વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w24 માર્ચ પાન ૧૪-૧૯
  • નિરાશા છતાં યહોવાની સેવામાં લાગુ રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નિરાશા છતાં યહોવાની સેવામાં લાગુ રહો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • કોઈ ભાઈ કે બહેન દુઃખ પહોંચાડે ત્યારે યહોવાને વફાદાર રહો
  • જીવનસાથી દિલ તોડે ત્યારે યહોવાને વફાદાર રહો
  • પોતાની ભૂલને લીધે નિરાશ થઈ જાઓ ત્યારે યહોવાને વફાદાર રહો
  • બાપ્તિસ્મા પછી ઊભા થતા અઘરા સંજોગો માટે શું તમે તૈયાર છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • યહોવા “કચડાયેલાં મનના લોકોને સાજા કરે છે”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • એકબીજાની નજીક આવવામાં આપણું ભલું છે!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • યહોવા “જીવતા ઈશ્વર” છે એ યાદ રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
w24 માર્ચ પાન ૧૪-૧૯

અભ્યાસ લેખ ૧૧

ગીત ૧૫૪ અંત સુધી યહોવાને વળગી રહીશું

નિરાશા છતાં યહોવાની સેવામાં લાગુ રહો

“તેં મારા નામને લીધે સહન કર્યું છે.”—પ્રકટી. ૨:૩.

આપણે શું શીખીશું?

પોતાની ભૂલોને લીધે અથવા બીજાઓને લીધે નિરાશ થઈ જઈએ તોપણ યહોવાની સેવા કરતા રહી શકીએ છીએ.

૧. યહોવાના સંગઠનનો ભાગ હોવાને લીધે આપણને કયા આશીર્વાદો મળ્યા છે?

દુનિયાના અંતના સમયમાં જીવન બહુ અઘરું થઈ ગયું છે. તોપણ આપણે ખુશ છીએ. કેમ કે આપણે યહોવાના કુટુંબનો ભાગ છીએ. યહોવાએ આપણને ભાઈ-બહેનો આપ્યાં છે, જેઓ એકબીજાને પ્રેમ કરે છે અને સંપીને રહે છે. (ગીત. ૧૩૩:૧) કુટુંબમાં ખુશીઓ લાવવા પણ યહોવા મદદ કરે છે. (એફે. ૫:૩૩–૬:૧) એટલું જ નહિ, ચિંતાઓનો સામનો કરવા અને ખુશ રહેવા યહોવા આપણને સમજણ અને બુદ્ધિ આપે છે.

૨. આપણે શું કરવાનું છે અને શા માટે?

૨ પણ યહોવાની ભક્તિમાં લાગુ રહેવા સખત મહેનત કરવાની છે. શા માટે? કારણ કે અમુક વાર બીજાઓ એવું કંઈક કહે અથવા કરે, જેનાથી આપણને ઠેસ પહોંચે. કદાચ પોતાની ભૂલોને લીધે નિરાશ થઈ જઈએ, ખાસ કરીને એ ભૂલો વારંવાર થઈ જાય ત્યારે. આ લેખમાં આપણે જોઈશું કે (૧) જ્યારે કોઈ ભાઈ કે બહેન આપણને દુઃખ પહોંચાડે (૨) જ્યારે જીવનસાથી આપણું દિલ તોડે અને (૩) જ્યારે પોતાની ભૂલને લીધે નિરાશ થઈ જઈએ, ત્યારે કઈ રીતે યહોવાની સેવામાં લાગુ રહી શકીએ અને તેમને વફાદાર રહી શકીએ. આપણે યહોવાના ત્રણ વફાદાર ભક્તો વિશે પણ જોઈશું, જેઓએ એવા જ સંજોગોનો સામનો કર્યો હતો.

કોઈ ભાઈ કે બહેન દુઃખ પહોંચાડે ત્યારે યહોવાને વફાદાર રહો

૩. યહોવાના લોકો સામે કઈ મુશ્કેલી આવે છે?

૩ મુશ્કેલી. મંડળનાં અમુક ભાઈ-બહેનોની આદતોથી કદાચ આપણને ચીડ ચઢે. કદાચ કોઈ ભાઈ કે બહેન આપણને દુઃખ પહોંચાડે કે આપણી સાથે ખરાબ રીતે વર્તે. એવું પણ બને કે કોઈ વડીલથી ભૂલ થઈ જાય. આ બધું જોઈને અમુકને શંકા થવા લાગે કે શું આ સાચે જ ઈશ્વરનું સંગઠન છે. પછી તેઓ ભાઈ-બહેનો સાથે “ખભેખભા મિલાવીને” ઈશ્વરની સેવા કરવાને બદલે એવા લોકોથી દૂર ભાગે, જેઓથી દુઃખ પહોંચ્યું હોય. (સફા. ૩:૯) તેઓ કદાચ સભામાં જવાનું પણ છોડી દે. શું એવું કરવામાં સમજદારી છે? એક ઈશ્વરભક્ત સાથે એવું જ કંઈક થયું હતું. ચાલો જોઈએ કે તેમની પાસેથી શું શીખી શકીએ.

૪. પાઉલે કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો?

૪ બાઇબલ સમયનો દાખલો. મંડળનાં ભાઈ-બહેનોના વર્તનને લીધે પ્રેરિત પાઉલે તરત માઠું ન લગાડ્યું. દાખલા તરીકે, તે ઈસુના શિષ્ય બન્યા એ પછી મંડળના ઘણા લોકો તેમનાથી ડરતા હતા. (પ્રે.કા. ૯:૨૬) પછીથી અમુક લોકોએ પીઠ પાછળ તેમની નિંદા કરી. (૨ કોરીં. ૧૦:૧૦) પાઉલે એક વડીલને એવું કંઈક કરતા જોયા, જેનાથી બીજાઓને ઠોકર લાગી શકતી હતી. (ગલા. ૨:૧૧, ૧૨) અધૂરામાં પૂરું, પાઉલના એક ખાસ મિત્ર માર્કે પણ તેમનું દિલ તોડ્યું. (પ્રે.કા. ૧૫:૩૭, ૩૮) એ બધા સંજોગોને લીધે પાઉલ એવાં ભાઈ-બહેનો સાથે હળવા-મળવાનું બંધ કરી શક્યા હોત, જેઓએ તેમને ઠેસ પહોંચાડી હતી. પણ તેમણે એવું ન કર્યું. તે ભાઈ-બહેનોને પ્રેમ કરતા રહ્યા અને વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહ્યા. પાઉલ શાના લીધે એવું કરી શક્યા?

૫. ભાઈ-બહેનોને માફ કરવા અને તેઓની નજીક રહેવા પાઉલને શાનાથી મદદ મળી? (કોલોસીઓ ૩:૧૩, ૧૪) (ચિત્ર પણ જુઓ.)

૫ પાઉલ ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરતા હતા. એના લીધે તેમણે તેઓની ખામીઓ પર નહિ, સારા ગુણો પર ધ્યાન આપ્યું. પ્રેમને લીધે તેમણે બીજાઓને માફ કર્યા, જેની તેમણે સલાહ પણ આપી હતી. (કોલોસીઓ ૩:૧૩, ૧૪ વાંચો.) ધ્યાન આપો કે તે માર્ક સાથે કઈ રીતે વર્ત્યા. પાઉલની પહેલી મિશનરી મુસાફરી વખતે માર્ક તેમને છોડીને જતા રહ્યા હતા. તોપણ પાઉલ તેમનાથી નારાજ ન રહ્યા. પછીથી કોલોસે મંડળને પત્ર લખ્યો ત્યારે તેમણે માર્કના વખાણ કર્યાં. તેમણે કહ્યું: ‘માર્ક મારી સાથે કામ કરનાર છે. તેણે મને ઘણો દિલાસો આપ્યો છે.’ (કોલો. ૪:૧૦, ૧૧) રોમમાં કેદ હતા ત્યારે પણ પાઉલે ખાસ વિનંતી કરી કે માર્ક તેમને મદદ કરવા આવે. (૨ તિમો. ૪:૧૧) જોઈ શકીએ છીએ કે પાઉલે ભાઈ-બહેનોને માફ કર્યાં અને તેમની નજીક રહ્યા. આપણે પાઉલ પાસેથી શું શીખી શકીએ?

ચિત્રો: ૧. માર્ક પાઉલને છોડીને જઈ રહ્યા છે અને પાઉલ માર્કને પાછા બોલાવી રહ્યા છે. ૨. પછીથી પાઉલ માર્ક સાથે ખૂબ સ્નેહથી વાત કરે છે.

પાઉલ, બાર્નાબાસ અને માર્ક વચ્ચે મતભેદ થયો હતો. તોપણ પાઉલ નારાજ ન રહ્યા. પછીથી તેમણે ખુશી ખુશી માર્ક સાથે કામ કર્યું (ફકરો ૫ જુઓ)


૬-૭. ભાઈ-બહેનોની ખામીઓ છતાં તેઓને પ્રેમ કરતા રહેવા આપણને શાનાથી મદદ મળી શકે? (૧ યોહાન ૪:૭)

૬ બોધપાઠ. યહોવા ચાહે છે કે આપણે ભાઈ-બહેનોને પ્રેમ કરતા રહીએ. (૧ યોહાન ૪:૭ વાંચો.) જ્યારે કોઈ ભાઈ કે બહેન આપણી સાથે ખરાબ રીતે વર્તે, ત્યારે આ વાત યાદ રાખી શકીએ: તે કંઈ જાણીજોઈને આપણને ખોટું લગાડવા માંગતા ન હતા અને તે પણ યહોવાની આજ્ઞાઓ પાળવા પૂરી કોશિશ કરી રહ્યા છે. (નીતિ. ૧૨:૧૮) યહોવા પોતાના વફાદાર સેવકોની ખામીઓ જાણે છે. છતાં તે તેઓને પ્રેમ કરે છે. આપણે ભૂલો કરીએ ત્યારે તે આપણી સાથે સંબંધ તોડી નથી નાખતા અને કાયમ ગુસ્સે નથી રહેતા. (ગીત. ૧૦૩:૯) યહોવાનો આભાર કે તે આપણને માફ કરે છે! તો ચાલો, તેમનું અનુકરણ કરીએ અને બીજાઓને માફ કરીએ.—એફે. ૪:૩૨–૫:૧.

૭ આ વાત પણ યાદ રાખો: જેમ જેમ અંત નજીક આવતો જાય છે, તેમ તેમ આપણે ભાઈ-બહેનોની વધારે નજીક રહેવું જોઈએ. આવનાર સમયમાં આપણી સખત સતાવણી થશે. શ્રદ્ધાને લીધે કદાચ આપણને જેલમાં પણ નાખી દેવામાં આવશે. એવું થાય ત્યારે ભાઈ-બહેનોની વધારે જરૂર પડશે. (નીતિ. ૧૭:૧૭) ધ્યાન આપો કે જોસફભાઈa સાથે શું થયું હતું. તે એક વડીલ છે અને સ્પેનમાં રહે છે. તેમણે અને બીજા અમુક ભાઈઓએ લશ્કરમાં જોડાવાની ના પાડી, એટલે તેઓને જેલની સજા થઈ. તે કહે છે: “જેલમાં બહુ સાંકડી જગ્યા હતી અને અમે બધા ભેગા રહેતા હતા. એટલે ઘણી વાર એકબીજાથી ચિડાઈ જતા. પણ અમારે એકબીજાનું સહન કરવાનું હતું અને દિલથી એકબીજાને માફ કરવાના હતા. એનાથી અમે હળી-મળીને રહી શક્યા. એવા કેદીઓથી પણ એકબીજાનું રક્ષણ કરી શક્યા, જેઓ યહોવાને ભજતા ન હતા. એકવાર મારો હાથ તૂટી ગયો. એના પર પાટો બાંધ્યો હતો, એટલે હું મારી જાતે કંઈ કરી શકતો ન હતો. પણ એક ભાઈ મારાં કપડાં ધોઈ આપતા અને બીજી રીતોએ પણ મને મદદ કરતા. તેમનો એ ઉપકાર હું ક્યારેય નહિ ભૂલું. એ સમયે મને એવા જ પ્રેમની જરૂર હતી.” ખરેખર, ભાઈ-બહેનો સાથે સુલેહ-શાંતિ કરવાનો અને તેઓને માફ કરવાનો આ જ સમય છે!

જીવનસાથી દિલ તોડે ત્યારે યહોવાને વફાદાર રહો

૮. પતિ-પત્નીએ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે?

૮ મુશ્કેલી. ઘરમાં બે વાસણ હોય તો ખખડે પણ ખરાં. એવું દરેક ઘરમાં બનતું હોય છે. બાઇબલમાં પણ જણાવ્યું છે: “જેઓ પરણે છે તેઓના જીવનમાં તકલીફો આવશે.” (૧ કોરીં. ૭:૨૮) શા માટે? કારણ કે પતિ-પત્ની બંનેમાં ખામીઓ છે અને તેઓથી ભૂલો થઈ જાય છે. તેઓનાં સ્વભાવ, પસંદ-નાપસંદ અલગ હોય છે. તેઓનો ઉછેર પણ જુદા જુદા સમાજમાં થયો હોય છે. એવું પણ બને કે લગ્‍નના અમુક સમય પછી તેઓને પોતાના સાથીની એવી આદતો દેખાય, જે લગ્‍ન પહેલાં ધ્યાનમાં આવી ન હોય. એ કારણોને લીધે તેઓ વચ્ચે તણખા ઝરી શકે છે. એવું થાય ત્યારે અમુક પતિ-પત્ની પોતાની ભૂલો જોવાને બદલે અને સાથે મળીને મુશ્કેલીનો ઉકેલ લાવવાને બદલે જીવનસાથીનો વાંક કાઢે. તેઓ કદાચ વિચારવા લાગે કે અલગ થવું અથવા છૂટાછેડા લેવા સારું રહેશે. પણ શું એનાથી મુશ્કેલી દૂર થઈ જશે?b ચાલો ઈશ્વરની એક સેવિકા વિશે જોઈએ. પતિને લીધે તેનું જીવન અઘરું હતું, છતાં તે યહોવાને વફાદાર રહી.

૯. અબીગાઈલે કઈ મુશ્કેલીનો સામનો કર્યો?

૯ બાઇબલ સમયનો દાખલો. અબીગાઈલનું લગ્‍ન નાબાલ સાથે થયું હતું. બાઇબલમાં જણાવ્યું છે કે તે કઠોર અને તોછડા સ્વભાવનો હતો. (૧ શમુ. ૨૫:૩) એવા માણસ સાથે જીવવું અબીગાઈલ માટે બહુ અઘરું હશે. શું તેની પાસે પોતાના લગ્‍નથી આઝાદ થવાની કોઈ તક હતી? હા. નાબાલે ઇઝરાયેલના ભાવિ રાજા દાઉદનું અને તેમના માણસોનું અપમાન કર્યું હતું. એટલે દાઉદ તેને મારી નાખવા માંગતા હતા. (૧ શમુ. ૨૫:૯-૧૩) એ વખતે અબીગાઈલ ત્યાંથી ભાગી શકી હોત અને નાબાલને દાઉદના હાથે મરવા દીધો હોત. પણ તેણે એવું ન કર્યું. તે દાઉદને મળવા ગઈ અને નાબાલને જીવતો છોડી દેવા દાઉદને મનાવી લીધા. (૧ શમુ. ૨૫:૨૩-૨૭) તેણે શા માટે એવું કર્યું?

૧૦. અબીગાઈલે કદાચ શા માટે પોતાનું લગ્‍ન ટકાવી રાખવા મહેનત કરી?

૧૦ અબીગાઈલ યહોવાને પ્રેમ કરતી હતી અને તેમની જેમ જ લગ્‍નને માન આપતી હતી. કદાચ તે જાણતી હતી કે યહોવાએ આદમ અને હવાનું લગ્‍ન કરાવ્યું ત્યારે, તેઓને શું કહ્યું હતું. (ઉત. ૨:૨૪) તેને ખબર હતી કે યહોવાની નજરે લગ્‍ન બહુ પવિત્ર છે. તે ઈશ્વરને ખુશ કરવા માંગતી હતી. એટલે પોતાના પતિ અને કુટુંબકબીલાને બચાવવા બનતું બધું કરવા તૈયાર હતી. તે ઉતાવળે દાઉદ પાસે ગઈ અને તેમને નાબાલનું ખૂન કરતા રોક્યા. અબીગાઈલની કોઈ ભૂલ ન હતી, છતાં તેણે દાઉદ પાસે માફી માંગી. સાચે જ, તે હિંમતવાળી હતી અને બીજાઓનો વિચાર કરતી હતી. એટલે યહોવા તેને ખૂબ પ્રેમ કરતા હતા. અબીગાઈલના દાખલામાંથી પતિ-પત્ની શું શીખી શકે?

૧૧. (ક) યહોવા પતિ-પત્નીઓ પાસેથી શું ચાહે છે? (એફેસીઓ ૫:૩૩) (ખ) કાર્મિનબહેને લગ્‍ન ટકાવી રાખવા શું કર્યું? એમાંથી આપણે શું શીખી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

૧૧ બોધપાઠ. યહોવા ચાહે છે કે પતિ-પત્ની લગ્‍નની ગોઠવણને માન આપે, પછી ભલે સાથે જીવવું અઘરું હોય. જ્યારે પતિ-પત્ની મુશ્કેલીઓનો ઉકેલ લાવવા મહેનત કરે છે અને એકબીજાને નિઃસ્વાર્થ પ્રેમ અને આદર બતાવે છે, ત્યારે યહોવાને બહુ ખુશી થાય છે. (એફેસીઓ ૫:૩૩ વાંચો.) કાર્મિનબહેનનો વિચાર કરો. લગ્‍નના છએક વર્ષ પછી તે યહોવાના સાક્ષીઓ પાસે બાઇબલમાંથી શીખવા લાગ્યાં. પછીથી તેમણે બાપ્તિસ્મા લીધું. તે કહે છે: “મારા પતિને એ જરાય ન ગમ્યું. યહોવાનું નામ સાંભળતા જ તેમનો પારો ચઢી જતો. તે મારું અપમાન કરતા અને મને છોડીને જતા રહેવાની ધમકી આપતા.” તોપણ પોતાનો સંસાર બચાવવા બહેને બનતું બધું કર્યું. ૫૦ વર્ષ સુધી તેમણે પોતાના પતિને પ્રેમ અને આદર બતાવવા મહેનત કરી. તે આગળ જણાવે છે: “વર્ષો વીતતાં ગયાં તેમ હું મારા પતિને વધારે સમજવાનું અને નરમાશથી વાત કરવાનું શીખી. મેં યાદ રાખ્યું કે યહોવાની નજરે લગ્‍ન પવિત્ર છે. એટલે એને ટકાવી રાખવા મેં મારાથી થાય એટલું કર્યું. હું યહોવાને પ્રેમ કરું છું, એ કારણે મારા પતિને છોડી દેવાનો મેં વિચારેય ન કર્યો.”c પતિ-પત્નીઓ, જો તમારા લગ્‍નજીવનમાં મુશ્કેલીઓ આવે, તો ભરોસો રાખો કે યહોવા તમને સાથ આપશે અને લગ્‍નસંબંધ નિભાવવા મદદ કરશે.

ચિત્રો: ૧. નાબાલ ખુરશી પર ઘસઘસાટ ઊંઘે છે અને અબીગાઈલ તેના માટે ધાબળો લાવે છે. ૨. એક બહેન અને તેમના પતિ સોફા પર બેઠાં છે. તેમના પતિ યહોવાના સાક્ષી નથી. પતિના એક હાથમાં છાપું છે અને બીજા હાથમાં દારૂનો ગ્લાસ છે. બહેન ખૂબ પ્રેમથી તેમના પતિ સાથે વાત કરી રહ્યાં છે.

કુટુંબકબીલાને બચાવવા અબીગાઈલ પોતાનાથી બનતું બધું કરવા તૈયાર હતી. તેની પાસેથી તમે શું શીખી શકો? (ફકરો ૧૧ જુઓ)


પોતાની ભૂલને લીધે નિરાશ થઈ જાઓ ત્યારે યહોવાને વફાદાર રહો

૧૨. મોટી ભૂલ થઈ જાય ત્યારે કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે?

૧૨ મુશ્કેલી. જો મોટી ભૂલ થઈ જાય તો આપણે નિરાશામાં ડૂબી જઈ શકીએ. બાઇબલમાં લખ્યું છે, પાપ કરવાને લીધે એક વ્યક્તિ ‘દુઃખી થઈ જાય અને તેનું દિલ કચડાઈ જાય.’ (ગીત. ૫૧:૧૭) ટોમભાઈનો દાખલો લો. વર્ષોની મહેનત પછી તે સહાયક સેવક બન્યા હતા. પણ પછીથી તેમણે એક મોટી ભૂલ કરી. તેમને લાગતું કે તેમણે યહોવાને દગો આપ્યો છે. તે કહે છે: “મેં જે કર્યું હતું એના લીધે મને દિલ પર મણ મણનો ભાર લાગતો. મારું અંત:કરણ ડંખતું. એટલું ખરાબ લાગતું કે એક સેકન્ડ માટે પણ ચેન ન પડતું. હું ધ્રૂસકે ને ધ્રૂસકે રડતો અને યહોવાને પ્રાર્થના કરતો. મને લાગતું કે યહોવા મારી પ્રાર્થના ક્યારેય નહિ સાંભળે. મેં તેમનું દિલ તોડ્યું છે, તો તે કેમ મારું સાંભળે?” આપણાથી કોઈ મોટી ભૂલ થઈ જાય ત્યારે હૃદયના ટુકડેટુકડા થઈ જાય છે. કેમ કે આપણું કચડાયેલું દિલ માનવા લાગે છે કે યહોવાએ આપણને છોડી દીધા છે, હવે તેમની ભક્તિ કરવાનો કોઈ અર્થ નથી. (ગીત. ૩૮:૪) જો તમને એવું લાગ્યું હોય, તો એક ઈશ્વરભક્તના દાખલા પર ધ્યાન આપો. તેમણે પણ એક મોટી ભૂલ કરી હતી, છતાં તે યહોવાની સેવામાં લાગુ રહ્યા.

૧૩. પિતરે કઈ ભૂલો કરી? આખરે તે કઈ મોટી ભૂલ કરી બેઠા?

૧૩ બાઇબલ સમયનો દાખલો. ઈસુના મરણની આગલી રાતે પ્રેરિત પિતરે એક પછી એક ઘણી ભૂલો કરી અને આખરે એક મોટી ભૂલ કરી બેઠા. સૌથી પહેલા, તેમણે પોતાના પર વધુ પડતો ભરોસો રાખ્યો. તેમણે છાતી ઠોકીને કહ્યું કે ભલે બીજા પ્રેરિતો ઈસુને છોડીને જતા રહે, પણ તે ઈસુને ક્યારેય નહિ છોડે. (માર્ક ૧૪:૨૭-૨૯) પછી, ગેથશેમાને બાગમાં ઈસુએ જાગતા રહેવાનું કહ્યું હતું ત્યારે પિતર વારંવાર એમ કરવાનું ચૂકી ગયા. (માર્ક ૧૪:૩૨, ૩૭-૪૧) એ પછી લોકો ઈસુને પકડવા આવ્યા ત્યારે તે ઈસુને છોડીને ભાગી ગયા. (માર્ક ૧૪:૫૦) આખરે પિતરે ત્રણ વાર ઈસુને ઓળખવાની ના પાડી. તે તો જૂઠા સમ પણ ખાવા લાગ્યા. (માર્ક ૧૪:૬૬-૭૧) જ્યારે પિતરને ખ્યાલ આવ્યો કે તેમણે કેટલી મોટી ભૂલ કરી છે, ત્યારે તે દુઃખી થઈ ગયા અને પોક મૂકીને રડવા લાગ્યા. (માર્ક ૧૪:૭૨) કદાચ તે પોતાને દોષિત ગણતા હતા. જરા વિચારો, અમુક કલાકો પછી તેમના મિત્ર ઈસુને મારી નાખવામાં આવ્યા, ત્યારે તેમને કેવું લાગ્યું હશે! તેમનું હૃદય વીંધાઈ ગયું હશે. પિતરને લાગ્યું હશે કે તે કોઈ કામના નથી.

૧૪. યહોવાની સેવામાં લાગુ રહેવા પિતરને શાનાથી મદદ મળી? (ચિત્ર જુઓ.)

૧૪ એ પછી પણ પિતર યહોવાની સેવામાં લાગુ રહ્યા. તે કઈ રીતે એવું કરી શક્યા? એનાં ઘણાં કારણો છે. જેમ કે, ભૂલ કર્યા પછી પિતરે પોતાને એકલા પાડી ન દીધા. તે બીજા શિષ્યો પાસે ગયા અને તેઓએ તેમને દિલાસો આપ્યો. (લૂક ૨૪:૩૩) એ ઉપરાંત, જીવતા થયા પછી ઈસુ પિતરને મળવા ગયા. કેમ કે તે કદાચ પિતરને ઉત્તેજન આપવા માંગતા હતા. (લૂક ૨૪:૩૪; ૧ કોરીં. ૧૫:૫) પછીથી પોતાના મિત્ર પિતરને તેમની ભૂલો માટે ખખડાવવાને બદલે ઈસુએ કહ્યું કે તેમને વધારે જવાબદારીઓ મળશે. (યોહા. ૨૧:૧૫-૧૭) પિતર જાણતા હતા કે તેમણે બહુ મોટી ભૂલ કરી હતી. તોપણ તેમણે હાર ન માની. તે જે ખરું છે એ કરતા રહ્યા. શા માટે? કારણ કે તેમને પૂરો ભરોસો હતો કે તેમના માલિક ઈસુ તેમને હજુયે પ્રેમ કરે છે. ઈસુના બીજા શિષ્યો પણ પિતરને સાથ આપતા રહ્યા. આપણે પિતરના દાખલામાંથી શું શીખી શકીએ?

 સળગતા કોલસા પર માછલી શેકાઈ રહી છે અને ઈસુ પિતર સાથે વાત કરી રહ્યા છે. બીજા પ્રેરિતો તેમની વાત ધ્યાનથી સાંભળે છે.

યોહાન ૨૧:​૧૫-૧૭થી જોવા મળે છે કે ઈસુ પિતરને પ્રેમ કરતા રહ્યા, એટલે પિતર યહોવાની સેવામાં લાગુ રહી શક્યા (ફકરો ૧૪ જુઓ)


૧૫. યહોવા આપણને કયો ભરોસો અપાવવા માંગે છે? (ગીતશાસ્ત્ર ૮૬:૫; રોમનો ૮:૩૮, ૩૯) (ચિત્ર પણ જુઓ.)

૧૫ બોધપાઠ. યહોવા આપણને ભરોસો અપાવવા માંગે છે કે તે આપણને પ્રેમ કરે છે અને માફ કરવા તૈયાર છે. (ગીતશાસ્ત્ર ૮૬:૫; રોમનો ૮:૩૮, ૩૯ વાંચો.) આપણે ભૂલ કરીએ ત્યારે પોતાને દોષ આપવા લાગીએ. એ સ્વાભાવિક અને યોગ્ય છે. પણ એવું ન વિચારવું જોઈએ કે યહોવા ક્યારેય આપણને પ્રેમ નહિ કરે કે માફ નહિ કરે. એના બદલે તરત મદદ લેવી જોઈએ. ટોમભાઈ વિશે આપણે અગાઉ જોઈ ગયા. તે કહે છે: “મને વધુ પડતો ભરોસો હતો કે હું એકલા હાથે લાલચ સામે લડી લઈશ. એટલે હું ભૂલ કરી બેઠો.” તેમને ખ્યાલ આવ્યો કે તેમણે વડીલો સાથે વાત કરવાની જરૂર હતી. તે કહે છે: “જ્યારે મેં વડીલો સાથે વાત કરી, ત્યારે તેઓએ મને અહેસાસ કરાવ્યો કે યહોવા હજી મને પ્રેમ કરે છે. મેં એ પણ જોયું કે વડીલો પણ મને પ્રેમ કરે છે.” જો મોટી ભૂલ થઈ જાય તો શું કરી શકીએ? પસ્તાવો કરીએ, વડીલોની મદદ લઈએ અને એ ભૂલ ફરી ન થાય એ માટે બનતો બધો પ્રયત્ન કરીએ. (૧ યોહા. ૧:૮, ૯) એમ કરીશું તો ખાતરી થઈ જશે કે યહોવા આપણને પ્રેમ કરે છે અને માફ કરવા તૈયાર છે. જો એવી ખાતરી હશે, તો મોટી ભૂલ કર્યા પછી પણ યહોવાની ભક્તિ કરવાનું છોડીશું નહિ.

બે વડીલો એક ભાઈને મળીને તેમને ઉત્તેજન આપે છે.

જ્યારે તમે જુઓ છો કે તમને મદદ કરવા વડીલો કેટલી મહેનત કરે છે, ત્યારે તમને શાની ખાતરી થાય છે? (ફકરો ૧૫ જુઓ)


૧૬. તમે યહોવાની સેવા કરતા રહેવાનો પાકો નિર્ણય કેમ લીધો છે?

૧૬ છેલ્લા દિવસોના મુશ્કેલ સમયમાં આપણે યહોવાની સેવા કરવા જે મહેનત કરીએ છીએ, એની તે ખૂબ કદર કરે છે. બની શકે કે પોતાની ભૂલોને લીધે અથવા બીજાઓની ભૂલોને લીધે આપણે નિરાશ થઈ જઈએ. પણ યહોવાની મદદ દ્વારા આપણે વફાદારીથી તેમની સેવા કરતા રહી શકીશું. ભાઈ-બહેનો આપણને ઠેસ પહોંચાડે ત્યારે પણ, તેઓને પ્રેમ કરતા રહીશું અને માફ કરતા રહીશું. જો લગ્‍નજીવનમાં તકલીફો ઊભી થાય, તો એનો ઉકેલ લાવવા મહેનત કરીશું. એમ કરીને બતાવી આપીશું કે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને લગ્‍નની ગોઠવણને માન આપીએ છીએ. જો કોઈ મોટી ભૂલ થઈ જાય, તો યહોવાની મદદ સ્વીકારીશું. ભરોસો રાખીશું કે તે આપણને પ્રેમ કરે છે અને માફ કરે છે તેમજ તેમની સેવામાં લાગુ રહીશું. તો ચાલો, “સારું કરવાનું પડતું ન મૂકીએ.” (ગલા. ૬:૯) એમ કરીશું તો ખાતરી રાખી શકીશું કે યહોવા અઢળક આશીર્વાદો આપશે.

આ સંજોગોમાં આપણે કઈ રીતે યહોવાની સેવા કરતા રહી શકીએ?

  • કોઈ ભાઈ કે બહેન દુઃખ પહોંચાડે ત્યારે

  • જીવનસાથી દિલ તોડે ત્યારે

  • પોતાની ભૂલને લીધે નિરાશ થઈ જઈએ ત્યારે

ગીત ૫૫ જીવન દીપ નહિ બૂઝે

a અમુક નામ બદલ્યાં છે.

b બાઇબલમાં જણાવ્યું છે કે પતિ-પત્નીએ એકબીજાથી અલગ થવું નહિ. એમાં એ સાફ જણાવ્યું છે કે જો તેઓ અલગ થાય, તો તેઓએ ફરીથી પરણવું નહિ. પણ કેટલાક મુશ્કેલ સંજોગોમાં અમુક પતિ-પત્નીએ અલગ થવાનો નિર્ણય લીધો છે. દુઃખ જશે, સુખ આવશે પુસ્તકમાં નોંધ ૪ “લગ્‍નસાથીથી અલગ થવું” જુઓ.

c બીજો એક દાખલો જોવા jw.org/gu પર આ વીડિયો જુઓ: છેતરામણી શાંતિથી દૂર રહો!—ડેરલ અને ડેબોરા ફ્રેઈસીંગર.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો