વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es26 પાન ૧૨૧-૧૩૪
  • ઑક્ટોબર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૬
  • મથાળાં
  • ગુરુવાર, ઑક્ટોબર ૧
  • શુક્રવાર, ઑક્ટોબર ૨
  • શનિવાર, ઑક્ટોબર ૩
  • રવિવાર, ઑક્ટોબર ૪
  • સોમવાર, ઑક્ટોબર ૫
  • મંગળવાર, ઑક્ટોબર ૬
  • બુધવાર, ઑક્ટોબર ૭
  • ગુરુવાર, ઑક્ટોબર ૮
  • શુક્રવાર, ઑક્ટોબર ૯
  • શનિવાર, ઑક્ટોબર ૧૦
  • રવિવાર, ઑક્ટોબર ૧૧
  • સોમવાર, ઑક્ટોબર ૧૨
  • મંગળવાર, ઑક્ટોબર ૧૩
  • બુધવાર, ઑક્ટોબર ૧૪
  • ગુરુવાર, ઑક્ટોબર ૧૫
  • શુક્રવાર, ઑક્ટોબર ૧૬
  • શનિવાર, ઑક્ટોબર ૧૭
  • રવિવાર, ઑક્ટોબર ૧૮
  • સોમવાર, ઑક્ટોબર ૧૯
  • મંગળવાર, ઑક્ટોબર ૨૦
  • બુધવાર, ઑક્ટોબર ૨૧
  • ગુરુવાર, ઑક્ટોબર ૨૨
  • શુક્રવાર, ઑક્ટોબર ૨૩
  • શનિવાર, ઑક્ટોબર ૨૪
  • રવિવાર, ઑક્ટોબર ૨૫
  • સોમવાર, ઑક્ટોબર ૨૬
  • મંગળવાર, ઑક્ટોબર ૨૭
  • બુધવાર, ઑક્ટોબર ૨૮
  • ગુરુવાર, ઑક્ટોબર ૨૯
  • શુક્રવાર, ઑક્ટોબર ૩૦
  • શનિવાર, ઑક્ટોબર ૩૧
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૬
es26 પાન ૧૨૧-૧૩૪

ઑક્ટોબર

ગુરુવાર, ઑક્ટોબર ૧

‘હું યહોવાની આતુરતાથી રાહ જોઈશ.’—મીખા. ૭:૭.

આપણે સારી રીતે ભક્તિ કરી શકીએ એ માટે ઘણી વાર વડીલો, સરકીટ નિરીક્ષકો, શાખા કચેરી અથવા નિયામક જૂથ માર્ગદર્શન આપે છે. પણ અમુક વાર એ ન સમજાય કે માર્ગદર્શન કેમ આપવામાં આવ્યું. એ વખતે કદાચ શંકા કરવા લાગીએ કે એ માર્ગદર્શન યોગ્ય છે કે નહિ. કદાચ એ ભાઈઓની ભૂલો પર ધ્યાન આપવા લાગીએ, જેઓ પાસેથી એ માર્ગદર્શન મળ્યું છે. જોકે એનાથી દેખાઈ આવશે કે આપણે શ્રદ્ધાથી નહિ, પણ જે નજરે પડે છે એનાથી ચાલીએ છીએ. શ્રદ્ધાથી ચાલીએ છીએ ત્યારે, ભરોસો રાખીએ છીએ કે યહોવા સંગઠનને ચલાવે છે અને તે જાણે છે કે આપણું ભલું શામાં છે. પરિણામે, આપણે તરત માર્ગદર્શન પાળીએ છીએ અને એ પણ ઉત્સાહથી. (હિબ્રૂ. ૧૩:૧૭) આપણે માર્ગદર્શન પાળીએ છીએ ત્યારે મંડળમાં એકતા જળવાઈ રહે છે અને એ વાત આપણે સારી રીતે જાણીએ છીએ. (એફે. ૪:૨, ૩) આપણને ભરોસો છે કે ભલે આગેવાની લેતા ભાઈઓમાં અમુક ખામીઓ છે, પણ જો તેઓનું કહ્યું કરીશું, તો યહોવા જરૂર ઇનામ આપશે. (૧ શમુ. ૧૫:૨૨) જે બાબતોને સુધારવાની જરૂર છે, એને તે પોતાના યોગ્ય સમયે ચોક્કસ સુધારશે. w૨૫.૦૩ ૨૩-૨૪ ¶૧૩-૧૪

શુક્રવાર, ઑક્ટોબર ૨

‘ઈશ્વર રહસ્યો ખુલ્લાં પાડે છે.’—દાનિ. ૨:૨૮.

આપણે ખૂબ જ રોમાંચક સમયમાં જીવીએ છીએ. દરરોજ આપણી નજર સામે બાઇબલની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. દાખલા તરીકે, આપણે જોઈએ છીએ કે “ઉત્તરનો રાજા” અને “દક્ષિણનો રાજા” એકબીજા સામે લડી રહ્યા છે, કેમ કે તેઓ આખી દુનિયા પર રાજ કરવા માંગે છે. (દાનિ. ૧૧:૪૦, ફૂટનોટ) આપણે એ પણ જોઈએ છીએ કે ઈશ્વરના રાજ્યની ખુશખબર આખી દુનિયામાં ફેલાઈ રહી છે અને લાખો લોકોએ યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લીધો છે. (યશા. ૬૦:૨૨; માથ. ૨૪:૧૪) વધુમાં, આપણને “યોગ્ય સમયે” ભરપૂર પ્રમાણમાં ભક્તિને લગતો ખોરાક મળી રહ્યો છે, જેથી યહોવા સાથેનો આપણો સંબંધ પાકો રહે. (માથ. ૨૪:૪૫-૪૭) સમય જતાં, મોટા મોટા બનાવો બનશે અને યહોવા એ વિશે આપણને સ્પષ્ટ સમજણ આપી રહ્યા છે. (નીતિ. ૪:૧૮) ખાતરી રાખી શકીએ કે મોટી વિપત્તિ શરૂ થશે ત્યાં સુધીમાં આપણને એ બધું જ ખબર હશે, જેનાથી મુશ્કેલ ઘડીઓમાં વફાદાર રહેવા અને એકતા જાળવી રાખવા મદદ મળશે. જોકે આપણે સ્વીકારવું જોઈએ કે ભાવિમાં બનનાર બનાવોની અમુક વાતો એવી છે, જે વિશે આપણે કંઈ નથી જાણતા. w૨૪.૦૫ ૮ ¶૧-૨

શનિવાર, ઑક્ટોબર ૩

“તે પોતાની જીભે નિંદા કરતો નથી.”—ગીત. ૧૫:૩.

ગીતશાસ્ત્ર ૧૫માં નિંદા વિશે જણાવ્યું છે. નિંદા એટલે શું? એવી ખોટી વાતો, જેનાથી બીજાઓનું નામ બદનામ થાય. ગીતશાસ્ત્ર ૧૫:૩માં એ પણ યાદ અપાવ્યું છે કે યહોવાના મહેમાનો પોતાના પડોશીનું કંઈ બૂરું નથી કરતા અને પોતાના દોસ્તોને બદનામ નથી કરતા. (ગીત. ૧૫:૧) આપણે કઈ રીતે અજાણતાં બીજાઓનું નામ બદનામ કરી બેસીએ? બની શકે કે આપણે ખોટી વાતો ફેલાવીને અજાણતાં કોઈકનું નામ બદનામ કરી બેસીએ. દાખલા તરીકે, (૧) એક બહેન પાયોનિયરીંગ છોડી દે છે, (૨) એક પતિ-પત્ની હવે બેથેલમાં સેવા નથી આપતાં અથવા (૩) એક ભાઈ હવે વડીલ અથવા સહાયક સેવક નથી. એવામાં જો આપણે બીજાઓને એવું કહેવા લાગીએ કે એ ભાઈ-બહેનોએ કંઈ ખોટું કર્યું હશે, એટલે તેઓ સાથે એવું બન્યું, તો એ યોગ્ય નહિ કહેવાય. યાદ રાખવું જોઈએ કે એ ફેરફારો પાછળ ઘણાં કારણો હોય શકે છે, જે આપણે નથી જાણતા. એ ઉપરાંત, યહોવાના તંબુમાં રહેતો મહેમાન “પોતાના પડોશીનું કંઈ જ બૂરું કરતો નથી અને પોતાના દોસ્તોને બદનામ કરતો નથી.” w૨૪.૦૬ ૧૧ ¶૧૧-૧૩

રવિવાર, ઑક્ટોબર ૪

“હું યહોવાને કાયમ મારી નજર સામે રાખું છું. તે મારા જમણે હાથે હોવાથી હું હંમેશાં અડગ રહીશ.”—ગીત. ૧૬:૮.

યહોવા માટેનો ડર વધારવા જરૂરી છે કે દરેક નિર્ણય લેતા પહેલાં વિચારીએ કે યહોવા શાનાથી ખુશ થશે. બાઇબલનો કોઈ અહેવાલ વાંચો ત્યારે પોતાને પૂછો: ‘જો હું આ સંજોગમાં હોત, તો મેં શું કર્યું હોત?’ દાખલા તરીકે, યહોવા ઇઝરાયેલીઓને વચનનો દેશ આપવાના હતા. એ દેશની જાસૂસી કર્યા પછી જાસૂસો પાછા આવ્યા. હવે કલ્પના કરો કે જ્યારે એમાંના દસ જાસૂસો ખોટી માહિતી આપી રહ્યા છે ત્યારે, તમે ત્યાં જ છો. તેઓ કહી રહ્યા છે કે તેઓ કનાનીઓ પર જીત નહિ મેળવી શકે. હવે તમે શું કરશો? શું તમે તેઓની વાત સાચી માની લેશો અને માણસોનો ડર રાખશો? કે પછી યહોવાનો ડર રાખશો અને તેમને ગમે છે એ જ કરશો? દુઃખની વાત છે કે ઇઝરાયેલીઓની એ આખી પેઢીએ યહોશુઆ અને કાલેબની વાત માની નહિ, જેઓ સાચું કહી રહ્યા હતા. પરિણામે, તેઓએ વચનના દેશમાં જવાનો મોકો ગુમાવી દીધો.—ગણ. ૧૪:૧૦, ૨૨, ૨૩. w૨૪.૦૭ ૧૦ ¶૭

સોમવાર, ઑક્ટોબર ૫

“હૃદયને પારખનાર તો યહોવા છે.”—નીતિ. ૧૭:૩.

પ્રબોધક હોશિયાની પત્ની ગોમેર પોતાના પતિને છોડીને બીજા પુરુષો પાસે જતી રહી. શું તેના માટે પસ્તાવો કરવો અશક્ય હતું? યહોવા તો દિલ વાંચી શકે છે. તેમણે હોશિયાને કહ્યું: “ઇઝરાયેલીઓ બીજા દેવો તરફ ફરે છે, . . . છતાં યહોવા તેઓને પ્રેમ કરે છે. એવી જ રીતે, તું ફરીથી જઈને એ સ્ત્રીને પ્રેમ કર, જે વ્યભિચાર કરે છે અને જેને બીજો માણસ ચાહે છે.” (હોશિ. ૩:૧; નીતિ. ૧૬:૨) ધ્યાન આપો કે હોશિયાની પત્ની હજી એ ગંભીર પાપ કરી રહી હતી. છતાં યહોવાએ હોશિયાને કહ્યું કે તેને માફ કરે અને પત્ની તરીકે પાછી લઈ આવે. એવી જ રીતે, યહોવાએ કઠોર દિલના ઇઝરાયેલીઓને તરછોડી દીધા ન હતા. ભલે તેઓ દુષ્ટ કામો કરતા હતા, પણ યહોવા હજી તેઓને પ્રેમ કરતા હતા. તેમણે વારંવાર પ્રબોધકો મોકલ્યા, જેથી તેઓને પસ્તાવો કરવા અને પોતાનામાં સુધારો કરવા મદદ કરી શકે. આ દાખલાથી શું શીખવા મળે છે? હૃદયના પારખનાર યહોવા એવી વ્યક્તિને પણ પસ્તાવો કરવા મદદ કરે છે, જે હજી પણ ગંભીર પાપ કરી રહી છે. w૨૪.૦૮ ૧૦ ¶૭

મંગળવાર, ઑક્ટોબર ૬

‘નિયમશાસ્ત્ર આવનારા આશીર્વાદોનું પડછાયો છે.’—હિબ્રૂ. ૧૦:૧.

પહેલી સદીમાં જે યહૂદીઓ ખ્રિસ્તી બન્યા હતા, તેઓએ મોટા મોટા ફેરફારો કરવાના હતા અને એ જરાય સહેલું ન હતું. ઘણાં વર્ષો સુધી યરૂશાલેમ ખૂબ મહત્ત્વની જગ્યા હતી. યહોવા વતી રાજ કરતા ઇઝરાયેલી રાજાઓની રાજગાદી યરૂશાલેમમાં હતી. એ ઉપરાંત, યહોવાનું મંદિર ત્યાં હતું અને લોકો ત્યાં આવીને યહોવાની ભક્તિ કરતા હતા. બધા વફાદાર યહૂદીઓ મૂસાનું નિયમશાસ્ત્ર અને તેઓના ધાર્મિક આગેવાનોએ શીખવેલા નિયમો પાળતા હતા. તેઓએ ખોરાક, સુન્‍નત અને બીજી પ્રજાના લોકો સાથે કઈ રીતે વર્તવું એ વિશેના નિયમો પાળવાના હતા. પણ ઈસુના મરણ પછી મૂસાનું નિયમશાસ્ત્ર રદ થઈ ગયું. હવે તેઓએ મંદિરે બલિદાનો ચઢાવવાની જરૂર ન હતી. આમ, યહૂદીમાંથી ખ્રિસ્તી બનેલા લોકો માટે ભક્તિ કરવાની રીતમાં ફેરફાર કરવો સહેલું ન હતું. (હિબ્રૂ. ૧૦:૧, ૪, ૧૦) પ્રેરિત પિતર અને બીજા પરિપક્વ ખ્રિસ્તીઓ માટે પણ અમુક ફેરફારો કરવા અઘરું હતું. (પ્રે.કા. ૧૦:૯-૧૪; ગલા. ૨:૧૧-૧૪) એ સિવાય, ખ્રિસ્તીઓની નવી માન્યતાઓને લીધે યહૂદી ધર્મગુરુઓ તેઓની ખૂબ સતાવણી કરતા હતા. w૨૪.૦૯ ૯ ¶૪

બુધવાર, ઑક્ટોબર ૭

“તમારામાં આગેવાની લેતા ભાઈઓને યાદ રાખો, જેઓએ તમને ઈશ્વરનો સંદેશો જણાવ્યો છે.”—હિબ્રૂ. ૧૩:૭.

યહોવા જ્યારે પણ પોતાના ભક્તોને કોઈ કામ સોંપે છે, ત્યારે ચાહે છે કે તેઓ એ વ્યવસ્થિત રીતે કરે. (૧ કોરીં. ૧૪:૩૩) જેમ કે, તેમની ઇચ્છા છે કે આખી પૃથ્વી પર ખુશખબર ફેલાય. (માથ. ૨૪:૧૪) તેમણે એ કામ પર દેખરેખ રાખવાની જવાબદારી ઈસુને સોંપી છે. ઈસુએ ખાસ ધ્યાન રાખ્યું છે કે એ કામ વ્યવસ્થિત રીતે થાય. ચાલો પહેલી સદીનો વિચાર કરીએ. યરૂશાલેમમાં પ્રેરિતો અને વડીલોથી બનેલું એક જૂથ નિર્ણયો લેતું. પછી બધાં મંડળો એ પ્રમાણે કરતા. નવાં મંડળો બનતાં ગયાં તેમ એ મંડળના વડીલો ભાઈ-બહેનોને એ વિશે જણાવતા. (પ્રે.કા. ૧૪:૨૩; ૧૫:૨; ૧૬:૪) બધાં ભાઈ-બહેનો એ માર્ગદર્શન પાળતાં, એટલે “મંડળો શ્રદ્ધામાં મક્કમ થતાં ગયાં અને તેઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી ગઈ.”—પ્રે.કા. ૧૬:૫. w૨૪.૦૪ ૮ ¶૧

ગુરુવાર, ઑક્ટોબર ૮

“મરિયમ માગદાલેણ શિષ્યો પાસે આવી અને તેઓને ખબર આપી: ‘મેં માલિકને જોયા છે!’”—યોહા. ૨૦:૧૮.

નીસાન ૧૬ની સવારે અમુક વફાદાર સ્ત્રીઓ ઈસુની કબરે આવી. (લૂક ૨૪:૧, ૧૦) તેઓમાંની એક હતી, મરિયમ માગદાલેણ. જ્યારે મરિયમ કબરે આવી, ત્યારે તેણે જોયું કે ઈસુનું શબ ત્યાં ન હતું. એટલે તે દોડીને પિતર અને યોહાન પાસે ગઈ અને તેઓને એ વિશે જણાવ્યું. પિતર અને યોહાન દોડીને કબરે આવ્યા અને મરિયમ પણ તેઓની પાછળ પાછળ આવી. ખાલી કબર જોઈને એ બે માણસો ઘરે પાછા જતા રહ્યા, પણ મરિયમ ન ગઈ. તે ત્યાં જ ઊભી ઊભી રડતી હતી. તેને ખબર ન હતી કે ઈસુ તેને જોઈ રહ્યા હતા. એ વફાદાર સ્ત્રીનાં આંસુ જોઈને ઈસુનું હૈયું હચમચી ઊઠ્યું. એટલે તે તેને દેખાયા અને તેને ઉત્તેજન આપવા કંઈક કર્યું. ઈસુએ મરિયમ સાથે વાત કરી અને તેને એક મહત્ત્વનું કામ સોંપ્યું. મરિયમે જઈને ઈસુના ભાઈઓને જણાવવાનું હતું કે ઈસુને જીવતા કરવામાં આવ્યા છે.—યોહા. ૨૦:૧૭, ૧૮. w૨૪.૧૦ ૧૩ ¶૭

શુક્રવાર, ઑક્ટોબર ૯

“હું ઇજિપ્ત દેશમાં ઘણાં શક્તિશાળી કાર્યો અને અદ્‍ભુત ચમત્કારો કરીશ.”—નિર્ગ. ૭:૩.

મૂસા એક પ્રબોધક, ન્યાયાધીશ, આગેવાન અને ઇતિહાસકાર હતા. તેમણે ઇઝરાયેલીઓની આગેવાની લીધી અને તેઓને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા. તેમણે પોતાની સગી આંખે યહોવાના ચમત્કારો જોયા હતા. યહોવાએ તેમના દ્વારા બાઇબલના પહેલા પાંચ પુસ્તકો, ગીતશાસ્ત્ર અધ્યાય ૯૦ અને કદાચ ગીતશાસ્ત્ર અધ્યાય ૯૧ લખાવ્યાં હતાં. એવું લાગે છે કે અયૂબનું પુસ્તક પણ તેમણે લખ્યું હતું. મૂસાએ પોતાના મરણના થોડા સમય પહેલાં બધા ઇઝરાયેલીઓને ભેગા કર્યા. એ વખતે મૂસા ૧૨૦ વર્ષના હતા. તે ઇઝરાયેલીઓને યાદ અપાવવા માંગતા હતા કે યહોવાએ તેઓ માટે કેટકેટલું કર્યું હતું. તેઓએ યહોવાએ કરેલા ચમત્કારો જોયા હતા. તેઓએ એ પણ જોયું હતું કે યહોવાએ કઈ રીતે ઇજિપ્તના લોકોને સજા ફટકારી હતી. (નિર્ગ. ૭:૪) તેઓની નજર સામે યહોવાએ લાલ સમુદ્રના બે ભાગ કર્યા હતા. તેઓએ કોરી જમીન પર ચાલીને સમુદ્ર પાર કર્યો હતો. તેઓએ ઇજિપ્તના રાજાની સેનાનો નાશ થતા પણ જોયો હતો. (નિર્ગ. ૧૪:૨૯-૩૧) વેરાન પ્રદેશમાં યહોવાએ ઇઝરાયેલીઓનું રક્ષણ કર્યું હતું અને તેઓની સંભાળ રાખી હતી. (પુન. ૮:૩, ૪) હવે બહુ જલદી તેઓ વચનના દેશમાં પ્રવેશવાના હતા. એટલે મૂસા પોતાના મરણ પહેલાં તેઓને ઉત્તેજન આપવા માંગતા હતા. w૨૪.૧૧ ૮-૯ ¶૩-૪

શનિવાર, ઑક્ટોબર ૧૦

‘જો કોઈ આ રોટલી ખાય તો તે હંમેશાં જીવશે. એ રોટલી મારું શરીર છે અને દુનિયાના લોકોને જીવન મળે માટે હું એ આપીશ.’—યોહા. ૬:૫૧.

ઈસુએ સાંજના ભોજન વખતે પ્રેરિતોને કહેલા શબ્દોમાં અને ગાલીલમાં ટોળાને કહેલા શબ્દોમાં બહુ મોટો તફાવત છે. સાંજના ભોજન વખતે કહેલા શબ્દો ફક્ત થોડા લોકોને લાગુ પડે છે, જ્યારે કે ગાલીલમાં કહેલા શબ્દો અગણિત લોકોને લાગુ પડે છે. સાલ ૩૨માં ઈસુએ ગાલીલમાં જેઓ સાથે વાત કરી હતી, તેઓને ફક્ત ખોરાક જોઈતો હતો. પણ ઈસુ તેઓને એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે ખોરાક કરતાં પણ કંઈક વધારે મહત્ત્વનું છે. તેમણે તેઓને એક ગોઠવણ વિશે જણાવ્યું, જેનાથી તેઓને હંમેશ માટેનું જીવન મળી શકતું હતું. ઈસુએ એવું પણ કહ્યું કે ગુજરી ગયેલા લોકોને છેલ્લા દિવસે જીવતા કરવામાં આવી શકે છે અને તેઓ હંમેશ માટે જીવી શકે છે. અહીં ઈસુ જે આશીર્વાદની વાત કરતા હતા, એ બધા લોકોને મળી શકે છે. એનાથી સ્પષ્ટ છે કે યોહાન અધ્યાય ૬માં ઈસુ પસંદ કરાયેલા થોડા લોકો વિશે વાત કરી રહ્યા ન હતા, જેઓ સાથે તેમણે સાંજના ભોજન વખતે વાત કરી હતી. w૨૪.૧૨ ૧૧ ¶૧૦-૧૧

રવિવાર, ઑક્ટોબર ૧૧

“પતિઓ, તમારી પત્નીને પ્રેમ કરતા રહો.”—કોલો. ૩:૧૯.

યહોવા હિંસક લોકોને નફરત કરે છે. (ગીત. ૧૧:૫) પણ જ્યારે પતિ પોતાની પત્ની પર અત્યાચાર કરે છે, ત્યારે તો યહોવા તેને સખત ધિક્કારે છે. (માલા. ૨:૧૬) જો પતિ પોતાની પત્ની સાથે સારી રીતે ન વર્તે, તો યહોવા સાથેનો તેનો સંબંધ જોખમમાં મુકાઈ શકે છે. બની શકે કે યહોવા એ પતિની પ્રાર્થનાઓ પણ ન સાંભળે. (૧ પિત. ૩:૭) અમુક પતિઓ પોતાની પત્ની સાથે ગુસ્સે ભરાઈને વાત કરે છે અને શબ્દોના બાણ ચલાવે છે. પણ યહોવા ‘ગુસ્સો, ક્રોધ, બૂમ-બરાડા અને અપમાનજનક વાતોને’ ધિક્કારે છે. (એફે. ૪:૩૧, ૩૨) પોતાની પત્ની સાથે કઠોર રીતે વાત કરતો પતિ પોતાના લગ્‍નસંબંધની સાથે સાથે યહોવા સાથેનો સંબંધ પણ બગાડે છે. (યાકૂ. ૧:૨૬) જે પતિ પોર્નોગ્રાફી જુએ છે તેને પણ એ લાગુ પડે છે. તે યહોવા સાથેના પોતાના સંબંધને જોખમમાં મૂકે છે. તે પોતાની પત્નીની પણ ઇજ્જત કરતો નથી. યહોવા ચાહે છે કે એક પતિ ફક્ત કામોમાં જ નહિ, વિચારોમાં પણ પોતાની પત્નીને વફાદાર રહે. ઈસુએ કહ્યું હતું કે જે માણસ કોઈ સ્ત્રીને વાસનાભરી નજરે જોયા કરે છે, તેણે “પોતાના દિલમાં” એ સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો છે.—માથ. ૫:૨૮, ૨૯. w૨૫.૦૧ ૯ ¶૬-૮

સોમવાર, ઑક્ટોબર ૧૨

‘ફક્ત ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખવાથી માણસ નેક ઠરે છે.’—ગલા. ૨:૧૬.

બાઇબલમાં જણાવ્યું છે કે યહોવા પોતાના સેવકોને નેક ગણે છે. એનો અર્થ થાય કે હવે આપણે પોતાનાં પાપો માટે કિંમત ચૂકવવાની જરૂર નથી. યહોવાએ આપણાં પાપો ભૂંસી નાખ્યાં છે. એમ કરીને યહોવા પોતાનાં ન્યાયી ધોરણો સાથે બાંધછોડ કરતા નથી. તો પછી યહોવા શાને આધારે આપણને નેક ગણે છે? શું આપણે સારાં કામ કરીએ છીએ એટલે? કે પછી યહોવા આપણાં પાપને આંખ આડા કાન કરે છે એટલે? ના, એવું જરાય નથી. યહોવા આપણને માફ કરે છે, કેમ કે છુટકારાની કિંમત ચૂકવી દેવામાં આવી છે અને આપણને પ્રાયશ્ચિત્તની ગોઠવણમાં પૂરો ભરોસો છે. (રોમ. ૩:૨૪) યહોવા આપણને નેક ગણે છે, એના લીધે કયા આશીર્વાદો મળે છે? જેઓને નેક ગણવામાં આવ્યા છે, તેઓમાંથી અમુકને સ્વર્ગમાં ઈસુ સાથે રાજ કરવા પસંદ કરવામાં આવ્યા છે. તેઓ ઈશ્વરનાં બાળકો બન્યા છે. (તિત. ૩:૭; ૧ યોહા. ૩:૧) તેઓનાં પાપ એ રીતે માફ કરવામાં આવ્યાં છે, જાણે તેઓએ કદી કોઈ પાપ કર્યું જ ન હોય. આમ તેઓ સ્વર્ગમાં રાજ કરી શકે છે. (રોમ. ૮:૧, ૨, ૩૦) યહોવા બીજા લોકોને પણ નેક ગણે છે, જેઓ આ પૃથ્વી પર હંમેશ માટે જીવશે. યહોવાએ તેઓનાં પાપ માફ કર્યાં છે અને તેઓને પોતાના મિત્રો ગણ્યા છે.—યાકૂ. ૨:૨૧-૨૩. w૨૫.૦૨ ૫ ¶૧૭-૧૮

મંગળવાર, ઑક્ટોબર ૧૩

“તું ઈશ્વરના વિચારો પર નહિ, પણ માણસોના વિચારો પર મન લગાડે છે.”—માથ. ૧૬:૨૩.

એક વખતે પ્રેરિત પિતર યહોવાની જેમ વિચારવાનું ચૂકી ગયા. ઈસુએ પ્રેરિતોને કહ્યું હતું કે તેમણે યરૂશાલેમ જવું પડશે, તેમને ધાર્મિક આગેવાનોના હાથમાં સોંપવામાં આવશે, તેમની ઘણી સતાવણી થશે અને આખરે તેમને મારી નાખવામાં આવશે. (માથ. ૧૬:૨૧) યહોવા ઈસુને મરવા દે એ વાત સ્વીકારવી પિતર માટે બહુ અઘરી હશે, કેમ કે તે જાણતા હતા કે ઈસુ વચન પ્રમાણેના મસીહ છે અને ઈશ્વરના લોકોના છોડાવનાર છે. (માથ. ૧૬:૧૬) એ કારણે પિતરે ઈસુને બાજુએ લઈ જઈને કહ્યું: “માલિક, પોતાના પર દયા કરો! તમને એવું કંઈ પણ નહિ થાય.” (માથ. ૧૬:૨૨) એ કિસ્સામાં પિતર યહોવા જેવું વિચારી રહ્યા ન હતા. એટલે તેમના અને ઈસુના વિચારો એક જેવા ન હતા. પિતરનો ઇરાદો કદાચ સારો હતો. પણ ઈસુ જાણતા હતા કે પિતા યહોવાની ઇચ્છા પૂરી કરવા તેમણે દુઃખો સહેવાનાં હતાં અને મરવાનું હતું. એટલે તેમણે પિતરની સલાહ નકારી કાઢી. એ બનાવમાંથી પિતરને શીખવા મળ્યું કે તેમણે યહોવા જેવા વિચારો કેળવવાના હતા. એ મહત્ત્વનો બોધપાઠ આપણે પણ હંમેશાં યાદ રાખવો જોઈએ. w૨૫.૦૩ ૯ ¶૫-૬

બુધવાર, ઑક્ટોબર ૧૪

“દુઃખી લોકોના પડખે યહોવા છે. કચડાયેલા મનના લોકોને તે બચાવે છે.”—ગીત. ૩૪:૧૮.

શું કોઈ પોતાનાએ તમારો ભરોસો તોડ્યો છે અથવા તમને દગો આપ્યો છે? શું એના લીધે તમારું દિલ તૂટી ગયું છે? ભલે કોઈ વ્યક્તિ તમારી સાથે ગમે એ રીતે વર્તે, પણ સ્વર્ગમાંના તમારા પિતા તમને ખૂબ જ પ્રેમ કરે છે. જો કોઈએ તમને દગો આપ્યો હોય, તો આજના વચનમાં દાઉદે કહેલા શબ્દોથી તમને દિલાસો મળી શકે છે. એક પુસ્તકમાં લખ્યું છે કે “કચડાયેલા મનના લોકોને” કદાચ લાગી શકે કે તેઓ પાસે કોઈ આશા નથી. યહોવા એવા લોકોને કઈ રીતે મદદ કરે છે? એ સમજવા આનો વિચાર કરો: એક નાનું બાળક રડવા લાગે ત્યારે, મમ્મી કે પપ્પા તરત તેને ઊંચકી લે છે અને તેને વહાલ કરે છે. એવી જ રીતે, કોઈ આપણને દગો આપે અથવા આપણને છોડીને જતું રહે ત્યારે, યહોવા આપણી “પડખે” રહે છે. તે આપણું દુઃખ સમજે છે અને આપણી મદદે તરત દોડી આવે છે. તે આપણા તૂટેલા દિલ અને કચડાયેલા મન પર મલમ લગાવવા આતુર છે. એટલું જ નહિ, તે આપણને ભાવિની આશા પણ આપે છે, જેનાથી આપણને હાલની મુશ્કેલીઓ સહેવા હિંમત મળે છે.—યશા. ૬૫:૧૭. w૨૪.૧૨ ૨૩ ¶૧૩-૧૪

ગુરુવાર, ઑક્ટોબર ૧૫

‘યહોવા પાસેથી જ તમને ઇનામ મળશે.’—કોલો. ૩:૨૪.

આજે વડીલો ખાતરી રાખી શકે કે યહોવા તેઓનાં સારાં કામોને જુએ છે અને એને કીમતી ગણે છે. બધા વડીલો ભાઈ-બહેનોને ઉત્તેજન આપવાના, શીખવવાના અને ખુશખબર ફેલાવાના કામમાં હિસ્સો લે છે. એ ઉપરાંત, ઘણા વડીલો બાંધકામ અને રાહતકામમાં ભાગ લે છે. અમુક વડીલો દર્દીની મુલાકાત લેતા જૂથમાં અથવા હૉસ્પિટલ સંપર્ક સમિતિમાં સેવા આપે છે. વડીલો જાણે છે કે મંડળ યહોવાનું છે. એટલે તેઓ પૂરા દિલથી પોતાની જવાબદારીઓ નિભાવે છે અને ભરોસો રાખે છે કે યહોવા તેઓને ઇનામ આપશે. (કોલો. ૩:૨૩, ૨૪) મંડળમાં બધા જ પ્રકાશકો વડીલ નથી બની શકતા. પણ આપણે બધા જ લોકો યહોવાને કંઈ ને કંઈ આપી શકીએ છીએ. યહોવાની સેવામાં બનતું બધું કરીએ છીએ ત્યારે તે એની કદર કરે છે. જ્યારે આપણે રાજ્યના કામ માટે દાન આપીએ છીએ, ત્યારે યહોવા એના પર ધ્યાન આપે છે. ભલેને આપણે દાનમાં થોડું જ આપ્યું હોય, તોપણ યહોવા ખુશ થાય છે. કોઈએ તમને દુઃખ પહોંચાડ્યું હોય અને તમે તેને માફ કરો છો ત્યારે પણ યહોવા ખુશ થાય છે. ભરોસો રાખજો કે યહોવા માટે તમે જે કંઈ કરી શકો છો, એને તે કીમતી ગણે છે. તે તમને ખૂબ પ્રેમ કરે છે અને તમને ચોક્કસ ઇનામ આપશે.—લૂક ૨૧:૧-૪. w૨૪.૦૬ ૨૩ ¶૧૨-૧૩

શુક્રવાર, ઑક્ટોબર ૧૬

“તારા દિલને એ સ્ત્રીના રસ્તે ભટકવા દેતો નહિ, ફંટાઈને તું તેના માર્ગે જતો નહિ.”—નીતિ. ૭:૨૫.

એ યુવાન માણસ સાથે જે બન્યું એ કોઈ પણ ઈશ્વરભક્ત સાથે બની શકે છે. કદાચ કોઈ ઈશ્વરભક્ત મોટી ભૂલ કરી બેસે અને તેને લાગે કે બધું અચાનક થઈ ગયું. અથવા તે કદાચ કહે, “ખબર નહિ, આ બધું કેમનું બની ગયું.” પણ જો તે ધ્યાનથી વિચારે કે એવું કઈ રીતે બન્યું, તો તેને કદાચ ખ્યાલ આવે કે તે સમજદારીથી વર્ત્યો ન હતો. તેણે એવાં પગલાં ભર્યાં હતાં, જેના લીધે તે પાપ કરી બેઠો. જેમ કે, તેણે એવા લોકો સાથે દોસ્તી કરી હશે, જેઓ યહોવાને પ્રેમ નથી કરતા. તેણે એવું મનોરંજન કે વેબસાઇટ જોઈ હશે અથવા વારંવાર એવી જગ્યાઓએ ગયો હશે, જે યહોવાના સેવકો માટે યોગ્ય નથી. એવું પણ બની શકે કે તેણે પ્રાર્થના કરવાનું, બાઇબલ વાંચવાનું, સભાઓમાં અને પ્રચારમાં જવાનું છોડી દીધું હશે. નીતિવચનોમાં બતાવેલા યુવાન માણસની જેમ એ ઈશ્વરભક્તથી પણ તરત કે અચાનક પાપ થયું નહિ હોય. આપણને શું શીખવા મળ્યું? આપણે ફક્ત પાપ કરવાથી જ નહિ, એ તરફ દોરી જતાં કામોથી પણ દૂર રહેવું જોઈએ. એ અહેવાલ પછી સુલેમાને એ જ મુદ્દો સમજાવ્યો.—માથ. ૫:૨૯, ૩૦. w૨૪.૦૭ ૧૬ ¶૧૦-૧૧

શનિવાર, ઑક્ટોબર ૧૭

“અમારી પાસે આ ખજાનો માટીનાં વાસણોમાં છે.”—૨ કોરીં. ૪:૭.

એ ખજાનો શું છે? ઈશ્વરના રાજ્યની ખુશખબર, જેનાથી લોકોનું જીવન બચી શકે છે. (૨ કોરીં. ૪:૧) માટીનાં વાસણો કોણ છે? લોકોને ખુશખબર જણાવતા ઈશ્વરભક્તો. પાઉલના દિવસોમાં વેપારીઓ અનાજ, દ્રાક્ષદારૂ અને પૈસા જેવી કીમતી વસ્તુઓ બીજે લઈ જવા માટીનાં વાસણોનો ઉપયોગ કરતા. એવી જ રીતે, ખજાના જેવી કીમતી ખુશખબર જણાવવાનું કામ યહોવાએ આપણને સોંપ્યું છે. એ કામ સારી રીતે કરી શકીએ માટે તે આપણને મદદ પણ કરે છે. ક્યારેક ક્યારેક આપણને એ વાતનો ડર લાગે કે લોકો આપણો વિરોધ કરશે અથવા આપણો સંદેશો નહિ સાંભળે. શું તમને પણ એવો ડર લાગે છે? ધ્યાન આપો કે પ્રચાર બંધ કરી દેવા પ્રેરિતોને ધમકાવવામાં આવ્યા ત્યારે તેઓએ શું કર્યું. તેઓ ડરી ન ગયા અને પ્રચારકામ પણ બંધ ન કર્યું. તેઓએ યહોવાને પ્રાર્થના કરી અને સંદેશો હિંમતથી જણાવતા રહેવા મદદ માંગી. (પ્રે.કા. ૪:૧૮, ૨૯, ૩૧) યહોવાએ તેઓની પ્રાર્થના સાંભળી અને તરત મદદ કરી. જો લોકો સાથે વાત કરતા ડર લાગે, તો યહોવાને વિનંતી કરો કે તે તમારા દિલમાં લોકો માટેનો પ્રેમ એટલો વધારી દે કે તમને ખુશખબર જણાવતા જરાય ડર ન લાગે. w૨૪.૦૪ ૧૬ ¶૮-૯

રવિવાર, ઑક્ટોબર ૧૮

“હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.”—માથ. ૬:૯.

આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ, એટલે તેમનું નામ પવિત્ર મનાવવા માંગીએ છીએ. આપણે બધાને જણાવવા માંગીએ છીએ કે શેતાને યહોવા વિશે જે જૂઠાણાં ફેલાવ્યાં છે, એ સાવ જૂઠાં છે. (ઉત. ૩:૧-૫; અયૂ. ૨:૪; યોહા. ૮:૪૪) આમ, યહોવાના નામ પર લાગેલું કલંક દૂર કરવા મદદ કરીએ છીએ. પ્રચારમાં જેઓ આપણું સાંભળે છે, તેઓને એ જણાવવા આતુર હોઈએ છીએ કે યહોવા કોણ છે અને તે કેવા ઈશ્વર છે. આપણે તો બધાને જણાવવા માંગીએ છીએ કે યહોવાનો મુખ્ય ગુણ પ્રેમ છે, તેમની રાજ કરવાની રીત એકદમ યોગ્ય છે, તે ક્યારેય અન્યાય કરતા નથી, બહુ જલદી તેમનું રાજ્ય બધી જ દુઃખ-તકલીફો મિટાવી દેશે અને બધા લોકો સુખ-શાંતિનો આનંદ માણશે. (ગીત. ૩૭:૧૦, ૧૧, ૨૯; ૧ યોહા. ૪:૮) જ્યારે લોકોને પ્રચારમાં એ વિશે જણાવીએ છીએ, ત્યારે યહોવાનું નામ પવિત્ર મનાવીએ છીએ. વધુમાં, આપણને મળેલા નામ પર ખરા ઊતરીએ છીએ. w૨૪.૦૫ ૧૭ ¶૧૨

સોમવાર, ઑક્ટોબર ૧૯

“તું મિજબાની ગોઠવે ત્યારે ગરીબ, લૂલા, લંગડા અને આંધળાઓને આમંત્રણ આપ. એનાથી તને આનંદ થશે, કારણ કે તને પાછું વાળી આપવા માટે તેઓ પાસે કંઈ નથી. નેક લોકોને મરણમાંથી જીવતા કરવામાં આવશે ત્યારે તને બદલો મળશે.”—લૂક ૧૪:૧૩, ૧૪.

ભાઈઓ, તમે “મહેમાનગતિ કરનાર” છો, એ બતાવવા શું કરી શકો? બધાનું ભલું કરો. એ લોકોનું પણ ભલું કરો, જેઓ તમારા ખાસ મિત્રો નથી. (૧ પિત. ૪:૯) બાઇબલના એક શબ્દકોશમાં મહેમાનગતિ બતાવનાર માણસ વિશે આમ લખ્યું છે: “તે અજાણ્યા લોકો માટે પોતાના ઘરના અને દિલના દરવાજા ખુલ્લા રાખે છે.” પોતાને પૂછો: ‘શું હું મંડળની મુલાકાતે આવેલાં ભાઈ-બહેનો સાથે માયાળુ રીતે વર્તું છું? શું બીજાઓ મને એ રીતે ઓળખે છે?’ (હિબ્રૂ. ૧૩:૨, ૧૬) મહેમાનગતિ બતાવનાર માણસ બધાની સાથે માયાળુ રીતે વર્તે છે. ખાસ કરીને, ગરીબો, મુલાકાતી વક્તાઓ, સરકીટ નિરીક્ષકો અને ભાઈ-બહેનોને ઉત્તેજન આપતા બીજા મહેનતુ સેવકો સાથે.—ઉત. ૧૮:૨-૮; નીતિ. ૩:૨૭; પ્રે.કા. ૧૬:૧૫; રોમ. ૧૨:૧૩. w૨૪.૧૧ ૨૧ ¶૬

મંગળવાર, ઑક્ટોબર ૨૦

“જે કન્યાઓ તૈયાર હતી તેઓ તેની સાથે લગ્‍નની મિજબાનીમાં ગઈ.”—માથ. ૨૫:૧૦.

કન્યાઓના ઉદાહરણમાં ઈસુએ દસ કન્યાઓ વિશે જણાવ્યું, જેઓ વરરાજાને મળવા નીકળી હતી. (માથ. ૨૫:૧-૪) તેઓ વરરાજા સાથે લગ્‍નની મિજબાનીમાં જવા માંગતી હતી. ઈસુએ એમાંની પાંચ કન્યાઓને “સમજદાર” કહી અને બીજી પાંચને “મૂર્ખ” કહી. સમજદાર કન્યાઓએ તૈયારી કરી હતી કે જો વરરાજા મોડી રાતે આવે, તોપણ તેઓ તેની રાહ જોઈ શકતી હતી. એટલે તેઓ પોતાની સાથે દીવા લઈને આવી હતી, જેથી અંધારામાં અજવાળું મળે. તેઓ વધારાનું તેલ પણ લાવી હતી, જેથી જો વરરાજાને આવતા મોડું થાય, તોપણ તેઓના દીવા હોલવાઈ ન જાય. (માથ. ૨૫:૬-૧૦) જ્યારે વરરાજા આવ્યો ત્યારે સમજદાર કન્યાઓ તેની સાથે લગ્‍નની મિજબાનીમાં ગઈ. એવી જ રીતે, જ્યારે ખ્રિસ્ત ન્યાય કરવા આવશે, ત્યારે જે અભિષિક્તો તૈયાર અને વફાદાર હશે, તેઓ પોતાના વરરાજા ઈસુ સાથે સ્વર્ગના રાજ્યમાં જશે.—પ્રકટી. ૭:૧-૩. w૨૪.૦૯ ૨૧ ¶૬

બુધવાર, ઑક્ટોબર ૨૧

‘મેં એક મોટું ટોળું જોયું! એ ટોળામાં દરેક દેશના લોકો હતા.’—પ્રકટી. ૭:૯.

આપણા પ્રચારકામથી દુનિયા ફરતે ઘણા લોકોને મદદ મળી રહી છે. એનો વિચાર કરીએ છીએ ત્યારે પ્રચાર કરતા રહેવાનું ઉત્તેજન મળે છે. દર વર્ષે રસ ધરાવનાર લાખો લોકો સ્મરણપ્રસંગે હાજર રહે છે અને આપણી પાસેથી બાઇબલમાંથી શીખે છે. હજારો લોકો બાપ્તિસ્મા લે છે અને આપણી સાથે મળીને પ્રચાર કરે છે. આપણે જાણતા નથી કે હજી કેટલા લોકો સંદેશો સાંભળીને યહોવાના ભક્ત બનશે. પણ એટલું જરૂર જાણીએ છીએ કે યહોવા મોટા ટોળાના લોકોને ભેગા કરી રહ્યા છે, જેઓ આવનાર મોટી વિપત્તિમાંથી બચી જશે. (પ્રકટી. ૭:૯, ૧૪) કાપણીના માલિક યહોવા ઈશ્વર છે. તેમને પૂરી ખાતરી છે કે ઘણા લોકો રાજ્યનો સંદેશો સાંભળશે અને તેમના ભક્ત બનશે. શું એ પ્રચાર કરતા રહેવાનું જોરદાર કારણ નથી? (લૂક ૧૦:૨) ઈસુના ખરા શિષ્યોએ હંમેશાં ઉત્સાહથી પ્રચાર કર્યો છે અને એ તેઓની ઓળખ રહી છે. જ્યારે લોકોએ પ્રેરિતોને હિંમતથી અને ઉત્સાહથી પ્રચાર કરતા જોયા, ત્યારે “તેઓને ખ્યાલ આવ્યો કે એ માણસો ઈસુ સાથે હતા.” (પ્રે.કા. ૪:૧૩) પ્રચારકામમાં આપણો ઉત્સાહ જોઈને કદાચ લોકો જોઈ શકશે કે આપણે પણ ઈસુના પગલે ચાલીએ છીએ. તો ચાલો પૂરા ઉત્સાહથી પ્રચાર કરતા રહીએ. w૨૫.૦૩ ૧૮ ¶૧૫; ૧૯ ¶૧૭-૧૮

ગુરુવાર, ઑક્ટોબર ૨૨

“હે યહોવા, મનુષ્ય કોણ કે તમે તેના તરફ નજર કરો?”—ગીત. ૧૪૪:૩.

બાઇબલમાંથી આપણને શીખવા મળે છે કે યહોવા એ લોકો પર ધ્યાન આપે છે, જેઓને માણસો કીમતી ગણતા નથી. દાખલા તરીકે, યહોવાએ પ્રબોધક શમુએલને યિશાઈના ઘરે મોકલ્યા. તેમણે યિશાઈના દીકરાઓમાંથી એકનો ઇઝરાયેલના ભાવિ રાજા તરીકે અભિષેક કરવાનો હતો. યિશાઈએ પોતાના આઠ દીકરાઓમાંથી સાતને શમુએલને મળવા બોલાવ્યા. પણ તેના સૌથી નાના દીકરા દાઉદને બોલાવ્યો નહિ. તેમ છતાં, યહોવાએ દાઉદને જ પસંદ કર્યો. (૧ શમુ. ૧૬:૬, ૭, ૧૦-૧૨) યહોવાએ દાઉદનું દિલ જોયું. તે જાણતા હતા કે આ યુવાન છોકરો તેમને ખૂબ પ્રેમ કરે છે. યહોવાએ કઈ રીતે બતાવી આપ્યું છે કે તે તમારા પર ધ્યાન આપે છે? તે તમને તમારા સંજોગોમાં લાગુ પડતી સલાહ આપે છે. (ગીત. ૩૨:૮) જરા વિચારો, જો તે તમને સારી રીતે ઓળખતા ન હોય, તો કઈ રીતે એવી સલાહ આપી શકે? (ગીત. ૧૩૯:૧) જ્યારે તમે એ સલાહ પાળશો અને જોશો કે એનાથી તમને કઈ રીતે મદદ મળે છે, ત્યારે તમને પાકો ભરોસો થઈ જશે કે યહોવા તમારી સંભાળ રાખે છે. (૧ કાળ. ૨૮:૯; પ્રે.કા. ૧૭:૨૬, ૨૭) તમે તેમની ભક્તિમાં અને તેમની આજ્ઞા પાળવા જે મહેનત કરો છો, એની તે નોંધ લે છે. તે તમારા સારા ગુણો પર પણ ધ્યાન આપે છે અને તમારા મિત્ર બનવા માંગે છે.—યર્મિ. ૧૭:૧૦. w૨૪.૧૦ ૨૫-૨૬ ¶૭-૯

શુક્રવાર, ઑક્ટોબર ૨૩

“તેઓ પાળક વગરનાં ઘેટાં જેવા હતા, એ જોઈને ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું.”—માર્ક ૬:૩૪.

અમને ખબર છે કે તમે યહોવાને પ્રેમ કરો છો અને બીજાઓની સેવા કરવા માંગો છો. તમે કઈ રીતે એ ઇચ્છા વધારી શકો? વિચારો કે ભાઈ-બહેનોની સેવા કરવાથી તમને કેટલી ખુશી મળશે. ઈસુએ કહ્યું હતું: “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.” (પ્રે.કા. ૨૦:૩૫) ઈસુએ ફક્ત કહ્યું જ નહિ, એવું કર્યું પણ ખરું. બીજાઓની સેવા કરવાથી તેમને સાચી ખુશી મળી. ચાલો માર્ક ૬:૩૧-૩૪માં આપેલો એક દાખલો જોઈએ. એકવાર ઈસુ અને તેમના પ્રેરિતો થાકી ગયા હતા. આરામ કરવા તેઓ એકાંત જગ્યાએ જઈ રહ્યા હતા. પણ એક ટોળું તેઓની પહેલાં ત્યાં પહોંચી ગયું. એ ટોળાના લોકો ઈસુ પાસેથી શીખવા માંગતા હતા. તે તેઓને ના પાડી શક્યા હોત, કેમ કે ઈસુ અને તેમના સાથીઓની પાસે “નવરાશનો જરાય સમય ન હતો. અરે, જમવાનો પણ સમય ન હતો.” કદાચ ઈસુ એક બે વાત શીખવીને તેઓને પાછા મોકલી શક્યા હોત. પણ, પ્રેમને લીધે તેમણે તેઓને શીખવ્યું. “ઘણું મોડું થઈ ગયું હતું” છતાં તેમણે શીખવ્યું.—માર્ક ૬:૩૫. w૨૪.૧૧ ૧૬ ¶૯-૧૦

શનિવાર, ઑક્ટોબર ૨૪

“તમારાં કામોનું ઇનામ તમને જરૂર મળશે.”—૨ કાળ. ૧૫:૭.

માતા-પિતાઓ, બાળકને ઉત્તેજન આપો કે તે બીજાઓને બાઇબલ વિશે જણાવવાની તકો શોધતો રહે. (રોમ. ૧૦:૧૦) બાળક બીજાઓને પોતાની શ્રદ્ધા વિશે જણાવવાનો પ્રયત્ન કરે એને તમે શાની સાથે સરખાવશો? નવું વાજિંત્ર શીખવા સાથે. શરૂઆતમાં એક વ્યક્તિ કદાચ સાદી ધૂન વગાડવાનું શીખે. એકવાર તેનો હાથ બેસી જાય, એ પછી વાજિંત્ર વગાડવું તેના માટે સહેલું બની જશે. એવી જ રીતે, શરૂઆતમાં બાળક પ્રચાર કરતી વખતે કદાચ સાદી વાત જણાવી શકે. દાખલા તરીકે, તે પોતાના ક્લાસના વિદ્યાર્થીને પૂછી શકે, “તને ખબર છે કે મોટા ભાગે એન્જિનિયરો કુદરતમાં જોવા મળતી વસ્તુઓની નકલ કરે છે? ચાલ તને એક જોરદાર વીડિયો બતાવું.” પછી બાળક આનો રચનાર કોણ? શૃંખલામાંથી કોઈ વીડિયો બતાવી શકે. પછી તે કહી શકે: “કુદરતની નકલ કરીને બનાવેલી વસ્તુ માટે વૈજ્ઞાનિકને શાબાશી મળે છે. તો પછી સૃષ્ટિની વસ્તુઓ બનાવવા માટે કોને શાબાશી મળવી જોઈએ?” બની શકે કે આવી સાદી વાતચીતને લીધે એ વિદ્યાર્થીને કદાચ યહોવા વિશે વધારે જાણવાનું મન થાય. w૨૪.૧૨ ૧૯ ¶૧૭-૧૮

રવિવાર, ઑક્ટોબર ૨૫

“એક માણસથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ આવ્યું.”—રોમ. ૫:૧૨.

આપણને પાપ અને મરણમાંથી આઝાદ કરવા યહોવાએ ઈસુના બલિદાનની ગોઠવણ કરી. પણ એક માણસના બલિદાનથી કઈ રીતે લાખો-કરોડો લોકોને બચાવી શકાય? એ વિશે સમજાવતા પ્રેરિત પાઉલે કહ્યું: “જેમ એક માણસે [આદમે] આજ્ઞા ન માની હોવાથી ઘણા લોકો પાપી ગણાયા, તેમ એક માણસે [ઈસુએ] આજ્ઞા માની હોવાથી ઘણા લોકો નેક ગણાશે.” (રોમ. ૫:૧૯; ૧ તિમો. ૨:૬) બીજા શબ્દોમાં કહીએ તો, તન-મનની ખામી વગરના એક માણસે ઈશ્વરની આજ્ઞા ન માની, જેના લીધે બધા જ લોકો પાપ અને મરણના ગુલામ બન્યા. એવી જ રીતે, એ ગુલામીમાંથી લોકોને આઝાદ કરવા તન-મનની ખામી વગરનો એક માણસ ઈશ્વરની આજ્ઞા પાળે એ જરૂરી હતું. શું યહોવા એવી પરવાનગી આપી શકતા ન હતા કે આદમના વફાદાર વંશજો હંમેશ માટે જીવે? માણસોની નજરે એ મુશ્કેલીનો સારો હલ લાગી શકે. પણ યહોવાની નજરે એ અદ્દલ ન્યાય નથી. યહોવા ન્યાયી છે. એટલે તે ક્યારેય આદમના મોટા પાપને આંખ આડા કાન ન કરતા. w૨૫.૦૧ ૨૧ ¶૩-૪

સોમવાર, ઑક્ટોબર ૨૬

“આપણે શ્રદ્ધાથી ચાલીએ છીએ, જે નજરે પડે છે એનાથી નહિ.”—૨ કોરીં. ૫:૭.

પ્રેરિત પાઉલ જાણતા હતા કે બહુ જલદી તેમને મારી નાખવામાં આવશે. પણ તે પોતાના જીવનથી ખુશ હતા. વીતેલી કાલ પર નજર કરતી વખતે તે કહી શક્યા: “મેં દોડ પૂરી કરી છે અને હું શ્રદ્ધાથી જીવ્યો છું.” (૨ તિમો. ૪:૬-૮) પાઉલે પોતાનું આખું જીવન યહોવાની સેવામાં વિતાવવાનું નક્કી કર્યું હતું. તેમને ખાતરી હતી કે યહોવા તેમનાથી ખુશ હતા. આપણે પણ સારા નિર્ણયો લેવા માંગીએ છીએ અને યહોવાની કૃપા મેળવવા માંગીએ છીએ, ખરું ને! એ માટે શું કરી શકીએ? પાઉલે પોતાના વિશે અને બીજાં વફાદાર ભાઈ-બહેનો વિશે કહ્યું: “આપણે શ્રદ્ધાથી ચાલીએ છીએ, જે નજરે પડે છે એનાથી નહિ.” બાઇબલમાં અમુક વાર “ચાલવું” શબ્દનો ઉપયોગ વ્યક્તિ કઈ રીતે જીવન જીવે છે એ બતાવવા થાય છે. “શ્રદ્ધાથી” ચાલતી વ્યક્તિ નિર્ણય લેતી વખતે યહોવાની ઇચ્છાનો વિચાર કરે છે. તેને પાકો ભરોસો છે કે યહોવા તેને ઇનામ આપશે અને બાઇબલની સલાહ પાળવાથી તેનું ભલું થશે. એ ભરોસો તેના એકેએક કામમાં દેખાઈ આવે છે.—ગીત. ૧૧૯:૬૬; હિબ્રૂ. ૧૧:૬. w૨૫.૦૩ ૨૦ ¶૧-૨

મંગળવાર, ઑક્ટોબર ૨૭

“ઈશ્વરને તમારા વિચારોમાં ફેરફાર કરવા દો, જેથી તમારું મન પૂરેપૂરું બદલાઈ જાય.”—રોમ. ૧૨:૨.

ઘણાં ભાઈ-બહેનો યહોવા વિશે શીખ્યાં એ પહેલાં હિંસક હતાં. તેઓ જલદી ગુસ્સે થઈ જતાં હતાં અને બેઈમાન હતાં. પણ પવિત્ર શક્તિની મદદથી તેઓએ મોટા મોટા ફેરફાર કર્યા. (યશા. ૬૫:૨૫) તેઓએ ખરાબ આદતો અને સ્વભાવ સુધારવા સખત મહેનત કરી. (એફે. ૪:૨૨-૨૪) ખરું કે ઈશ્વરના લોકોમાં આજે પણ પાપની અસર છે, એટલે તેઓથી ભૂલો તો થવાની. પણ યહોવા ‘સર્વ પ્રકારના લોકોને’ પ્રેમ અને શાંતિના એવા બંધનમાં લાવ્યા છે, જેને કોઈ તોડી નહિ શકે. (તિત. ૨:૧૧) એવો ચમત્કાર ફક્ત સર્વશક્તિમાન ઈશ્વર જ કરી શકે છે! યહોવાનાં વચનો હંમેશાં સાચાં પડે છે. (યશા. ૫૫:૧૦, ૧૧) એ આજે આપણે સાફ જોઈ શકીએ છીએ. યહોવાએ આપણને એક કુટુંબ આપ્યું છે અને એ સાચે જ અજોડ છે. આ કુટુંબ સૂકા રણ જેવી દુનિયામાં લીલાછમ બાગ જેવું છે. આખી દુનિયામાં ઊથલ-પાથલ મચી છે. પણ યહોવાના લોકો સાથે હોઈએ છીએ ત્યારે આપણે શાંતિ અને સલામતી અનુભવીએ છીએ. (ગીત. ૭૨:૭) એટલે આપણે ચાહીએ છીએ કે બને એટલા લોકો આપણી સાથે મળીને યહોવાની ભક્તિ કરે. એ માટે જરૂરી છે કે શિષ્યો બનાવવાના કામમાં પૂરું ધ્યાન આપીએ.—માથ. ૨૮:૧૯, ૨૦. w૨૪.૦૪ ૨૩ ¶૧૩, ૧૫

બુધવાર, ઑક્ટોબર ૨૮

“આપણી પાસે તો ખ્રિસ્ત ઈસુનું મન છે.”—૧ કોરીં. ૨:૧૬.

ઈસુ પૂરા મનથી યહોવાને પ્રેમ કરતા હતા. તે જાણતા હતા કે તેમના માટે યહોવાની ઇચ્છા કઈ છે. એ પૂરી કરવા તે કંઈ પણ કરવા તૈયાર હતા, દુઃખો સહેવાં પણ તૈયાર હતા. તેમનું પૂરું ધ્યાન તેમના પિતાની ઇચ્છા પૂરી કરવા પર હતું. એટલે તેમણે કોઈ પણ બાબતને આડે આવવા ન દીધી. પિતર અને બીજા પ્રેરિતો પાસે ઈસુ સાથે સમય વિતાવવાનો અને તે કઈ રીતે વિચારતા હતા એ શીખવાનો જોરદાર લહાવો હતો. પિતરે ઈશ્વરની પ્રેરણાથી પહેલો પત્ર લખ્યો ત્યારે ખ્રિસ્તીઓને ઉત્તેજન આપ્યું કે તેઓ ખ્રિસ્ત જેવું મન રાખીને તૈયાર થાય. (૧ પિત. ૪:૧) “તૈયાર થાઓ” માટે મૂળ ગ્રીક ભાષામાં જે શબ્દો વપરાયા છે, એ બતાવે છે કે એક સૈનિકે યુદ્ધ માટે તૈયાર થવા હથિયારો સજી લીધાં છે. એવી જ રીતે, જો આપણે ખ્રિસ્ત ઈસુ જેવું મન કેળવીશું, એટલે કે તેમની જેમ વિચારીશું તો પાપી ઇચ્છાઓ અને દુષ્ટ દુનિયાના શાસક શેતાન સામે લડવા તૈયાર થઈ શકીશું.—૨ કોરીં. ૧૦:૩-૫; એફે. ૬:૧૨. w૨૫.૦૩ ૮-૯ ¶૧-૩

ગુરુવાર, ઑક્ટોબર ૨૯

“દિલના વિચારો ઊંડા પાણી જેવા છે, પણ સમજુ માણસ એને બહાર કાઢી લાવે છે.”—નીતિ. ૨૦:૫.

લગ્‍નના ઇરાદાથી મળતાં છોકરા-છોકરીઓ, એકબીજા માટે તમારી લાગણીઓ વધે એ પહેલાં તમારે અમુક મહત્ત્વની વાતો પર ચર્ચા કરવી જોઈએ. જેમ કે, તે આગળ જતાં શું કરવા માંગે છે? તમે કઈ રીતે જાણી શકો કે વ્યક્તિ અંદરથી કેવી છે? એક રીત છે, સવાલો પૂછો અને ધ્યાનથી સાંભળો. એકબીજા સાથે ખુલ્લા દિલે વાત કરો, કંઈ પણ ન છુપાવો. (યાકૂ. ૧:૧૯) એ માટે તમે કદાચ અમુક કામ સાથે મળીને કરી શકો, જેથી ખૂલીને વાત કરવાનો મોકો મળે. જેમ કે, સાથે જમી શકો, બહાર ચાલવા જઈ શકો અથવા સાથે પ્રચારમાં જઈ શકો. દોસ્તો અથવા કુટુંબીજનો સાથે સમય વિતાવતી વખતે પણ એકબીજાને સારી રીતે ઓળખી શકો. તમે બીજી અમુક ગોઠવણો પણ કરી શકો, જેથી જોવા મળે કે એ વ્યક્તિ અલગ અલગ સંજોગોમાં અને અલગ અલગ લોકો સાથે કઈ રીતે વર્તે છે. w૨૪.૦૫ ૨૭-૨૮ ¶૬-૭

શુક્રવાર, ઑક્ટોબર ૩૦

“વહાલાં બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરો.”—એફે. ૫:૧.

જલદી જ, આપણે બહુ અઘરા સમયોનો સામનો કરવો પડશે. એ સમયે યહોવા પર હમણાં કરતાં પણ વધારે ભરોસો રાખવો પડશે. બાઇબલ સમયના અને આજના સમયના ઈશ્વરભક્તોના અનુભવો પર ઊંડો વિચાર કરીશું ત્યારે, સમજી શકીશું કે યહોવાએ કઈ રીતે એ સેવકોને મદદ કરી છે. એમ કરવાથી તમે યહોવાને તમારા ખડક બનાવી શકશો. તેમ જ, મંડળનાં ભાઈ-બહેનોની શ્રદ્ધા વધારી શકશો. દાખલા તરીકે, ઈસુએ સિમોનનું નામ કેફાસ (ગ્રીક, “પિતર”) રાખ્યું. એનો અર્થ થાય, “ખડક.” (યોહા. ૧:૪૨) એ શબ્દથી ઈસુ કહેવા માંગતા હતા કે આગળ જતાં પિતર મંડળનાં ભાઈ-બહેનોને દિલાસો આપશે અને તેઓની શ્રદ્ધા મજબૂત કરશે. બાઇબલમાં વડીલોની સરખામણી “વિશાળ ખડકની છાયા” સાથે કરવામાં આવી છે. એ બતાવે છે કે વડીલો મંડળનાં ભાઈ-બહેનોનું રક્ષણ કરે છે. (યશા. ૩૨:૨) જોકે, આપણે બધા જ એકબીજાને મજબૂત કરવા મદદ કરી શકીએ છીએ. કઈ રીતે? યહોવા જેવા ગુણો બતાવીને. w૨૪.૦૬ ૨૮ ¶૧૦-૧૧

શનિવાર, ઑક્ટોબર ૩૧

‘યહોવા ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ કરવામાં આવે.’—પુન. ૪:૨૪.

ઇઝરાયેલના જે રાજાઓને યહોવાએ વફાદાર ગણ્યા હતા, તેઓએ યોગ્ય રીતે યહોવાની ભક્તિ કરી હતી. મોટા ભાગે યહોવાએ જે રાજાઓને બેવફા ગણ્યા, તેઓએ તેમના નિયમશાસ્ત્રનો ત્યાગ કર્યો અને જૂઠા દેવોની ભક્તિ કરવા લાગ્યા. (૧ રાજા. ૨૧:૨૫, ૨૬; ૨ કાળ. ૧૨:૧) યહોવા માટે સાચી ભક્તિનો મુદ્દો કેમ ખૂબ મહત્ત્વનો હતો? એનું એક કારણ હતું કે આખી પ્રજા યોગ્ય રીતે યહોવાની ભક્તિ કરે એની જવાબદારી રાજાના માથે હતી. તેમ જ, લોકો બીજા દેવોની ભક્તિ કરતા ત્યારે ગંભીર પાપ કરી બેસતા હતા અને બીજાઓ સાથે ખરાબ રીતે વર્તતા હતા. (હોશિ. ૪:૧, ૨) એ ઉપરાંત, ઇઝરાયેલના રાજાઓ અને તેઓની પ્રજા યહોવાને સમર્પિત હતાં. એટલે જ્યારે તેઓ યહોવાને બેવફા બન્યાં અને બીજા દેવોની ભક્તિ કરવા લાગ્યાં, ત્યારે તેઓએ જાણે વ્યભિચાર કર્યો હતો. (યર્મિ. ૩:૮, ૯) જ્યારે એક પરિણીત વ્યક્તિ વ્યભિચાર કરે છે, ત્યારે તેના સાથીનું કાળજું કપાઈ જાય છે. એવી જ રીતે, યહોવાનો સમર્પિત સેવક તેમને વફાદાર નથી રહેતો અને બીજા દેવોની ભક્તિ કરે છે ત્યારે, યહોવાનું દિલ વીંધાઈ જાય છે.—પુન. ૪:૨૩. w૨૪.૦૭ ૨૨-૨૩ ¶૧૨-૧૫

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો