શિષ્ય બનાવવાના કામ પર ધ્યાન આપતા રહીએ
૧. લોકોનો જીવ બચાવવા શું કરવું જરૂરી છે?
૧ રાજ્યની ખુશખબર જણાવવા ઈશ્વરના લોકોનો દૃઢ નિર્ણય અને ઉત્સાહ, ૨૦૧૪ના સેવા વર્ષના અહેવાલમાંથી સાફ દેખાઈ આવે છે. (માથ. ૨૪:૧૪) આપણે અલગ અલગ રીતોથી ઘણા લોકોને બાઇબલનો સંદેશો જણાવી રહ્યા છીએ. જેમ કે, ઘર-ઘરનું પ્રચારકાર્ય, પત્રિકા અને આમંત્રણ પત્રિકાઓની ખાસ ઝુંબેશ અને જાહેરમાં પ્રચારકાર્ય. એ બધા દ્વારા લોકોને ફક્ત સંદેશો મળે છે. જોકે, તેઓનો જીવ બચાવવા જરૂરી છે કે, આપણે તેઓને ઈસુના શિષ્ય બનવા મદદ કરીએ. એમ કરવા, તેઓને બાઇબલમાંથી શીખવીએ.—૧ તીમો. ૨:૪.
૨. આપણે ક્યા સવાલો પર વિચાર કરવો જોઈએ?
૨ બાઇબલ અભ્યાસ ઑફર કરવા તૈયાર રહીએ: વ્યક્તિ રસ બતાવે ત્યારે, શું આપણે તેનું નામ-નંબર લેવા પ્રયત્ન કરીએ છીએ? અને તરત પાછા મળીને બાઇબલ અભ્યાસ શરૂ કરવાનો ધ્યેય રાખીએ છીએ? છેલ્લે ક્યારે તમે પહેલી જ મુલાકાતમાં બાઇબલ અભ્યાસ કઈ રીતે ચલાવવામાં આવે છે એ બતાવ્યું હતું? નિયમિત મૅગેઝિન લેનારાઓને તમે છેલ્લે ક્યારે બાઇબલ અભ્યાસની ઑફર કરી હતી? શું તમે સાથે નોકરી કરતી કે ભણતી વ્યક્તિઓને, પડોશીઓને, સગાં-વહાલાં અને ઓળખીતા લોકોને આ વીડિયો બતાવ્યા છે: બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? અને બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? ટેબલ કે ટ્રૉલી વાપરતી વખતે કોઈ વ્યક્તિ અભ્યાસ માટેના સાહિત્ય લે ત્યારે, શું તમે ફ્રી બાઇબલ અભ્યાસની ગોઠવણ વિશે જણાવો છો?
૩. સત્યને સારી રીતે શીખવવા શાની જરૂરી છે?
૩ યહોવા અને ઈસુ પાસેથી મળતી મદદ: ઈસુની આજ્ઞાના શરૂઆતના શબ્દો છે કે, ‘જાઓ અને શિષ્યો બનાવો.’ એ બતાવે છે કે, આપણે મહેનત કરવાની અને પહેલ કરવાની જરૂર છે. જોકે, તેમણે આપણને એકલા છોડી દીધા નથી પણ, સાથ આપવાનું વચન આપ્યું છે. (માથ. ૨૮:૧૯, ૨૦) લોકોને સારી રીતે સત્ય શીખવવા યહોવા આપણને પોતાની પવિત્ર શક્તિ આપે છે. ઉપરાંત, તે આપણને તાલીમ અને જરૂરી સાધનો પૂરા પાડીને મદદ કરે છે. (ઝખા. ૪:૬; ૨ કોરીં. ૪:૭) આ મહત્ત્વના કામ માટે ‘ઇચ્છા’ અને શક્તિ માટે આપણે પ્રાર્થના કરી શકીએ.—ફિલિ. ૨:૧૩.
૪. આપણે શા માટે શિષ્ય બનાવવાના કામ પર ધ્યાન આપતા રહેવું જોઈએ?
૪ લોકોને ખુશખબર જણાવવાથી આપણને ઘણી ખુશી મળે છે. પરંતુ, કોઈ વ્યક્તિને સત્ય શીખવવા અને ‘જીવનના માર્ગમાં’ ચાલવા મદદ કરીએ છીએ ત્યારે, આપણી ખુશીમાં વધારો થાય છે. (માથ. ૭:૧૪; ૧ થેસ્સા. ૨:૧૯, ૨૦) સૌથી મહત્ત્વનું તો, શિષ્ય બનાવવાના કામ પર ધ્યાન આપીએ છીએ ત્યારે, યહોવાને ખુશ કરીએ છીએ. તે ચાહે છે કે, ‘કોઈનો નાશ ન થાય પણ સઘળાં પસ્તાવો કરે.’—૨ પીત. ૩:૯.