વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 ડિસેમ્બર પાન ૧૪-૧૯
  • યહોવાની જેમ નમ્ર બનો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાની જેમ નમ્ર બનો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવા પાસે અચકાયા વગર જઈ શકીએ છીએ
  • યહોવા વાજબી છે
  • યહોવા ધીરજ રાખે છે
  • યહોવા નેક દિલના લોકો પર ધ્યાન આપે છે
  • યહોવા અને ઈસુની જેમ વિચારવાનું શીખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • આપવાથી તમને ખુશી મળશે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • નમ્ર બનતા શીખો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 ડિસેમ્બર પાન ૧૪-૧૯

અભ્યાસ લેખ ૫૦

ગીત ૪૮ યહોવાને માર્ગે ચાલીએ

યહોવાની જેમ નમ્ર બનો

“વહાલાં બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરો.”—એફે. ૫:૧.

આપણે શું શીખીશું?

યહોવાની જેમ નમ્ર બનવા કઈ ચાર બાબતો કરી શકીએ?

૧. યહોવાની નમ્રતા કેમ અનોખી છે?

આજે દુનિયામાં જેઓ પાસે તાકાત અને અધિકાર છે, તેઓ વિશે તમે શું કહેશો? શું તેઓ નમ્ર હોય છે? કદાચ નહિ. પણ યહોવા વિશે શું? તે આખા બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી છે, તોપણ નમ્ર છે. (ગીત. ૧૧૩:૫-૮) તેમના જેટલું નમ્ર બીજું કોઈ નથી. તેમનામાં જરાય ઘમંડ નથી. આ લેખમાં આપણે ચર્ચા કરીશું કે યહોવા આપણી સાથે કઈ રીતે વર્તે છે અને એનાથી કઈ રીતે દેખાઈ આવે છે કે તે નમ્ર છે. એ માટે આપણે ચાર બાબતો પર ધ્યાન આપીશું. એ પણ જોઈશું કે ઈસુએ કઈ રીતે પોતાના પિતાની જેમ નમ્રતા બતાવી. એ બધાથી આપણને યહોવાની વધારે નજીક જવા અને તેમની જેમ વધારે નમ્ર બનવા મદદ મળશે.

યહોવા પાસે અચકાયા વગર જઈ શકીએ છીએ

૨. ગીતશાસ્ત્ર ૬૨:૮માંથી યહોવા વિશે શું જાણવા મળે છે? (ચિત્ર પણ જુઓ.)

૨ ઘમંડી લોકો સાથે વાત કરવી મોટા ભાગે અઘરું હોય છે. તેઓ લોકો સાથે ખરાબ રીતે વર્તે છે. કેમ કે તેઓને લાગે છે કે પોતે બીજાઓ કરતાં ચઢિયાતા છે. એટલે લોકો તેઓથી દૂર ભાગે છે. પણ યહોવા એવા જરાય નથી. આપણા પિતા ખૂબ નમ્ર છે, એટલે તે ચાહે છે કે આપણે પ્રાર્થનામાં તેમની પાસે જઈએ, તેમની આગળ ચિંતાઓ અને લાગણીઓ ઠાલવીએ. (ગીતશાસ્ત્ર ૬૨:૮ વાંચો.) એક પ્રેમાળ પિતા પોતાનાં બાળકોની વાત સાંભળવા ખૂબ આતુર હોય છે. એવી જ રીતે, યહોવા આપણી પ્રાર્થના સાંભળવા ખૂબ આતુર છે. અરે, તેમણે ઘણા ભક્તોની પ્રાર્થનાઓ બાઇબલમાં લખાવી લીધી છે. એનાથી જોવા મળે છે કે આપણે અચકાયા વગર તેમની પાસે જઈએ એવું તે દિલથી ચાહે છે. (યહો. ૧૦:૧૨-૧૪; ૧ શમુ. ૧:૧૦-૧૮) પણ જો ક્યારેક લાગે કે આપણે યહોવા સાથે વાત કરવાને લાયક નથી, તો શું કરી શકીએ?

દીકરો પિતાને જણાવે છે કે તે પ્લેનથી રમતો હતો ત્યારે કઈ રીતે તેનાથી ફૂલદાની તૂટી ગઈ. પિતા પ્રેમથી અને ધીરજથી તેનું સાંભળે છે.

એક છોકરાએ રમતાં રમતાં ફૂલદાની તોડી નાખી છે. તેના પપ્પા ગુસ્સે થયા વગર તેનું સાંભળે છે. આમ એ પપ્પા યહોવાને અનુસરે છે. (ફકરો ૨ જુઓ)


૩. યહોવા શું ચાહે છે અને એ વાત પર આપણે કેમ ભરોસો રાખી શકીએ?

૩ ભલે લાગે કે આપણે યહોવાના પ્રેમને લાયક નથી, તોપણ તે ચાહે છે કે આપણે દિલ ખોલીને પ્રાર્થના કરીએ. એવો ભરોસો કેમ રાખી શકીએ? ખોવાયેલા દીકરાના ઉદાહરણમાં ઈસુએ યહોવાને એક પ્રેમાળ પિતા સાથે સરખાવ્યા. એ ઉદાહરણમાં દીકરાને લાગતું હતું કે તેણે એટલી બધી ભૂલો કરી છે કે પિતા તેને કુટુંબમાં પાછો નહિ સ્વીકારે. પણ દીકરો ઘરે પાછો ફર્યો ત્યારે પિતાએ શું કર્યું? ઈસુએ કહ્યું કે પિતાએ દીકરાને જોયો કે તરત ‘તે દોડીને દીકરાને ભેટી પડ્યા અને પ્રેમથી ચુંબન કર્યું.’ (લૂક ૧૫:૧૭-૨૦) યહોવા એ પિતા જેવા જ છે. જ્યારે કોઈ એવી વ્યક્તિ પ્રાર્થના કરે છે, જે ઘણી ચિંતામાં છે અથવા દોષની લાગણીથી કચડાયેલી છે, ત્યારે યહોવા શું કરે છે? તે તરત પોતાના એ ભક્ત પર પૂરું ધ્યાન આપે છે અને તેની પ્રાર્થના સાંભળે છે. એમાં તેમની નમ્રતા સાફ દેખાઈ આવે છે. (ય.વિ. ૩:૧૯, ૨૦) તેને જોઈને યહોવાનું દિલ કરુણાથી ભરાઈ આવે છે. યહોવા જાણે તેને દિલાસો આપવા દોડી જાય છે અને તેને ભરોસો અપાવે છે કે તે તેને કેટલો પ્રેમ કરે છે. (યશા. ૫૭:૧૫) યહોવા આજે કઈ રીતે આપણી પાસે “દોડી” આવે છે અને આપણને મદદ કરે છે? ઘણી વાર તે વડીલો, ભાઈ-બહેનો અને યહોવાને ભજતાં સગાઓનો ઉપયોગ કરે છે. (યાકૂ. ૫:૧૪, ૧૫) યહોવા ચાહે છે કે આપણે તેમની નજીક રહીએ, એટલે એ રીતો દ્વારા મદદ કરે છે.

૪. શા માટે લોકો ઈસુ પાસે અચકાયા વગર જઈ શકતા હતા?

૪ ઈસુ કઈ રીતે પિતા યહોવાને અનુસરે છે? ઈસુ પોતાના પિતાની જેમ નમ્ર છે. એટલે તે પૃથ્વી પર હતા ત્યારે લોકો અચકાયા વગર તેમની પાસે જઈ શકતા હતા. તેઓ તેમને ડર્યા વગર સવાલો પૂછી શકતા હતા. (માર્ક ૪:૧૦, ૧૧) જ્યારે ઈસુ તેઓને કંઈક પૂછતા, ત્યારે તેઓ દિલ ખોલીને પોતાની લાગણીઓ જણાવી શકતા. (માથ. ૧૬:૧૩-૧૬) એટલું જ નહિ, તેઓએ ભૂલો કરી ત્યારે તેઓ એ વિચારીને ડરી ન ગયા કે ઈસુ હવે શું કરશે. કેમ કે તેઓને ખબર હતી કે ઈસુ પ્રેમાળ છે, દયાળુ છે અને ધીરજથી વર્તે છે. (માથ. ૧૭:૨૪-૨૭) એ નોંધવા જેવું છે કે ઈસુ, પિતા યહોવાને ખૂબ સારી રીતે અનુસર્યા અને એટલે જ લોકો યહોવાને સારી રીતે ઓળખી શક્યા. (યોહા. ૧૪:૯) તેઓને જાણવા મળ્યું કે યહોવા એ સમયના ઘમંડી અને પથ્થર-દિલ ધાર્મિક આગેવાનો જેવા જરાય નથી. એના બદલે, તે તો એકદમ નમ્ર છે અને કોઈ પણ અચકાયા વગર તેમની પાસે જઈ શકે છે.

૫. નમ્ર હોઈશું તો લોકો માટે આપણી સાથે વાત કરવી કેમ સહેલું બની જશે?

૫ આપણે કઈ રીતે યહોવાને અનુસરી શકીએ? જો નમ્રતાનો ગુણ કેળવીશું, તો આપણી સાથે વાત કરવી લોકો માટે સહેલું બની જશે. એવું કેમ કહી શકીએ? જે લોકો નમ્ર હોતા નથી, તેઓ બીજાઓની ઈર્ષા કરે છે, પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણે છે અને બીજાઓની ભૂલોને માફ કરતા નથી. તેઓથી લોકો દૂર ભાગે છે. પણ જો આપણે નમ્ર હોઈશું, તો બીજાઓ સાથે પ્રેમથી અને ધીરજથી વર્તીશું તેમજ બીજાઓની ભૂલોને માફ કરીશું. આમ, લોકો આપણી તરફ ખેંચાઈ આવશે. (કોલો. ૩:૧૨-૧૪) ખાસ કરીને વડીલોએ મળતાવડા બનવાની પૂરી કોશિશ કરવી જોઈએ. તેઓએ એવો સ્વભાવ કેળવવો જોઈએ જેથી લોકો તેઓ સાથે વાત કરતા ડરે નહિ. જોકે એ માટે જરૂરી છે કે તેઓ ભાઈ-બહેનો સાથે સમય વિતાવે. એટલે ઓનલાઇન સભામાં જોડાવાને બદલે તેઓ પ્રાર્થનાઘરમાં આવવાની પૂરી કોશિશ કરે છે. શક્ય હોય ત્યારે તેઓ ભાઈ-બહેનો સાથે ઘર ઘરનું પ્રચારકામ કરે છે. જો મંડળનાં ભાઈ-બહેનો વડીલોને સારી રીતે ઓળખતા હશે, તો તેઓ કોઈ પણ સમયે દિલ ખોલીને વડીલો સાથે વાત કરી શકશે.

યહોવા વાજબી છે

૬-૭. ભક્તોની વિનંતી સાંભળીને યહોવાએ પોતાનો નિર્ણય બદલ્યો હોય, એવા દાખલા આપો.

૬ ઘમંડી લોકો વિચારે છે કે તેઓને બધું જ ખબર છે. એટલે તેઓ પોતાના વિચારોમાં ફેરફાર કરવા તૈયાર હોતા નથી. પણ યહોવાને તો ખબર છે કે સૌથી સારું શું છે. તોપણ તે એવા ઘમંડી લોકો જેવા જરાય નથી. તે નમ્ર છે. એટલે તે વાજબી બનીને બીજાઓના વિચારો સાંભળવા અને પોતાનો નિર્ણય બદલવા તૈયાર રહે છે. વિચારો કે તે મૂસાની બહેન મરિયમ સાથે કઈ રીતે વર્ત્યા. એક વખત મરિયમ અને હારુન મૂસાની વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા. એ જરાય બરાબર ન હતું, કેમ કે મૂસા યહોવા વતી બોલતા હતા. એક રીતે મરિયમ યહોવાનું અપમાન કરી રહ્યાં હતાં. એટલે યહોવા મરિયમ પર ગુસ્સે ભરાયા અને તેમને સજા કરી. મરિયમને રક્તપિત્ત થઈ ગયો. પણ જ્યારે હારુને કાલાવાલા કર્યા અને મૂસાએ મરિયમને સાજા કરવાની વિનંતી કરી, ત્યારે યહોવાએ શું કર્યું? જો યહોવા ઘમંડી હોત, તો તેમણે પોતાનો નિર્ણય બદલ્યો ન હોત. પણ યહોવા નમ્ર હતા, એટલે તેમણે પોતાનો નિર્ણય બદલ્યો અને મરિયમને સાજા કર્યાં.—ગણ. ૧૨:૧-૧૫.

૭ યહોવા હિઝકિયા રાજા સાથે જે રીતે વર્ત્યા, એનાથી પણ દેખાઈ આવે છે કે તે નમ્ર છે. તેમણે પોતાના પ્રબોધક દ્વારા જણાવ્યું કે હિઝકિયા જલદી જ મરવાના છે. હિઝકિયાએ યહોવા આગળ રડી રડીને સાજા થવાની ભીખ માંગી. પરિણામે, યહોવાએ દયા બતાવી અને તેમના જીવનમાં ૧૫ વર્ષ ઉમેર્યાં. (૨ રાજા. ૨૦:૧, ૫, ૬) સાચે જ, નમ્ર હોવાને લીધે યહોવા કરુણા બતાવે છે અને આપણી વાત સાંભળવા તૈયાર રહે છે.

૮. કઈ રીતે ખબર પડે છે કે ઈસુ વાજબી છે? (માર્ક ૩:૧-૬)

૮ ઈસુ કઈ રીતે પિતા યહોવાને અનુસરે છે? ઈસુએ લોકોને મદદ કરવાની પૂરી કોશિશ કરી. દાખલા તરીકે, તે લોકોને સાબ્બાથના દિવસે પણ સાજા કરતા. એ વાત ધાર્મિક આગેવાનોની આંખમાં કણાની જેમ ખૂંચતી. પણ ઈસુ જક્કી ન હતા. તે તો વાજબી અને કરુણાના સાગર હતા. (માર્ક ૩:૧-૬ વાંચો.) ઈસુ આજે મંડળને જે રીતે દોરી રહ્યા છે, એનાથી પણ દેખાઈ આવે છે કે તે વાજબી છે. દાખલા તરીકે, જ્યારે મંડળમાં કોઈ ભાઈ કે બહેન ગંભીર પાપ કરે છે, ત્યારે તે ધીરજથી વર્તે છે. તે તેમને સુધારો કરવાની પૂરતી તક આપે છે.—પ્રકટી. ૨:૨-૫.

૯. આપણે કઈ રીતે વિચારોમાં અને વર્તનમાં વાજબી બની શકીએ? (ચિત્રો પણ જુઓ.)

૯ આપણે કઈ રીતે યહોવાને અનુસરી શકીએ? પોતાનાં વિચારોમાં અને વર્તનમાં કઈ રીતે વાજબી બની શકીએ એ માટે યહોવા પાસેથી શીખીએ. (યાકૂ. ૩:૧૭) દાખલા તરીકે, જે માતા-પિતા વાજબી હોય છે, તેઓ પોતાનાં બાળકો પાસેથી વધારે પડતી અપેક્ષા રાખતાં નથી. આપણે જાણીએ છીએ કે યાકૂબ પણ એક વાજબી પિતા હતા. એ વિશે આપણને ઉત્પત્તિ ૩૩:૧૨-૧૪માં જોવા મળે છે. નમ્ર અને વાજબી માતા-પિતાએ કદી પોતાના એક બાળકની સરખામણી બીજા બાળક સાથે ન કરવી જોઈએ. વડીલોએ પણ વાજબી બનવું ખૂબ જરૂરી છે. આની કલ્પના કરો: વડીલોની સભામાં એક ભાઈના વિચારો બીજાઓ કરતાં અલગ છે. જો મોટા ભાગના વડીલો બીજું કંઈક કરવાનું નક્કી કરે અને એ બાઇબલના સિદ્ધાંતોની વિરુદ્ધ ન હોય, તો એ વડીલ પોતાના વિચારો પકડી રાખવાને બદલે તેઓને ટેકો આપશે. (૧ તિમો. ૩:૨, ૩) મંડળનાં બીજાં ભાઈ-બહેનો પણ વાજબી બનવાની કોશિશ કરી શકે છે. બની શકે કે કોઈ બાબતમાં આપણા વિચારો અલગ હોય. એવું થાય ત્યારે આપણે બીજાઓનાં વિચારો અને લાગણીઓ સમજવાની કોશિશ કરીએ. (રોમ. ૧૪:૧) આપણે બધાએ બાઇબલની આ સલાહ પાળવી જોઈએ: “તમે વાજબી છો, એની બધાને જાણ થવા દો.”—ફિલિ. ૪:૫.

ચિત્રો: એક પિતા ખુશી ખુશી પોતાનાં નાનાં બાળકો સાથે ઘર ઘરનો પ્રચાર કરી રહ્યા છે. ૧. તેમનો દીકરો એક માણસને “દુઃખ જશે, સુખ આવશે” મોટી પુસ્તિકા આપે છે. એ જોઈને પિતાનો ચહેરો ખુશીથી ખીલી ઊઠે છે. ૨. પછી તેમની દીકરી એક સ્ત્રીને jw.org કોન્ટેક્ટ કાર્ડ આપે છે. એ જોઈને તેમને બહુ ખુશી થાય છે.

એક પિતા વાજબી બનીને પોતાનાં બાળકો પાસે પ્રચારમાં વધારે પડતું કરવાની અપેક્ષા નથી રાખતા (ફકરો ૯ જુઓ)


યહોવા ધીરજ રાખે છે

૧૦. યહોવાએ કઈ રીતે ધીરજ બતાવી?

૧૦ તમે કદાચ જોયું હશે કે ઘમંડી લોકોને રાહ જોવી જરાય ગમતું નથી. ઘમંડ તેઓને અધીરા બનાવી દે છે. યહોવા એવા જરાય નથી. તેમના જેટલી ધીરજ તો કોઈનામાં નથી! દાખલા તરીકે, નૂહના સમયમાં યહોવાએ જણાવ્યું કે તે દુષ્ટોનો નાશ કરતા પહેલાં ૧૨૦ વર્ષ રાહ જોશે. (ઉત. ૬:૩) આમ, નૂહને પોતાનાં બાળકોનો ઉછેર કરવાનો અને કુટુંબ સાથે મળીને વહાણ બનાવવાનો સમય મળી ગયો. પછીથી, જ્યારે ઇબ્રાહિમે સદોમ અને ગમોરાહના નાશ વિશે યહોવાને સવાલો પૂછ્યા, ત્યારે પણ તેમણે ઇબ્રાહિમની વાત ધીરજથી સાંભળી. જો તેમની જગ્યાએ એક ઘમંડી વ્યક્તિ હોત, તો તેણે કદાચ કહ્યું હોત, ‘મને સવાલ પૂછવાવાળો તું કોણ?’ પણ યહોવા નમ્ર હતા એટલે તે ઇબ્રાહિમ સાથે ધીરજથી વર્ત્યા.—ઉત. ૧૮:૨૦-૩૩.

૧૧. બીજો પિતર ૩:૯ પ્રમાણે યહોવા આજે કેમ ધીરજ બતાવી રહ્યા છે?

૧૧ યહોવા નમ્ર છે, એટલે તે આજે પણ ધીરજ બતાવી રહ્યા છે. તેમણે આ દુષ્ટ દુનિયાનો અંત લાવવાનો સમય નક્કી કરી દીધો છે અને તે પોતે પણ એ સમયની રાહ જોઈ રહ્યા છે. પણ કેમ? “કેમ કે તે ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.” (૨ પિતર ૩:૯ વાંચો.) યહોવા ધીરજ રાખે છે એનાથી શું કોઈ ફાયદો થાય છે? હા ચોક્કસ! લાખો ને લાખો લોકો તેમના દોસ્ત બની શક્યા છે. આપણને આશા છે કે બીજા લાખો લોકો તેમના દોસ્ત બનશે. જોકે એનો અર્થ એ નથી કે યહોવાની ધીરજનો ક્યારેય અંત નહિ આવે. ખરું કે યહોવા લોકોને પ્રેમ કરે છે, પણ તે દુષ્ટ લોકોને હંમેશાં મનમાની કરવા નહિ દે. તે એક દિવસે ચોક્કસ તેઓનો નાશ કરશે.—હબા. ૨:૩.

૧૨. ઈસુ કઈ રીતે યહોવાની જેમ ધીરજ રાખે છે?

૧૨ ઈસુ કઈ રીતે પિતા યહોવાને અનુસરે છે? હજારો વર્ષોથી ઈસુ યહોવાની જેમ ધીરજ રાખે છે. તેમણે જોયું છે કે શેતાન કઈ રીતે યહોવા અને વફાદાર ઈશ્વરભક્તો વિશે જૂઠાણું ફેલાવતો આવ્યો છે. (ઉત. ૩:૪, ૫; અયૂ. ૧:૧૧; પ્રકટી. ૧૨:૧૦) ઈસુએ એ પણ જોયું છે કે દુઃખ-તકલીફોને લીધે લોકોએ કેટલું રિબાવું પડ્યું છે. વિચાર કરો કે “શેતાનનાં કામોનો નાશ કરવા” ઈસુ કેટલા તલપાપડ હશે. (૧ યોહા. ૩:૮) પણ યહોવા તેમને એમ કરવાનું ન કહે ત્યાં સુધી તે રાહ જોઈ રહ્યા છે. શા માટે? ઈસુને ખબર છે કે ક્યારે પગલાં ભરવાં એ યહોવા સારી રીતે જાણે છે. એટલે તે નમ્ર બનીને ધીરજ બતાવી રહ્યા છે.—પ્રે.કા. ૧:૭.

૧૩. ઈસુ કઈ રીતે પ્રેરિતો સાથે ધીરજથી વર્ત્યા અને કેમ?

૧૩ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તે પ્રેરિતો સાથે ધીરજથી વર્ત્યા. દાખલા તરીકે, પ્રેરિતો વારેઘડીએ દલીલો કરતા કે તેઓમાં સૌથી મોટું કોણ. પણ ઈસુએ એવું ન વિચાર્યું કે તેઓ કદી નહિ બદલાય. એના બદલે તે ધીરજથી મદદ કરતા રહ્યા. (લૂક ૯:૪૬; ૨૨:૨૪-૨૭) તેમને ખાતરી હતી કે સમય જતાં તેઓ વધારે નમ્ર બનવાનું શીખશે. શું તમારાથી એકની એક ભૂલ વારેઘડીએ થઈ છે? જો એમ હોય, તો તમે કેટલા આભારી હશો કે આપણને આવા નમ્ર અને ધીરજ રાખનાર રાજા મળ્યા છે!

૧૪. હંમેશાં ધીરજથી વર્તવા શાનાથી મદદ મળશે?

૧૪ આપણે કઈ રીતે યહોવાને અનુસરી શકીએ? પોતાનાં વિચારોમાં અને વર્તનમાં યહોવાને સારી રીતે અનુસરવા જરૂરી છે કે આપણે ‘ખ્રિસ્ત ઈસુ જેવું મન’ કેળવીએ. (૧ કોરીં. ૨:૧૬) પણ એ આપોઆપ નહિ થાય! એ માટે આપણે ખુશખબરનાં પુસ્તકો વાંચીએ. પછી સમય કાઢીને વિચારીએ કે જે-તે અહેવાલમાં ઈસુએ શું કર્યું અને કેમ કર્યું. એટલું જ નહિ, ઈસુની જેમ નમ્રતા અને ધીરજ બતાવવા યહોવા પાસે મદદ માંગીએ. ખ્રિસ્ત જેવું મન કેળવતા જઈશું તેમ, આપણે યહોવાને વધારે સારી રીતે અનુસરી શકીશું. કઈ રીતે? આપણે બીજાઓ સાથે હંમેશાં ધીરજથી વર્તી શકીશું. પોતાની સાથે પણ ધીરજથી વર્તી શકીશું. એટલે કે, એ સમજી શકીશું કે પોતાનાં વિચારોમાં અને કામોમાં યહોવાને અનુસરવા સમય લાગશે, એ રાતોરાત નહિ થાય.—માથ. ૧૮:૨૬-૩૦, ૩૫.

યહોવા નેક દિલના લોકો પર ધ્યાન આપે છે

૧૫. યહોવા નેક દિલના લોકો પર ધ્યાન આપે છે એના અમુક દાખલા આપો. (ગીતશાસ્ત્ર ૧૩૮:૬)

૧૫ ગીતશાસ્ત્ર ૧૩૮:૬ વાંચો. આનો વિચાર કરો: યહોવા આખા વિશ્વના માલિક છે. તોપણ તે નેક દિલના લોકો પર ખાસ ધ્યાન આપે છે, તેઓને પ્રેમ અને માન બતાવે છે. અત્યાર સુધી એવા ઘણા લોકો થઈ ગયા જેઓને સમાજમાં નીચા ગણવામાં આવતા હતા, પણ યહોવાએ તેઓ પર ધ્યાન આપ્યું. તેમણે એવા અમુક લોકો વિશે બાઇબલમાં પણ લખાવ્યું છે. તેઓનાં નામ કદાચ તરત આપણાં મનમાં ન આવે. દબોરાહ નામની દાઈનો દાખલો લો. એ વફાદાર ઈશ્વરભક્તે લગભગ ૧૨૫ વર્ષ ઇસહાક અને યાકૂબના કુટુંબમાં સેવા કરી. આપણે એ વફાદાર સ્ત્રી વિશે વધારે કંઈ જાણતા નથી. પણ યહોવાએ ખાતરી કરી કે દબોરાહ વિશે બાઇબલમાં એક મહત્ત્વની વાત લખી લેવામાં આવે, જેનાથી ખબર પડે કે તે યાકૂબના કુટુંબ માટે કેટલી વહાલી હતી. (ઉત. ૨૪:૫૯; ૩૫:૮, ફૂટનોટ) સદીઓ પછી, યહોવાએ એક યુવાન ઘેટાંપાળકને ઇઝરાયેલના રાજા તરીકે પસંદ કર્યા. તેમનું નામ હતું, દાઉદ. (૨ શમુ. ૨૨:૧, ૩૬) ઈસુના જન્મ વિશેની ખબર યહોવાએ સૌથી પહેલા મામૂલી ઘેટાંપાળકોને આપી. તેમણે એક દૂત દ્વારા જણાવ્યું કે તેઓની નજીક બેથલેહેમમાં મસીહનો જન્મ થયો છે. (લૂક ૨:૮-૧૧) જ્યારે યૂસફ અને મરિયમ ઈસુને મંદિરમાં લાવ્યા, ત્યારે યહોવાએ વૃદ્ધ શિમયોન અને હાન્‍નાને એક મોટો લહાવો આપ્યો. તેઓ ઈશ્વરના દીકરાને જોઈ શક્યા! (લૂક ૨:૨૫-૩૦, ૩૬-૩૮) હા, “યહોવા સર્વોચ્ચ સ્થાને બિરાજે છે, છતાં નમ્ર લોકોનું ધ્યાન રાખે છે.”

૧૬. ઈસુએ કઈ રીતે પોતાના પિતાની જેમ નેક દિલના લોકો પર ધ્યાન આપ્યું?

૧૬ ઈસુ કઈ રીતે પિતા યહોવાને અનુસરે છે? પોતાના પિતાની જેમ ઈસુએ પણ નેક દિલના લોકો પર ધ્યાન આપ્યું. તેમણે ‘અભણ અને સામાન્ય માણસોને’ ઈશ્વરના રાજ્ય વિશે શીખવ્યું. (પ્રે.કા. ૪:૧૩; માથ. ૧૧:૨૫) તેમણે બીમાર લોકોને સાજા કર્યા તેમજ તેઓ સાથે પ્રેમથી અને માનથી વર્ત્યા. (લૂક ૫:૧૩) મરણની આગલી રાતે ઈસુએ એક ચાકરની જેમ પ્રેરિતોના પગ ધોયા. (યોહા. ૧૩:૫) વધુમાં, સ્વર્ગમાં જતા પહેલાં ઈસુએ એ સમયના શિષ્યોને અને આપણને એક મહત્ત્વનું કામ સોંપ્યું. એ છે, લોકોને હંમેશ માટેનું જીવન મેળવવા મદદ કરવી. સાચે જ, ઈસુએ આપણને બધાને કેટલું મોટું સન્માન આપ્યું છે!—માથ. ૨૮:૧૯, ૨૦.

૧૭. આપણે કઈ રીતે બીજાઓને પ્રેમ અને માન બતાવી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

૧૭ આપણે કઈ રીતે યહોવાને અનુસરી શકીએ? પ્રચારમાં આપણને અલગ અલગ લોકો મળે છે. તેઓના સંજોગો અલગ અલગ હોય છે. તેઓનો રંગરૂપ અને ભણતર પણ અલગ અલગ હોય છે. આપણે એ બધા લોકો પર ધ્યાન આપીને ખુશખબર જણાવીએ છીએ ત્યારે તેઓને પ્રેમ અને માન બતાવીએ છીએ. મંડળનાં ભાઈ-બહેનોને પણ પ્રેમ અને માન બતાવવા આપણે બનતું બધું કરીએ છીએ. ભલે આપણી પાસે ગમે એ આવડત કે લહાવા હોય, આપણે તેઓને પોતાના કરતાં ચઢિયાતા ગણીએ છીએ. (ફિલિ. ૨:૩) આ રીતે અને બીજી રીતોએ માન આપવામાં “પહેલ” કરીએ છીએ ત્યારે, યહોવા ખુશ થાય છે.—રોમ. ૧૨:૧૦; સફા. ૩:૧૨.

બે બહેનો જેલમાં એક સ્ત્રીનો બાઇબલ અભ્યાસ ચલાવી રહી છે.

દરેક પ્રકારના લોકોને ખુશખબર જણાવીને આપણે યહોવાની જેમ નમ્રતા બતાવીએ છીએ (ફકરો ૧૭ જુઓ)a


૧૮. તમે કેમ યહોવાની જેમ નમ્ર બનવા માંગો છો?

૧૮ આપણા સ્વર્ગમાંના પિતાની જેમ નમ્ર બનવા મહેનત કરીશું તો કેવા ફાયદા થશે? લોકો આપણી પાસે આવતા અચકાશે નહિ, આપણે વધારે વાજબી બની શકીશું અને વધારે ધીરજ રાખી શકીશું. એટલું જ નહિ, યહોવાની જેમ બીજાઓને પ્રેમ અને માન બતાવી શકીશું. તો ચાલો, આપણા ઈશ્વર યહોવાની નજીક જવા મહેનત કરતા રહીએ. આમ, આપણે તેમની નજરમાં વધારે ને વધારે અનમોલ બનતા જઈશું.—યશા. ૪૩:૪.

તમે શું કહેશો?

  • નમ્ર હોઈશું તો લોકો માટે આપણી સાથે વાત કરવી કેમ સહેલું બની જશે?

  • નમ્ર હોઈશું તો વાજબી બનવા કઈ રીતે મદદ મળશે?

  • નમ્ર હોઈશું તો ધીરજ રાખવા કઈ રીતે મદદ મળશે?

ગીત ૧૩૮ યહોવા તારું નામ

a ચિત્રની સમજ: બહેનો યહોવાની જેમ નમ્રતા બતાવીને જેલમાં સ્ત્રીઓને શીખવી રહ્યાં છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો