વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૬/૧૪ પાન ૨-૪
  • જાહેરમાં પ્રચાર કરવાની નવી ગોઠવણ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાહેરમાં પ્રચાર કરવાની નવી ગોઠવણ
  • ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • જાહેરમાં પ્રચાર કરવાની નવી અને મજેદાર રીત
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • ખુશખબર જણાવવાની રીતો
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • રસ્તા પર ખુશખબર ફેલાવવાની સારી રીત
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • પ્રચારમાં સમયનો સૌથી સારો ઉપયોગ કરીએ
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
૨૦૧૪ આપણી રાજ્ય સેવા
km ૬/૧૪ પાન ૨-૪

જાહેરમાં પ્રચાર કરવાની નવી ગોઠવણ

૧. પહેલી સદીના ખ્રિસ્તીઓએ પ્રચાર કરવા વિશે કયો દાખલો બેસાડ્યો?

૧ પહેલી સદીના ખ્રિસ્તીઓ ઘર ઘરના સેવાકાર્ય સિવાય જાહેરમાં પણ પ્રચાર કરતા. (પ્રે.કૃ. ૨૦:૨૦) દાખલા તરીકે, તેઓ મંદિરમાં જતા. કારણ કે, તેઓ જાણતા હતા કે ત્યાં વધારે લોકો મળશે. (પ્રે.કૃ. ૫:૪૨) પ્રેરિત પાઊલ એથેન્સમાં હતા ત્યારે રોજ ચૌટામાં કે બજારમાં જે મળતાં તેની સાથે પ્રચાર કરતા. (પ્રે.કૃ. ૧૭:૧૭) આજે પણ, ખુશખબર જણાવવાની આપણી મુખ્ય રીત છે ઘર ઘરનું પ્રચારકાર્ય. તેમ છતાં, આપણે આવી જગ્યાઓએ પણ પ્રચાર કરી શકીએ. જેમ કે, જાહેર પાર્કિંગની જગ્યા, વેપાર ધંધાનો વિસ્તાર, બગીચામાં, વધારે પડતી અવરજવર થતી જગ્યાઓએ. જોકે, બધા પ્રકાશકોને તક મળે ત્યાં જાહેરમાં પ્રચાર કરવાનું ઉત્તેજન આપવામાં આવે છે. ઘણાઓ માટે જાહેરમાં પ્રચાર કરવાની નવી ગોઠવણમાં ભાગ લેવાની સુંદર તક રહેલી છે.

૨. જાહેરમાં પ્રચાર કરતી વખતે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

૨ જાહેરમાં પ્રચાર કરવા વિશે આ લેખમાં અમુક માહિતી આપવામાં આવી છે. એનો એવો અર્થ નથી કે આપણી રાજ્ય સેવામાં સેવાકાર્ય વિશે જે સૂચનો પહેલાં આપવામાં આવ્યાં હતાં, એ હવે નકામાં થઈ ગયાં છે. આજે પણ એ એટલાં જ મહત્ત્વનાં છે. આપણે હંમેશાં સમજી વિચારીને પગલાં લેવા જોઈએ, જેથી પ્રચારકાર્યમાં મુશ્કેલી ઊભી ન થાય. વડીલોએ સમજી વિચારીને નક્કી કરવું જોઈએ કે મંડળના કયા પ્રચાર વિસ્તારમાં આ રીત અપનાવી શકે, જેથી કોઈ મુશ્કેલી ઊભી ન થાય. (વધારે માહિતી માટે વડીલો આ પત્રો તપાસી શકે: નવેમ્બર ૨૪, ૨૦૧૨ અને ફેબ્રુઆરી ૧૩, ૨૦૧૪) આપણે ઘર ઘરના પ્રચારકાર્યમાં કે રસ્તા પર પ્રચાર કરતી વખતે T-૮૫ પત્રિકા રાખીએ છીએ, જેનો વિષય છે: યહોવાના સાક્ષીઓ—લોકોને ખુશખબર જણાવવાની તેઓની જવાબદારી અને હક્ક. એ જ રીતે, ભલે આપણો પ્રચાર વિસ્તાર સારો હોય કે ન હોય, દરેક પ્રકાશકે જાહેરમાં પ્રચાર કરતી વખતે પોતાની સાથે એ પત્રિકા રાખવી જોઈએ.

૩. નવેમ્બર ૨૦૧૧માં કઈ નવી ગોઠવણ પહેલી વાર અજમાવવામાં આવી હતી?

૩ નવેમ્બર ૨૦૧૧માં ન્યૂ યૉર્ક શહેરમાં જાહેરમાં પ્રચાર કરવાની નવી ગોઠવણ પહેલી વાર અજમાવવામાં આવી હતી. એનો અહેવાલ ૨૦૧૩ની યરબુક પાન ૧૬ અને ૧૭ ઉપર જોવા મળે છે. શહેરમાં લોકોની વધારે પડતી અવરજવર થતી હોય એવી જગ્યાએ ટેબલ અથવા ટ્રૉલી ગોઠવવામાં આવ્યાં હતાં. એના પર અમુક ભાષાઓમાં એવા સાહિત્ય મૂકવામાં આવ્યાં હતાં જેથી લોકોને રસ પડે. ત્યાંથી હજારો લોકો આવ-જા કરતા હોય છે. એમાં એવા પણ લોકો હોય છે જેઓ એવા ઍપાર્ટમેન્ટમાં રહે છે જ્યાં બીજાઓ તેમને સહેલાઈથી મળી ન શકે અથવા એવા લોકો જે ઘરે મળતા નથી. ન્યૂ યૉર્કમાં આ રીતે પ્રચાર કરવાથી ધાર્યા કરતા વધારે સારાં પરિણામો આવ્યાં. ફક્ત એક જ મહિનામાં ૩,૭૯૭ મૅગેઝિન અને ૭,૯૮૬ પુસ્તકો આપવામાં આવ્યાં હતાં. ત્યાંથી પસાર થતા ઘણા લોકોએ જણાવ્યું કે તેઓને બાઇબલમાંથી શીખવું છે. આ ગોઠવણનો મુખ્ય હેતુ બાઇબલ અભ્યાસ શરૂ કરવાનો હતો. એટલે જેઓએ રસ બતાવ્યો તેઓનાં નામ અને સરનામાં એ વિસ્તારના મંડળોને તરત જ મોકલી આપવામાં આવ્યા હતા, જેથી એવા લોકોનો રસ જળવાઈ રહે.

૪. જાહેરમાં પ્રચાર કરવાની કઈ ગોઠવણ કરવામાં આવી છે? એમાં ભાગ લેનાર એક યુગલને કેવો અનુભવ થયો?

૪ જાહેરમાં પ્રચાર કરવાની ગોઠવણને ખૂબ જ સફળતા મળી. એટલે આખી દુનિયામાં મોટાં શહેરોમાં પણ આ રીતે પ્રચાર કરવાની ગોઠવણ કરવામાં આવી છે. એક યુગલ આમ જણાવે છે: “ટેબલ પાસે ઊભા રહીને હજારો લોકોને પસાર થતા જોઈને આખી દુનિયામાં થતા પ્રચારકાર્યની આપણા દિલ પર ઊંડી અસર થાય છે. આટલા બધા લોકોને જોઈને એ ખ્યાલ આવે છે કે યહોવા દરેકની ચિંતા કરે છે. એનાથી પ્રચારકાર્યને જીવનમાં પ્રથમ રાખવાનો અમારો નિર્ણય વધારે મક્કમ બન્યો છે. અમે ફક્ત કલ્પી શકીએ કે ટેબલ પાસેથી પસાર થનાર દરેક વ્યક્તિનાં દિલ યહોવા તપાસે છે, અને નમ્ર દિલના વ્યક્તિઓને શોધવા મદદ કરે છે. દૂતો પણ પ્રચારકાર્યમાં મદદ કરે છે, એ અમે અનુભવીએ છીએ.”

૫. (ક) જાહેરમાં પ્રચાર કરવા ઘણા મંડળોએ કઈ ગોઠવણ કરી છે? (ખ) જાહેરમાં પ્રચાર કરતી વખતે મંડળો કઈ રીતે એકબીજાને સાથ સહકાર આપી શકે?

૫ જાહેરમાં પ્રચાર કરવાની મંડળની ગોઠવણ: આ નવી ગોઠવણમાં સ્થાનિક મંડળના વડીલોએ અમુક ખાસ ગોઠવણ કરી છે. આ ગોઠવણમાં પ્રકાશક ફક્ત પોતાના મંડળના પ્રચાર વિસ્તારમાં વધારે આવ જાવ થતા સ્થળે ટેબલ કે ટ્રૉલીનો ઉપયોગ કરીને પ્રચાર કરે છે.—“દરેકના સાથ સહકારની જરૂર છે” બૉક્સ જુઓ.

૬. જાહેરમાં પ્રચાર કરવા શક્ય હોય એવા વિસ્તારમાં વડીલો કઈ ગોઠવણો કરશે?

૬ મંડળના વડીલો નક્કી કરી શકે કે કયા વિસ્તારમાં લોકો વધારે પસાર થતા હોય છે અને ત્યાં જાહેરમાં પ્રચાર કરવાથી ફાયદો થશે કે કેમ. આવા વિસ્તારમાં ટેબલ કે ટ્રૉલી ગોઠવી શકાય: બસ કે રેલવે સ્ટેશન, બાગ, વધારે લોકો પસાર થતા હોય એવા રસ્તા, મોટા મોલ, કૉલેજનો વિસ્તાર, ઍરપોર્ટ અને એવી જગ્યાઓ જ્યાં વાર્ષિક કાર્યક્રમો થતા હોય. જો એક જ સ્થળે, અમુક દિવસે અને અમુક ચોક્કસ સમયે ટેબલ કે ટ્રૉલી ગોઠવવામાં આવે તો વધારે ફાયદો થશે. એવું જોવા મળ્યું છે કે મોટા મોટા મોલ પાસે ટેબલ કે ટ્રૉલી રાખવાથી ઘણો ફાયદો થાય છે. જ્યારે કે એક જ મોટા સ્ટોર પાસે ટેબલ રાખીશું તો ઓછો ફાયદો થશે, કેમ કે ત્યાં લોકો ફક્ત કોઈક વસ્તુ લેવા આવતા હોય છે. અમુક રસ્તા પર વધારે લોકો પસાર થતા હોઈ શકે, એવી જગ્યાએ ટ્રૉલી પર સાહિત્યનાં પોસ્ટર મૂકવાથી સારાં પરિણામો આવશે. એ માટે આપણી વેબ સાઇટ પરથી વડીલો ચોકીબુરજ, સજાગ બનો! અને બાઇબલ શીખવે છે પુસ્તકને લગતી માહિતી કે પોસ્ટર ડાઉનલોડ કરી શકે છે. જાહેરમાં પ્રચાર કરવા માટે જ એ ખાસ તૈયાર કરવામાં આવ્યાં છે. સ્થાનિક વિસ્તારના લોકોમાં રસ જગાડે એવા વિષય પર પોસ્ટરની પસંદગી કરવી જોઈએ. લોકોની લાગણી દુભાય કે તેઓને ખોટું લાગે એવા પોસ્ટર પસંદ ન કરવા જોઈએ. આ ગોઠવણમાં ભાગ લેનારા ભાઈ-બહેનોએ સેવા નિરીક્ષકના માર્ગદર્શન પ્રમાણે કરવું જોઈએ. જો રસ ધરાવતી વ્યક્તિ તમારા વિસ્તારમાં રહેતી ન હોય તો તેનું સરનામું મેળવીને તરત જ પ્લીઝ ફૉલો-અપ (S-૪૩) ફૉર્મ ભરીને તમારા સેક્રેટરીને આપવું જોઈએ.

૭. જાહેરમાં કઈ રીતે પ્રચાર કરી શકીએ?

૭ પ્રચાર કઈ રીતે કરી શકીએ: લોકો ટેબલ કે ટ્રૉલી આગળ સામેથી વાત કરવા આવે એની પ્રકાશકો રાહ જુએ છે. કોઈ પાસે આવે ત્યારે, તેને ઉત્તેજન આપે છે કે તેને ગમતું સાહિત્ય લઈ શકે છે. તેને કોઈ સવાલ હોય તો પ્રકાશકો એનો જવાબ બાઇબલમાંથી ખુશીથી આપે છે. તે સાહિત્ય લે તો, પ્રકાશક સામેથી દાન વિશે કંઈ કહેશે નહિ. જો તે આપણા કાર્ય વિશે પૂછે તો, પ્રકાશક તેને સમજાવશે કે સાહિત્યમાં આપેલા સરનામા પર દાન મોકલી શકે છે. શક્ય હોય ત્યારે તેને આમ પૂછી શકે: “કોઈ તમને ઘરે આવીને શીખવે એવું તમે ચાહો છો?” અથવા “શું તમે જાણો છો કે એ સાહિત્ય લેનારને બાઇબલમાંથી અમે ફ્રીમાં શીખવીએ છીએ?”

૮. આ નવી ગોઠવણમાં ભાગ લેવાથી કેવા પરિણામ આવ્યા છે?

૮ આ રીતે પ્રચાર કરવાથી સારાં પરિણામ આવ્યા છે. ભારતના એક મંડળે આ રીત અપનાવી હતી. તેઓએ એક કલાકમાં ૧,૦૦૦થી વધારે મૅગેઝિન આપ્યા અને રસ ધરાવતી ૨૦૦ વ્યક્તિના સરનામાં મેળવ્યા. બેંગલોરમાં એક મોલની નજીક ટેબલ રાખવામાં આવ્યું હતું. એ જોઈને ટ્રાફિક ઇન્સ્પેક્ટર આવ્યા અને આપણા કાર્યથી બહુ પ્રભાવિત થયા. તેમણે કૌટુંબિક સુખ અને યુવાનો પૂછે છે પુસ્તકની અમુક પ્રત લીધી. આંધ્રપ્રદેશમાં એક રસ ધરાવતી વ્યક્તિ સાક્ષીઓને મળવાની રાહ જોતી હતી. જાહેરમાં આ રીતના પ્રચાર કાર્યથી તે સાક્ષીઓને મળી. હવે તે અભ્યાસ કરે છે અને સભાઓમાં આવે છે.

૯. જાહેરમાં પ્રચાર કરવાની મંડળની કોઈ ગોઠવણ ન હોય તો એમાં ભાગ લેવા તમે શું કરી શકો?

૯ દરેક જણ જાહેરમાં પ્રચાર કરી શકે છે: અમુક મંડળના પ્રચાર વિસ્તારમાં કદાચ એવી કોઈ જગ્યા કે રસ્તા નહિ હોય જ્યાંથી વધારે લોકો પસાર થતા હોય. એવા કિસ્સામાં ટ્રૉલી કે ટેબલ રાખવું કદાચ યોગ્ય નહિ હોય. તોપણ, એવા મંડળના પ્રકાશકોને જાહેરમાં પ્રચાર કરવાનું ઉત્તેજન આપવામાં આવે છે. શું તમારા વિસ્તારમાં દુકાનો છે, જ્યાંથી ઘણા લોકો પસાર થતા હોય? શું તમારા વિસ્તારમાં બાગ છે જ્યાં લોકો મળતા હોય? તમારા વિસ્તારમાં એવી કોઈ જગ્યા છે જ્યાં લોકો વાર્ષિક કાર્યક્રમ માટે મળતા હોય? જો હોય તો, વડીલોના માર્ગદર્શનથી એવી જગ્યાએ સાવચેત રહીને તમે જાહેરમાં પ્રચાર કરવાનો આનંદ માણી શકો છો.

૧૦. જ્યાં પણ લોકો મળે તેઓને પ્રચાર કરવા આપણે શું કરવું જોઈએ?

૧૦ યહોવા ચાહે છે કે “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.” (૧ તીમો. ૨:૪) એટલે જ, દુષ્ટ જગતનો અંત આવે એ પહેલાં ઘણા લોકોને રાજ્યની ખુશખબર જણાવવા આપણાથી બનતું બધું કરીએ છીએ. (માથ. ૨૪:૧૪) ઘણા વિસ્તારોમાં લોકો જલદી ઘરે મળતા નથી. તેમ છતાં, કદાચ જાહેર જગ્યાઓમાં તેઓ સાથે વાત કરવાનો આપણને મોકો મળે. બની શકે કે આવી ગોઠવણથી જ અમુક લોકો સત્ય વિશે જાણી શકે. આમ, જ્યાં પણ લોકો મળે ત્યાં પ્રચાર કરીને આપણે આપણું સેવાકાર્ય પૂરું કરી શકીએ છીએ.—૨ તીમો. ૪:૫.

દરેકના સાથ સહકારની જરૂર છે

એવું જોવા મળ્યું છે કે આસપાસના મંડળના પ્રકાશકો અમુક વખતે જાહેરમાં એક જ જગ્યાએ પ્રચાર કરતા હોય છે. જેમ કે, રસ્તા પર, પાર્કિંગની જગ્યાએ, વેપારી વિસ્તારમાં અથવા બસ કે રેલવે સ્ટેશન પર. અલગ અલગ મંડળના પ્રકાશકો એક જ જગ્યાએ પ્રચાર કરતા હોય છે અને સાહિત્ય મૂકતા હોય છે. જેમ કે, વેઇટિંગરૂમમાં, વેપારી વિસ્તારમાં, રિસેપ્શન કાઉન્ટર પર. ખરું કે, પ્રકાશકો એક જ સમયે ત્યાં પ્રચાર કરતા ન હોય તોપણ, આ રીતે વારંવાર જવાથી એની આજુબાજુ રહેતા પડોશીઓ અને નોકરી ધંધો કરતા લોકો કંટાળી જાય છે. એવું ન થાય માટે મંડળના પ્રચાર વિસ્તારમાં જ જાહેરમાં પ્રચાર કરવો વધારે સારું રહેશે.

જો પ્રકાશકો બીજા મંડળના વિસ્તારમાં જાહેરમાં પ્રચાર કરવા ચાહતા હોય, તો પહેલાં પોતાના મંડળના સેવા નિરીક્ષક સાથે વાત કરવી જોઈએ. તે બીજા મંડળના સેવા નિરીક્ષકની પરવાનગી ન લે, ત્યાં સુધી એ વિસ્તારમાં પ્રચાર ન કરવો જોઈએ. બીજી ભાષાના મંડળો પણ એ જ વિસ્તારમાં પ્રચાર કરવાનાં હોય તો, સેવા નિરીક્ષકોએ સારી ગોઠવણ કરવી જોઈએ જેથી, આજુબાજુના લોકોને ખલેલ ન પહોંચે. તેઓ એવી ગોઠવણ કરી શકે કે દરેક ગ્રૂપ જુદા જુદા વિસ્તારમાં કામ કરે અથવા એ જ વિસ્તારમાં જુદા જુદા સમયે કામ કરે, જેથી બધા ગ્રૂપ એક સાથે ભેગા ન થઈ જાય. બધાનો સારો સાથ સહકાર હશે તો, ‘શોભતી અને વ્યવસ્થિત રીતે’ આ કાર્યમાં ભાગ લઈ શકીશું.—૧ કોરીં. ૧૪:૪૦.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો