વિશ્વાસ તમારું જીવન બદલી શકે
“દેવ વિના પણ શક્યપણે, સારા સિદ્ધાંતો રાખી શકીએ છીએ.” આમ એક અજ્ઞેયવાદી સ્ત્રીએ દાવો કર્યોં. તેણે કહ્યું કે તેનાં બાળકો પણ દેવમાં માનતાં નહોતાં. તેમ છતાં તે સ્ત્રીએ પોતાનાં બાળકોને ઉચ્ચ નૈતિક ધોરણો શીખવ્યા અને તેનાં બાળકોએ પણ એ જ રીતે પોતાનાં બાળકોને ઉચ્ચ ધોરણો શીખવાડ્યાં.
શું એનો અર્થ એ થાય છે કે દેવમાં વિશ્વાસ મૂકવો જરૂરી નથી? આ સ્ત્રીએ કદાચ એવું જ વિચાર્યું હતું. અને દરેક લોકો જે દેવમાં માનતા નથી ખરાબ હોય છે એવું માનવું જરૂરી નથી. પ્રેષિત પાઊલે “વિદેશીઓ” વિષે કહ્યું કે જેઓ દેવને જાણતા ન હતા, પરંતુ ‘સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે વર્તતા હતા.’ (રૂમી ૨:૧૪) દરેક વ્યક્તિઓ—અજ્ઞેયવાદીઓ પણ—પાસે અંતઃકરણ હોય છે. ઘણા લોકો પોતાનું અંતઃકરણ કહે છે એ પ્રમાણે કરવાનો પ્રયત્ન કરે છે, છતાં તેઓ દેવમાં માનતા નથી કે જેમણે ખરું ખોટું પારખવાની જ્ઞાનેન્દ્રિયો આપી છે.
તેમ છતાં, દેવમાં નક્કર વિશ્વાસ—બાઇબલ પર આધારિત—અંતઃકરણના માર્ગદર્શન કરતાં સારું કરવા માટેનું સૌથી વધારે શક્તિશાળી સાધન છે. દેવના શબ્દ બાઇબલ પર આધારિત વિશ્વાસ અંતઃકરણને ખરું ખોટું પારખવાની જાણકારી આપે છે. (હેબ્રી ૫:૧૪) વધુમાં, વિશ્વાસથી લોકો ઉચ્ચ ધોરણોને જાળવી રાખી શકે છે અને તેઓને ગમે તેવા દબાણનો સામનો કરવા મદદ મળે છે. દાખલા તરીકે, ૨૦મી સદી દરમિયાન ઘણા દેશોમાં ભ્રષ્ટ રાજકીય શાસન પદ્ધતિએ સદાચારી લોકો પાસે ભયંકર દુષ્ટ કામો કરાવ્યા. તેમ છતાં, દેવમાં સાચો વિશ્વાસ ધરાવનારાઓએ પોતાનું જીવન જોખમમાં હોવા છતાં, સિદ્ધાંતો સાથે સમાધાન કરવાનો ઇન્કાર કર્યો. વધુમાં, બાઇબલ આધારિત વિશ્વાસ લોકોનું જીવન બદલી શકે છે. આવો વિશ્વાસ, જેઓ પોતાના જીવનથી ભટકી ગયા છે તેઓને માર્ગ બતાવે છે અને લોકો ગંભીર ભૂલો ન કરે એ માટે મદદ કરે છે. ચાલો આપણે થોડાક ઉદાહરણો જોઈએ.
વિશ્વાસ કૌટુંબિક જીવન બદલી શકે
“તમારા વિશ્વાસથી તમે અશક્ય બાબતોને સફળતાપૂર્વક પાર પાડી છે.” આમ કહેતા એક અંગ્રેજ ન્યાયાધીશે જૉન અને તાન્યાને તેમનાં બાળકોની સંભાળ રાખવાનો હક્ક પાછો આપ્યો. અધિકારીઓને જૉન અને તાન્યા વિષે ખબર પડી ત્યારે, તેઓએ લગ્ન કર્યું ન હતું અને તેઓનું ગૃહજીવન મુશ્કેલીમાં હતું. જૉન કૅફી પદાર્થનો બંધાણી હતો અને તેને જુગારની પણ આદત હતી, આથી તે પૈસા મેળવવા ગુના તરફ વળ્યો. તેણે પોતાનાં બાળકો અને તાન્યાને તરછોડ્યા. અચાનક તેના જીવનમાં કેવો “ચમત્કાર” થયો?
એક દિવસ, જૉને પોતાના યુવાન ભત્રીજાને પારાદેશ વિષે વાત કરતા સાંભળ્યો. આનાથી જિજ્ઞાસુ થઈને તેણે ભત્રીજાના માબાપ પાસેથી જાણકારી મેળવી. માબાપ યહોવાહના સાક્ષી છે, અને તેઓએ જૉનને એ વિષે બાઇબલમાંથી શીખવા મદદ કરી. ધીરે ધીરે જૉન અને તાન્યાએ બાઇબલ આધારિત વિશ્વાસ કેળવ્યો, કે જેણે તેઓનું જીવન બદલ્યું. તેઓએ કાયદેસર લગ્ન કર્યું અને દુર્ગુણોને આંબી શક્યા. અધિકારીઓ જૉન અને તાન્યાના ઘરનું નિરીક્ષણ કરવા આવ્યા ત્યારે તેઓએ જે થોડા મહિનાઓ પહેલા અશક્ય હતી એવી કેટલીક બાબતો જોઈ—સ્વચ્છ ઘરમાં સુખી કુટુંબ, એવું વાતાવરણ જ્યાં બાળકોનો ઉછેર પણ સારી રીતે થાય. આ માટે ન્યાયાધીશે આ “ચમત્કાર”ની ખ્યાતિ જૉન અને તાન્યાના નવા વિશ્વાસને આપી.
ઇંગ્લૅંડથી હજારો કિલોમીટર દૂર, પૂર્વના દેશમાં રહેતી એક યુવાન પત્ની એક મોટું દુઃખદ પગલું ભરવાની હતી. દર વર્ષે લાખો છૂટાછેડા લેનારાઓની જેમ તે છૂટાછેડા લઈ તેઓ સાથે જોડાવાની યોજના કરી રહી હતી. તેનું એક બાળક પણ હતું, અને તેનો પતિ ઉંમરમાં ઘણો મોટો હતો. આ કારણે, તેનાં સગાઓ તેને છૂટાછેડા આપવા ઉશ્કેરતાં હતાં, અને વાસ્તવમાં તેણે આમ કરવા માટેની ગોઠવણ પણ શરૂ કરી દીધી. તેમ છતાં, તે યહોવાહના એક સાક્ષી બહેન સાથે બાઇબલનો અભ્યાસ કરતી હતી. સાક્ષીએ તેના નિર્ણય વિષે સાંભળ્યું ત્યારે તેણે બાઇબલ લગ્ન વિષે શું કહે છે એ સમજાવ્યું—દાખલા તરીકે, લગ્ન દેવ તરફથી ભેટ છે અને આપણે એને એમ જ ઠુકરાવું ન જોઈએ. (માત્થી ૧૯:૪-૬, ૯) આ સ્ત્રી મનોમન વિચારતી હતી કે ‘આ અપરિચિત બહેન અમારા કુટુંબને બચાવવા માટે પ્રયત્ન કરે છે, જ્યારે કે મારાં સગાસંબંધીઓ મારું કુટુંબ તોડવા ઇચ્છે છે.’ તેના નવા વિશ્વાસે તેના લગ્નને ટકાવી રાખવા મદદ કરી.
ગર્ભપાત પણ એક દુઃખદ બાબત છે જે કૌટુંબિક જીવનને અસર કરે છે. યુનાઈટેડ નેશન્સ અહેવાલ આપે છે કે અંદાજે દર વર્ષે લગભગ ૪.૫ કરોડ બાળકોનો ગર્ભપાત કરાવવામાં આવે છે. દરેક ગર્ભપાત દુઃખની બાબત છે. ફિલિપાઈન્સમાં એક સ્ત્રીને બાઇબલના જ્ઞાને ગર્ભપાત ન કરાવવા માટે મદદ કરી.
આ સ્ત્રી પાસે યહોવાહના સાક્ષીઓ આવ્યા, તેણે બાઇબલ આધારિત દેવ આપણી પાસે શું માંગે છે?a મોટી પુસ્તિકા સ્વીકારી અને બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. મહીનાઓ પછી તેણે સમજાવ્યું કે શા માટે તેણે બાઇબલ અભ્યાસનો સ્વીકાર કર્યોં. સાક્ષીઓએ પ્રથમવાર સ્ત્રીની મુલાકાત લીધી ત્યારે તે સગર્ભા હતી, પરંતુ તેણે અને તેના પતિએ ગર્ભપાત કરાવવાનો નિર્ણય લીધો હતો. તેમ છતાં, મોટી પુસ્તિકામાં પાન ૨૪ પર આપેલ ગર્ભમાં વિકસી રહેલા બાળકનું ચિત્ર સ્ત્રીના હૃદયને સ્પર્શી ગયું. બાઇબલ આધારિત સમજણ કે જીવન પવિત્ર છે કારણ કે ‘જીવનનો ઝરો દેવ છે,’ એની સાથે સહમત થતા તેણે શિશુને રાખવાનો નિર્ણય કર્યોં. (ગીતશાસ્ત્ર ૩૬:૯) હમણાં તે સુંદર અને તંદુરસ્ત બાળકની માતા છે.
વિશ્વાસે તિરસ્કારાયેલાઓને મદદ કરી
ઇથિયોપિયામાં બે માણસો લઘરવઘર કપડાંમાં યહોવાહના સાક્ષીઓની સભાઓમાં આવ્યા હતા. સભાના અંતે, એક સાક્ષીએ મૈત્રીપૂર્વક પોતાનો પરિચય આપ્યો. બંને માણસોએ એ સાક્ષી પાસેથી પૈસા માગ્યા. સાક્ષીએ તેમને પૈસા નહિ, પરંતુ બીજી એક સારી વસ્તુ આપી. તેમણે તેઓને દેવમાં વિશ્વાસ બતાવવાનું ઉત્તેજન આપ્યું, જે “નાશવંત સોના કરતાં બહુ મૂલ્યવાન છે.” (૧ પીતર ૧:૭) એમાંથી એકે પ્રત્યુત્તર આપ્યો અને બાઇબલ અભ્યાસ શરૂ કર્યોં. એનાથી તેનું જીવન બદલાયું. તે પોતાના વિશ્વાસમાં વધતો ગયો તેમ તેણે ધૂમ્રપાન, દારૂ, અનૈતિકતા અને ખટ (એક પ્રકારનું ઉત્તેજક લીલું પાન)નો ઉપયોગ કરવાનું છોડી દીધું. તે ભીખ માગવા કરતાં પોતાનો બોજો જાતે ઉપાડવાનું શીખ્યો, હવે તેનું જીવન શુદ્ધ અને અર્થભર્યું છે.
ઇટાલીમાં ૪૭ વર્ષના એક માણસને ન્યાયાધીશે જેલની માનસિક રોગની હૉસ્પિટલમાં દસ વર્ષ રાખવાની સજા કરી. યહોવાહના એક સાક્ષીને આત્મિક રીતે મદદ કરવા જેલમાં પ્રવેશવાની પરવાનગી હતી, તેમણે તેની સાથે બાઇબલ અભ્યાસ કર્યોં. માણસે જલદી જ પ્રગતિ કરી. વિશ્વાસે તેનું જીવન એટલું બધું બદલ્યું હતું કે બીજા કેદીઓ પણ સમસ્યાને કઈ રીતે હાથ ધરવી એ વિષે સલાહ લેવા માટે તે ભાઈ પાસે આવતા હતા. બાઇબલ આધારિત વિશ્વાસથી તેણે જેલના અધિકારીઓ તરફથી માન, આદર અને ભરોસો મેળવ્યા.
તાજેતરનાં વર્ષોમાં વર્તમાનપત્રએ આફ્રિકામાં આંતરવિગ્રહનો અહેવાલ આપ્યો. ખાસ કરીને યુવાન છોકરાઓને સૈનિકોની તાલીમ આપવામાં આવે છે એવો અહેવાલ વાંચીને આઘાત પહોંચે છે. આ બાળકોને કેફી પદાર્થ આપવામાં, તેઓ પર ક્રૂરતા આચરવામાં અને સગાઓની વિરુદ્ધ ક્રૂરતા બતાવવા માટે જબરજસ્તી કરાવવામાં આવે છે. પોતાના જૂથને વફાદાર છે કે નહિ એ જોવા માટે આ બધુ કરાવવામાં આવે છે. શું બાઇબલ આધારિત વિશ્વાસ એટલો મજબૂત છે કે આવા યુવાનોનું જીવન બદલી શકે? ઓછામાં ઓછા બે કિસ્સાઓમાં એ સાચું સાબિત થયું હતું.
લાઇબીરિયામાં એલેક્ષ કૅથલિક ચર્ચની અંદર પવિત્ર સ્થાનમાં કામ કરતો હતો. પરંતુ તેર વર્ષની ઉંમરે તે યુદ્ધદળમાં જોડાયો અને નામાંકિત સૈનિક બન્યો. યુદ્ધમાં હિંમતવાન બનવા માટે તેણે મેલીવિદ્યાનો સહારો લીધો. તેના ઘણા સાથીઓ મરી ગયા પરંતુ, તે બચી ગયો. વર્ષ ૧૯૯૭માં તેને યહોવાહના સાક્ષીઓનો ભેટો થયો, તેણે જોયું કે તેઓ તેને ધિક્કારતા ન હતા. એના બદલે હિંસા વિષે બાઇબલ શું કહે છે એ શીખવા તેઓએ તેને મદદ કરી. એલેક્ષે લશ્કર છોડ્યું. તે વિશ્વાસમાં વધતો ગયો તેમ તે બાઇબલ આજ્ઞાને અનુસર્યો: “દુષ્ટતાથી દૂર રહેવું, ને ભલું કરવું; તેણે સલાહશાંતિ શોધવી, અને તેની પાછળ મંડ્યા રહેવું.”—૧ પીતર ૩:૧૧.
એ સમય દરમિયાન એક ભૂતપૂર્વ સૈનિક સૅમસન, એલેક્ષ હમણાં રહે છે એ શહેરમાં આવ્યો. તે દેવળમાં ગાયક હતો પરંતુ તે ૧૯૯૩માં સૈનિક બન્યો અને કેફી પદાર્થ, પિશાચવાદ તથા અનૈતિકતામાં સંડોવાયો. વર્ષ ૧૯૯૭માં તેને લશ્કરમાંથી છૂટો કરવામાં આવ્યો. સૅમસન ખાસ સલામતીના કાર્યમાં જોડાવા મનરોવિયા જતો હતો ત્યારે, એક મિત્રએ તેને યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરવા માટેની અરજ કરી. પરિણામે તેણે બાઇબલ આધારિત વિશ્વાસ કેળવ્યો. આ વિશ્વાસે તેને યુદ્ધના માર્ગો છોડી દેવા માટે હિંમત આપી. એલેક્ષ અને સૅમસન હવે શાંતિપૂર્ણ અને નૈતિક જીવન જીવે છે. શું બાઇબલ પર આધારિત વિશ્વાસ સિવાય બીજી કોઈ બાબત આવા લોકોનું જીવન બદલી શકે કે જેઓની સાથે ક્રૂર વ્યવહાર કરવામાં આવ્યો હોય?
ખરો વિશ્વાસ
આ તો આપણે ફક્ત થોડાં ઉદાહરણો જોયા, બીજાં ઘણાં ઉદાહરણો બતાવે છે કે બાઇબલ આધારિત સાચા વિશ્વાસથી સામર્થ્ય મળી શકે. અલબત્ત, દેવને માનનાર દરેક વ્યક્તિઓ કંઈ બાઇબલનાં ઉચ્ચ ધોરણોને પાળતી નથી. ખરેખર, કેટલાક ખ્રિસ્તી હોવાનો દાવો કરે છે તેઓ કરતાં ઘણાં નાસ્તિકો સારું જીવન જીવતા હોય છે. બાઇબલ આધારિત વિશ્વાસમાં દેવને માનવા કરતાં પણ વધુ બાબતોનો સમાવેશ થાય છે.
પ્રેષિત પાઊલે કહ્યું કે “વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે.” (હેબ્રી ૧૧:૧) એથી, જોઈ ન શકીએ એવી નક્કર બાબતોમાં માનવું, એ વિશ્વાસ છે—જે નકારી ન શકાય એવા પુરાવા પર આધારિત છે. ખાસ કરીને વિશ્વાસમાં એ બાબતોનો સમાવેશ થાય છે કે દેવ અસ્તિત્વ ધરાવે છે એમાં કોઈ શંકા નથી, તે આપણામાં રસ ધરાવે છે અને તેમની ઇચ્છા પૂરી કરનારાઓને તે આશીર્વાદ આપશે. પ્રેષિત પાઊલે એ પણ કહ્યું: “દેવની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે.”—હેબ્રી ૧૧:૬.
આ પ્રકારના ખરા વિશ્વાસે જૉન, તાન્યા અને લેખમાં નોંધવામાં આવેલા બીજાઓનું જીવન બદલ્યું. વિશ્વાસથી તેઓ દેવના શબ્દ, બાઇબલ પર સંપૂર્ણ ભરોસો મૂકવા લાગ્યા, એનાથી તેઓને નિર્ણય લેવામાં મદદ મળી. ખોટું કામ કરવું સહેલું હોય છે, પરંતુ બાઇબલ પરના પોતાના વિશ્વાસથી તેઓ ત્યાગ કરી શક્યા. નોંધવામાં આવેલા દરેક અનુભવો અલગ હતા પરંતુ એની શરૂઆત એક સરખી રીતે જ થઈ હતી. આ વ્યક્તિઓ સાથે યહોવાહના સાક્ષીઓમાંના એકે બાઇબલનો અભ્યાસ કર્યો, અને તેઓને સત્યનો અનુભવ થયો કે જે બાઇબલ કહે છે: “દેવનો શબ્દ જીવંત, સમર્થ” છે. (હેબ્રી ૪:૧૨) દેવના શબ્દએ દરેક વ્યક્તિને મજબૂત વિશ્વાસ બાંધવા માટે મદદ કરી કે જેથી તેઓનું જીવન બદલાઈ ગયું.
યહોવાહના સાક્ષીઓ ૨૩૦ કરતાં વધારે દેશો અને ટાપુઓમાં કાર્ય કરે છે. તેઓ તમને બાઇબલ અભ્યાસ માટે આમંત્રણ આપે છે. શા માટે? કારણ કે તેઓને ખાતરી છે કે બાઇબલ આધારિત વિશ્વાસ તમારા જીવનમાં પણ મહાન સુધારો લાવી શકે છે.
[ફુટનોટ]
a વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત.
[પાન ૩ પર ચિત્રો]
બાઇબલ આધારિત વિશ્વાસ સારા માટે જીવન બદલે છે