અભ્યાસ લેખ ૪૦
ગીત ૨૮ એક નવું ગીત
યહોવા “અપાર ખુશી” આપે છે
‘હું મારા ઈશ્વર પાસે આવીશ, જેમનામાં મને અપાર ખુશી મળે છે.’—ગીત. ૪૩:૪.
આપણે શું શીખીશું?
શાના લીધે આપણી ખુશી છીનવાઈ શકે છે અને કઈ રીતે આપણી ખુશી પાછી મેળવી શકીએ?
૧-૨. (ક) આજે ઘણા લોકો કેવું અનુભવે છે? (ખ) આ લેખમાં શાની ચર્ચા કરીશું?
આજે દુનિયામાં લોકો ખુશ રહેવા ઘણું બધું કરે છે, તોપણ તેઓ ખુશ નથી. ઘણા લોકો નિરાશાની ખાઈમાં ધકેલાઈ ગયા છે. યહોવાના ભક્તો પણ એમાંથી બાકાત નથી. આપણે બધા “છેલ્લા દિવસોમાં” જીવી રહ્યા છીએ. એટલે એવા સંજોગોનો સામનો કરવો પડે છે, જે “સહન કરવા અઘરા” હોય છે.—૨ તિમો. ૩:૧.
૨ આ લેખમાં ચર્ચા કરીશું કે શાના લીધે આપણી ખુશી છીનવાઈ શકે છે અને કઈ રીતે આપણે પોતાની ખુશી પાછી મેળવી શકીએ. પણ ચાલો સૌથી પહેલા એ જોઈએ કે સાચી ખુશી ક્યાંથી મળી શકે.
સાચી ખુશી ક્યાંથી મળી શકે?
૩. સૃષ્ટિથી યહોવા વિશે શું શીખવા મળે છે? (ચિત્રો પણ જુઓ.)
૩ યહોવા હંમેશાં ખુશ રહે છે. તે ચાહે છે કે આપણે પણ ખુશ રહીએ. એટલે સૃષ્ટિમાં તેમણે અવનવી વસ્તુઓ બનાવી છે, જેને જોઈને આપણને ખુશી મળે છે. આનો વિચાર કરો: જ્યારે તમે સુંદર પૃથ્વી જુઓ છો, એમાં જાતજાતના ને ભાતભાતના રંગો જુઓ છો, પ્રાણીઓની ગમ્મત જુઓ છો અને સ્વાદિષ્ટ ખોરાક ખાઓ છો, ત્યારે તમને કેવું લાગે છે? તમારું રોમેરોમ હરખાઈ ઊઠતું હશે, ખરું ને! ઈશ્વર સાચે જ આપણને પ્રેમ કરે છે અને તે ચાહે છે કે આપણે જીવનની મજા માણીએ.
હાથીનું બચ્ચું: Image © Romi Gamit/Shutterstock; પૅંગ્વિનનાં બચ્ચાં: Vladimir Seliverstov/500px via Getty Images; બકરીનાં બચ્ચાં: Rita Kochmarjova/stock.adobe.com; બે ડોલ્ફિન: georgeclerk/E+ via Getty Images
પ્રાણીઓને ગમ્મત કરતા જોઈને આપણને યાદ આવે છે કે યહોવા આનંદી ઈશ્વર છે (ફકરો ૩ જુઓ)
૪. (ક) દુઃખ-તકલીફો જોવા છતાં યહોવા કઈ રીતે ખુશ રહે છે? (ખ) યહોવાએ આપણને કઈ ભેટ આપી છે? (ગીતશાસ્ત્ર ૧૬:૧૧)
૪ ખરું કે યહોવા ‘આનંદી ઈશ્વર’ છે, પણ તે દુનિયાની દુઃખ-તકલીફોથી અજાણ નથી. (૧ તિમો. ૧:૧૧) તો પછી તે કઈ રીતે ખુશ રહે છે? તેમને ખબર છે કે આ દુઃખ-તકલીફો બહુ લાંબો સમય નહિ ચાલે અને એને કાયમ માટે દૂર કરી દેવાની તારીખ પણ તેમણે નક્કી કરી લીધી છે. જોકે એ દિવસ આવે ત્યાં સુધી યહોવા ધીરજથી સહન કરે છે. તે સમજે છે કે આપણા પર શું વીતી રહ્યું છે અને તે આપણને મદદ કરવા માંગે છે. તે કઈ રીતે મદદ કરે છે? તે આપણને ખુશી આપે છે, જે તેમના તરફથી એક જોરદાર ભેટ છે. (ગીતશાસ્ત્ર ૧૬:૧૧ વાંચો.) ચાલો જોઈએ કે યહોવાને ઓળખવાથી ઈસુ કઈ રીતે ખુશ રહી શક્યા.
૫-૬. ઈસુ કેમ ખુશ રહે છે?
૫ યહોવા પછી જો કોઈ સૌથી વધારે ખુશ હોય, તો એ ઈસુ છે. આપણે કેમ એવું કહી શકીએ? આ બે કારણો પર ધ્યાન આપો: (૧) તેમનામાં “ઈશ્વર જેવા જ ગુણો છે” અને તેમનો સ્વભાવ આબેહૂબ પિતા યહોવા જેવો છે. (કોલો. ૧:૧૫; ૧ તિમો. ૬:૧૫) (૨) તેમણે પોતાના પિતા સાથે લાખો-કરોડો વર્ષો વિતાવ્યાં છે, જેમની પાસેથી સાચી ખુશી મળે છે.
૬ વધુમાં ઈસુને પોતાના પિતાની ઇચ્છા પૂરી કરીને ખુશી મળે છે. (નીતિ. ૮:૩૦, ૩૧; યોહા. ૮:૨૯) તે વફાદાર રહ્યા એટલે તેમના પર યહોવાની કૃપા છે. એ વાતથી પણ ઈસુને ખુશી મળે છે.—માથ. ૩:૧૭.
૭. આપણે કઈ રીતે સાચી ખુશી મેળવી શકીએ?
૭ આપણે પણ યહોવાની નજીક જઈને સાચી ખુશી મેળવી શકીએ છીએ. જો આપણે યહોવાનાં વિચારો અને લાગણીઓને સારી રીતે જાણીશું, તેમને સારી રીતે અનુસરીશું, તો વધારે ખુશ રહીશું. એટલું જ નહિ, યહોવાની ઇચ્છા પૂરી કરવાથી અને તે આપણાથી ખુશ છે એવો ભરોસો હોવાથી પણ આપણને ખુશી મળશે.a (ગીત. ૩૩:૧૨) એ વાત સાચી છે કે અમુક વાર આપણે હતાશ થઈ જઈએ છીએ અને એવી લાગણી કદાચ અમુક દિવસો સુધી અથવા લાંબા સમય સુધી રહે. તો શું એનો એવો અર્થ થાય કે ઈશ્વર આપણાથી ખુશ નથી? ના. યહોવા સારી રીતે સમજે છે કે આપણે પાપી છીએ અને અમુક વાર આપણે દુઃખમાં ગરક થઈ જઈએ છીએ, પીડા અનુભવીએ છીએ. (ગીત. ૧૦૩:૧૪) પણ ચાલો સૌથી પહેલા જોઈએ કે શાના લીધે ખુશી છીનવાઈ શકે છે અને કઈ રીતે એ પાછી મેળવી શકીએ.
શાનાથી ખુશી છીનવાઈ શકે છે?
૮. મુશ્કેલીઓની આપણા પર કેવી અસર થઈ શકે છે?
૮ જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે. શું તમે સતાવણી, કુદરતી આફત, પૈસાની તંગી, બીમારી અથવા ઘડપણનો સામનો કરો છો? જો એમ હોય, તો સહેલાઈથી ખુશી છીનવાઈ શકે છે. ખાસ કરીને, જો સંજોગો આપણા કાબૂ બહાર હોય તો તો એવું વધારે થઈ શકે છે. બાઇબલમાં પણ જણાવ્યું છે કે “દિલ ગમગીન હોય તો માણસ પડી ભાંગે છે.” (નીતિ. ૧૫:૧૩) બાબિસ નામના એક વડીલને પણ એવું લાગ્યું હતું. ચાર વર્ષની અંદર અંદર તેમણે પોતાનાં ભાઈ અને મમ્મી-પપ્પાને મરણમાં ગુમાવ્યાં. તે કહે છે: “હું સાવ એકલો પડી ગયો. મને લાગવા લાગ્યું કે કોઈ મને મદદ નહિ કરી શકે. અમુક વાર હું બેચેન થઈ જતો, કેમ કે હું મારાં મમ્મી-પપ્પા અને ભાઈ સાથે વધારે સમય વિતાવવા માંગતો હતો, પણ હું એવું કરી ન શક્યો.” ખરેખર, જીવનની મુશ્કેલીઓ આપણને શરીરથી અને મનથી થકવી નાખે છે.
૯. ખુશી પાછી મેળવવા શું કરી શકીએ? (યર્મિયા ૨૯:૪-૭, ૧૦)
૯ ખુશી પાછી મેળવવા શું કરી શકીએ? જે બાબતો પર આપણો કાબૂ નથી, એ વિશે ચિંતા ન કરીએ. આપણી પાસે જે છે, એનો આનંદ માણીએ. આમ, આપણે વધારે ખુશ રહીશું. દુનિયામાં લોકો એવું જતાવે છે કે ખુશ રહેવા જીવનમાં બધું બરાબર હોવું જરૂરી છે. પણ એ સાચું નથી. જે લોકોને બાબેલોનની ગુલામીમાં લઈ જવામાં આવ્યા, તેઓનો વિચાર કરો. યહોવાએ કહ્યું કે તેઓ નવા સંજોગોને સ્વીકારી લે અને એમાં ખુશ રહેવા પોતાનાથી બનતું બધું કરે. (યર્મિયા ૨૯:૪-૭, ૧૦ વાંચો.) એમાંથી શું શીખવા મળે છે? હાલના સંજોગો સ્વીકારવાની પૂરી કોશિશ કરો અને તમારા જીવનમાં જે સારું છે એનો આનંદ માણો. યાદ રાખો, યહોવા તમને કદી એકલા મૂકી નહિ દે, તે તમને મદદ કરશે. (ગીત. ૬૩:૭; ૧૪૬:૫) ઍફીબહેનનો દાખલો લો. એક અકસ્માતને લીધે તેમને લકવો થઈ ગયો. તે કહે છે: “યહોવાએ, મારા કુટુંબે અને ભાઈ-બહેનોએ મને બહુ મદદ કરી, મને ઘણું ઉત્તેજન આપ્યું. જો હું હિંમત હારી જઈશ, તો એવું કહેવાશે કે જાણે મને તેઓની કંઈ કદર જ નથી. એટલે હું ખુશ રહેવા પોતાનાથી થાય એ બધું કરું છું.”
૧૦. આપણે કેમ મુશ્કેલીઓમાં પણ ખુશ રહી શકીએ છીએ?
૧૦ ભલે આપણાં જીવનમાં બધું બરાબર ન હોય, કે પછી આપણા પર અથવા આપણા કુટુંબ પર મુશ્કેલીઓ આવે, તોપણ ખુશ રહી શકીએ છીએ.b (ગીત. ૧૨૬:૫) શા માટે? કેમ કે આપણી ખુશીને સંજોગો સાથે કોઈ લેવાદેવા નથી. મારિયાબહેન એક પાયોનિયર છે. તે કહે છે: “મુશ્કેલીઓમાં ખુશ રહેવાનો અર્થ એ નથી કે પોતાની લાગણીઓ દબાવી રાખીએ. પણ મુશ્કેલીઓમાં ખુશ રહીને બતાવી આપીએ છીએ કે આપણે યહોવાનાં વચનો ભૂલ્યા નથી. દરેક સંજોગમાં આપણા પિતા આપણને ખુશ રહેવા મદદ કરશે.” આ વાત હંમેશાં યાદ રાખો: તમારા પર કદાચ હમણાં મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો હશે, પણ એવું કાયમ નહિ રહે. દરિયા કિનારે પગલાંની છાપ, બસ એક લહેર આવતાની સાથે ભૂંસાઈ જાય છે. એવી જ રીતે, યહોવા તમારી દરેક દુઃખ-તકલીફને કાયમ માટે દૂર કરી દેશે.
૧૧. પ્રેરિત પાઉલના દાખલાથી તમને કઈ રીતે ઉત્તેજન મળે છે?
૧૧ અમુક વાર કદાચ વિચારવા લાગીએ કે યહોવા આપણાથી ખુશ નથી, એટલે આપણા પર મુશ્કેલીઓ લાવે છે. જો એવું લાગતું હોય, તો વફાદાર ઈશ્વરભક્તોના દાખલા પર વિચાર કરી શકીએ, જેઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. પ્રેરિત પાઉલનો જ દાખલો લો. ઈસુએ તેમને “બીજી પ્રજાઓ, રાજાઓ અને ઇઝરાયેલના દીકરાઓ આગળ” ખુશખબર જાહેર કરવા પસંદ કર્યા હતા. (પ્રે.કા. ૯:૧૫) કેટલો મોટો લહાવો! તોપણ પાઉલનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું. (૨ કોરીં. ૧૧:૨૩-૨૭) તો શું એનો એવો અર્થ થાય કે તેમના પર યહોવાની કૃપા ન હતી? જરાય નહિ! હકીકતમાં, તે એ બધી મુશ્કેલીઓનો સામનો કરી શક્યા કેમ કે યહોવા તેમની સાથે હતા. (રોમ. ૫:૩-૫) હવે તમારા સંજોગોનો વિચાર કરો. મુશ્કેલીઓ હોવા છતાં તમે વફાદારીથી યહોવાની ભક્તિ કરી રહ્યા છો. એટલે તમે પૂરો ભરોસો રાખી શકો કે યહોવા તમારાથી ખુશ છે.
૧૨. યહોવાની સેવામાં ધ્યેય પૂરા ન થાય ત્યારે શું થઈ શકે?
૧૨ યહોવાની સેવામાં ધ્યેય પૂરો ન થાય ત્યારે. (નીતિ. ૧૩:૧૨) આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને તે આપણા માટે જે કરે છે એની ખૂબ કદર કરીએ છીએ. એટલે યહોવાની સેવામાં વધારે કરવા ધ્યેયો રાખીએ છીએ. પણ જો એવો ધ્યેય રાખીશું જે હાલના સંજોગોમાં પૂરો કરવો અશક્ય હોય, તો કદાચ નિરાશ થઈ જઈશું. (નીતિ. ૧૭:૨૨) હૉલીબહેન પાયોનિયર છે. તે કહે છે: “મારે રાજ્ય પ્રચારકો માટેની શાળામાં જવું હતું કે પછી બીજા દેશમાં સેવા આપવી હતી અથવા રામાપો પ્રોજેક્ટમાં મદદ કરવી હતી. પણ મારા સંજોગો બદલાયા અને હું એ ધ્યેયો પૂરા ન કરી શકી. હું નિરાશ થઈ ગઈ. જ્યારે તમારે ઘણું કરવું હોય અને એ ન કરી શકો, ત્યારે અકળાઈ જવાય છે.” યહોવાના ઘણા ભક્તોને એવું જ લાગે છે.
૧૩. જો સંજોગોને લીધે વધારે ન કરી શકતા હોઈએ, તો કેવા ધ્યેયો રાખી શકીએ?
૧૩ ખુશી પાછી મેળવવા શું કરી શકીએ? યાદ રાખો, યહોવા એવું નથી ચાહતા કે આપણે પોતાની શક્તિ કરતાં વધારે કરીએ. ભલે આપણે બીજાઓ જેટલું ન કરી શકીએ, તોપણ યહોવાની નજરે આપણે ખૂબ અનમોલ છીએ. તે ચાહે છે કે આપણે વફાદાર રહીએ અને પોતાની મર્યાદા પારખીએ. (મીખા. ૬:૮; ૧ કોરીં. ૪:૨) આપણે કેટલું કરી શકીએ છીએ અને કેટલું નથી કરી શકતા એ જોવાને બદલે યહોવા જુએ છે કે આપણે અંદરથી કેવા છીએ. હવે યહોવા આપણી પાસેથી જે વાતની અપેક્ષા નથી રાખતા, શું એની ઉપરવટ જઈને આપણે પોતાની પાસેથી વધારે પડતી અપેક્ષા રાખવી જોઈએ?c જરાય નહિ! જો હમણાં તમે તમારા સંજોગોને લીધે વધારે ન કરી શકતા હો, તો વિચારો કે તમે હમણાં બીજું શું કરી શકો છો. દાખલા તરીકે, શું તમે યુવાનોને તાલીમ આપી શકો અથવા મોટી ઉંમરનાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપી શકો? શું તમે કોઈના ઘરે જઈને અથવા ફોન કે મૅસેજ દ્વારા ઉત્તેજન આપવાનો ધ્યેય રાખી શકો? આ વાત પણ યાદ રાખો કે નવી દુનિયામાં આપણે યહોવાની અજાયબ રીતે ભક્તિ કરી શકીશું. હૉલીબહેનને એ વાતથી ઘણું ઉત્તેજન મળ્યું. તે કહે છે: “જ્યારે હું નિરાશ થઈ જાઉં છું, ત્યારે બેસીને વિચારું છું કે હું તો હંમેશ માટે જીવવાની છું. એટલે યહોવાની મદદથી અમુક ધ્યેયો નવી દુનિયામાં ચોક્કસ પૂરા કરી શકીશ.”
૧૪. બીજા શાનાથી આપણી ખુશી છીનવાઈ શકે છે?
૧૪ પોતાને ખુશ કરવા આંધળી દોટ મૂકીએ ત્યારે. આજે ઇન્ટરનેટ પર અમુક લોકો એવું બતાવે છે કે પોતાની ઇચ્છાઓ પૂરી કરવાથી જ સાચી ખુશી મળે છે. કદાચ આપણે પણ વિચારવા લાગીએ કે પોતાના શોખ પૂરા કરવાથી, મનગમતી ચીજવસ્તુઓ ખરીદવાથી અને અલગ અલગ જગ્યાએ ફરવા જવાથી જ સાચી ખુશી મળશે. જોકે મનગમતી બાબતો કરવામાં કંઈ ખોટું નથી. યહોવા ચાહે છે કે આપણે સૃષ્ટિનો આનંદ માણીએ. પણ ઘણા લોકોને પછીથી ખ્યાલ આવ્યો કે સાચી ખુશી મેળવવા તેઓએ જે બાબતો પાછળ દોટ મૂકી, એનાથી કંઈ સાચી ખુશી મળતી નથી. ઇવાબહેન પાયોનિયર છે. તે કહે છે: “પોતાની ઇચ્છાઓ પૂરી કરવાના વિચારોમાં જ મશગૂલ રહેશો તો કદી સંતોષ નહિ મળે.” હંમેશાં પોતાને ખુશ કરવામાં લાગેલા રહીશું તો સરવાળે નિરાશા જ હાથ લાગશે.
૧૫. રાજા સુલેમાન પાસેથી શું શીખવા મળે છે?
૧૫ રાજા સુલેમાને ખુશી મેળવવા ઘણી અલગ અલગ રીતો અજમાવી જોઈ. જેમ કે, તેમણે જાતજાતની વાનગીઓ ચાખી, મધુર સંગીત સાંભળ્યું અને મોંઘી મોંઘી ચીજવસ્તુઓ ખરીદી. પણ એ બધાથી તેમને ખુશી ન મળી. તેમણે કહ્યું: “એ જોઈ જોઈને આંખ થાકી જાય છે, કંઈક નવું જોવા ઝંખે છે, એ સાંભળી સાંભળીને કાન પાકી જાય છે, કંઈક નવું સાંભળવા તલપે છે.” (સભા. ૧:૮; ૨:૧-૧૧) અમુક લોકો વિચારે છે કે જો તેઓ પાસે પૈસા હશે અને તેઓ પોતાની મરજી પ્રમાણે જીવન જીવશે, તો સાચી ખુશી મળશે. પણ એ તો હળહળતું જૂઠું છે. એ બધાથી કદી સાચી ખુશી મળતી નથી.
૧૬. બીજાઓને મદદ કરવાથી કઈ રીતે ખુશી મળે છે? (ચિત્રો પણ જુઓ.)
૧૬ ખુશી પાછી મેળવવા શું કરી શકીએ? ઈસુએ શીખવ્યું હતું કે “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.” (પ્રે.કા. ૨૦:૩૫) એલેકોસ નામના વડીલ કહે છે: “હું બીજાઓને નાની નાની રીતે મદદ કરવાની કોશિશ કરું છું. બીજાઓ માટે વધારે કરવાથી હું પોતાના પરથી ધ્યાન હટાવી શકું છું અને ખુશ રહી શકું છું.” તમે બીજાઓ માટે શું કરી શકો? જો કોઈને ઉદાસ જુઓ, તો તેની સાથે વાત કરો. તમે કદાચ તેની મુશ્કેલી દૂર ન કરી શકો, પણ ઉત્તેજન ચોક્કસ આપી શકો છો. તેનું ધ્યાનથી સાંભળો. તેની લાગણીઓ સમજવાની કોશિશ કરો. તેને યાદ અપાવો કે તે યહોવા પર પોતાનો બોજો નાખી દે, કેમ કે યહોવાને તેની ખૂબ ચિંતા છે. (ગીત. ૫૫:૨૨; ૬૮:૧૯) તમે ખાતરી અપાવી શકો કે યહોવા તેને કદી તરછોડી નહિ દે. (ગીત. ૩૭:૨૮; યશા. ૫૯:૧) તમે બીજી અમુક રીતોએ પણ પ્રેમ બતાવી શકો. જેમ કે, તેના માટે જમવાનું બનાવી શકો અથવા તેની સાથે ચાલવા જઈ શકો. લોકોને ખુશખબર જણાવવાથી હંમેશાં ખુશી મળે છે, એટલે તેને પ્રચારમાં પણ લઈ જઈ શકો. યહોવા તમારા દ્વારા બીજાઓને ઉત્તેજન આપી શકે એ માટે તૈયાર રહો. પોતાના પર ધ્યાન આપવાને બદલે, બીજાઓ પર ધ્યાન આપવાથી અને મદદ કરવાથી સાચી ખુશી મળે છે.—નીતિ. ૧૧:૨૫.
પોતાની ઇચ્છાઓ પર ધ્યાન આપવાને બદલે, બીજાઓની જરૂરિયાતો પર ધ્યાન આપીએ (ફકરો ૧૬ જુઓ)d
૧૭. જો સાચી ખુશી મેળવવી હોય તો શું કરવું જોઈએ? (ગીતશાસ્ત્ર ૪૩:૪)
૧૭ આપણે પિતા યહોવાની વધારે નજીક જઈશું તેમ સાચી ખુશી મેળવી શકીશું. બાઇબલમાં ખાતરી આપી છે કે યહોવા “અપાર ખુશી” આપે છે. (ગીતશાસ્ત્ર ૪૩:૪ વાંચો.) એટલે જીવનમાં ભલે ગમે તેવા ઉતાર-ચઢાવ આવે, આપણે ડરવાની જરૂર નથી. જો યહોવાને પાકા દોસ્ત બનાવીશું, તો તે હંમેશાં આપણને ખુશ રહેવા મદદ કરશે. તે કદી આપણને નિરાશ નહિ કરે!—ગીત. ૧૪૪:૧૫.
ગીત ૨૪ ધરતી આખી ખીલી ઊઠશે
a “ખુશી મેળવવા યહોવા પર આધાર રાખીએ” બૉક્સ જુઓ.
b દાખલા તરીકે, jw.org/gu પર ડેનિસ અને આઇરિના ક્રિસ્ટેન્સેનનો ઇન્ટરવ્યૂ જોવા આ વીડિયો જુઓ: ૨૦૨૩ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૫.
c વધારે માહિતી માટે જુલાઈ ૧, ૨૦૦૮ ચોકીબુરજના અંકમાં આપેલો આ લેખ જુઓ: “સંજોગો પ્રમાણે નિર્ણય લો, જિંદગીની મજા લો.”
d ચિત્રની સમજ: એક બહેન પોતાના માટે ઘણી બધી ખરીદી કરે છે. પણ જ્યારે તે એક ઉંમરવાળાં બહેન માટે ફૂલો ખરીદે છે, ત્યારે તેમને વધારે ખુશી થાય છે. એ ઉંમરવાળાં બહેનને ખરેખર ઉત્તેજનની જરૂર હોય છે.