ઑગસ્ટ મહિનો યાદગાર બનાવીએ!
આખી દુનિયામાં નવી પત્રિકાનું વિતરણ કરવામાં આવશે
૧. ઈશ્વરના રાજ્યને સો વર્ષ પૂરા થતા હોવાથી આખી દુનિયામાં કઈ ઝુંબેશની ગોઠવણ કરવામાં આવી છે?
૧ ઈશ્વરનું રાજ્ય સ્થપાયું એને સો વર્ષ પૂરા થવાની તૈયારી છે. એટલે, યહોવાને મહિમા આપવા આપણે ખાસ ઝુંબેશમાં જોડાઈએ એ ખૂબ જ મહત્ત્વનું છે. ઑગસ્ટ મહિનામાં આખી દુનિયામાં આ નવી પત્રિકાનું વિતરણ કરીશું: જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે? આ પત્રિકા વાચકોને જીવનમાં થતા સવાલોના જવાબ બાઇબલમાંથી શોધવા ઉત્તેજન આપે છે. તેમ જ, એ જણાવે છે કે jw.org તેઓને કઈ રીતે મદદ કરી શકે. આજે ઇન્ટરનેટ વાપરવું બહુ સામાન્ય થઈ ગયું છે. પણ ઘરમાલિકને ઇન્ટરનેટનો ઉપયોગ કરતા આવડતું ન હોય તો, શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે? (T-૩૫) પત્રિકા અથવા બીજી કોઈ પત્રિકા આપો.
૨. ઑગસ્ટમાં ‘મોટેથી યહોવાની સ્તુતિ કરવા’ આપણે શું કરી શકીએ?
૨ મોટેથી યહોવાની સ્તુતિ કરીએ: સેવાકાર્યમાં વધારે ભાગ લેવા પ્રકાશકોને મદદ મળે માટે ઑગસ્ટ મહિનામાં ખાસ ગોઠવણ કરવામાં આવી છે. એ મહિના દરમિયાન બાપ્તિસ્મા પામેલા પ્રકાશકો ચાહે તો પ્રચારમાં ૩૦ કલાક આપીને પણ સહાયક પાયોનિયરીંગ કરી શકે છે. ઑગસ્ટ મહિનામાં પાંચ શુક્રવાર, શનિવાર અને રવિવાર આવતા હોવાથી પૂરો સમય નોકરી-ધંધો કરતાં ભાઈબહેનો અને સ્કૂલમાં ભણતાં બાળકો પણ સહાયક પાયોનિયરીંગ કરી શકે છે. જો તમારું બાળક અથવા બાઇબલ વિદ્યાર્થી સારી પ્રગતિ કરતા હોય અને બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક બનવા ઇચ્છતા હોય, તો વડીલોના સેવકને તરત જ જણાવો. આ યાદગાર મહિનામાં આપણી સાથે પ્રચારકાર્યમાં જોડાવાથી તેઓને ખૂબ ઉત્તેજન મળશે! જોકે, ઘણા નિયમિત પાયોનિયરો વર્ષના કલાકો પૂરા કરીને મોટા ભાગે ઑગસ્ટ મહિનામાં વૅકેશન લેતા હોય છે. તોપણ, બની શકે કે તેઓ થોડો ફેરફાર કરીને આ ખાસ ઝુંબેશમાં પૂરો સાથ સહકાર આપી શકે. દરેક કુટુંબ સાથે મળીને ચર્ચા કરી શકે કે ઑગસ્ટમાં ‘મોટેથી યહોવાની સ્તુતિ કરવા’ તેઓ શું કરશે.—એઝ. ૩:૧૧; નીતિ. ૧૫:૨૨.
૩. આ ખાસ ઝુંબેશને યાદગાર બનાવવા આપણે શું કરી શકીએ?
૩ ખરું કે, આપણે આવી જ ઝુંબેશમાં પહેલાં પણ ભાગ લીધો હતો. તોપણ, ઑગસ્ટ મહિનાને આપણે યાદગાર બનાવવા ચાહીએ છીએ. એ માટે, શું આપણે ઑગસ્ટ મહિનામાં કલાકો, પ્રકાશકો અને સહાયક પાયોનિયરોની સંખ્યામાં વધારો કરી શકીએ? ૨૦૧૪નું સેવા વર્ષ પૂરું કરીએ તેમ ઑગસ્ટ મહિનામાં સૌથી વધારે પ્રચાર કરવા બનતું બધું જ કરીએ. એમ કરીશું તો, યહોવા ચોક્કસ આપણી મહેનતને આશીર્વાદ આપશે.—માથ. ૨૪:૧૪.