વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w24 જુલાઈ પાન ૨-૭
  • સાદોકની જેમ હિંમતવાન બનો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સાદોકની જેમ હિંમતવાન બનો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વરના રાજ્યને ટેકો આપો
  • ભાઈ-બહેનોને મદદ કરો
  • હંમેશાં યહોવાને વફાદાર રહો
  • યહોવા “જીવતા ઈશ્વર” છે એ યાદ રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • વિશ્વાસુ માણસોએ કહેલા છેલ્લા શબ્દોમાંથી શીખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • તમે હિંમતથી ઈશ્વર સાથે ચાલી શકો છો!
    હિંમતથી ઈશ્વર સાથે ચાલીએ
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
w24 જુલાઈ પાન ૨-૭

અભ્યાસ લેખ ૨૭

ગીત ૧૩૭ હિંમતનું વરદાન દે

સાદોકની જેમ હિંમતવાન બનો

‘સાદોક શૂરવીર અને બહાદુર યુવાન હતો.’—૧ કાળ. ૧૨:૨૮.

આપણે શું શીખીશું?

હિંમતવાન બનવા સાદોકના દાખલામાંથી શું શીખી શકીએ?

૧-૨. સાદોક કોણ હતા? (૧ કાળવૃત્તાંત ૧૨:૨૨, ૨૬-૨૮)

કલ્પના કરો, હેબ્રોન નજીક આવેલા પહાડી વિસ્તારમાં ૩,૪૦,૦૦૦ કરતાં વધારે માણસો ભેગા થયા છે. તેઓ દાઉદને રાજા બનાવવા માંગે છે. પાછલા ત્રણ દિવસથી તેઓ અહીંયા જ છે. તેઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. તેઓના હાસ્યનો અવાજ બધે ગુંજી રહ્યો છે. યહોવાને મહિમા આપવા તેઓ ગીતો ગાઈ રહ્યા છે. (૧ કાળ. ૧૨:૩૯) એમાં એક યુવાન માણસ પણ હાજર છે, જેનું નામ સાદોક છે. કદાચ આટલા મોટા ટોળામાં ઘણા લોકોનું ધ્યાન તેના પર નહિ ગયું હોય. પણ યહોવાએ તેના પર ધ્યાન આપ્યું અને તે ચાહતા હતા કે આપણે પણ તેના પર ધ્યાન આપીએ. (૧ કાળવૃત્તાંત ૧૨:૨૨, ૨૬-૨૮ વાંચો.) પણ સાદોક કોણ હતા?

૨ સાદોક એક યાજક હતા અને પ્રમુખ યાજક અબ્યાથાર સાથે સેવા આપતા હતા. સાદોક દર્શન સમજાવનાર પણ હતા. એનો અર્થ થાય કે યહોવાએ તેમને ડહાપણ આપ્યું હતું અને તેમની ઇચ્છા જાણવાની શક્તિ આપી હતી. (૨ શમુ. ૧૫:૨૭) લોકો સલાહ લેવા સાદોક પાસે જતા. એ ઉપરાંત તે ખૂબ હિંમતવાન હતા. આ લેખમાં જોઈશું કે તેમણે કઈ રીતે હિંમત બતાવી.

૩. (ક) યહોવાના ભક્તોએ શા માટે હિંમત બતાવવાની જરૂર છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૩ આ છેલ્લા દિવસોમાં યહોવાના લોકોની શ્રદ્ધા તોડવા શેતાન પહેલાં કરતાં પણ વધારે કોશિશ કરી રહ્યો છે. (૧ પિત. ૫:૮) પણ યહોવા જ્યાં સુધી શેતાન અને તેની દુષ્ટ દુનિયાનો નાશ ન કરે, ત્યાં સુધી આપણે હિંમત બતાવતા રહેવાની જરૂર છે. (ગીત. ૩૧:૨૪) ચાલો જોઈએ કે કઈ ત્રણ રીતોએ આપણે સાદોક જેવી હિંમત બતાવી શકીએ.

ઈશ્વરના રાજ્યને ટેકો આપો

૪. ઈશ્વરના રાજ્યને ટેકો આપવા આપણને શા માટે હિંમતની જરૂર હોય છે? (ચિત્ર પણ જુઓ.)

૪ આજે યહોવાના લોકો પૂરા દિલથી ઈશ્વરના રાજ્યને ટેકો આપે છે. (માથ. ૬:૩૩) પણ ઘણી વાર એમ કરવા હિંમત જોઈએ. દાખલા તરીકે, આ દુષ્ટ દુનિયામાં યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવા અને ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવા હિંમતની જરૂર હોય છે. (૧ થેસ્સા. ૨:૨) આજે રાજકીય બાબતોને લીધે લોકોમાં ભાગલા પડી રહ્યા છે. એટલે એવી બાબતોમાં અથવા એને લગતી ચર્ચાઓમાં કોઈનો પક્ષ ન લેવા પણ હિંમતની જરૂર હોય છે. (યોહા. ૧૮:૩૬) યહોવાના ઘણા સેવકો આજે આર્થિક તંગીનો સામનો કરે છે. એ ઉપરાંત, રાજકારણમાં કોઈનો પક્ષ ન લેવાને લીધે અથવા સેનામાં ભરતી ન થવાને લીધે ઘણા સાક્ષીઓને મારવામાં આવ્યા છે અથવા જેલમાં નાખી દેવામાં આવ્યા છે.

એક ભાઈ પોતાની સાથે કામ કરતા બે માણસો સાથે કૉફી પી રહ્યા છે અને તેઓ ભાઈ પર પોતાના વિચારો થોપી બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક માણસ ટીવી તરફ ઇશારો કરે છે, જ્યાં બતાવ્યું છે કે ચૂંટણીમાં બે ઉમેદવારને કેટલા વોટ મળ્યા છે.

બીજા લોકો રાજકારણમાં કોઈનો પક્ષ લે ત્યારે તમે શું કરશો? (ફકરો ૪ જુઓ)


૫. દાઉદને સાથ આપવા સાદોકને કેમ હિંમતની જરૂર હતી?

૫ એવું ન હતું કે સાદોક દાઉદને રાજા બનાવવાની ખુશીમાં સામેલ થવા જ હેબ્રોન ગયા હતા. તે તો યુદ્ધ માટે તૈયાર હતા અને એવું લાગે છે કે તે હથિયાર લઈને ત્યાં ગયા હતા. (૧ કાળ. ૧૨:૩૮) તે પોતાના રાજા સાથે યુદ્ધમાં જવા અને ઇઝરાયેલને દુશ્મનોથી બચાવવા કંઈ પણ કરવા તૈયાર હતા. સાદોક યુવાન હતા, એટલે એવું લાગે છે કે તેમને સૈનિક તરીકે લડવાનો કોઈ અનુભવ ન હતો. પણ તે ખૂબ બહાદુર હતા.

૬. હિંમત બતાવવામાં દાઉદે કઈ રીતે સાદોક માટે સારો દાખલો બેસાડ્યો? (ગીતશાસ્ત્ર ૧૩૮:૩)

૬ સાદોક યાજક હિંમત કેળવવાનું કઈ રીતે શીખ્યા હતા? સાદોકના ઘણા મિત્રો હિંમતવાન હતા. તે તેઓ પાસેથી ઘણું શીખ્યા હતા. જેમ કે, દાઉદે હિંમત બતાવવામાં કદી પાછી પાની ન કરી. તે “લડાઈઓમાં ઇઝરાયેલની આગેવાની” લેતા હતા. એટલે ઇઝરાયેલીઓ પૂરા દિલથી તેમને સાથ આપતા હતા. (૧ કાળ. ૧૧:૧, ૨) પોતાના દુશ્મનો સામે લડવા દાઉદ હંમેશાં યહોવા પર આધાર રાખતા હતા. (ગીત. ૨૮:૭; ગીતશાસ્ત્ર ૧૩૮:૩ વાંચો.) સાદોક બીજા લોકો પાસેથી પણ હિંમત કેળવવાનું શીખ્યા હતા. જેમ કે, યહોયાદા, તેમના શૂરવીર દીકરા બનાયા અને સાદોકના પિતાના કુટુંબના ૨૨ મુખીઓ, જેઓએ દાઉદને સાથ આપ્યો હતો. (૧ કાળ. ૧૧:૨૨-૨૫; ૧૨:૨૬-૨૮) એ બધા માણસોએ દાઉદને રાજા બનાવવાનો અને તેમનું રક્ષણ કરવાનો દૃઢ નિર્ણય લીધો હતો.

૭. (ક) હિંમત બતાવનાર યુવાન ભાઈઓ પાસેથી આપણે શું શીખી શકીએ? (ખ) વીડિયોમાં જોયું તેમ એનસીલુભાઈ પાસેથી તમે શું શીખ્યા?

૭ યહોવાને અને તેમના રાજ્યને વફાદાર રહેવા ઘણાએ હિંમત બતાવી છે. તેઓના દાખલા પર વિચાર કરીએ છીએ ત્યારે, આપણને પણ હિંમત બતાવવા ઉત્તેજન મળે છે. જેમ કે, આપણા રાજા ખ્રિસ્ત ઈસુ આ ધરતી પર હતા ત્યારે, તેમણે શેતાનની દુનિયાના રાજકારણમાં ભાગ લેવાની સાફ ના પાડી દીધી હતી. (માથ. ૪:૮-૧૧; યોહા. ૬:૧૪, ૧૫) જે ખરું છે એ કરવા તેમને હિંમતની જરૂર હતી અને એ હિંમત મેળવવા તેમણે હંમેશાં યહોવા પર આધાર રાખ્યો. આજે ઘણા યુવાન ભાઈઓ એવું જ કરી રહ્યા છે. તેઓએ સેનામાં ભરતી થવાની અથવા રાજકારણમાં ભાગ લેવાની સાફ ના પાડી દીધી છે. અમે તમને ઉત્તેજન આપીએ છીએ કે jw.org/gu પર તમે એ ભાઈઓના અનુભવો જુઓ.a

ભાઈ-બહેનોને મદદ કરો

૮. ભાઈ-બહેનોને મદદ કરવા વડીલોને ક્યારે હિંમતની જરૂર પડી શકે?

૮ યહોવાના લોકોને બીજાઓને મદદ કરવી ખૂબ ગમે છે. (૨ કોરીં. ૮:૪) જોકે અમુક વખતે એમ કરવા હિંમત બતાવવી પડે છે. દાખલા તરીકે, યુદ્ધ ફાટી નીકળે ત્યારે વડીલો જાણે છે કે ભાઈ-બહેનોને ઉત્તેજનની, સાથ-સહકારની, બાઇબલની, સાહિત્યની અથવા ખોરાક-પાણી અને રહેવાની જગ્યાની જરૂર હોય છે. તેઓ ભાઈ-બહેનોને ખૂબ જ પ્રેમ કરે છે. એટલે પોતાનું જીવન જોખમમાં મૂકીને પણ તેઓની જરૂરિયાતો પૂરી કરવા તૈયાર હોય છે. (યોહા. ૧૫:૧૨, ૧૩) આ રીતે તેઓ સાદોકની જેમ હિંમત બતાવે છે.

૯. બીજો શમુએલ ૧૫:૨૭-૨૯માં જણાવ્યું છે તેમ દાઉદે સાદોકને શું કરવાનું કહ્યું? (ચિત્ર પણ જુઓ.)

૯ ધ્યાન આપો કે સાદોકે કઈ રીતે પોતાના ભાઈઓને જોખમથી ભરેલા સમયમાં મદદ કરી. આબ્શાલોમ દાઉદને મારી નાખવા માંગતો હતો, જેથી રાજગાદી પચાવી પાડી શકે. (૨ શમુ. ૧૫:૧૨, ૧૩) એટલે દાઉદે તરત જ યરૂશાલેમ છોડીને ભાગવું પડ્યું. તેમણે પોતાના સેવકોને બોલાવીને કહ્યું: “ઊઠો, ચાલો આપણે નાસી છૂટીએ, નહિ તો આપણામાંનો કોઈ પણ આબ્શાલોમથી બચશે નહિ.” (૨ શમુ. ૧૫:૧૪) જ્યારે સેવકો શહેર છોડીને નાસી રહ્યા હતા, ત્યારે દાઉદને ખ્યાલ આવ્યો કે કોઈએ તો યરૂશાલેમમાં રહેવું પડશે, જેથી આબ્શાલોમની હિલચાલ પર નજર રાખી શકે. એટલે તેમણે સાદોકને અને બીજા યાજકોને યરૂશાલેમ પાછા જવા કહ્યું, જેથી આબ્શાલોમ શું કરવાનો છે એની ખબર આપી શકે. (૨ શમુએલ ૧૫:૨૭-૨૯ વાંચો.) તેઓએ ખૂબ જ સાવધ રહેવાનું હતું. કેમ કે દાઉદે સોંપેલું કામ બહુ જોખમી હતું. તેઓનો જીવ પણ જઈ શકતો હતો. આબ્શાલોમ એક નંબરનો સ્વાર્થી અને ઝનૂની હતો. પોતાનો સ્વાર્થ પૂરો કરવા તે કોઈ પણ હદે જઈ શકતો હતો. જરા વિચારો, આ દગાખોર દીકરાએ પોતાના સગા બાપને ન છોડ્યો. તો હવે જો તેને એવી ખબર પડે કે સાદોક અને બીજા યાજકો દાઉદને બચાવવા તેની જાસૂસી કરી રહ્યા છે, તો તે તેઓના કેવા હાલ કરતો?

રાજા દાઉદ સાદોક સાથે વાત કરી રહ્યા છે. પાછળ બતાવ્યું છે કે દાઉદના સેવકો યરૂશાલેમ છોડીને જઈ રહ્યા છે.

દાઉદે સાદોકને એવું કામ સોંપ્યું, જેમાં જીવનું જોખમ હતું (ફકરો ૯ જુઓ)


૧૦. સાદોક અને તેમના સાથીઓએ કઈ રીતે દાઉદનો જીવ બચાવ્યો?

૧૦ દાઉદે એક યોજના ઘડી. એને પાર પાડવા તેમણે સાદોક અને પોતાના બીજા એક વફાદાર મિત્ર હૂશાયની મદદ માંગી. (૨ શમુ. ૧૫:૩૨-૩૭) એ યોજના પ્રમાણે હૂશાયે જઈને આબ્શાલોમનો ભરોસો જીત્યો અને તે તેના પક્ષે છે એવો ઢોંગ કર્યો. તેણે આબ્શાલોમને એક રણનીતિ અજમાવવા કહ્યું. એના લીધે દાઉદને હુમલા માટે તૈયાર થવાનો સમય મળી જતો. આબ્શાલોમ એમ કરવા માની ગયો ત્યારે, હૂશાયે સાદોક અને અબ્યાથારને એ વિશે જણાવ્યું. (૨ શમુ. ૧૭:૮-૧૬) પછી એ બે માણસોએ કોઈક રીતે દાઉદને એ સંદેશો પહોંચાડી દીધો. (૨ શમુ. ૧૭:૧૭) આમ યહોવાની મદદથી સાદોક અને બીજા યાજકો એ યોજના પાર પાડી શક્યા અને દાઉદનો જીવ બચાવી શક્યા.—૨ શમુ. ૧૭:૨૧, ૨૨.

૧૧. ભાઈ-બહેનોને મદદ કરતી વખતે કઈ રીતે સાદોકની જેમ હિંમત બતાવી શકો?

૧૧ ધારો કે, તમારાં ભાઈ-બહેનો જોખમમાં છે. તમને તેઓને મદદ કરવાનું કહેવામાં આવ્યું છે. એ સંજોગોમાં તમે કઈ રીતે સાદોકની જેમ હિંમત બતાવી શકો? (૧) માર્ગદર્શન પાળો. એ સંજોગોમાં બહુ જ જરૂરી છે કે તમને જે કહેવામાં આવે એ જ તમે કરો, જેથી એકતા જળવાઈ રહે. શાખા કચેરી તરફથી મળતું માર્ગદર્શન પાળો. (હિબ્રૂ. ૧૩:૧૭) વડીલોએ શું કરવું જોઈએ? આફત માટે પહેલેથી તૈયાર થવા વિશેના અને આફત આવી પડે ત્યારે શું કરવું એ વિશેના માર્ગદર્શન પર નિયમિત રીતે વિચાર કરવો જોઈએ. (૧ કોરીં. ૧૪:૩૩, ૪૦) (૨) હિંમત બતાવો, પણ સાવધ રહો. (નીતિ. ૨૨:૩) કોઈ પગલું ભરતા પહેલાં બે વાર વિચારો. કોઈ જોખમ ખેડી ન લો. (૩) યહોવા પર ભરોસો રાખો. યાદ રાખો, યહોવા ચાહે છે કે તમે અને તમારાં ભાઈ-બહેનો સલામત રહે. એટલે તે તમને જરૂર મદદ કરશે, જેથી તમે ભાઈ-બહેનોને સલામત રીતે સહાય કરી શકો.

૧૨-૧૩. વિક્ટરભાઈ અને વીટાલીભાઈના અનુભવમાંથી તમને શું શીખવા મળ્યું? (ચિત્ર પણ જુઓ.)

૧૨ વિક્ટરભાઈ અને વીટાલીભાઈનો દાખલો લો. યુક્રેઇનમાં એ બે વડીલોએ ભાઈ-બહેનો સુધી ખોરાક-પાણી પહોંચાડવા સખત મહેનત કરી. વિક્ટરભાઈ કહે છે: “અમે દરેક જગ્યાએ ખોરાક માટે તપાસ કરી. ઘણી વાર અમારી આજુબાજુ ગોળીબાર થતો. એક ભાઈએ પોતાના ગોદામમાં સાચવેલું અનાજ દાનમાં આપ્યું. એનાથી ઘણા પ્રકાશકોનું અમુક દિવસો સુધી ગુજરાન ચાલ્યું. જ્યારે અમે ટ્રકમાં એ બધો સામાન ભરતા હતા, ત્યારે અમારાથી વીસેક મીટર (૬૬ ફૂટ) દૂર એક બૉમ્બ પડ્યો, પણ ફૂટ્યો નહિ. આખો દિવસ મેં યહોવાને કાલાવાલા કર્યા કે તે મને હિંમત આપે, જેથી હું મારાં ભાઈ-બહેનોને મદદ કરતો રહી શકું.”

૧૩ વીટાલીભાઈ કહે છે: “અમને હિંમતની સખત જરૂર હતી. પહેલી જગ્યાએ પહોંચતા જ મને ૧૨ કલાક લાગ્યા. એ ૧૨ કલાક હું એકલો હતો. આખા રસ્તે હું યહોવાને પ્રાર્થના કરતો રહ્યો.” વીટાલીભાઈ હિંમત બતાવવાની સાથે સાથે સાવધ પણ રહ્યા. તે કહે છે: “હું ડહાપણ માટે યહોવાને પ્રાર્થના કરતો રહ્યો. મેં તેમની પાસે મદદ પણ માંગી, જેથી હું કોઈ જોખમ ખેડી ન લઉં અને અધિકારીઓને આધીન રહી શકું. હું ફક્ત એ જ રસ્તે ગયો, જે તેઓએ ખુલ્લા રાખ્યા હતા. જ્યારે મેં જોયું કે ભાઈ-બહેનો કઈ રીતે હળી-મળીને કામ કરી રહ્યાં હતાં, ત્યારે મારી શ્રદ્ધા ખૂબ જ વધી. તેઓએ રસ્તા પરથી કાટમાળ હટાવ્યો, ખોરાક, કપડાં અને બીજી જરૂરી ચીજવસ્તુઓ ભેગી કરી અને ટ્રકમાં ચઢાવી. મુસાફરી દરમિયાન મને અને વિક્ટરભાઈને ખોરાક-પાણી અને આરામ મળી રહે એની પણ તેઓએ વ્યવસ્થા કરી.”

 યુદ્ધ ચાલી રહ્યું છે એવા વિસ્તારમાં બે ભાઈઓ વાનમાં બેસીને જઈ રહ્યા છે. પાછળ કાટમાળ, ધુમાડો અને આગ છે.

ખતરનાક સંજોગોમાં ભાઈ-બહેનોને મદદ કરતી વખતે હિંમત બતાવો, પણ સાવધ રહો (ફકરા ૧૨-૧૩ જુઓ)


હંમેશાં યહોવાને વફાદાર રહો

૧૪. કોઈ સ્નેહીજન યહોવાને છોડી દે ત્યારે આપણા પર શું વીતે છે?

૧૪ અમુક મુશ્કેલીઓ એવી હોય છે, જે કાળજું વીંધી નાખે છે. જેમ કે, કુટુંબનું કોઈ સભ્ય અથવા કોઈ ખાસ દોસ્ત યહોવાને છોડી દે, ત્યારે એ દુઃખ સહેવું બહુ જ અઘરું હોય છે. (ગીત. ૭૮:૪૦; નીતિ. ૨૪:૧૦) એ વ્યક્તિ જેટલી વધારે દિલની નજીક હોય છે, એટલું જ વધારે એ પરિસ્થિતિ સ્વીકારવી અઘરું હોય છે. શું તમે પણ આવું કોઈ દુઃખ સહી રહ્યા છો? જો એમ હોય તો સાદોકની વફાદારીથી તમને હિંમત મળી શકે છે.

૧૫. યહોવાને વફાદાર રહેવા સાદોકને કેમ હિંમતની જરૂર હતી? (૧ રાજાઓ ૧:૫-૮)

૧૫ સાદોકનો ખાસ મિત્ર અબ્યાથાર યહોવાને બેવફા બન્યો ત્યારે પણ સાદોક યહોવાને વફાદાર રહ્યા. એ બન્યું ત્યારે દાઉદ ઘણા વૃદ્ધ થઈ ગયા હતા. દાઉદ મરણ પથારીએ હતા ત્યારે તેમના દીકરા અદોનિયાએ રાજગાદી પચાવી પાડવાની કોશિશ કરી. જોકે યહોવાએ પહેલેથી કહ્યું હતું કે દાઉદ પછી સુલેમાન રાજા બનશે. (૧ કાળ. ૨૨:૯, ૧૦) પણ અબ્યાથારે અદોનિયાને સાથ આપ્યો. (૧ રાજાઓ ૧:૫-૮ વાંચો.) એવું કરીને અબ્યાથાર ફક્ત દાઉદને જ નહિ, યહોવાને પણ બેવફા બન્યો. ધ્યાન આપો, ૪૦થી વધારે વર્ષો સુધી સાદોક અને અબ્યાથારે સાથે મળીને યાજકો તરીકે સેવા આપી હતી. (૨ શમુ. ૮:૧૭) તેઓએ સાથે મળીને “સાચા ઈશ્વરનો કરારકોશ” સાચવ્યો હતો. (૨ શમુ. ૧૫:૨૯) શરૂઆતમાં એ બંનેએ દાઉદને રાજા તરીકે સ્વીકાર્યા હતા અને તેમને પૂરો ટેકો આપ્યો હતો. તેઓએ યહોવાની સેવામાં આવાં તો કેટકેટલાંયે કામ કર્યાં હતાં. એટલે કલ્પના કરો કે જ્યારે અબ્યાથાર યહોવાને બેવફા બન્યો, ત્યારે સાદોકને કેટલું દુઃખ થયું હશે, તે કેટલા નિરાશ થઈ ગયા હશે.—૨ શમુ. ૧૯:૧૧-૧૪.

૧૬. વફાદાર રહેવા સાદોકને શાનાથી મદદ મળી હશે?

૧૬ ભલે અબ્યાથાર દાઉદને દગો આપીને યહોવાને બેવફા બન્યો, પણ સાદોક યહોવાને વફાદાર રહ્યા. દાઉદે ક્યારેય સાદોકની વફાદારી પર શંકા ન કરી. અદોનિયાનું કાવતરું ઉઘાડું પડ્યું ત્યારે દાઉદે સાદોક, નાથાન અને બનાયાને બોલાવ્યા અને જણાવ્યું કે તેઓ સુલેમાનનો રાજા તરીકે અભિષેક કરે. (૧ રાજા. ૧:૩૨-૩૪) આમ દાઉદે તેઓ પર ભરોસો બતાવ્યો. નાથાન અને બીજા ઈશ્વરભક્તોએ દાઉદને ટેકો આપ્યો અને યહોવાને વફાદાર રહ્યા. (૧ રાજા. ૧:૩૮, ૩૯) તેઓના દાખલાથી સાદોકને ચોક્કસ ઉત્તેજન મળ્યું હશે. સુલેમાન રાજા બન્યા ત્યારે તેમણે અબ્યાથારની જગ્યાએ સાદોકને પ્રમુખ યાજક બનાવ્યા.—૧ રાજા. ૨:૩૫.

૧૭. કોઈ સ્નેહીજન યહોવાને બેવફા બને ત્યારે, તમે કઈ રીતે સાદોકના પગલે ચાલી શકો?

૧૭ તમે કઈ રીતે સાદોકના પગલે ચાલી શકો? જો કોઈ સ્નેહીજન યહોવાને છોડી દે, તો બતાવી આપો કે તમે યહોવાને વફાદાર રહેવાનો નિર્ણય લીધો છે. (યહો. ૨૪:૧૫) જે ખરું છે એ કરવા યહોવા તમને ચોક્કસ હિંમત આપશે. યહોવા પર ભરોસો રાખો, તેમને પ્રાર્થના કરો, એવા દોસ્તોની નજીક રહો જેઓ યહોવાને વફાદાર છે. યાદ રાખો, યહોવા તમારી વફાદારીને ખૂબ જ અનમોલ ગણે છે અને તે એનું ઇનામ જરૂર આપશે.—૨ શમુ. ૨૨:૨૬.

૧૮. માર્કોભાઈ અને સિડસેબહેનના દાખલામાંથી તમે શું શીખ્યા?

૧૮ માર્કોભાઈ અને તેમની પત્ની સિડસેબહેનના દાખલા પર ધ્યાન આપો. તેમની બંને દીકરીઓએ યહોવાની સેવા કરવાનું છોડી દીધું. માર્કોભાઈ કહે છે: “બાળકોના જન્મથી જ તેઓ તમને ખૂબ જ વહાલાં હોય છે. તેઓનું રક્ષણ કરવા તમે કંઈ પણ કરવા તૈયાર હો છો. એટલે જ્યારે તેઓ યહોવાને છોડી દેવાનો નિર્ણય લે છે, ત્યારે તમારું દિલ તૂટી જાય છે.” તે આગળ જણાવે છે: “પણ યહોવા અમને મદદ કરતા આવ્યા છે. તેમણે હંમેશાં ખાતરી કરી છે કે મને અને મારી પત્નીને ઉત્તેજન મળે. હું ઢીલો પડી જાઉં ત્યારે મારી પત્ની મને સંભાળી લે છે અને તે ઢીલી પડી જાય ત્યારે હું તેને સંભાળી લઉં છું.” વધુમાં સિડસેબહેન કહે છે: “જો યહોવાએ અમને તાકાત આપી ન હોત, તો અમે કદી પણ આ દુઃખમાંથી બહાર આવી શક્યાં ન હોત. હું ખૂબ દુઃખી થઈ ગઈ હતી. મને લાગતું હતું કે જે કંઈ બન્યું એમાં મારો જ વાંક છે. એ વિશે મેં યહોવાને પ્રાર્થનામાં જણાવ્યું. એના થોડા જ સમય પછી એક બહેન મને મળી. ઘણાં વર્ષોથી અમે એકબીજાને મળ્યાં ન હતાં. તેણે મારા ખભા પર હાથ મૂક્યો અને મારી આંખોમાં આંખ પરોવીને કહ્યું, ‘સિડસે, યાદ રાખજે, એમાં તારો કોઈ વાંક નથી.’ યહોવાની મદદથી જ હું તેમની સેવામાં ખુશી જાળવી શકું છું.”

૧૯. તમે શું કરવાનો પાકો નિર્ણય લીધો છે?

૧૯ યહોવા ચાહે છે કે તેમના બધા સેવકો સાદોકની જેમ હિંમતવાન બને. (૨ તિમો. ૧:૭) પણ તે એવું નથી ચાહતા કે આપણે પોતાની તાકાત પર ભરોસો રાખીએ. તે ચાહે છે કે આપણે તેમના પર આધાર રાખીએ. એટલે જો કોઈ સંજોગમાં તમને હિંમતની જરૂર હોય, તો યહોવા પાસે જજો. ખાતરી રાખજો કે તે સાદોકની જેમ તમને ચોક્કસ બળવાન બનાવશે!—૧ પિત. ૫:૧૦.

આ સંજોગોમાં તમે કઈ રીતે સાદોકની જેમ હિંમત બતાવી શકો?

  • ઈશ્વરના રાજ્યને ટેકો આપતી વખતે

  • ભાઈ-બહેનોને મદદ કરતી વખતે

  • કોઈ સ્નેહીજન યહોવાને છોડી દે એ વખતે

ગીત ૪૩ જાગતા રહીએ

a યુવાન ભાઈઓના અનુભવો વાંચવા jw.org/gu પર જાઓ અને સમાચાર > દેશ-પ્રદેશના સમાચાર વિભાગ જુઓ. jw.org/gu પર આ વીડિયો જુઓ: ઈશ્વરભક્તોને શા માટે હિંમતની જરૂર છે—દુનિયાનો ભાગ ન બનવા.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો