વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૧/૧૫ પાન ૫-૭
  • સાચા પરમેશ્વર યહોવાહમાં વિશ્વાસ કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સાચા પરમેશ્વર યહોવાહમાં વિશ્વાસ કરો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવાહ પોતાના હેતુઓને પૂરા કરે છે
  • યહોવાહ આપણી આશાને હકીકતમાં ફેરવી શકે છે
  • તમારા ગુજરી ગયેલા ફરી જીવતા થશે!
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • ગુજરી ગયા છે તેઓની આશાનો સૂરજ ઊગ્યો છે!
    ગુજરી ગયેલાનું દુઃખ સહેવું કઈ રીતે?
  • મરણ પછી શું?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • ઈસુએ લાજરસને જીવતા કર્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૧/૧૫ પાન ૫-૭

સાચા પરમેશ્વર યહોવાહમાં વિશ્વાસ કરો

શું તમે રાત્રે આકાશમાં વાદળ ન હોય ત્યારે, હજારો તારાઓને જોયા છે? એ ક્યાંથી આવ્યા? શું તમે એ વિષે જાણો છો?

રાતની નીરવતામાં તારાઓએ પ્રાચીન ઈસ્રાએલના રાજા દાઊદને લખવા પ્રેર્યા: “આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે; અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે.” (ગીતશાસ્ત્ર ૧૯:૧) હા, સૃષ્ટિ નહિ પરંતુ ઉત્પન્‍નકર્તા “મહિમા, માન તથા સામર્થ્ય પામવાને” યોગ્ય છે.​—⁠પ્રકટીકરણ ૪:​૧૧; રૂમી ૧:​૨૫.

બાઇબલ કહે છે, “સઘળી વસ્તુઓનો સરજનહાર તો દેવ છે.” (હેબ્રી ૩:૪) ખરેખર, સાચા પરમેશ્વર કે, ‘જેનું નામ યહોવાહ છે, તે જ આખી પૃથ્વી પર પરાત્પર દેવ છે.’ (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) તે કોઈ કાલ્પનિક દેવ નથી. ઈસુ ખ્રિસ્તે પોતાના સ્વર્ગીય પિતા, યહોવાહ વિષે કહ્યું: “જેણે મને મોકલ્યો છે તે સત્ય છે.”​—⁠યોહાન ૭:⁠૨૮.

યહોવાહ પોતાના હેતુઓને પૂરા કરે છે

પરમેશ્વરનું અજોડ નામ, યહોવાહ મૂળ હેબ્રી શાસ્ત્રવચનોમાં જ લગભગ ૭,૦૦૦ વાર જોવા મળે છે. તેમનું નામ જ બતાવે છે કે તે સત્ય પરમેશ્વર છે. પરમેશ્વરના નામનો શાબ્દિક અર્થ “તે બને છે” થાય છે. આથી, યહોવાહ પરમેશ્વર પોતાનું વર્ણન પોતાનાં વચનો પૂરા કરનાર તરીકે કરે છે. મુસાએ પરમેશ્વરને તેમનું નામ પૂછ્યું ત્યારે, યહોવાહે પોતાના નામના અર્થનું આ રીતે સવિસ્તાર વર્ણન કરતા કહ્યું: “હું જે છું તે છું.” (નિર્ગમન ૩:​૧૪) રોધરહામનું ભાષાંતર એ વિષે મુદ્દાસર કહે છે: “મને ગમે તે હું બનીશ.” યહોવાહ પોતાના ન્યાયી હેતુઓ અને વચનો પરિપૂર્ણ કરવા જે કંઈ જરૂરી હોય તે માટે સાબિત થાય છે, અથવા બનવાનું પસંદ કરે છે. આમ, તે ભવ્ય ખિતાબો ધરાવે છે, જેમ કે ઉત્પન્‍નકર્તા, પિતા, સર્વોપરી પ્રભુ, પાળક, સૈન્યોના દેવ યહોવાહ, પ્રાર્થનાના સાંભળનાર, ન્યાયાધીશ, મહાન શિક્ષક, છોડાવનાર.​—⁠ન્યાયાધીશ ૧૧:૨૭; ગીતશાસ્ત્ર ૨૩:૧; ૬૫:૨; ૭૩:​૨૮; ૮૯:​૨૬, NW; યશાયાહ ૮:૧૩; ૩૦:​૨૦, NW; યશાયાહ ૪૦:૨૮; ૪૧:⁠૧૪.

ફક્ત સાચા પરમેશ્વર જ યહોવાહ નામ ધારણ કરી શકે છે. કેમ કે માણસો પોતાની યોજના સફળ થશે કે કેમ એની ખાતરી રાખી શકતા નથી. (યાકૂબ ૪:૧​૩, ૧૪) યહોવાહ એકલા જ એમ કહી શકે: “વરસાદ તથા હિમ આકાશથી પડે છે, અને ભૂમિને સિંચ્યા વિના, ને તેને સફળ તથા ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનારને અન્‍ન આપ્યા વિના ત્યાં પાછાં ફરતાં નથી; તે પ્રમાણે મારૂં વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે [સફળ] થશે; મેં જે ચાહ્યું છે તે કર્યા વિના, ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના, તે ફોકટ મારી પાસે પાછું વળશે નહિ.”​—⁠યશાયાહ ૫૫:૧૦, ૧૧.

યહોવાહ પોતાના હેતુઓને ચોક્કસ પૂરા કરે છે પછી ભલે એ મનુષ્યોને અવાસ્તવિક લાગતા હોય. ઈબ્રાહિમ, ઈસ્હાક અને યાકૂબ સદીઓ પહેલાં મરી ગયા હતા છતાં, ઈસુએ તેઓનો ઉલ્લેખ કરીને કહ્યું: “તે [યહોવાહ] મૂએલાનો દેવ નથી, પણ જીવતાંનો છે; કેમકે સઘળા તેને અર્થે જીવે છે.” (લુક ૨૦:૩૭, ૩૮) આ ત્રણ વિશ્વાસુ કુટુંબવડાઓ બહુ લાંબા સમય પહેલાં મૃત્યુ પામ્યા હતા છતાં, તેઓ યહોવાહ માટે જીવંત છે. તેઓને ફરીથી સજીવન કરવાનો પરમેશ્વરનો હેતુ એકદમ ચોક્કસ છે. યહોવાહે પ્રથમ માણસને ભૂમિની માટીમાંથી બનાવ્યું હતું એના કરતાં, પ્રાચીન સમયના આ વિશ્વાસુ સેવકોને પાછા જીવનમાં લાવવા તેમના માટે બિલકુલ અઘરું નથી.​—⁠ઉત્પત્તિ ૨:⁠૭.

પરમેશ્વર પોતાના હેતુઓને પૂરા કરશે એનું બીજું એક ઉદાહરણ પ્રેષિત પાઊલ પૂરું પાડે છે. બાઇબલમાં ઈબ્રાહિમને ‘પ્રજાઓના પૂર્વજ’ કહેવામાં આવ્યા છે. (રૂમી ૪:૧૬, ૧૭) ઈબ્રામને એક પણ બાળક ન હતું ત્યારે, યહોવાહે તેમનું નામ બદલીને ઈબ્રાહીમ પાડ્યું કે જેનો અર્થ, “ઘણી દેશજાતિઓનો પૂર્વજ” થાય છે. યહોવાહે ચમત્કારિકપણે વયોવૃદ્ધ ઈબ્રાહીમ અને તેમની વૃદ્ધ પત્ની સારાહને પ્રજોત્પાદન શક્તિ પાછી આપીને એ નામને સાર્થક કર્યું.​—⁠હેબ્રી ૧૧:૧૧, ૧૨.

ખૂબ જ શક્તિ અને સત્તા ધરાવતા ઈસુ ખ્રિસ્તે માનવીઓ કરતાં પરમેશ્વરની નજરે વાસ્તવિકતા વિષે કહ્યું. તેમનો ખાસ મિત્ર લાજરસ મરણ પામ્યો હતો છતાં, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે; પણ હું તેને ઊંઘમાંથી જગાડવા સારૂ જવાનો છું.” (યોહાન ૧૧:૧૧) શા માટે ઈસુએ મરણ પામેલો માણસ ફક્ત ઊંઘી ગયો છે એમ કહ્યું?

ઈસુ લાજરસના ગામ બેથેનીઆમાં પહોંચ્યા ત્યારે, તે કબર પાસે ગયા અને કબર પર મૂકવામાં આવેલા પથ્થરને ખસેડી લેવાનું કહ્યું. મોટેથી પ્રાર્થના કર્યા પછી, તેમણે આજ્ઞા આપી: “લાજરસ, બહાર આવ.” ત્યારે કબર પર એકીટસે જોઈ રહેલાઓની સામે, “જે મરી ગએલો હતો તે કફનથી હાથે ને પગે વિંટાએલો બહાર આવ્યો; અને તેના મોં પર રૂમાલ બાંધેલો હતો.” ઈસુએ ત્યાર પછી કહ્યું: “એનાં બંધન છોડી નાખો, અને તેને જવા દો.” (યોહાન ૧૧:૪૩, ૪૪) હા, ઈસુએ લાજરસને સજીવન કર્યા હતા. તે ચાર દિવસથી મરણ પામેલી વ્યક્તિને ફરીથી જીવનમાં લાવ્યા! ઈસુએ કહ્યું કે તેમનો મિત્ર ઊંઘી ગયો છે ત્યારે, તે સત્યને ખોટી રીતે રજૂ કરી રહ્યા ન હતા. લાજરસ ભલે મરી ગયો હતો તોપણ, યહોવાહ અને ઈસુની નજરે તે ફક્ત ઊંઘી ગયો હતો. હા, ઈસુ અને તેમના સ્વર્ગીય પિતા વાસ્તવિક રીતે બાબતો કરે છે.

યહોવાહ આપણી આશાને હકીકતમાં ફેરવી શકે છે

છેતરામણી મૂર્તિઓ અને સાચા પરમેશ્વર વચ્ચે કેવો આભ-જમીનનો ફરક! મૂર્તિપૂજકો જેની પણ ભક્તિ કરે છે તેની પાસે જાણે અલૌકિક શક્તિ હોય એમ એને ખોટો મહિમા આપે છે. તેમ છતાં, આવી ભક્તિ મૂર્તિઓને તેઓ જે માને છે એવી ચમત્કારની શક્તિ આપી શકતી નથી. બીજી બાજુ, યહોવાહ પરમેશ્વર યોગ્ય રીતે જ, લાંબા સમય પહેલાં મરી ગયેલા પોતાના સેવકોને તેઓ જાણે જીવતા હોય એમ કહી શકે છે, કારણ કે તે તેઓને ફરીથી સજીવન કરી શકે છે. “યહોવાહ સત્ય દેવ છે” અને તે કદી પણ પોતાના લોકોને છેતરતા નથી.​—⁠યિર્મેયાહ ૧૦:⁠૧૦.

યહોવાહ નિયુક્ત સમયે પોતાના સ્મરણમાં છે તેઓનું ફરી એક વાર પુનરુત્થાન કરશે એ જાણવું કેટલું દિલાસો આપનારું છે! (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) હા, પુનરુત્થાનમાં વ્યક્તિની જીવન ઢબને ફરીથી આપવાનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા લોકોના મૂળ સ્વભાવ અને વ્યક્તિત્વને યાદ રાખીને તેઓને ફરીથી સજીવન કરવા પરમેશ્વર માટે કોઈ મોટી વાત નથી. કેમ કે ઉત્પન્‍નકર્તા પાસે અનંત ડહાપણ અને શક્તિ છે. (અયૂબ ૧૨:૧૩; યશાયાહ ૪૦:૨૬) યહોવાહ ખૂબ પ્રેમાળ હોવાથી, તે મૂએલાઓને પારાદેશ પૃથ્વી પર સજીવન કરવા પોતાની સંપૂર્ણ યાદશક્તિનો ઉપયોગ કરશે અને તેઓને મરણ પહેલાંનો સ્વભાવ અને વ્યક્તિત્વ પાછું આપશે.​—⁠૧ યોહાન ૪:⁠૮.

શેતાનના જગતનો અંત નજીક છે ત્યારે, સાચા પરમેશ્વર પર વિશ્વાસ કરનારાઓનું ભવિષ્ય ખરેખર ઉજ્જ્વળ છે. (નીતિવચનો ૨:​૨૧, ૨૨; દાનીયેલ ૨:​૪૪; ૧ યોહાન ૫:⁠૧૯) ગીતકર્તા આપણને ખાતરી આપે છે: “કેમકે થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; . . . નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧) ગુના અને હિંસા ભૂતકાળની બાબતો બની જશે. ન્યાયની જીત થશે અને કોઈ પણ ગરીબ નહિ હોય. (ગીતશાસ્ત્ર ૩૭:૬; ૭૨:૧૨, ૧૩; યશાયાહ ૬૫:૨૧-૨૩) સમાજ, નાતજાત અને કોમના સર્વ પ્રકારના ભેદભાવોને દૂર કરવામાં આવશે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) યુદ્ધો અને યુદ્ધનાં હથિયારો હશે નહિ. (ગીતશાસ્ત્ર ૪૬:૯) એ સમયે “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” (યશાયાહ ૩૩:૨૪) દરેક વ્યક્તિ સંપૂર્ણ તંદુરસ્તીનો આનંદ માણશે. (પ્રકટીકરણ ૨૧:​૩, ૪) સ્વર્ગ જેવી સુંદર પારાદેશ પૃથ્વી જલદી જ વાસ્તવિક બનશે. કેમ કે એ યહોવાહનો હેતુ છે!

હા, સર્વ બાઇબલ આધારિત આશા જલદી જ પરિપૂર્ણ થશે. આપણને યહોવાહમાં પૂરેપૂરો વિશ્વાસ હોય તો, શા માટે આપણે આ જગતની મૂર્તિપૂજાથી છેતરાવું જોઈએ? એ પરમેશ્વરની ઇચ્છા છે કે “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.” (૧ તીમોથી ૨:​૩, ૪) આપણા સમય અને સંપત્તિને આ જગતના કાલ્પનિક કે ભ્રામક દેવો પાછળ વેડફવાને બદલે, ચાલો આપણે સાચા પરમેશ્વરનું વધુ જ્ઞાન લઈએ અને પૂરા હૃદયથી તેમના પર વિશ્વાસ કરીએ.​—⁠નીતિવચનો ૩:​૧-૬; યોહાન ૧૭:૩.

[પાન ૬ પર ચિત્ર]

યહોવાહ અને ઈસુની દૃષ્ટિએ લાજરસ ફક્ત ઊંઘી ગયો હતો

[પાન ૭ પર ચિત્રો]

સુંદર પારાદેશ પૃથ્વી જલદી જ હકીકત બનશે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો