અભ્યાસ લેખ ૧૫
ગીત ૫૧ યહોવા અમારો આધાર
“ઈશ્વરની નજીક આવવામાં” આપણું ભલું છે!
“ઈશ્વરની નજીક આવવામાં મારું ભલું છે.”—ગીત. ૭૩:૨૮.
આપણે શું શીખીશું?
આપણે કઈ રીતે યહોવાની નજીક જઈ શકીએ? એમ કરવાથી કયા ફાયદા થાય છે?
૧-૨. (ક) કોઈની સાથે પાકી દોસ્તી કરવા શું કરવું જોઈએ? (ખ) આ લેખમાં શાની ચર્ચા કરીશું?
શું તમારો કોઈ પાકો મિત્ર છે? તેની સાથે તમારી દોસ્તી કેવી રીતે થઈ? કદાચ તમે તેની સાથે સમય વિતાવ્યો હશે. તમને જાણવા મળ્યું હશે કે તેના જીવનમાં શું ચાલી રહ્યું છે, તેને શું ગમે છે અને શું નથી ગમતું. તમે જોયું હશે કે તેનામાં અમુક સરસ ગુણો છે, જે તમે પણ કેળવવા માંગો છો. પછી ધીરે ધીરે તે તમારો જિગરી દોસ્ત બની ગયો.
૨ કોઈની સાથે પાકી દોસ્તી કરવામાં સમય-શક્તિ લાગે છે. યહોવા ઈશ્વરના પાકા મિત્ર બનવા વિશે પણ એ એટલું જ સાચું છે. આ લેખમાં જોઈશું કે આપણે કઈ રીતે ઈશ્વર યહોવાની નજીક જઈ શકીએ અને એમ કરવાથી કયા ફાયદા થાય છે. ચાલો સૌથી પહેલા એ જોઈએ કે આપણા પાકા મિત્ર યહોવાની નજીક જવામાં કેમ આપણું ભલું છે.
૩. ઈશ્વરની નજીક જવાથી થતા ફાયદા પર કેમ મનન કરવું જોઈએ? દાખલો આપીને સમજાવો.
૩ ઈશ્વરની નજીક જવામાં કેમ આપણું ભલું છે એનો વિચાર કરવો સારું છે. (ગીત. ૬૩:૬-૮) કેમ? ચાલો એક દાખલો લઈએ. બધા જાણે છે કે સારી તંદુરસ્તી માટે આવી આદતો કેળવવી જરૂરી છે: પૌષ્ટિક ખોરાક લેવો, કસરત કરવી, પૂરતો આરામ લેવો અને પૂરતા પ્રમાણમાં પાણી પીવું. તોપણ ઘણા લોકો એને આંખ આડા કાન કરે છે અને એના લીધે તેઓ એટલા તંદુરસ્ત હોતા નથી. જોકે, જે લોકો એવી સારી આદતોથી થતા ફાયદાનો વિચાર કરે છે, તેઓ મોટા ભાગે એવું કરતા પણ હોય છે. એવી જ રીતે, આપણે જાણતા હોઈશું કે ઈશ્વરની નજીક જવામાં આપણું ભલું છે. પણ એમ કરવાથી કેવા ફાયદા થાય છે, એના પર મનન કરીશું તો ઈશ્વરની નજીક જવાનું વધારે મન થશે.—ગીત. ૧૧૯:૨૭-૩૦.
૪. ગીતશાસ્ત્ર ૭૩ના લેખકે કલમ ૨૮માં શું કહ્યું?
૪ ગીતશાસ્ત્ર ૭૩:૨૮ વાંચો. ગીતશાસ્ત્ર ૭૩ના લેખક લેવી હતા અને યહોવાના મંદિરમાં સંગીતકાર તરીકે સેવા આપતા હતા. તે કદાચ ઘણાં વર્ષોથી યહોવાની વફાદારીથી ભક્તિ કરતા હતા. તોપણ તે જાણતા હતા કે “ઈશ્વરની નજીક આવવામાં” તેમનું ભલું છે, એ વાત યાદ રાખવી તેમના માટે ખૂબ જરૂરી છે. તે ચાહતા હતા કે બીજાઓ પણ યાદ રાખે કે ઈશ્વર સાથેની મિત્રતા ખૂબ મહત્ત્વની છે. ઈશ્વરની નજીક આવવાથી કયા ફાયદા થાય છે?
‘ઈશ્વરની નજીક આવવાથી’ ખુશીઓ મળે છે
૫. (ક) કેમ કહી શકાય કે હંમેશાં યહોવાની નજીક જવાથી ખુશીઓ મળે છે? (ખ) યહોવાની બુદ્ધિ ભરેલી વાતો પાળવાથી કઈ રીતે તમને ફાયદો થઈ શકે અને તમારું રક્ષણ થઈ શકે? નીતિવચનો ૨:૬-૧૬ને આધારે દાખલા આપીને સમજાવો.
૫ યહોવાની જેટલી વધારે નજીક જઈશું, એટલા વધારે ખુશ રહી શકીશું. (ગીત. ૬૫:૪) એમ કહેવાનાં ઘણાં કારણો છે. દાખલા તરીકે, યહોવાએ રોજબરોજના જીવનમાં કામ લાગે એવી જોરદાર સલાહ બાઇબલમાં લખાવી છે. એ પાળવાથી આપણે સમજુ બનીએ છીએ. એવી સમજણને લીધે ખરાબ બાબતોથી આપણું રક્ષણ થાય છે અને આપણે મોટી ભૂલો કરવાથી બચી જઈએ છીએ. (નીતિવચનો ૨:૬-૧૬ વાંચો.) એટલે જ બાઇબલમાં લખ્યું છે: “સુખી છે એ માણસ, જે બુદ્ધિ મેળવે છે. સુખી છે એ માણસ, જે ઊંડી સમજણ મેળવે છે.”—નીતિ. ૩:૧૩.
૬. ગીતશાસ્ત્ર ૭૩ના લેખકની ખુશી કેમ છીનવાઈ ગઈ?
૬ અમુક વાર યહોવાના ભક્તોને પણ નિરાશા ઘેરી વળે છે. ગીતશાસ્ત્ર ૭૩ના લેખક સાથે પણ એવું જ બન્યું હતું. તેમને લાગતું હતું કે તેમની સાથે અન્યાય થયો છે. એવા વિચારો પર વધારે પડતું ધ્યાન આપવાને લીધે તેમની ખુશી છીનવાઈ ગઈ. તે વિચારવા લાગ્યા કે દુષ્ટોને ઈશ્વરની કે તેમનાં ધોરણોની કંઈ પડી નથી, છતાં તેઓ સુખેથી જીવે છે. એ જોઈને તેમને ગુસ્સો આવતો, અદેખાઈ આવતી. તે વિચારતા કે હિંસક અને ઘમંડી લોકોને જે જોઈએ એ મળી જાય છે, તેઓ શરીરે તગડા હોય છે અને તેઓએ કંઈ સહેવું પડતું નથી. (ગીત. ૭૩:૩-૭, ૧૨) અન્યાયને લીધે તેમણે એવું પણ વિચારી લીધું કે યહોવાની ભક્તિ કરવાનો કોઈ ફાયદો નથી. તે એટલા દુઃખી હતા કે પોકારી ઊઠ્યા: “મેં શું કામ મારું દિલ શુદ્ધ રાખ્યું? શું કામ મારા હાથ ધોઈને બતાવ્યું કે હું નિર્દોષ છું?”—ગીત. ૭૩:૧૩.
૭. ઉદાસ હોઈએ ત્યારે શું કરી શકીએ? (ચિત્ર પણ જુઓ.)
૭ ગીતશાસ્ત્ર ૭૩ના લેખક નિરાશામાં ગરક ન થઈ ગયા. પોતાના વિચારોમાં ફેરફાર કરવા તેમણે પગલાં ભર્યાં. તે “ઈશ્વરના ભવ્ય મંડપની અંદર” ગયા, જ્યાં યહોવાએ તેમના વિચારો સુધાર્યા. (ગીત. ૭૩:૧૭-૧૯) આપણે ઉદાસ હોઈએ ત્યારે આપણા પાકા મિત્ર યહોવાને એ વિશે ખબર હોય છે. એવા સમયે માર્ગદર્શન માટે તેમને પ્રાર્થના કરીએ. બાઇબલ અને મંડળ દ્વારા તે જે મદદ પૂરી પાડે છે એ સ્વીકારીએ. એમ કરીશું તો નિરાશામાંથી બહાર આવવા અને યહોવાની ભક્તિ કરતા રહેવા હિંમત મળશે. ભલે લાગતું હોય કે ચિંતાના બોજ નીચે દબાઈ ગયા છીએ, તોપણ યહોવા આપણને દિલાસો આપશે અને આપણા જખમો પર મલમ લગાડશે.—ગીત. ૯૪:૧૯.a
ગીતશાસ્ત્ર ૭૩ના લેખક એક લેવી છે. તે “ઈશ્વરના ભવ્ય મંડપની અંદર” ઊભા છે (ફકરો ૭ જુઓ)
‘ઈશ્વરની નજીક આવવાથી’ જીવનનો હેતુ અને ભાવિની આશા મળે છે
૮. ઈશ્વરની નજીક આવવાથી બીજી કઈ મહત્ત્વની રીતોએ આપણું ભલું થાય છે?
૮ ઈશ્વરની નજીક આવવાથી બીજી બે મહત્ત્વની રીતોએ પણ આપણું ભલું થાય છે. પહેલી, આપણને હમણાં જીવન જીવવાનો હેતુ મળે છે. બીજી, આપણને ભાવિની પાકી આશા મળે છે. (યર્મિ. ૨૯:૧૧) ચાલો એ વિશે વધારે જોઈએ.
૯. ઈશ્વરની નજીક આવવાથી કઈ રીતે જીવન જીવવાનો હેતુ મળે છે?
૯ યહોવાને આપણા પાકા મિત્ર બનાવીએ છીએ ત્યારે, આપણને જીવન જીવવાનો હેતુ મળે છે. આજે ઘણા લોકો માને છે કે ઈશ્વર છે જ નહિ. તેઓ વિચારે છે કે જીવનનો કોઈ હેતુ નથી અને માણસજાતનું અસ્તિત્વ ધીરે ધીરે ભૂંસાઈ જશે. પણ બાઇબલના અભ્યાસથી આપણને પૂરી ખાતરી થઈ છે કે ઈશ્વર સાચે જ છે અને તેમની સેવામાં જે કંઈ કરીએ છીએ એ નકામું જતું નથી. કેમ કે “તેમને દિલથી શોધનારાઓને તે ઇનામ આપે છે.” (હિબ્રૂ. ૧૧:૬) આજે પણ યહોવાની ભક્તિ કરવાથી આપણને સાચી ખુશી મળે છે, કેમ કે તેમણે પોતે જ આપણામાં તેમની ભક્તિ કરવાની ઇચ્છા મૂકી છે.—પુન. ૧૦:૧૨, ૧૩.
૧૦. ગીતશાસ્ત્ર ૩૭:૨૯ પ્રમાણે યહોવામાં આશા રાખતા લોકોનું ભાવિ કેવું હશે?
૧૦ આજે ઘણા લોકો બસ “આજ” માટે જીવે છે. તેઓ પાસે ભાવિની કોઈ આશા નથી. તેઓના જીવનનો આ જ હેતુ હોય છે: નોકરી કરવી, લગ્ન કરવું, બાળકો પેદા કરવાં અને ભાવિ માટે બચત કરવી. તેઓ જાણતા નથી કે ઈશ્વરે ભાવિ માટે કયાં વચનો આપ્યાં છે. પણ આપણે તો ઈશ્વર યહોવા પર આશા રાખીએ છીએ. (ગીત. ૨૫:૩-૫; ૧ તિમો. ૬:૧૭) આપણને આપણા ઈશ્વર અને મિત્ર યહોવા પર પૂરો ભરોસો છે. આપણને ખાતરી છે કે ભાવિ માટે તેમણે જે વચનો આપ્યાં છે, એ તે ચોક્કસ પૂરાં કરશે. નવી દુનિયામાં આપણને અઢળક આશીર્વાદો મળવાના છે. એમાંનો એક આશીર્વાદ છે કે આપણે યુગોના યુગો સુધી યહોવાની ભક્તિ કરી શકીશું.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯ વાંચો.
૧૧. ઈશ્વરના મિત્ર બનીએ છીએ ત્યારે શું થાય છે અને એનાથી યહોવાને કેવું લાગે છે?
૧૧ ઈશ્વરના મિત્ર બનવાથી બીજી ઘણી રીતોએ આપણું ભલું થાય છે. દાખલા તરીકે, યહોવાએ વચન આપ્યું છે કે પાપોનો પસ્તાવો કરીશું તો તે આપણને માફ કરશે. (યશા. ૧:૧૮) પરિણામે, આપણે પાપનો ભારે બોજો લઈને ફરવું પડતું નથી. (ગીત. ૩૨:૧-૫) વધુમાં, યહોવાના મિત્ર બનીએ છીએ ત્યારે તેમને ઘણી ખુશી થાય છે. (નીતિ. ૨૩:૧૫) તેમને ખુશ કરીને આપણને પણ ખુશી મળે છે. તમારા મનમાં કદાચ બીજા આશીર્વાદો પણ આવ્યા હશે. હવે ચાલો જોઈએ કે કઈ રીતે ઈશ્વરની વધારે નજીક જઈ શકીએ.
કઈ રીતે ‘ઈશ્વરની વધારે નજીક આવી શકીએ’?
૧૨. ઈશ્વરની નજીક જવા તમે અત્યાર સુધી શું કર્યું છે?
૧૨ જો તમે બાપ્તિસ્મા લીધું હોય, તો એનો અર્થ થાય કે તમે યહોવાની નજીક ગયા છો. તમે યહોવા અને ખ્રિસ્ત ઈસુ વિશે ઘણું શીખ્યા છો. તમે પાપોનો પસ્તાવો કર્યો છે, ઈશ્વરમાં શ્રદ્ધા મજબૂત કરી છે તેમજ ઈશ્વરની આજ્ઞા પાળવા બનતું બધું કર્યું છે. જોકે, ઈશ્વરની વધારે નજીક જવા આપણે એ બધું કરતા રહેવાની જરૂર છે.—કોલો. ૨:૬.
૧૩. યહોવાની વધારે નજીક જવા કઈ ત્રણ રીતોથી આપણને મદદ મળશે?
૧૩ યહોવાની વધારે નજીક જવા આપણને શાનાથી મદદ મળશે? (૧) બાઇબલ વાંચતા રહેવું જોઈએ અને એનો અભ્યાસ કરતા રહેવું જોઈએ. ફક્ત માહિતી મેળવવા બાઇબલ ન વાંચવું જોઈએ, એનાથી કંઈક વધારે કરવું જોઈએ. બાઇબલ વાંચતી વખતે ઈશ્વરના વિચારો અને ઇચ્છા જાણવાની કોશિશ કરવી જોઈએ. એ પણ પારખવું જોઈએ કે બાઇબલમાં આપેલા સિદ્ધાંતો પ્રમાણે જીવવા આપણે શું કરી શકીએ. (એફે. ૫:૧૫-૧૭) (૨) યહોવામાં આપણી શ્રદ્ધા મજબૂત કરીએ. એ માટે મનન કરીએ કે યહોવા કઈ અલગ અલગ રીતોએ આપણને પ્રેમ બતાવે છે. (૩) યહોવા ધિક્કારે છે એવાં કામોને આપણે પણ ધિક્કારવાં જોઈએ અને એવાં કામો કરતા લોકોથી દૂર રહેવું જોઈએ.—ગીત. ૧:૧; ૧૦૧:૩.
૧૪. પહેલો કોરીંથીઓ ૧૦:૩૧ પ્રમાણે યહોવાને ખુશ કરવા આપણે દરરોજ શું કરી શકીએ? (ચિત્રો પણ જુઓ.)
૧૪ પહેલો કોરીંથીઓ ૧૦:૩૧ વાંચો. યહોવા ખુશ થાય એવાં કામો કરતા રહેવું ખૂબ મહત્ત્વનું છે. એટલે આપણે પ્રચારમાં અને સભાઓમાં જઈએ છીએ. પણ શું એટલું જ પૂરતું છે? ના. આપણે રોજબરોજનાં કામોથી પણ યહોવાને ખુશ કરવા જોઈએ. જેમ કે, દરેક બાબતમાં પ્રમાણિક રહીએ છીએ અને આપણી પાસે જે કંઈ છે એમાંથી બીજાઓને આપીએ છીએ ત્યારે, યહોવાના ચહેરા પર સ્મિત રેલાય છે. (૨ કોરીં. ૮:૨૧; ૯:૭) યહોવા એ પણ ચાહે છે કે આપણે જીવનની ભેટને કીમતી ગણીએ. એટલે આપણે ખાવા-પીવાનું ધ્યાન રાખીએ છીએ અને બીજી રીતોએ તબિયતની સંભાળ રાખીએ છીએ. આમ આપણે જીવનની ભેટ આપનાર ઈશ્વરની વધારે નજીક જઈએ છીએ. નાની નાની વાતમાં પણ યહોવાને ખુશ કરવા મહેનત કરીએ છીએ ત્યારે, તે આપણા પર વહાલનો દરિયો વરસાવે છે.—લૂક ૧૬:૧૦.
યહોવાને ખુશ કરવાની અમુક રીતો: સાચવીને ગાડી ચલાવવી, કસરત કરીને અને પૌષ્ટિક ખોરાક લઈને પોતાની તબિયતનું ધ્યાન રાખવું અને ઉદાર હાથે બીજાઓને મદદ કરવી (ફકરો ૧૪ જુઓ)
૧૫. યહોવા આપણી પાસેથી શું ચાહે છે?
૧૫ ભલે લોકો યહોવાની ભક્તિ કરતા હોય કે ન કરતા હોય, તે બધા પર પોતાની કૃપા વરસાવે છે. (માથ. ૫:૪૫) તે આપણી પાસેથી પણ એવું જ ચાહે છે. દાખલા તરીકે આપણે ‘કોઈના વિશે ખરાબ ન બોલવું જોઈએ, ઝઘડા ન કરવા જોઈએ અને બધા લોકો સાથે એકદમ નરમાશથી વર્તવું જોઈએ.’ (તિત. ૩:૨) એટલે યહોવાને ભજતા ન હોય એવા લોકોને પણ આપણે ઊતરતા ગણતા નથી. (૨ તિમો. ૨:૨૩-૨૫) યહોવાની વધારે નજીક જવા આપણે બધા લોકો સાથે હંમેશાં દયા અને કરુણાથી વર્તીએ છીએ.
ભૂલ થાય ત્યારે પણ ‘ઈશ્વરની નજીક આવી’ શકીએ છીએ
૧૬. અમુક સમય પછી ગીતશાસ્ત્ર ૭૩ના લેખકને કેવું લાગ્યું?
૧૬ અમુક વાર કદાચ લાગે કે આપણી ભૂલો કે કમજોરીઓના લીધે આપણે યહોવાના પ્રેમને લાયક નથી. અગાઉ જોઈ ગયા તેમ ગીતશાસ્ત્ર ૭૩ના લેખકને પણ એવું જ લાગ્યું હતું. તેમણે કહ્યું: “મારા પગે લગભગ ઠોકર ખાધી હતી. મારા પગ લપસી જવાની તૈયારીમાં હતા.” (ગીત. ૭૩:૨) તેમણે પોતે કબૂલ કર્યું કે તેમનું “મન ખાટું થઈ ગયું” હતું, તેમના “વિચારો વાજબી ન હતા” અને યહોવાની આગળ તે ‘મૂર્ખ જાનવર જેવા હતા.’ (ગીત. ૭૩:૨૧, ૨૨) પણ શું તેમણે એવું ધારી લીધું કે તેમની કમજોરીઓના લીધે તે યહોવાની માફી અને પ્રેમને લાયક નથી?
૧૭. (ક) ગીતશાસ્ત્ર ૭૩ના લેખક સાવ ભાંગી પડ્યા હતા ત્યારે તેમણે શું કર્યું? (ખ) તેમના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? (ચિત્રો પણ જુઓ.)
૧૭ જો ગીતશાસ્ત્ર ૭૩ના લેખકને એવું લાગ્યું હોય કે યહોવાએ તેમને ત્યજી દીધા છે, તોપણ એ લાગણી ઝાઝો સમય ટકી નહિ હોય. એવું લાગે છે કે જીવનની એ નબળી પળોમાં પણ તે જાણતા હતા કે તેમણે યહોવાની વધારે નજીક જવાની જરૂર છે. એ વાત તેમના આ શબ્દોથી સ્પષ્ટ થાય છે: “પણ હવે હું સદા તમારી સાથે છું. તમે મારો જમણો હાથ પકડી રાખ્યો છે. તમે મને સલાહ આપીને માર્ગ બતાવો છો, તમે મને માન-સન્માન તરફ દોરી જશો.” (ગીત. ૭૩:૨૩, ૨૪) જ્યારે નબળા પડી ગયા હોઈએ અથવા હિંમત હારી ગયા હોઈએ, ત્યારે આપણે પણ આપણા ખડક યહોવા તરફ મીટ માંડવી જોઈએ. (ગીત. ૭૩:૨૬; ૯૪:૧૮) ભલે થોડા સમય માટે આપણો પગ લપસી જાય, એટલે કે આપણાથી મોટી મોટી ભૂલો થઈ જાય, તોપણ યહોવા પાસે પાછા આવી શકીએ છીએ. આપણે ખાતરી રાખી શકીએ છીએ કે તે આપણને ‘માફ કરવા તૈયાર છે.’ (ગીત. ૮૬:૫) આપણી હિંમત સાવ તૂટી જાય ત્યારે તો યહોવાની હજી વધારે નજીક જવું જોઈએ.—ગીત. ૧૦૩:૧૩, ૧૪.
શ્રદ્ધા નબળી પડી જાય ત્યારે યહોવાની વધારે નજીક જવું જોઈએ. એ માટે પ્રાર્થનામાં વધારે સમય વિતાવીએ અને નિયમિત સભાઓમાં જઈએ (ફકરો ૧૭ જુઓ)
ઈશ્વરની વધારે ને વધારે ‘નજીક આવતા રહીએ’
૧૮. કેમ યહોવાની નજીક જવાની કોઈ હદ નથી?
૧૮ આપણે યહોવાની કેટલી નજીક જઈ શકીએ છીએ અને તેમને કેટલી સારી રીતે ઓળખી શકીએ છીએ એની કોઈ જ હદ નથી. બાઇબલમાં જણાવ્યું છે કે તેમના માર્ગો, તેમની બુદ્ધિ અને તેમના જ્ઞાનનો “કોઈ પાર નથી.” (રોમ. ૧૧:૩૩) આપણે યુગોના યુગો સુધી તેમના વિશે શીખતા રહીશું.
૧૯. ગીતશાસ્ત્રના શબ્દોથી આપણને કઈ ખાતરી મળે છે?
૧૯ ગીતશાસ્ત્ર ૭૯:૧૩માં લખ્યું છે: “અમે, એટલે કે તમારા લોકો અને તમારા ચારાનાં ઘેટાં, સદા તમારો આભાર માનીશું. અમે પેઢી દર પેઢી તમારો જયજયકાર કરીશું.” તમે પણ ખાતરી રાખી શકો કે જેમ જેમ તમે યહોવાની વધારે નજીક જશો, તેમ તેમ તેમના આશીર્વાદો મેળવશો અને એ પણ કાયમ માટે! પછી તમે પણ કહી શકશો: “ઈશ્વર મારો ખડક, મારા દિલની રક્ષા કરનાર અને કાયમ માટેનો મારો હિસ્સો છે.”—ગીત. ૭૩:૨૬.
ગીત ૨૭ યહોવા મારો માલિક
a જો વ્યક્તિ વધારે પડતી ચિંતા કરવા લાગે અથવા ઉદાસ રહેવા લાગે તો તેને કદાચ ડૉક્ટરની મદદની જરૂર પડી શકે. વધારે માહિતી માટે ચોકીબુરજ નં. ૧ ૨૦૨૩ જુઓ.