વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w24 ઑગસ્ટ પાન ૨૦-૨૫
  • વડીલો કઈ રીતે પાપ કરનારાઓને પ્રેમ અને દયા બતાવે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વડીલો કઈ રીતે પાપ કરનારાઓને પ્રેમ અને દયા બતાવે છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • વડીલો કઈ રીતે ગંભીર પાપ કરનારાઓને મદદ કરે છે?
  • ‘બધાની સામે ઠપકો આપો’
  • “યહોવા ખૂબ મમતા બતાવે છે અને તે દયાળુ છે”
  • મંડળમાંથી દૂર કરાયેલા લોકો માટે મદદ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • મદદની જરૂર હોય ત્યારે ‘વડીલોને બોલાવો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • પાપ કરનારાઓ વિશે યહોવા જેવું વલણ રાખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • યહોવા કઈ રીતે મંડળોને ઈસુ દ્વારા ચલાવે છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
w24 ઑગસ્ટ પાન ૨૦-૨૫

અભ્યાસ લેખ ૩૪

ગીત ૫૦ ઈશ્વરનો મધુર પ્રેમ

વડીલો કઈ રીતે પાપ કરનારાઓને પ્રેમ અને દયા બતાવે છે?

“તું પસ્તાવો કરે એ માટે ઈશ્વર પ્રેમથી તને મદદ કરી રહ્યા છે.” —રોમ. ૨:૪.

આપણે શું શીખીશું?

મંડળમાં કોઈ ભાઈ કે બહેન ગંભીર પાપ કરે ત્યારે વડીલો તેમને કઈ રીતે મદદ કરે છે?

૧. શું ગંભીર પાપ કરનારાઓ માટે કોઈ આશા છે?

ગયા લેખમાં આપણે કોરીંથ મંડળમાં બનેલા એક બનાવ વિશે જોઈ ગયા. એ પણ જોઈ ગયા કે પ્રેરિત પાઉલે એ કિસ્સો કઈ રીતે હાથ ધર્યો. એ મંડળના એક ભાઈએ ગંભીર પાપ કર્યું હતું. તેણે પસ્તાવો કર્યો ન હતો, એટલે તેને મંડળમાંથી દૂર કરવામાં આવ્યો. જોકે, આ લેખની મુખ્ય કલમ બતાવે છે તેમ, ગંભીર પાપ કરનારને ઈશ્વર પસ્તાવો કરવા મદદ કરે છે. (રોમ. ૨:૪) એ માટે તે વડીલોનો ઉપયોગ કરે છે. વડીલો કઈ રીતે મદદ કરે છે?

૨-૩. જો આપણને ખબર પડે કે કોઈ ભાઈ કે બહેને ગંભીર પાપ કર્યું છે, તો શું કરવું જોઈએ અને શા માટે?

૨ જો વડીલો જાણતા ન હોય કે એક વ્યક્તિએ ગંભીર પાપ કર્યું છે, તો તેઓ તેને મદદ નહિ કરી શકે. એટલે જો આપણને ખબર પડે કે કોઈએ ગંભીર પાપ કર્યું છે, તો શું કરવું જોઈએ? તે વ્યક્તિને વડીલો પાસે જવાનું અને મદદ માંગવાનું ઉત્તેજન આપવું જોઈએ.—યશા. ૧:૧૮; પ્રે.કા. ૨૦:૨૮; ૧ પિત. ૫:૨.

૩ પણ જો એ વ્યક્તિ વડીલો સાથે વાત કરવાની ના પાડે, તો શું કરીશું? આપણે વડીલોને એ વિશે જણાવીશું, જેથી એ વ્યક્તિને જરૂરી મદદ મળી રહે. એ જ સાચો પ્રેમ કહેવાશે. કારણ કે આપણે એ ભાઈ કે બહેનને ગુમાવવા નથી માંગતા. જો એ વ્યક્તિ ખોટું કામ કરવાનું ચાલુ રાખશે, તો યહોવા સાથેનો તેનો સંબંધ તૂટી જશે. એ વ્યક્તિના લીધે મંડળનું નામ પણ બદનામ થઈ શકે છે. એટલે અઘરું લાગે તોપણ આપણે વડીલો સાથે વાત કરીશું. કારણ કે આપણે યહોવાને અને એ વ્યક્તિને પ્રેમ કરીએ છીએ.—ગીત. ૨૭:૧૪.

વડીલો કઈ રીતે ગંભીર પાપ કરનારાઓને મદદ કરે છે?

૪. પાપ કરનાર વ્યક્તિને મળતી વખતે વડીલોનો ધ્યેય કયો હોવો જોઈએ?

૪ મંડળમાં જો કોઈ વ્યક્તિ ગંભીર પાપ કરે, તો વડીલોનું જૂથ ત્રણ વડીલોને પસંદ કરશે અને તેઓની એક સમિતિ બનાવશે.a એ વડીલો નમ્ર હોવા જોઈએ. તેઓએ પાપ કરનાર વ્યક્તિને મદદ કરવાની છે, પણ તેઓ જાણે છે કે તેને ફેરફાર કરવા દબાણ નથી કરી શકતા. (પુન. ૩૦:૧૯) વડીલો સમજે છે કે પાપ કરનાર બધા જ લોકો કંઈ રાજા દાઉદની જેમ પસ્તાવો નહિ કરે. (૨ શમુ. ૧૨:૧૩) કદાચ અમુક લોકો યહોવાની સલાહ નહિ માને. (ઉત. ૪:૬-૮) તેમ છતાં, વડીલોનો ધ્યેય એ હોવો જોઈએ કે તેઓ પાપ કરનાર વ્યક્તિને પસ્તાવો કરવા મદદ કરે. પાપ કરનાર વ્યક્તિને મળતી વખતે વડીલોએ શું યાદ રાખવું જોઈએ?

૫. વડીલોએ કેવું વલણ રાખવું જોઈએ? (૨ તિમોથી ૨:૨૪-૨૬) (ચિત્ર પણ જુઓ.)

૫ વડીલો પાપ કરનાર વ્યક્તિને ખોવાયેલા ઘેટા જેવી ગણે છે, જે હજી યહોવા માટે કીમતી છે. (લૂક ૧૫:૪, ૬) તેથી તેઓ વ્યક્તિ સાથે કડક શબ્દોમાં વાત નહિ કરે અને કઠોર રીતે નહિ વર્તે. વડીલો એમ પણ નહિ વિચારે કે તેઓએ બસ સવાલો પૂછવાના છે અને માહિતી કઢાવવાની છે. એને બદલે, તેઓ બીજો તિમોથી ૨:૨૪-૨૬માં જણાવેલા ગુણો બતાવશે. (વાંચો.) વડીલો કોમળતાથી અને માયાળુ રીતે વર્તે છે, કારણ કે તેઓ એ વ્યક્તિને પોતાના વિચારોમાં સુધારો કરવા મદદ કરવા માંગે છે.

એક ઘેટાંપાળક ઘેટાંનાં ટોળાં સાથે ઊભો છે. તે એક ખોવાયેલા ઘેટાને શોધી રહ્યો છે. ખોવાયેલું ઘેટું ઝાડવામાં ફસાયું છે અને તેનો પગ ઘવાયેલો છે.

જૂના જમાનાના ઘેટાંપાળકોની જેમ વડીલો એક ખોવાયેલા ઘેટાને શોધવા બનતું બધું કરે છે (ફકરો ૫ જુઓ)


૬. વ્યક્તિને મળતા પહેલાં વડીલો કઈ રીતે યહોવાનું માર્ગદર્શન શોધશે? (રોમનો ૨:૪)

૬ વડીલો યહોવાનું માર્ગદર્શન શોધે છે. તેઓ યહોવાને અનુસરે છે અને પાપ કરનાર વ્યક્તિને પ્રેમ બતાવે છે. તેઓ પાઉલના આ શબ્દો પણ યાદ રાખે છે: “તું પસ્તાવો કરે એ માટે ઈશ્વર પ્રેમથી તને મદદ કરી રહ્યા છે.” (રોમનો ૨:૪ વાંચો.) વડીલોએ યાદ રાખવું જોઈએ કે તેઓ ઘેટાંપાળકો છે અને તેઓએ ખ્રિસ્તનું માર્ગદર્શન પાળવું જોઈએ. (યશા. ૧૧:૩, ૪; માથ. ૧૮:૧૮-૨૦) વડીલોની સમિતિ એ વ્યક્તિને મળે એ પહેલાં શું કરશે? તેઓ યહોવાને પ્રાર્થના કરશે, જેથી એ વ્યક્તિને પસ્તાવો કરવા મદદ કરી શકે. તેઓ બાઇબલમાંથી અને આપણાં સાહિત્યમાંથી સંશોધન કરશે. તેઓ યહોવાને પ્રાર્થના કરશે, જેથી એ વ્યક્તિને અને તેના સંજોગોને સમજી શકે. તેઓ પોતાને પૂછશે: ‘વ્યક્તિ કેમ એ પાપ કરી બેઠી એ સમજવા મારે તેના વિશે શું જાણવાની જરૂર છે?’—નીતિ. ૨૦:૫.

૭-૮. વડીલો કઈ રીતે યહોવાની જેમ ધીરજ બતાવી શકે?

૭ વડીલો યહોવાની જેમ ધીરજ બતાવે છે. તેઓ યાદ રાખે છે કે જૂના જમાનામાં યહોવા પાપ કરનારાઓ સાથે કઈ રીતે વર્ત્યા હતા. જેમ કે, યહોવા કાઈન સાથે ધીરજથી વર્ત્યા હતા. તેમણે તેને ચેતવણી આપી કે જો તે પોતાનામાં ફેરફારો નહિ કરે, તો તેણે એનાં પરિણામો ભોગવવાં પડશે. તેમણે એમ પણ જણાવ્યું કે જો તે આજ્ઞા પાળશે, તો તેને આશીર્વાદો મળશે. (ઉત. ૪:૬, ૭) દાઉદે ભૂલ કરી ત્યારે તેમને સુધારવા યહોવાએ નાથાન પ્રબોધકને મોકલ્યા. નાથાને એક ઉદાહરણ આપ્યું, જેનાથી દાઉદનું દિલ વીંધાઈ ગયું. (૨ શમુ. ૧૨:૧-૭) એટલું જ નહિ, યહોવાએ પોતાની બંડખોર ઇઝરાયેલી પ્રજા પાસે ‘વારંવાર પ્રબોધકો મોકલ્યા.’ (યર્મિ. ૭:૨૪, ૨૫) તેમણે એવી રાહ ન જોઈ કે તેમના લોકો પસ્તાવો કરશે એ પછી તે તેઓને મદદ કરશે. એના બદલે, તેઓ હજી પાપમાં ડૂબેલા હતા ત્યારે યહોવાએ તેઓને પસ્તાવો કરવા અરજ કરી.

૮ ગંભીર પાપ કરનાર વ્યક્તિને મદદ કરતી વખતે વડીલો યહોવાનો દાખલો અનુસરે છે. બીજો તિમોથી ૪:૨માં જણાવ્યું છે તેમ, વડીલો તેઓ સાથે ‘પૂરી ધીરજથી’ વર્તે છે. એટલે વડીલોએ હંમેશાં શાંત રહેવાની અને ધીરજ રાખવાની જરૂર છે, જેથી પાપ કરનાર વ્યક્તિને જે ખરું છે એ કરવા મદદ કરી શકે. જો કોઈ વડીલ ગુસ્સે થઈ જશે અથવા ચિડાઈ જશે, તો વ્યક્તિ કદાચ તેમની સલાહ નહિ માને અથવા પસ્તાવો નહિ કરે.

૯-૧૦. વડીલો કઈ રીતે પાપ કરનાર વ્યક્તિને મદદ કરે છે?

૯ વડીલો એ સમજવાની કોશિશ કરશે કે વ્યક્તિ શાના લીધે એ પાપ કરી બેઠી. દાખલા તરીકે, શું બાઇબલનો અભ્યાસ કરવાનું અથવા પ્રચારમાં જવાનું છોડી દેવાને લીધે તેનો યહોવા સાથેનો સંબંધ નબળો પડી ગયો હતો? શું તેણે પ્રાર્થના કરવાનું બંધ કરી દીધું છે અથવા શું ફક્ત કરવા ખાતર કરે છે? શું તેણે ખોટી ઇચ્છાઓ સામે લડવાનું છોડી દીધું છે? તેનાં દોસ્તો અને મનોરંજન વિશે શું? તેના નિર્ણયોની તેનાં વિચારો અને ઇચ્છાઓ પર કેવી અસર થઈ છે? શું તે સમજે છે કે તેણે જે કર્યું, એનાથી તેના પિતા યહોવાને કેટલું દુઃખ થયું છે?

૧૦ વડીલો પ્રેમથી અને સમજી-વિચારીને સવાલો પૂછે છે. (નીતિ. ૨૦:૫) આમ, તેઓ વ્યક્તિને એ વિચારવા મદદ કરે છે કે શાના લીધે તેનો યહોવા સાથેનો સંબંધ નબળો પડી ગયો અને તે પાપ કરી બેઠી. પણ તેઓ એવા સવાલો નહિ પૂછે, જે વિશે તેઓએ જાણવાની જરૂર નથી. તેઓ નાથાન પ્રબોધકની જેમ કોઈ ઉદાહરણ વાપરીને પણ મદદ કરી શકે. એનાથી વ્યક્તિ સમજી શકશે કે તેણે જે કર્યું એ કેમ ખોટું છે. બની શકે કે વડીલોની સમિતિ તેને પહેલી વાર મળે ત્યારે, તે પોતાનાં કામ માટે અફસોસ વ્યક્ત કરે. તે કદાચ પસ્તાવો પણ કરે.

૧૧. ઈસુ કઈ રીતે પાપ કરનારાઓ સાથે વર્ત્યા હતા?

૧૧ વડીલો ઈસુને પગલે ચાલવા પ્રયત્ન કરે છે. ઈસુએ તાર્સસના શાઉલને આ સવાલ પૂછ્યો: “શાઉલ, શાઉલ, તું શા માટે મારા પર જુલમ કરે છે?” આ સવાલથી ઈસુએ શાઉલને એ સમજવા મદદ કરી કે તે જે કરી રહ્યા હતા, એ ખોટું હતું. (પ્રે.કા. ૯:૩-૬) “ઇઝેબેલ” નામની સ્ત્રીના કિસ્સામાં પણ ઈસુએ કહ્યું: “મેં તેને પસ્તાવો કરવાનો સમય આપ્યો.”—પ્રકટી. ૨:૨૦, ૨૧.

૧૨-૧૩. વડીલો કઈ રીતે પાપ કરનાર વ્યક્તિને પસ્તાવો કરવા સમય આપી શકે? (ચિત્ર પણ જુઓ.)

૧૨ વડીલો ઈસુને અનુસરે છે અને તરત વિચારી નથી લેતા કે વ્યક્તિ પસ્તાવો નહિ કરે. અમુક ભાઈ-બહેનો વડીલોની સમિતિ સાથેની પહેલી જ મુલાકાતમાં કદાચ પસ્તાવો કરે, પણ બીજાઓને કદાચ વધારે સમય લાગે. એટલે વડીલો પાપ કરનાર વ્યક્તિને એકથી વધારે વાર મળવાનું નક્કી કરી શકે. બની શકે કે એ પહેલી મુલાકાત પછી એ વ્યક્તિ તેઓની વાતો પર ઊંડો વિચાર કરે. તેને કદાચ પોતાની ભૂલ સમજાય અને તે નમ્ર બનીને યહોવા પાસે માફી માંગે. (ગીત. ૩૨:૫; ૩૮:૧૮) આમ તે વડીલોને ફરી મળે ત્યારે કદાચ સારું વલણ બતાવે, જે તેણે પહેલી વારમાં બતાવ્યું ન હતું.

૧૩ પાપ કરનાર વ્યક્તિને પસ્તાવો કરવા મદદ મળે એ માટે વડીલો તેની લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરે છે અને માયાળુ રીતે વર્તે છે. તેઓ યહોવાને પ્રાર્થના કરે છે કે તેઓના પ્રયત્નને આશીર્વાદ આપે. તેઓ આશા રાખે છે કે ખોટે માર્ગે ચઢી ગયેલા ભાઈ કે બહેનને પોતાની ભૂલનું ભાન થશે અને પસ્તાવો કરશે.—૨ તિમો. ૨:૨૫, ૨૬.

ચિત્રો: ૧. ત્રણ વડીલો એક ભાઈને મળે છે. વડીલો વાત કરે છે તેમ ભાઈ બીજે જુએ છે. ૨. પછીથી, વડીલો એ ભાઈને ફરી મળે છે. વડીલો તેની સાથે વાત કરે છે તેમ એ ભાઈ ધ્યાનથી સાંભળે છે.

પાપ કરનાર વ્યક્તિને પસ્તાવો કરવા મદદ મળે એ માટે વડીલોની સમિતિ કદાચ તેને એકથી વધારે વાર મળે (ફકરો ૧૨ જુઓ)


૧૪. વ્યક્તિ પસ્તાવો કરે ત્યારે તેનો યશ કોને મળવો જોઈએ અને શા માટે?

૧૪ પાપ કરનાર વ્યક્તિ પસ્તાવો કરે છે ત્યારે બધાને ઘણી ખુશી થાય છે. (લૂક ૧૫:૭, ૧૦) પણ એનો યશ કોને મળવો જોઈએ? શું વડીલોને? યાદ કરો કે પાઉલે પાપ કરનાર લોકો વિશે શું કહ્યું: “કદાચ એવું બને કે ઈશ્વર તેઓને પસ્તાવો કરવાની તક આપે.” (૨ તિમો. ૨:૨૫) તેથી કોઈ મનુષ્ય નહિ, પણ યહોવા એ વ્યક્તિને મદદ કરે છે, જેથી તે પોતાનાં વિચારો અને વલણમાં ફેરફાર કરે. પાઉલ સમજાવે છે કે વ્યક્તિ પસ્તાવો કરે એ પછી કેવાં સારાં પરિણામો આવે છે. તે સત્યનું ખરું જ્ઞાન મેળવે છે, તેની અક્કલ ઠેકાણે આવે છે અને શેતાનના ફાંદામાંથી છૂટી શકે છે.—૨ તિમો. ૨:૨૬.

૧૫. પસ્તાવો કરનાર વ્યક્તિને વડીલો કઈ રીતે મદદ કરતા રહી શકે?

૧૫ જ્યારે વ્યક્તિ પસ્તાવો કરે છે, ત્યારે મંડળના વડીલો તેને મળતા રહે છે. આમ, તેઓ તેને શ્રદ્ધા મજબૂત કરવા, શેતાનની લાલચોનો સામનો કરતા રહેવા અને ખરા માર્ગે ચાલતા રહેવા મદદ કરી શકે છે. (હિબ્રૂ. ૧૨:૧૨, ૧૩) ખરું કે, વડીલો બીજાઓને એ નહિ જણાવે કે પાપ કરનાર વ્યક્તિએ શું કર્યું છે. પણ મંડળને શું જણાવવાની જરૂર પડી શકે?

‘બધાની સામે ઠપકો આપો’

૧૬. પહેલો તિમોથી ૫:૨૦ પ્રમાણે ‘બધા’ કોને રજૂ કરે છે?

૧૬ પહેલો તિમોથી ૫:૨૦ વાંચો. પાઉલે સાથી વડીલ તિમોથીને કહ્યું: “જેઓ પાપ કરતા રહે છે તેઓને બધાની સામે ઠપકો આપજે.” અહીં ‘બધા’ એ શબ્દથી પાઉલ શું કહેવા માંગતા હતા? શું પાઉલ એમ કહેવા માંગતા હતા કે પાપ કરનારને હંમેશાં આખા મંડળ સામે ઠપકો આપવો જોઈએ? ના, તે એમ કહેવા માંગતા ન હતા. તે એવા બધા લોકોની વાત કરતા હતા, જેઓ એ પાપ વિશે જાણતા હતા. અમુક સંજોગોમાં તેઓએ કદાચ નજરોનજર એ પાપ થતાં જોયું હતું અથવા પાપ કરનાર વ્યક્તિએ તેઓને એ વિશે જણાવ્યું હતું. વડીલો એવા ગણ્યા-ગાંઠ્યા લોકોને જ સમજી-વિચારીને જણાવશે કે સંજોગને હાથ ધરવામાં આવ્યો છે અને પાપ કરનારને ઠપકો આપવામાં આવ્યો છે.

૧૭. કયા કિસ્સામાં મંડળમાં જાહેરાત કરવામાં આવશે કે કોઈને ઠપકો આપવામાં આવ્યો છે? શા માટે?

૧૭ અમુક કિસ્સામાં મંડળમાં ઘણા લોકો એ પાપ વિશે જાણતા હોય છે અથવા એ વિશે જાણ થઈ શકે છે. એવા કિસ્સામાં ‘બધામાં’ આખા મંડળનો સમાવેશ થાય છે. તેથી એક વડીલ મંડળમાં જાહેરાત કરશે કે એ ભાઈ કે બહેનને ઠપકો આપવામાં આવ્યો છે. શા માટે? પાઉલે એનો જવાબ આપતા કહ્યું: “બાકીના લોકોને ચેતવણી મળે,” જેથી તેઓ પાપ ન કરે.

૧૮. જ્યારે બાપ્તિસ્મા પામેલું બાળક ગંભીર પાપ કરે, ત્યારે વડીલો એ સંજોગને કઈ રીતે હાથ ધરશે? (ચિત્ર પણ જુઓ.)

૧૮ જો પાપ કરનાર વ્યક્તિ સગીર હોય, એટલે કે ૧૮ વર્ષથી નાની હોય અને બાપ્તિસ્મા પામેલી હોય તો શું? એ કિસ્સામાં વડીલોનું જૂથ બે વડીલોને પસંદ કરશે, જેઓ એ બાળકને અને યહોવાની ભક્તિ કરતા મમ્મી-પપ્પાનેb મળશે. તેઓ એ જાણવાની કોશિશ કરશે કે બાળક પસ્તાવો કરે એ માટે તેને મદદ કરવા મમ્મી-પપ્પાએ હમણાં સુધી કયાં પગલાં ભર્યાં છે. જો બાળક મમ્મી-પપ્પાની સલાહ પાળી રહ્યું હોય અને પોતાનાં વિચારો અને વાણી-વર્તનમાં ફેરફાર કરી રહ્યું હોય, તો એ બે વડીલો કદાચ નક્કી કરે કે વડીલોની સમિતિની ગોઠવણ કરવાની જરૂર નથી. એમ પણ બાળકોને પ્રેમથી શિસ્ત આપવાની અને શીખવવાની જવાબદારી યહોવાએ મમ્મી-પપ્પાને આપી છે. (પુન. ૬:૬, ૭; નીતિ. ૬:૨૦; ૨૨:૬; એફે. ૬:૨-૪) પછીથી વડીલો સમયે સમયે મમ્મી-પપ્પાને મળશે અને ખાતરી કરશે કે એ બાળકને મદદ મળી રહી છે કે નહિ. પણ જો બાપ્તિસ્મા પામેલું બાળક ખોટાં કામોમાં લાગુ રહે અને પસ્તાવો ન કરે, તો શું? એ કિસ્સામાં વડીલોની સમિતિ તેને મળશે અને તેની સાથે તેનાં મમ્મી-પપ્પા હશે.

બે વડીલો એક બાપ્તિસ્મા પામેલા સગીરને અને તેનાં માબાપને તેઓનાં ઘરે મળે છે. એક વડીલ તેઓને બાઇબલની કલમ બતાવી રહ્યા છે.

જ્યારે એક સગીર ગંભીર પાપ કરે, ત્યારે બે વડીલો તેને મળશે. તેની સાથે યહોવાની ભક્તિ કરતા મમ્મી-પપ્પા હશે (ફકરો ૧૮ જુઓ)


“યહોવા ખૂબ મમતા બતાવે છે અને તે દયાળુ છે”

૧૯. પાપ કરનાર વ્યક્તિને મદદ કરતી વખતે વડીલો કઈ રીતે યહોવાને અનુસરે છે?

૧૯ વડીલોની સમિતિના માથે ભારે જવાબદારી છે. તેઓએ મંડળને શુદ્ધ રાખવાનું છે. (૧ કોરીં. ૫:૭) તેઓ એ પણ ચાહે છે કે પાપ કરનાર વ્યક્તિ પસ્તાવો કરે. એટલે તેઓ તેને મદદ કરે છે અને આશા રાખે છે કે તે જરૂર ફેરફારો કરશે. શા માટે? કારણ કે તેઓ યહોવાને અનુસરવા માંગે છે, જે ‘ખૂબ મમતા બતાવે છે અને દયાળુ છે.’ (યાકૂ. ૫:૧૧) પ્રેરિત યોહાને ભાઈ-બહેનોને એવો જ પ્રેમ બતાવ્યો હતો. તેમણે લખ્યું: “મારાં વહાલાં બાળકો, હું તમને આ લખું છું, જેથી તમે પાપ ન કરો. પણ જો કોઈ પાપ કરે, તો આપણા માટે પિતા પાસે સહાયક છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે નેક છે.”—૧ યોહા. ૨:૧.

૨૦. આ અંકના છેલ્લા લેખમાં શાની ચર્ચા કરીશું?

૨૦ દુઃખની વાત છે કે પાપ કરનાર વ્યક્તિ અમુક વાર પસ્તાવો નથી કરતી. એવા કિસ્સામાં તેને મંડળમાંથી દૂર કરવામાં આવે છે. વડીલો કઈ રીતે એવા કિસ્સાને હાથ ધરે છે? એ વિશે આ અંકના છેલ્લા લેખમાં જોઈશું.

તમે શું કહેશો?

  • રોમનો ૨:૪ પ્રમાણે વડીલો પાપ કરનાર વ્યક્તિને મળે ત્યારે તેઓનો ધ્યેય કયો હોવો જોઈએ?

  • બીજો તિમોથી ૨:૨૪-૨૬માં વડીલોને કયું માર્ગદર્શન આપ્યું છે?

  • ‘બધાની સામે ઠપકો આપો,’ એનો શું અર્થ થાય?

ગીત ૪૨ ‘નબળાઓને મદદ કરીએ’

a આ સમિતિને પહેલાં ન્યાય સમિતિ કહેવામાં આવતી હતી. પણ ન્યાય કરવો તેઓના કામનું ફક્ત એક પાસું છે. એટલે હવેથી આપણે એને ન્યાય સમિતિ નહિ, પણ વડીલોની સમિતિ કહીશું.

b વાલીઓ અથવા જેઓ પાસે એ બાળકના ઉછેરની જવાબદારી છે, તેઓને પણ એ માર્ગદર્શન લાગુ પડે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો