વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w00 ૧/૧ પાન ૩૦-૩૧
  • આપણને યહોવાહના સંગઠનની જરૂર છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આપણને યહોવાહના સંગઠનની જરૂર છે
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • શરૂઆતના ખ્રિસ્તીઓએ સંગઠિત થઈને લાભ મેળવ્યો
  • આજે પણ સંગઠનની જરૂર છે
  • યહોવા પોતાના સંગઠનને ચલાવી રહ્યા છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • મંડળો વધારે દૃઢ થાય છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • મંડળ કઈ રીતે સંગઠિત છે અને કઈ રીતે કામ કરે છે?
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • ઈશ્વરે શા માટે સંગઠન બનાવ્યું છે?
    ઈશ્વર પાસેથી ખુશખબર!
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
w00 ૧/૧ પાન ૩૦-૩૧

આપણને યહોવાહના સંગઠનની જરૂર છે

તમે ક્યારેય કોઈને એમ કહેતા સાંભળ્યા છે કે, “હું કોઈ ધાર્મિક સંગઠનમાં નહિ પણ દેવમાં માનું છું”? એક સમયે નિયમિત ચર્ચમાં જનારાઓ પણ ઘણી વાર આમ કહે છે. પરંતુ, તેઓના ધર્મએ આત્મિક જરૂરિયાતો પૂરી ન પાડી હોવાથી, તેઓ નિરુત્સાહી થયા છે. જોકે, ધાર્મિક સંગઠનથી નારાજ હોવા છતાં, ઘણા ઈશ્વરની ઉપાસના કરવા ચાહે છે. છતાં, તેઓ માને છે કે, કોઈ ચર્ચ અથવા બીજાં સંગઠનોમાં જોડાઈને દેવની ઉપાસના કરવા કરતાં, પોતાને યોગ્ય લાગે એમ ઉપાસના કરવી સારું છે.

પરંતુ, બાઇબલ શું કહે છે? શું ખ્રિસ્તીઓ કોઈ સંગઠનમાં જોડાય, એવું દેવ ઇચ્છે છે?

શરૂઆતના ખ્રિસ્તીઓએ સંગઠિત થઈને લાભ મેળવ્યો

પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.માં, યહોવાહ દેવે ફક્ત થોડા વિશ્વાસુજનો પર તેમનો પવિત્ર આત્મા રેડ્યો ન હતો. પરંતુ, જે સ્ત્રી-પુરુષો યરૂશાલેમમાં “એક સ્થળે” એક ઘરમાં એકઠા થયા હતા, તેઓ પર રેડ્યો. (પ્રેરિતોના કૃત્યો ૨:૧) એ સમયે, ખ્રિસ્તી મંડળ રચાયું, જે પછીથી આંતરરાષ્ટ્રીય સંગઠન બન્યું. પ્રથમ સદીના ખ્રિસ્તીઓ માટે એ ખરેખર આશીર્વાદરૂપ હતું. શા માટે? એક કારણ તો એ કે, તેઓને “આખા જગતમાં” દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવાની મહત્ત્વની સોંપણી મળી હતી. (માત્થી ૨૪:૧૪) મંડળમાં આવતા નવા લોકો અનુભવી ભાઈઓ પાસેથી શીખી શક્યા કે, કઈ રીતે પ્રચાર કરવો જોઈએ.

જલદી જ, રાજ્યનો સંદેશ યરૂશાલેમની બહાર દૂર સુધી ફેલાયો. પ્રેષિત પીતરે પોતાનો પહેલો પત્ર ૬૨ અને ૬૪ સી.ઈ.માં ખ્રિસ્તીઓને લખ્યો, જેઓ “પંતસ, ગલાતીઆ, કાપાદોકીઆ, આસિયા, અને બિથુનીઆમાં વિખેરાએલા” હતા જે આજના તુર્કસ્તાનમાં આવેલા છે. (૧ પીતર ૧:૨) વળી, પેલેસ્તાઈન, લેબેનન, સીરિયા, સૈપ્રસ, ગ્રીસ, ક્રીત અને ઇટાલીમાં પણ ખ્રિસ્તીઓ હતા. પાઊલે કોલોસીઓને ૬૦થી ૬૧ સી.ઈ.માં લખ્યું ત્યારે, સુવાર્તા “આકાશ તળેનાં સર્વ પ્રાણીઓને પ્રગટ થઈ” હતી.—કોલોસી ૧:૨૩.

બીજો લાભ એ હતો કે, સંગઠન તરીકે ભેગા મળવાથી ખ્રિસ્તીઓ એકબીજાને ઉત્તેજન આપી શકતા. મંડળમાં ભેગા મળવાથી ખ્રિસ્તીઓએ પ્રેરણા આપતા વાર્તાલાપો સાંભળ્યા, સાથે પવિત્રશાસ્ત્રનો અભ્યાસ કર્યો. વળી, વિશ્વાસ દૃઢ કરતા અનુભવો જણાવી શક્યા, અને સાથે પ્રાર્થનામાં પણ જોડાયા. (૧ કોરીંથીનો ૧૪મો અધ્યાય) તેમ જ પરિપક્વ પુરુષો ‘દેવના ટોળાનું પ્રતિપાલન’ કરી શક્યા.—૧ પીતર ૫:૨.

ખ્રિસ્તી મંડળના સભ્યો તરીકે, તેઓ એકબીજાને વધુ સારી રીતે ઓળખતા થયા, અને એકબીજાને ચાહતા થયા. શરૂઆતના ખ્રિસ્તીઓને મંડળ સાથે સંગત રાખવી બોજરૂપ લાગતી ન હતી. પરંતુ, એનાથી તો તેઓ ઉત્તેજન પામીને દૃઢ થયા.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૨ ૧૪:૨૭; ૧ કોરીંથી ૧૪:૨૬; કોલોસી ૪:૧૫, ૧૬.

જગતવ્યાપી મંડળ અથવા સંગઠનની જરૂરનું બીજું કારણ એ હતું કે, એકતા જળવાય રહે. એનાથી ખ્રિસ્તીઓ “એક સરખી વાત” કરતા શીખ્યા. (૧ કોરીંથી ૧:૧૦) એ ખૂબ જ જરૂરી હતું. મંડળના સભ્યો જુદા જુદા શૈક્ષણિક અને સામાજિક કુટુંબોમાંથી આવ્યા હતા. તેઓ અલગ અલગ ભાષાઓ બોલતા હતા, અને તેઓનું વ્યક્તિત્વ પણ ભિન્‍ન હતું. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૧૧) અમુક સમયે, તેઓમાં સાચે જ મતભેદો ઊભા થતા. છતાં, ખ્રિસ્તીઓને મદદ કરવામાં આવતી હતી, જેથી મંડળમાં જ તેઓના મતભેદોનો ઉકેલ લાવવામાં આવે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧, ૨; ફિલિપી ૪:૨, ૩.

સ્થાનિક વડીલો ઉકેલ ન લાવી શકે એવા ગંભીર પ્રશ્નો ઊભા થાય ત્યારે, પાઊલ જેવા અનુભવી પ્રવાસી નિરીક્ષકો પાસેથી મદદ લેવામાં આવતી હતી. મહત્ત્વની માન્યતા વિષેના પ્રશ્નો થાળે પાડવા યરૂશાલેમના નિયામક જૂથની મદદ માગવામાં આવતી હતી. નિયામક જૂથ પ્રથમ ઈસુ ખ્રિસ્તના શિષ્યોનું બનેલું હતું, પણ પછીથી યરૂશાલેમના મંડળના અનુભવી વડીલોનો પણ સમાવેશ થયો. દરેક મંડળે સ્વીકાર્યું કે, નિયામક જૂથ અને તેના પ્રતિનિધિઓની જવાબદારી દેવ પાસેથી છે. તેઓની જવાબદારી પ્રચારકાર્યની ગોઠવણ કરવાની, વડીલોને નિયુક્ત કરવાની અને માન્યતાને લગતી બાબતો પર નિર્ણયો લેવાની હતી. નિયામક જૂથના ભાઈઓ બાબત થાળે પાડતા ત્યારે, મંડળો એ નિર્ણય સ્વીકારતાં, અને એ ઉત્તેજનથી ‘આનંદ પામતાં.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧, ૨, ૨૮, ૩૦, ૩૧.

હા, યહોવાહે પહેલી સદીમાં સંગઠનનો ઉપયોગ કર્યો હતો. પરંતુ હાલના સમય વિષે શું?

આજે પણ સંગઠનની જરૂર છે

પ્રથમ સદીની માફક, આજે પણ યહોવાહના સાક્ષીઓ દેવના રાજ્ય વિષે પ્રચાર કરવો, મહત્ત્વની જવાબદારી માને છે. આ કામ કરવાની તેઓની એક રીત એ છે કે, તેઓ બાઇબલ અને બાઇબલને લગતાં સાહિત્યનો ઉપયોગ કરે છે. આ કામ માટે સંગઠન હોવું જરૂરી છે.

ખ્રિસ્તી પ્રકાશનો ઊંડો અભ્યાસ કરીને તૈયાર કરવામાં આવે છે. પછી, ચોક્સાઈ માટે તપાસ કરી, છાપીને, મંડળોમાં મોકલવામાં આવે છે. જેઓ વાંચવાની ઇચ્છા ધરાવે છે, તેઓને દરેક ખ્રિસ્તી સ્વેચ્છાએ સાહિત્ય પહોંચાડે છે. આ રીતે રાજ્ય સંદેશ લાખો લોકો સુધી પહોંચ્યો છે. સુસમાચારના પ્રકાશકો તેઓનું કાર્ય વ્યવસ્થિત રીતે કરે છે. તેમ જ, તેઓ કાળજી રાખે છે કે, કોઈ વિસ્તારમાં વારંવાર કાર્ય કરવામાં ન આવે, અને કોઈ વિસ્તાર રહી પણ ન જાય. આ સર્વ માટે સંગઠન જરૂરી છે.

“દેવ પક્ષપાતી નથી” તેથી, બાઇબલ અને બાઇબલ સાહિત્યોનું ભાષાંતર પણ થવું જોઈએ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪) હાલમાં, આ સામયિક ૧૩૨ ભાષાઓમાં મળે છે અને એનું સાથી સામયિક, સજાગ બનો! ૮૩ ભાષાઓમાં પ્રકાશિત થાય છે. એ માટે જગત ફરતે વ્યવસ્થિત ભાષાંતર ટુકડીઓ જરૂરી છે.

ખ્રિસ્તી સભાઓ અને સંમેલનોમાં હાજરી આપવાથી મંડળના સભ્યો ઉત્તેજન મેળવે છે. ત્યાં તેઓ ઉત્તેજનભર્યા વાર્તાલાપો સાંભળે છે, ભેગા મળીને શાસ્ત્રનો અભ્યાસ કરે છે, અનુભવોની આપ-લે કરે છે, અને સાથી વિશ્વાસીઓ સાથે પ્રાર્થનામાં જોડાય છે. પ્રથમ સદીના ભાઈઓની જેમ, તેઓ પણ પ્રેમાળ પ્રવાસી નિરીક્ષકોની વિશ્વાસ દૃઢ કરનારી મુલાકાતોનો આનંદ માણે છે. આમ, ખ્રિસ્તીઓ આજે “એક ટોળું, એક ઘેટાંપાળક” બને છે.—યોહાન ૧૦:૧૬.

જોકે, પ્રથમ સદીના ખ્રિસ્તીઓની જેમ, યહોવાહના સાક્ષીઓ પણ સંપૂર્ણ નથી. તેમ છતાં, તેઓ સંપીને કામ કરે છે. આમ, દેવના રાજ્યનું પ્રચાર કાર્ય આખી પૃથ્વી પર થઈ રહ્યું છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૬-૪૦; એફેસી ૪:૧૩.

[પાન ૩૧ પર ચિત્ર]

ખ્રિસ્તીઓ આજે “એક ટોળું, એક ઘેટાંપાળક” બને છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો