂઓ ૫:૧૪–૬:૧)
૭ હવે પ્રેરિત પિતરના દાખલા પર ધ્યાન આપીએ. ઈસુના સેવાકાર્યની શરૂઆતમાં જ તે સમજી ગયા હતા કે ઈસુ મસીહ છે. બહુ થોડા યહૂદીઓ એ વાત સમજી શક્યા હતા. પિતર એ પણ સમજી ગયા હતા કે ઈસુ દ્વારા યહોવા પોતાના લોકોને “હંમેશ માટેના જીવનની વાતો” શીખવી રહ્યા છે. (યોહા. ૬:૬૬-૬૮) ઈસુ સ્વર્ગમાં ગયા એ પહેલાં તેમણે પિતરને એક મોટી જવાબદારી સોંપી: “મારાં ઘેટાંને ખવડાવ.” (યોહા. ૨૧:૧૭) પિતરે એ જવાબદારી બહુ સારી રીતે નિભાવી અને મંડળનાં ભાઈ-બહેનોને શીખવ્યું. યહોવાએ તેમની પાસે બે પત્રો પણ લખાવ્યા, જે પછીથી બાઇબલનો ભાગ બન્યા. બીજાઓને શીખવવાની સાથે સાથે પિતરે પોતે શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરવાનો હતો. એ માટે તેમણે પ્રેરિત પાઉલના અમુક પત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. પિતરે સ્વીકાર્યું કે પાઉલે લખેલી અમુક વાતો “સમજવી અઘરી છે,” પણ તેમણે હાર ન માની. (૨ પિત. ૩:૧૫, ૧૬) તેમને પૂરો ભરોસો હતો કે “ભારે ખોરાક” એટલે કે, પાઉલે લખેલી અઘરી વાતો સમજવા અને લાગુ પાડવા યહોવા તેમને મદદ કરશે.—હિબ્રૂઓ ૫:૧૪–૬:૧ વાંચો.
૮. પિતરને યહોવા પાસેથી નવું માર્ગદર્શન મળ્યું ત્યારે તેમણે શું કર્યું?
૮ પિતરે યહોવાની આજ્ઞા માનીને બતાવી આપ્યું કે તેમને યહોવા પર અડગ શ્રદ્ધા હતી. એક કિસ્સા પર ધ્યાન આપો. એક વખત પિતર યાફા શહેરમાં હતા. ત્યાં તેમને એક દર્શન થયું. દૂતે તેમને એવાં પ્રાણીઓ મારીને ખાવાનું કહ્યું, જે મૂસાના નિયમ પ્રમાણે અશુદ્ધ હતાં. એક યહૂદી એ પ્રાણીઓ ખાવાનું સપનામાંય ના વિચારે. એટલે પિતરે તરત જ કહ્યું: “ના, ના, માલિક, જરાય નહિ. મેં કદી અપવિત્ર અને અશુદ્ધ વસ્તુ ખાધી નથી.” દૂતે તેમને કહ્યું: “ઈશ્વરે જેને શુદ્ધ કર્યું છે એને અપવિત્ર કહીશ નહિ.” (પ્રે.કા. ૧૦:૯-૧૫) શું પિતર એ દર્શનનો અર્થ સમજી શક્યા? હા ચોક્કસ! ધ્યાન આપો કે આગળ શું થાય છે. કર્નેલિયસના ત્રણ સેવકો પિતરને મળવા આવ્યા. કર્નેલિયસ યહૂદી ન હતા. પણ તે ચાહતા હતા કે પિતર તેમના ઘરે આવે. દર્શન પહેલાં પિતરે કદાચ એમ કરવાની તરત ના પાડી દીધી હોત, કેમ કે યહૂદીઓ બીજી જાતિના લોકોને અશુદ્ધ ગણતા હતા. (પ્રે.કા. ૧૦:૨૮, ૨૯) પણ દર્શનથી પિતર સમજી ગયા હતા કે બધા પ્રકારના લોકો ખુશખબર સાંભળે એવી યહોવાની ઇચ્છા છે. એટલે તેમણે તરત જ પોતાના વિચારોમાં ફેરફાર કર્યો અને યહોવાનું નવું માર્ગદર્શન પાળ્યું. (નીતિ. ૪:૧૮) પિતરે કર્નેલિયસ અને તેમના ઘરના બધા લોકોને પ્રચાર કર્યો. પરિણામે તેઓએ ખુશખબર સ્વીકારી, તેઓને પવિત્ર શક્તિ મળી અને તેઓએ બાપ્તિસ્મા લીધું. એ બધું જોઈને પિતર ઘણા ખુશ થયા હશે.—પ્રે.કા. ૧૦:૪૪-૪૮.
૯. બાઇબલની ઊંડી વાતોનો અભ્યાસ કરવાથી કયા બે ફાયદા થશે?
૯ પિતરની જેમ આપણે પણ ઈશ્વરના શબ્દ, બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ. મોટા ભાગે આપણને જે સહેલું લાગે એ વાંચવું ગમતું હોય છે. પણ આપણે ભારે ખોરાક, એટલે કે બાઇબલની ઊંડી વાતો શીખવાની અને સમજવાની ઇચ્છા કેળવવી જોઈએ. એ માટે શું કરી શકીએ? પૂરતો સમય કાઢીએ અને મહેનત કરીએ. એમ કરીશું તો ઓછામાં ઓછા બે ફાયદા થશે. પહેલો ફાયદો, યહોવા વિશે જે શીખીશું એનાથી તેમના માટેનો પ્રેમ અને માન વધશે. બીજો ફાયદો, આપણા પ્રેમાળ પિતા વિશે બીજાઓને જણાવવાનો ઉત્સાહ વધશે. (રોમ. ૧૧:૩૩; પ્રકટી. ૪:૧૧) પિતરના દાખલામાંથી બીજો પણ એક બોધપાઠ મળે છે. આપણી સમજણમાં કોઈ ફેરફાર થાય ત્યારે એને સ્વીકારવામાં મોડું ન કરીએ. એટલું જ નહિ, આપણા વિચારો બદલીએ અને નવી સમજણ પ્રમાણે કામ કરીએ. એવું કરીશું તો જ યહોવાના માર્ગદર્શનમાંથી ફાયદો મેળવી શકીશું અને વફાદારીથી તેમની ભક્તિ કરતા રહી શકીશું.
પાઉલની જેમ નવો સ્વભાવ પહેરી લઈએ
૧૦. કોલોસીઓ ૩:૮-૧૦ પ્રમાણે યહોવાને ખુશ કરવા શું કરવું જોઈએ?
૧૦ જો આપણે ખુશ રહેવું હોય અને યહોવાનું માર્ગદર્શન મેળવવું હોય, તો જરૂરી છે કે તેમને ગમે એવો સ્વભાવ કેળવીએ. યહોવાએ પોતે જણાવ્યું છે કે આપણે કઈ રીતે એવું કરી શકીએ. બાઇબલમાં જણાવ્યું છે કે આપણે ‘જૂનો સ્વભાવ’ ઉતારી નાખીએ અને “નવો સ્વભાવ” પહેરી લઈએ. (કોલોસીઓ ૩:૮-૧૦ વાંચો.) પણ એમાં ઘણો સમય અને મહેનત લાગશે. ચાલો પાઉલના દાખલા પર વિચાર કરીએ. તે યુવાન હતા ત્યારથી જ ઈશ્વરની કૃપા મેળવવા ઘણી મહેનત કરતા હતા. (ગલા. ૧:૧૪; ફિલિ. ૩:૪, ૫) પણ તે પૂરી રીતે સમજતા ન હતા કે ઈશ્વર કેવી ભક્તિ ચાહે છે. તે ઈસુ વિશેના સત્યથી પણ અજાણ હતા. એ અધૂરા જ્ઞાન અને અભિમાનના લીધે તે “ઉદ્ધત માણસ” બની ગયા. એવાં ગુણો અને કામો જૂના સ્વભાવનો ભાગ છે, એટલે ઈશ્વર પાઉલથી ખુશ ન હતા.—૧ તિમો. ૧:૧૩.
૧૧. પાઉલે પોતાના સ્વભાવમાં કયો ફેરફાર કરવાનો હતો? સમજાવો.
૧૧ પાઉલ ખ્રિસ્તી બન્યા એ પહેલાં વાતે વાતે ગુસ્સે થઈ જતા હતા. પ્રેરિતોનાં કાર્યો પુસ્તકના એક અહેવાલમાં જણાવ્યું છે કે પાઉલ ઈસુના શિષ્યો માટે ‘ખતરો હતા અને તેઓને મારી નાખવાનું ઝનૂન તેમના પર સવાર હતું.’ (પ્રે.કા. ૯:૧) ખ્રિસ્તી બન્યા પછી પોતાનો ગુસ્સો કાબૂમાં રાખવા, એટલે કે જૂનો સ્વભાવ ઉતારી નાખવા પાઉલે ઘણી મહેનત કરવી પડી હશે. (એફે. ૪:૨૨, ૩૧) જોકે એમ કરતી વખતે પાઉલથી ભૂલો પણ થઈ. એકવાર પાઉલ અને બાર્નાબાસ વચ્ચે મતભેદ થયો ત્યારે “મોટી તકરાર થઈ.” (પ્રે.કા. ૧૫:૩૭-૩૯) પાઉલ એ સમયે એવું કંઈક કરી બેઠા જે ઈશ્વરને ન ગમે. પણ તેમણે હાર ન માની. નવો સ્વભાવ કેળવવા તે પોતાના “શરીરને મુક્કા” મારતા રહ્યા. એનો શું અર્થ થાય? ઈશ્વર ખુશ થાય એવી વ્યક્તિ બનવા તે મહેનત કરતા રહ્યા.—૧ કોરીં. ૯:૨૭.
૧૨. જૂનો સ્વભાવ ઉતારી નાખવા પાઉલને શાનાથી મદદ મળી?
૧૨ પાઉલ નમ્ર હતા, એટલે જૂનો સ્વભાવ ઉતારી નાખવા તેમણે પોતાના પર આધાર ન રાખ્યો. (ફિલિ. ૪:૧૩) પિતરની જેમ તેમણે “ઈશ્વર તરફથી મળતી તાકાત પર આધાર” રાખ્યો. (૧ પિત. ૪:૧૧) તોપણ અમુક વાર પાઉલથી ભૂલો થઈ અને એના લીધે તે નિરાશ થઈ ગયા. એવી લાગણીમાંથી બહાર આવવા તે વિચારતા કે યહોવાએ તેમના માટે કેટકેટલું કર્યું છે. એનાથી પોતાનામાં ફેરફાર કરતા રહેવાનો અને યહોવા ખુશ થાય એવાં કામો કરતા રહેવાનો ઇરાદો પાકો થયો.—રોમ. ૭:૨૧-૨૫.
૧૩. આપણે પાઉલ પાસેથી શું શીખી શકીએ?
૧૩ આપણે પાઉલના દાખલામાંથી શું શીખી શકીએ? ભલે આપણે વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હોઈએ, પણ જૂનો સ્વભાવ ઉતારી નાખવા અને નવો સ્વભાવ પહેરવા મહેનત કરતા રહેવું પડશે. જોકે આપણાથી ભૂલો થઈ શકે છે. જેમ કે, આપણે ગુસ્સે થઈ જઈએ અથવા ન બોલવાનું બોલી જઈએ. એવું થાય ત્યારે આવું ન વિચારીએ: ‘હું તો ક્યારેય યહોવાને ખુશ નહિ કરી શકું.’ હાર માનવાને બદલે પોતાના સ્વભાવમાં ફેરફાર કરતા રહીએ. (રોમ. ૧૨:૧, ૨; એફે. ૪:૨૪) પણ આ વાત ખાસ યાદ રાખીએ: નવાં કપડાં લઈએ છીએ ત્યારે આપણે શરીરના માપ પ્રમાણે કપડાંમાં ફેરફાર કરાવીએ છીએ. પણ નવો સ્વભાવ પહેરવા આપણે યહોવાનાં ધોરણો પ્રમાણે પોતાનામાં ફેરફાર કરવો જોઈએ. એવી આશા ન રાખવી જોઈએ કે યહોવા આપણા માટે પોતાનાં ધોરણોમાં ફેરફાર કરે.
દાઉદની જેમ યહોવામાં આશરો લઈએ
૧૪-૧૫. યહોવા કઈ રીતે પોતાના લોકોનું રક્ષણ કરે છે? (ગીતશાસ્ત્ર ૨૭:૫) (ચિત્ર પણ જુઓ.)
૧૪ સાચી ખુશી મેળવવા એ પણ જરૂરી છે કે આપણે યહોવામાં આશરો લઈએ. યહોવા કઈ રીતે આપણને આશરો આપે છે અથવા આપણું રક્ષણ કરે છે? યહોવા પાસેથી રક્ષણ મેળવવા આપણે શું કરી શકીએ?
૧૫ રાજા દાઉદને પૂરો ભરોસો હતો કે અઘરા સમયમાં યહોવા તેમનું રક્ષણ કરશે. (ગીતશાસ્ત્ર ૨૭:૫ વાંચો.) યહોવા આજે કઈ રીતે પોતાના લોકોનું રક્ષણ કરે છે? આપણી શ્રદ્ધાનું વહાણ ભાંગી શકે એવી દરેક વ્યક્તિ અને વસ્તુથી તે આપણું રક્ષણ કરે છે. તે વચન આપે છે કે આપણી વિરુદ્ધ ઘડેલું એક પણ હથિયાર સફળ થશે નહિ. (ગીત. ૩૪:૭; યશા. ૫૪:૧૭) શેતાન, તેના દુષ્ટ દૂતો અને આપણી સતાવણી કરનારા લોકો સાચે જ શક્તિશાળી છે. પણ યહોવા તેઓ કરતાં પણ વધારે શક્તિશાળી છે. જો તેઓ આપણને મારી નાખે તોપણ યહોવા આપણને પાછા જીવતા કરી શકે છે. (૧ કોરીં. ૧૫:૫૫-૫૭; પ્રકટી. ૨૧:૩, ૪) જ્યારે નિરાશાની ખાઈમાં ધકેલાઈ જઈએ, ત્યારે પણ યહોવા મદદ કરે છે જેથી આપણે તેમનાથી દૂર ન થઈ જઈએ. (નીતિ. ૧૨:૨૫; માથ. ૬:૨૭-૨૯) પ્રેમાળ પિતાએ એવાં ભાઈ-બહેનો આપ્યાં છે, જેઓ આપણને ઉત્તેજન આપે છે અને અઘરા સંજોગોમાં સાથ આપે છે. તેમણે વડીલો પણ આપ્યા છે, જેઓ આપણને શીખવે છે અને શ્રદ્ધા મજબૂત રાખવા મદદ કરે છે. (યશા. ૩૨:૧, ૨) જ્યારે સભાઓમાં જઈએ છીએ, ત્યારે શીખવા મળે છે કે યહોવાનું રક્ષણ મેળવવા બીજું શું કરી શકીએ.—હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫.
એક બહેન સભામાં ભાઈ-બહેનો સાથે બેઠાં છે અને આ રીતે યહોવાનું રક્ષણ મેળવે છે (ફકરા ૧૪-૧૫ જુઓ)
૧૬. યહોવાએ કઈ રીતે દાઉદનું રક્ષણ કર્યું?
૧૬ જ્યારે દાઉદે યહોવાનું માર્ગદર્શન પાળ્યું, ત્યારે તે સારા નિર્ણયો લઈ શક્યા અને ખુશ રહી શક્યા. આમ, યહોવાએ દાઉદનું રક્ષણ કર્યું. (નીતિવચનો ૫:૧, ૨ સરખાવો.) બીજી બાજુ, જ્યારે દાઉદે યહોવાનું માર્ગદર્શન ન પાળ્યું, ત્યારે તેમણે એનાં ખરાબ પરિણામો ભોગવવાં પડ્યાં. યહોવાએ કંઈ ખરાબ પરિણામો અટકાવ્યાં નહિ. (૨ શમુ. ૧૨:૯, ૧૦) પણ અમુક વાર દાઉદની કોઈ ભૂલ ન હતી તોપણ બીજાઓનાં ખરાબ વર્તનને લીધે તેમણે સહેવું પડ્યું. એવા સમયે તેમણે યહોવા આગળ પોતાની લાગણીઓ ઠાલવી અને યહોવાએ શું કર્યું? તેમણે દાઉદને ખાતરી અપાવી કે તે તેમને ખૂબ પ્રેમ કરે છે અને ભરોસો અપાવ્યો કે તે તેમની સંભાળ રાખશે. આ રીતે તેમણે દાઉદનું રક્ષણ કર્યું.—ગીત. ૨૩:૧-૬.
૧૭. આપણે દાઉદ પાસેથી શું શીખી શકીએ?
૧૭ આપણે દાઉદના દાખલામાંથી શું શીખી શકીએ? કોઈ પણ નિર્ણય લેતા પહેલાં યહોવા પાસે માર્ગદર્શન લઈએ. આપણે યાદ રાખીએ કે જો યહોવાનું નહિ માનીએ તો એનાં ખરાબ પરિણામ ભોગવવાં પડશે. યહોવા એનાથી આપણું રક્ષણ નહિ કરે. (ગલા. ૬:૭, ૮) પણ અમુક વાર એવું બને કે આપણે યહોવાનું માર્ગદર્શન પાળ્યું હોય તોપણ મુશ્કેલીઓ સહેવી પડે. એવી મુશ્કેલ ઘડીઓમાં યહોવા આગળ પોતાનું દિલ ઠાલવીએ, મદદ માટે પ્રાર્થના કરીએ. તે ચોક્કસ આપણને દિલાસો આપશે અને તેમના પ્રેમનો અહેસાસ કરાવશે.—ફિલિ. ૪:૬, ૭.
યહોવાનું માર્ગદર્શન લેતા રહીએ
૧૮. આજે આપણે કેવા લોકોથી ઘેરાયેલા છીએ? પણ આપણે ઈશ્વરનું માર્ગદર્શન લેતા રહેવા શું કરવું જોઈએ? (ચિત્રો પણ જુઓ.)
૧૮ ૨૦૨૬નું વાર્ષિક વચન છે: “જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે તેઓ સુખી છે.” આજે ઈસુની એ વાત માનવી અને યહોવામાં ભરોસો રાખવો ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે. કેમ કે આપણે એવા લોકોથી ઘેરાયેલા છીએ, જેઓ સ્વીકારતા નથી કે તેઓને ઈશ્વરની અથવા તેમના માર્ગદર્શનની જરૂર છે. ઘણા લોકો ઈશ્વરમાં માને તો છે, પણ મન ફાવે એમ ભક્તિ કરે છે. બીજાઓ માર્ગદર્શન માટે માણસો પાછળ જાય છે. પણ આખરે નિરાશા જ હાથ લાગે છે. આપણે એ લોકો જેવા ન બની જઈએ એ માટે શું કરવું જોઈએ? બાઇબલનો અભ્યાસ કરતા રહીએ. યહોવાને ગમે છે એવો સ્વભાવ કેળવતા રહીએ. તેમનું માર્ગદર્શન પાળીએ અને તેમની પાસેથી રક્ષણ મેળવતા રહીએ.
આપણે યહોવા પાસેથી શીખતા રહીએ, તેમને ગમે છે એવો સ્વભાવ કેળવતા રહીએ અને તેમની પાસેથી રક્ષણ મેળવતા રહીએ. (ફકરો ૧૮ જુઓ)a
ગીત ૩૭ ઈશ્વરના બોલ મને દોરે
a ચિત્રની સમજ: અગાઉના ચિત્રમાં જોઈ ગયા એ બહેન યહોવા પાસેથી માર્ગદર્શન મેળવવા ચોકીબુરજમાંથી અભ્યાસ કરે છે. યહોવાને ગમે છે એવા ગુણો બતાવવા બીજાઓને મદદ કરે છે. તે વડીલો પાસેથી પણ મદદ સ્વીકારે છે, જેઓ તેમને પ્રેમથી માર્ગદર્શન અને ઉત્તેજન આપે છે.