વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 સપ્ટેમ્બર પાન ૮-૧૩
  • અન્યાય થાય ત્યારે શું કરવું જોઈએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અન્યાય થાય ત્યારે શું કરવું જોઈએ?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવા અને ઈસુને અન્યાયથી નફરત છે
  • અન્યાય થયો ત્યારે ઈસુ કઈ રીતે વર્ત્યા?
  • અન્યાય થાય ત્યારે ઈસુ જેવું કરીએ
  • અન્યાય વિશે હમણાં શું કરી શકીએ?
  • તમે કઈ રીતે અન્યાયનો સામનો કરી શકો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • બાઇબલ સવાલોના જવાબ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • “આખી પૃથ્વીનો ન્યાયાધીશ” હંમેશાં અદ્દલ ન્યાય કરે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • ૪ ઈશ્વર અન્યાયી છે શું એ સાચું છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 સપ્ટેમ્બર પાન ૮-૧૩

અભ્યાસ લેખ ૩૭

ગીત ૩૫ યહોવાની ધીરજ

અન્યાય થાય ત્યારે શું કરવું જોઈએ?

“તેમણે ન્યાયની આશા રાખી, પણ જુઓ, ત્યાં અન્યાય થતો હતો.”—યશા. ૫:૭.

આપણે શું શીખીશું?

ઈસુના દાખલાથી શીખીશું કે અન્યાય થાય ત્યારે શું કરી શકીએ અને એવા સમયે કઈ રીતે યહોવાને ખુશ કરી શકીએ.

૧-૨. (ક) અન્યાય જોઈને આજે ઘણા લોકો શું કરે છે? (ખ) આ લેખમાં આપણે શું જોઈશું?

આજે દુનિયામાં જ્યાં જુઓ ત્યાં અન્યાય જોવા મળે છે. ઘણા લોકો એનો સામનો કરે છે. અમુક ગરીબ હોવાને લીધે, તો અમુક પોતાના દેશ, જાતિ કે દેખાવને લીધે અન્યાય સહન કરે છે. આજે એવા ઘણા લાલચુ અને બેઈમાન અધિકારીઓ છે, જેઓ માટે પૈસો જ બધું છે. તેઓને આ સુંદર પૃથ્વીની કંઈ પડી નથી. એના લીધે કેટલાય લોકોએ ભોગવવું પડે છે. આ અને બીજાં અનેક કારણોને લીધે આપણે અથવા આપણાં સ્નેહીજનોએ અન્યાયનો સામનો કરવો પડે છે.

૨ એટલે અન્યાય જોઈને ઘણા લોકોનો પારો આસમાને ચઢી જાય છે. બધા લોકો ચાહે છે કે તેઓ સાથે સારી રીતે વર્તવામાં આવે અને દરેક જણ શાંતિ-સલામતી અનુભવે. અમુક લોકો પોતાના દેશની કે દુનિયાની મુશ્કેલીઓનો હલ જાતે લાવવાની કોશિશ કરે છે. તેઓ સરકાર અને કાયદા-કાનૂનનો વિરોધ કરે છે અથવા એવા રાજકીય નેતાને ટેકો આપે છે, જે અન્યાય સામે લડવાનું વચન આપે છે. પણ આપણે ઈસુના શિષ્યો હોવાને લીધે શીખ્યા છીએ કે આપણે આ “દુનિયાના નથી.” (યોહા. ૧૭:૧૬) એ પણ શીખ્યા છીએ કે આપણે ઈશ્વરના રાજ્યની રાહ જોવી જોઈએ, જે કાયમ માટે અન્યાયનો અંત લાવશે. તોપણ જ્યારે જોઈએ છીએ કે બીજા લોકો સાથે કેટલી ખરાબ રીતે વર્તવામાં આવે છે, ત્યારે દુઃખી થઈ જઈએ છીએ. અરે, અમુક વાર તો ગુસ્સો પણ આવે છે. આપણે કદાચ વિચારવા લાગીએ: ‘અન્યાય વિશે હમણાં હું શું કરી શકું?’ આ લેખમાં એ સવાલનો જવાબ મેળવીશું. પણ ચાલો સૌથી પહેલાં જોઈએ કે યહોવા અને ઈસુને અન્યાય વિશે કેવું લાગે છે.

યહોવા અને ઈસુને અન્યાયથી નફરત છે

૩. અન્યાય થાય ત્યારે આપણને કેમ નથી ગમતું? (યશાયા ૫:૭)

૩ આપણી સાથે કે બીજા કોઈ સાથે અન્યાય થાય ત્યારે આપણને જરાય નથી ગમતું. શા માટે? બાઇબલમાં જણાવ્યું છે કે યહોવાએ આપણને તેમના જેવા બનાવ્યા છે અને આપણામાં તેમના જેવા ગુણો મૂક્યા છે. યહોવા “સચ્ચાઈ અને ન્યાય ચાહે છે.” (ગીત. ૩૩:૫; ઉત. ૧:૨૬) તે કદી કોઈની સાથે અન્યાય કરતા નથી. તે એવું પણ ચાહતા નથી કે બીજાઓ અન્યાય કરે. (પુન. ૩૨:૩, ૪; મીખા. ૬:૮; ઝખા. ૭:૯) દાખલા તરીકે, યશાયા પ્રબોધકના સમયમાં ઘણા ઇઝરાયેલીઓ સાથે બીજા ઇઝરાયેલીઓ અન્યાય કરતા હતા. યહોવાએ એ દુખિયારા લોકોનો “વિલાપ” સાંભળ્યો. (યશાયા ૫:૭ વાંચો.) તેમણે તરત પગલાં ભર્યાં. જે લોકો વારંવાર તેમના નિયમોને આંખ આડા કાન કરતા હતા અને બીજાઓ સાથે અન્યાય કરતા હતા, તેઓને તેમણે સજા કરી.—યશા. ૫:૫, ૧૩.

૪. કોઈની સાથે ખરાબ વર્તન થાય ત્યારે ઈસુને કેવું લાગે છે? (ચિત્ર પણ જુઓ.)

૪ યહોવાની જેમ ઈસુ પણ ન્યાયને ચાહે છે અને અન્યાયને ધિક્કારે છે. ચાલો એક દાખલો જોઈએ. પોતાના સેવાકાર્ય દરમિયાન ઈસુએ એક માણસને જોયો, જેનો હાથ સુકાઈ ગયો હતો. તેને જોઈને ઈસુને બહુ દયા આવી. તેમણે તેનો હાથ સાજો કર્યો. પણ જ્યારે ધાર્મિક આગેવાનોએ એ જોયું, ત્યારે તેઓનો ગુસ્સો ભડકી ઊઠ્યો. તેઓએ કહ્યું કે ઈસુએ સાબ્બાથનો નિયમ તોડ્યો છે. તેઓને એનાથી કોઈ ફરક ન પડ્યો કે એ માણસ હવે સાજો થઈ ગયો છે. ઈસુને એ વિશે કેવું લાગ્યું? “તેઓનાં દિલ કઠણ હોવાથી તે ઘણા દુઃખી થયા.”—માર્ક ૩:૧-૬.

ઈસુ સભાસ્થાનમાં છે. એક માણસનો હાથ સુકાઈ ગયો છે. ઈસુ યહૂદી ધાર્મિક આગેવાનો સાથે એ માણસ વિશે વાત કરી રહ્યા છે અને તે તેને સાજો કરવાના છે. ધાર્મિક આગેવાનો ઈસુને ધિક્કારે છે.

ધાર્મિક આગેવાનો લોકો સાથે ખરાબ રીતે વર્તતા હતા, પણ ઈસુ એવા ન હતા. તે લોકોને પ્રેમ કરતા હતા અને મદદ કરતા હતા (ફકરો ૪ જુઓ)


૫. અન્યાયને લીધે ગુસ્સો આવે ત્યારે શું યાદ રાખવું જોઈએ?

૫ લોકો બીજાઓ સાથે ખરાબ રીતે વર્તે છે ત્યારે યહોવા અને ઈસુને ગુસ્સો આવે છે. એટલે અન્યાય જોઈને આપણને પણ ગુસ્સો આવે તો એમાં કંઈ ખોટું નથી. (એફે. ૪:૨૬) પણ આપણે ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ અને યાદ રાખવું જોઈએ કે આપણે અન્યાયને રોકી શકતા નથી. જો લાંબા સમય સુધી મનમાં ગુસ્સો ભરી રાખીશું, તો કદાચ બીમાર પડી જઈશું અથવા નિરાશામાં ડૂબી જઈશું. (ગીત. ૩૭:૧, ૮; યાકૂ. ૧:૨૦) તો પછી આપણી સાથે અથવા બીજાઓ સાથે અન્યાય થાય ત્યારે શું કરવું જોઈએ? ચાલો ઈસુના દાખલામાંથી શીખીએ.

અન્યાય થયો ત્યારે ઈસુ કઈ રીતે વર્ત્યા?

૬. ઈસુના સમયમાં લોકો સાથે કેવો અન્યાય થતો હતો? (ચિત્ર પણ જુઓ.)

૬ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે જોયું કે ઘણા લોકો અન્યાય સહે છે. તે જાણતા હતા કે ધાર્મિક આગેવાનોએ એટલા બધા નિયમો બનાવ્યા છે કે જેના લીધે લોકોનું જીવન બહુ અઘરું થઈ ગયું છે. (માથ. ૨૩:૨-૪) તેમને એ પણ ખબર હતી કે રોમન શાસકો લોકો સાથે ખરાબ રીતે વર્તતા હતા. ઘણા યહૂદીઓ રોમન સામ્રાજ્યથી આઝાદ થવા માંગતા હતા. અરે, અમુકે તો સત્તા ઊથલાવી પાડવા જૂથો પણ બનાવ્યાં હતાં. પણ ઈસુ ક્યારેય એવા કોઈ જૂથમાં જોડાયા નહિ. જ્યારે તેમને ખબર પડી કે લોકો તેમને રાજા બનાવવા માંગે છે, ત્યારે તે ત્યાંથી ચાલ્યા ગયા.—યોહા. ૬:૧૫.

ઈસુ એકલા પહાડ પર ચઢી રહ્યા છે. લોકોનું મોટું ટોળું તળેટીએ ભેગું થયું છે.

જ્યારે લોકો ઈસુને રાજા બનાવવા માંગતા હતા ત્યારે તે ત્યાંથી ચાલ્યા ગયા (ફકરો ૬ જુઓ)


૭-૮. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે કેમ અન્યાય દૂર કરવાની કોશિશ ન કરી? (યોહાન ૧૮:૩૬)

૭ મુશ્કેલીઓ દૂર કરવા ઈસુએ કદી પણ રાજકારણનો સહારો ન લીધો. શા માટે? કેમ કે તેમને ખબર હતી કે માણસો ન તો એકબીજા પર રાજ કરી શકે છે, ન તો તેઓ પાસે એમ કરવાનો કોઈ અધિકાર છે. (ગીત. ૧૪૬:૩; યર્મિ. ૧૦:૨૩) એટલું જ નહિ, જે કારણોને લીધે અન્યાય થાય છે, એને દૂર કરવાં પણ માણસોના ગજા બહારની વાત છે. સૌથી પહેલું કારણ તો એ છે કે આજની દુનિયા પર શેતાનનું રાજ ચાલે છે. તે એકદમ ક્રૂર છે અને ઘણા લોકો તેના પગલે ચાલે છે. (યોહા. ૮:૪૪; એફે. ૨:૨) બીજું કારણ એ છે કે બધા માણસો પાપી છે. એટલે સારા માણસો ભલે લાખ કોશિશ કરે, પાપી હોવાને લીધે તેઓથી પણ અજાણતા અન્યાય થઈ જાય છે.—સભા. ૭:૨૦.

૮ ઈસુ જાણતા હતા કે ફક્ત ઈશ્વરનું રાજ્ય જ એ બધાં કારણોને દૂર કરી શકે છે, જેના લીધે અન્યાય થાય છે. એટલે તેમણે “ઈશ્વરના રાજ્યની ખુશખબરનો પ્રચાર કરવા” પોતાનાં બધાં સમય-શક્તિ ખર્ચી નાખ્યાં. (લૂક ૮:૧) આમ, “જેઓને ન્યાય માટે ભૂખ અને તરસ છે,” તેઓને તેમણે ખાતરી આપી કે બહુ જલદી બધી જ દુઃખ-તકલીફો અને અન્યાયનો અંત આવશે. (માથ. ૫:૬; લૂક ૧૮:૭, ૮) જોકે માણસોની સરકાર માટે એ બધું કરવું અશક્ય છે. ફક્ત ઈશ્વરનું રાજ્ય જ એવા મોટા મોટા ફેરફારો કરી શકે છે અને આપણે જાણીએ છીએ કે એ રાજ્ય “આ દુનિયાનું નથી.”—યોહાન ૧૮:૩૬ વાંચો.

અન્યાય થાય ત્યારે ઈસુ જેવું કરીએ

૯. તમને કેમ પાકો ભરોસો છે કે ઈશ્વરનું રાજ્ય જ અન્યાય દૂર કરશે?

૯ આજે આપણે “છેલ્લા દિવસોમાં” જીવી રહ્યા છીએ. (૨ તિમો. ૩:૧-૫, ૧૩) એટલે ઈસુના સમય કરતાં આજે વધારે અન્યાય જોવા મળે છે. એ સમયની જેમ, આજે પણ શેતાન અને તેના પગલે ચાલનારા લોકોને લીધે જ ચારે બાજુ અન્યાય જોવા મળે છે. (પ્રકટી. ૧૨:૧૨) ઈસુની જેમ આપણે પણ જાણીએ છીએ કે ઈશ્વરનું રાજ્ય જ બધી તકલીફો દૂર કરશે, અન્યાયના મુખ્ય કારણ શેતાનને મિટાવી દેશે. આપણે ઈશ્વરના રાજ્યને પૂરો ટેકો આપીએ છીએ. એટલે આપણે કોઈ પણ આંદોલનમાં કે ચળવળમાં ભાગ લેતા નથી અને મુશ્કેલીઓના હલ માટે કોઈ પણ સરકાર પર ભરોસો રાખતા નથી. સ્ટેસીબહેનનોa વિચાર કરો. તે યહોવા વિશે શીખ્યાં એ પહેલાં નિયમિત રીતે સમાજ સુધારા માટે આંદોલનોમાં ભાગ લેતાં. પણ થોડા સમય પછી તેમને લાગવા લાગ્યું: ‘હું જે કરી રહી છું એનાથી શું લોકોને ખરેખર ફાયદો થશે, મુશ્કેલીઓનો હલ આવશે?’ તે કહે છે: “જ્યારે હું આંદોલનોમાં જતી, ત્યારે મને થતું કે શું હું બરાબર કરી રહી છું. પણ હવે મને પાકી ખાતરી છે કે હું એકદમ બરાબર કરી રહી છું, કેમ કે હું ઈશ્વરના રાજ્યને ટેકો આપું છું. મને ખબર છે કે હું જે નથી કરી શકતી, એ યહોવા કરશે. અન્યાયનો ભોગ બનેલા દરેક જણ માટે યહોવા લડશે અને બધી મુશ્કેલીઓ દૂર કરશે.”—ગીત. ૭૨:૧, ૪.

૧૦. સમાજ સુધારા માટે આંદોલનોમાં જોડાવું, એ કેમ માથ્થી ૫:૪૩-૪૮ પ્રમાણે ઈસુના શિક્ષણની વિરુદ્ધ છે? (ચિત્ર પણ જુઓ.)

૧૦ આજે ઘણા લોકો એવાં જૂથોમાં જોડાય છે, જેઓ સમાજ સુધારા માટે આંદોલનો કરે છે અથવા સરકાર ઊથલાવી પાડવાની કોશિશ કરે છે. પણ એમાંના ઘણા લોકો એટલા ગુસ્સે થઈ જાય છે કે સરકારના નિયમો તોડી બેસે છે અને બીજાઓને નુકસાન પહોંચાડે છે. ઈસુએ આપણને એવું કરવાનું શીખવ્યું ન હતું. (એફે. ૪:૩૧) જૅફરીભાઈ કહે છે, “મને આ હકીકત સારી રીતે ખબર છે: એવું લાગે કે શાંતિથી આંદોલન ચાલી રહ્યું છે, પણ કઈ પળે લોકો હિંસા અને લૂંટફાટ પર ઊતરી આવે એની કોઈને ખબર પડતી નથી.” ઈસુએ તો એવું શીખવ્યું હતું કે આપણે બધા લોકોને પ્રેમ કરવો જોઈએ. એમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે, જેઓ આપણી સાથે સહમત થતા નથી અથવા આપણી સતાવણી કરે છે. (માથ્થી ૫:૪૩-૪૮ વાંચો.) ખ્રિસ્તીઓ તરીકે આપણે એવું કંઈ કરતા નથી જે ઈસુના શિક્ષણની વિરુદ્ધ હોય.

ભીડભાડવાળા રસ્તા પર એક ટોળું આંદોલન કરે છે. પણ એક બહેન બીજી તરફ જુએ છે અને શાંતિથી આગળ ચાલ્યાં જાય છે.

દુનિયાનો ભાગ ન બનવા હિંમતની જરૂર પડે છે (ફકરો ૧૦ જુઓ)


૧૧. ઈસુના પગલે ચાલવું ક્યારે અઘરું લાગી શકે?

૧૧ આપણે જાણીએ છીએ કે ઈશ્વરનું રાજ્ય પૂરેપૂરી રીતે અન્યાય દૂર કરશે. પણ આપણી સાથે ખરાબ રીતે વર્તવામાં આવે ત્યારે કદાચ ઈસુના પગલે ચાલવું અઘરું લાગી શકે. જાનિયાબહેનનો વિચાર કરો. તેમના રંગને લીધે અમુક લોકો તેમની સાથે ખરાબ રીતે વર્ત્યા. તે કહે છે: “મને ગુસ્સો આવ્યો અને બહુ દુઃખ થયું. હું બદલો લેવા માંગતી હતી. પછી મેં એવા આંદોલનમાં જોડાવાનું વિચાર્યું જેમાં લોકો રંગભેદ સામે અવાજ ઉઠાવી રહ્યા હતા. મને લાગ્યું કે એવું કરવાથી કંઈક ફરક તો પડશે.” જોકે સમય જતાં જાનિયાબહેનને ખ્યાલ આવ્યો કે તેમણે પોતાના વિચારોમાં ફેરફાર કરવાની જરૂર હતી. તે કહે છે: “હું યહોવા પર ભરોસો કરવાને બદલે, લોકો પર અને તેઓની વાતો પર ભરોસો કરવા લાગી હતી. મેં એવાં આંદોલનોમાં ભાગ લેતા બધા લોકો સાથે સંબંધ કાપી નાખ્યો.” ખરું કે આપણી સાથે અથવા બીજા લોકો સાથે ખરાબ રીતે વર્તવામાં આવે ત્યારે આપણને ગુસ્સો આવી શકે છે. પણ આપણે પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ અને હંમેશાં ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈ પણ રીતે આ દુનિયાનો ભાગ ન બની જઈએ.—યોહા. ૧૫:૧૯.

૧૨. કેમ ધ્યાન રાખવું જોઈએ કે આપણે શું સાંભળીએ છીએ, શું વાંચીએ છીએ અને શું જોઈએ છીએ?

૧૨ જ્યારે આપણી સાથે અથવા બીજાઓ સાથે ખરાબ રીતે વર્તવામાં આવે, ત્યારે શાંત રહેવા શાનાથી મદદ મળી શકે? એક રીત છે: ધ્યાન રાખીએ કે આપણે શું સાંભળીએ છીએ, શું વાંચીએ છીએ અને શું જોઈએ છીએ. અમુક વાર ઇન્ટરનેટ પર લોકોની લાગણી ભડકાવે એવી માહિતી જાણીજોઈને મૂકવામાં આવે છે અથવા સમાજ સુધારાના નામે સરકાર વિરુદ્ધ ફરિયાદો કરવામાં આવે છે. ઘણી વાર, છાપાઓમાં કે ટીવીમાં રિપોર્ટરો પોતાનો મત જણાવતા હોય છે, પણ હકીકત કંઈક જુદી જ હોય. ભલે એમાં જણાવેલી માહિતી સાચી હોય, પણ એના પર વિચાર કરતા રહેવાથી શું મુશ્કેલીઓનો હલ આવી જશે? ના! એના બદલે જો આપણે એવી ખબરો વાંચવામાં કે સાંભળવામાં વધારે પડતો સમય વિતાવીશું, તો કદાચ આપણી ચિંતા વધી જશે, દુઃખી થઈ જઈશું અને ગુસ્સો આવશે. (નીતિ. ૨૪:૧૦) અરે, આપણે ઈશ્વરના રાજ્યને પોતાના જીવનમાં પહેલું નહિ રાખી શકીએ અને ભૂલી જઈશું કે ઈશ્વરનું રાજ્ય જ બધી તકલીફોને દૂર કરી શકે છે.

૧૩. દરરોજ બાઇબલ વાંચવાથી અન્યાયનો સામનો કરવા કઈ રીતે મદદ મળે છે?

૧૩ દરરોજ બાઇબલ વાંચવાથી અને એના પર મનન કરવાથી અન્યાયનો સામનો કરવા મદદ મળશે. આલિયાબહેનનો વિચાર કરો. તેમણે જોયું કે અમુક લોકો તેમના સમાજના લોકો સાથે ખરાબ રીતે વર્ત્યા. એનાથી તેમને બહુ દુઃખ થયું. તેમને ગુસ્સો પણ આવ્યો કે ખોટું કરનારાઓને કોઈ સજા ન મળી. તે કહે છે: “મારે આ સવાલ પર વિચાર કરવો પડ્યો: ‘શું હું ખરેખર માનું છું કે યહોવા બધી મુશ્કેલીઓનો અંત લાવશે?’ એ સમયગાળામાં મેં અયૂબ ૩૪:૨૨-૨૯ વાંચી. એ કલમોએ મને યાદ અપાવ્યું કે યહોવા બધું જ જોઈ શકે છે. ફક્ત યહોવાને જ ખબર છે કે લોકોનો ન્યાય કઈ રીતે કરવો અને ફક્ત તે જ બધી મુશ્કેલીઓ દૂર કરી શકે છે.” આપણે એ સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, જ્યારે ઈશ્વરનું રાજ્ય પૂરેપૂરી રીતે અન્યાય દૂર કરશે. પણ હમણાં કઈ રીતે અન્યાયનો સામનો કરી શકીએ?

અન્યાય વિશે હમણાં શું કરી શકીએ?

૧૪. આપણે હમણાં શું કરી શકીએ છીએ? (કોલોસીઓ ૩:૧૦, ૧૧)

૧૪ બીજાઓ જે રીતે વર્તે છે એના પર આપણો કોઈ કાબૂ નથી. પણ આપણે બીજાઓ સાથે જે રીતે વર્તીએ છીએ એના પર તો આપણો કાબૂ છે, ખરું ને! અગાઉ જોઈ ગયા તેમ આપણે લોકોને પ્રેમ બતાવીને ઈસુને પગલે ચાલીએ છીએ. એટલે આપણે દરેકને, અન્યાય કરનારાઓને પણ પ્રેમ બતાવીએ છીએ. (માથ. ૭:૧૨; રોમ. ૧૨:૧૭) ભેદભાવ રાખ્યા વગર બધા સાથે પ્રેમથી વર્તીએ છીએ ત્યારે યહોવાને ઘણી ખુશી થાય છે.—કોલોસીઓ ૩:૧૦, ૧૧ વાંચો.

૧૫. લોકોને યહોવા વિશે શીખવવાથી શું ફાયદો થાય છે?

૧૫ લોકોને બાઇબલમાંથી યહોવા વિશે શીખવીને પણ અન્યાયનો સામનો કરી શકીએ છીએ. એ સાચે જ સૌથી મહત્ત્વની અને જોરદાર રીત છે. આપણે કેમ એવું કહીએ છીએ? કેમ કે ‘યહોવાનું જ્ઞાન’ વ્યક્તિને પૂરેપૂરી રીતે બદલી નાખે છે. (યશા. ૧૧:૬, ૭, ૯) એક ગુસ્સાવાળી અને હિંસક વ્યક્તિ, શાંત અને પ્રેમાળ બની જાય છે. જમાલભાઈનો દાખલો લો. તે બાઇબલમાંથી યહોવા વિશે શીખ્યા એ પહેલાંની આ વાત છે. તેમને લાગતું હતું કે તેમના દેશની સરકાર લોકો પર જુલમ કરે છે. એટલે તે એવા જૂથ સાથે જોડાયા, જે સરકાર ઊથલાવી પાડવા માંગતું હતું. હવે જમાલભાઈ કહે છે: “તમે લોકોને ફેરફાર કરવા બળજબરી નથી કરી શકતા. પણ જ્યારે તેઓ બાઇબલનું સત્ય શીખે છે, ત્યારે તેઓ ફેરફાર કરે છે. હું પણ એ જ રીતે બદલાયો.” જમાલભાઈને બાઇબલમાંથી જે શીખવા મળ્યું, એના લીધે તેમણે લડવાનું બંધ કર્યું. જેટલા વધારે લોકો બાઇબલનું સત્ય શીખશે અને ફેરફારો કરશે, એટલા ઓછા લોકો આજની દુનિયામાં અન્યાય કરશે.

૧૬. તમે કેમ લોકોને ઈશ્વરના રાજ્ય વિશે જણાવવા માંગો છો?

૧૬ ઈસુની જેમ આપણે પણ લોકોને એ જણાવવા આતુર છીએ કે ફક્ત ઈશ્વરનું રાજ્ય કાયમ માટે બધી તકલીફો અને અન્યાય દૂર કરશે. ભાવિની આશા જાણીને અન્યાયનો ભોગ બનેલા લોકોને ઘણી હિંમત મળી શકે છે. (યર્મિ. ૨૯:૧૧) અગાઉ સ્ટેસીબહેન વિશે જોઈ ગયા. તે કહે છે: “હવે મને ખબર છે કે ઈશ્વર બધી તકલીફો દૂર કરશે. એટલે મારી સાથે અથવા બીજા કોઈ સાથે અન્યાય થાય ત્યારે હું શાંત રહી શકું છું. યહોવા બાઇબલ દ્વારા દિલાસો આપે છે.” લોકોને બાઇબલનાં જોરદાર વચનોથી દિલાસો મળે એ માટે આપણે પહેલેથી તૈયારી કરવાની જરૂર છે. તકલીફો અને અન્યાય વિશે બાઇબલમાં આપેલાં વચનો પર આપણો ભરોસો પાકો કરીએ. એમ કરવાથી એ વિશે લોકો સાથે સારી રીતે વાત કરી શકીશું. સ્કૂલમાં કે કામ પર કોઈ સવાલ પૂછે તો સારી રીતે જવાબ આપી શકીશું.b

૧૭. અન્યાયનો સામનો કરવા યહોવા હમણાં કઈ રીતે મદદ કરે છે?

૧૭ આપણે જાણીએ છીએ કે જ્યાં સુધી શેતાન ‘આ દુનિયાનો શાસક’ રહેશે, ત્યાં સુધી આપણે અન્યાય સહેવો પડશે. પણ શેતાનને ‘કાઢી મૂકવામાં આવે’ ત્યાં સુધી, આપણે ન તો મદદ વગરના છીએ, ન તો આશા વગરના. (યોહા. ૧૨:૩૧) યહોવા બાઇબલ દ્વારા જણાવે છે કે આજે કેમ આટલો બધો અન્યાય છે અને અન્યાયનો ભોગ બનેલા લોકોનું દુઃખ જોઈને તેમને કેવું લાગે છે. (ગીત. ૩૪:૧૭-૧૯) યહોવા પોતાના દીકરા દ્વારા શીખવે છે કે અન્યાય થાય ત્યારે શું કરવું જોઈએ અને કઈ રીતે તેમનું રાજ્ય કાયમ માટે અન્યાય દૂર કરી દેશે. (૨ પિત. ૩:૧૩) તો ચાલો, પૂરી ધગશથી ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવતા રહીએ. તેમ જ, એ સમયની આતુરતાથી રાહ જોતા રહીએ, જ્યારે પૃથ્વી પર ચારે બાજુ “ઇન્સાફ અને સચ્ચાઈ” હશે.—યશા. ૯:૭.

તમે શું કહેશો?

  • અન્યાયને લીધે અમુક વાર કેમ ગુસ્સો આવે છે?

  • અન્યાય દૂર થાય એ માટે આપણે કેમ માણસો પર ભરોસો નથી રાખતા?

  • અન્યાય થાય ત્યારે શું કરી શકીએ?

ગીત ૩૯ આપણને શાંતિ મળશે

a અમુક નામ બદલ્યાં છે.

b પ્રેમથી શીખવીએ મોટી પુસ્તિકામાં વધારે માહિતી ક, મુદ્દા ૨૪-૨૭ પણ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો