વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es23 પાન ૩૦-૪૨
  • માર્ચ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૩
  • મથાળાં
  • બુધવાર, માર્ચ ૧
  • ગુરુવાર, માર્ચ ૨
  • શુક્રવાર, માર્ચ ૩
  • શનિવાર, માર્ચ ૪
  • રવિવાર, માર્ચ ૫
  • સોમવાર, માર્ચ ૬
  • મંગળવાર, માર્ચ ૭
  • બુધવાર, માર્ચ ૮
  • ગુરુવાર, માર્ચ ૯
  • શુક્રવાર, માર્ચ ૧૦
  • શનિવાર, માર્ચ ૧૧
  • રવિવાર, માર્ચ ૧૨
  • સોમવાર, માર્ચ ૧૩
  • મંગળવાર, માર્ચ ૧૪
  • બુધવાર, માર્ચ ૧૫
  • ગુરુવાર, માર્ચ ૧૬
  • શુક્રવાર, માર્ચ ૧૭
  • શનિવાર, માર્ચ ૧૮
  • રવિવાર, માર્ચ ૧૯
  • સોમવાર, માર્ચ ૨૦
  • મંગળવાર, માર્ચ ૨૧
  • બુધવાર, માર્ચ ૨૨
  • ગુરુવાર, માર્ચ ૨૩
  • શુક્રવાર, માર્ચ ૨૪
  • શનિવાર, માર્ચ ૨૫
  • રવિવાર, માર્ચ ૨૬
  • સોમવાર, માર્ચ ૨૭
  • મંગળવાર, માર્ચ ૨૮
  • બુધવાર, માર્ચ ૨૯
  • ગુરુવાર, માર્ચ ૩૦
  • શુક્રવાર, માર્ચ ૩૧
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૩
es23 પાન ૩૦-૪૨

માર્ચ

બુધવાર, માર્ચ ૧

“તમે મારા આ ભાઈઓમાંના સૌથી નાના માટે જે કંઈ કર્યું, એ તમે મારા માટે કર્યું છે.”—માથ. ૨૫:૪૦.

માથ્થી ૨૫:૩૧-૩૬માં ઈસુએ આપેલા ઉદાહરણમાં ‘ઘેટાં’ વિશે વાત થઈ છે. ઘેટાં એવા નેક લોકો છે જેઓને પૃથ્વી પર જીવવાની આશા છે, એટલે કે બીજાં ઘેટાંના એવા લોકો જેઓ અંતના સમયમાં જીવે છે. પૃથ્વી પર બાકી રહેલા ખ્રિસ્તના અભિષિક્ત ભાઈઓને તેઓ વફાદારીથી સાથ આપે છે. કઈ રીતે? તેઓ દુનિયા ફરતે ચાલી રહેલા પ્રચારકામમાં અને શિષ્યો બનાવવાના કામમાં અભિષિક્તોને મદદ કરે છે. (માથ. ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) દર વર્ષે સ્મરણપ્રસંગનાં અમુક અઠવાડિયાં પહેલાં પ્રચારની એક ખાસ ઝુંબેશ રાખવામાં આવે છે. બીજાં ઘેટાંના લોકો એમાં ભાગ લે છે અને બીજાઓને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપે છે. આમ તેઓ ખ્રિસ્તના ભાઈઓને સાથ આપે છે. સ્મરણપ્રસંગ સારી રીતે ઊજવાય એ માટે બીજાં ઘેટાંના લોકો જરૂરી તૈયારી કરે છે. તેઓ ખ્રિસ્તના ભાઈઓને પૂરા ઉત્સાહથી સાથ આપે છે. તેઓ જાણે છે કે તેઓ અભિષિક્તોને સાથ આપે છે ત્યારે, ઈસુની નજરે તો એ તેમને સાથ આપવા બરાબર છે.—માથ. ૨૫:૩૭-૪૦. w૨૨.૦૧ ૨૨ ¶૧૧-૧૨

ગુરુવાર, માર્ચ ૨

“જેણે મને જોયો છે, તેણે પિતાને પણ જોયા છે.” —યોહા. ૧૪:૯.

આપણે પણ ઈસુ જેવા ગુણો કેળવવા જોઈએ. આપણે પણ ઈસુની જેમ બીજાઓ સાથે વર્તવું જોઈએ. દાખલા તરીકે, રક્તપિત્ત થયેલા માણસને જોઈને ઈસુનું દિલ તડપી ઊઠ્યું હતું. એક બીમાર સ્ત્રીને મળીને ઈસુ તેની લાગણી સમજી શક્યા હતા. જેઓએ પોતાનાં કુટુંબીજનોને મરણમાં ગુમાવ્યા હતા, તેઓ માટે ઈસુના દિલમાં દયા ઉભરાઈ આવી. આપણે પણ એવા સંજોગોમાં ઈસુની જેમ વર્તીશું તો યહોવા જેવા બનવાનો પ્રયત્ન કરીશું. (માર્ક ૧:૪૦, ૪૧; ૫:૨૫-૩૪; યોહા. ૧૧:૩૩-૩૫) એમ કરીશું તો યહોવાની નજીક જઈ શકીશું. ઈસુના પગલે ચાલવાથી આપણે દુનિયાની લાલચોમાં ફસાઈશું નહિ. ઈસુ ક્યારેય દુનિયાના રંગે રંગાયા નહિ. તેમણે દુનિયાના લોકો જેવાં વિચારો, ધ્યેયો કે રહન-સહન ક્યારેય અપનાવ્યું નહિ. તે ક્યારેય ભૂલ્યા નહિ કે તેમને પૃથ્વી પર કેમ મોકલવામાં આવ્યા છે. તે તો યહોવાના નામ અને તેમના રાજ કરવાના હકનો મહિમા કરવા આવ્યા હતા. એટલે જ તે પોતાના જીવનની છેલ્લી રાતે કહી શક્યા, “મેં દુનિયા પર જીત મેળવી છે!” (યોહા. ૧૬:૩૩) આજે દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે, જેના લીધે આપણું ધ્યાન ફંટાઈ શકે છે. જો યહોવાની સેવાને જીવનમાં પ્રથમ સ્થાન આપીશું, તો આપણે પણ દુનિયા પર “જીત મેળવી” શકીશું.—૧ યોહા. ૫:૫. w૨૧.૦૪ ૩-૪ ¶૭-૮

શુક્રવાર, માર્ચ ૩

“કોઈ પણ વસ્તુ આપણને ઈશ્વરના પ્રેમથી જુદા પાડી શકશે નહિ.” —રોમ. ૮:૩૯.

પ્રેરિત પાઉલ જાણતા હતા કે ઈસુએ વચન આપ્યું છે કે “જે કોઈ તેમનામાં શ્રદ્ધા મૂકશે, તે હંમેશ માટેનું જીવન મેળવશે.” (યોહા. ૩:૧૬; રોમ. ૬:૨૩) પાઉલને ભરોસો હતો કે ગંભીર ભૂલ કરનાર વ્યક્તિ, પસ્તાવો કરે તો યહોવા ઈસુના બલિદાનને આધારે તેને માફ કરશે. (ગીત. ૮૬:૫) પાઉલને ભરોસો હતો કે યહોવા તેમને ખૂબ ચાહે છે, કેમ કે યહોવાએ તેમના માટે ઈસુનું બલિદાન આપ્યું હતું. ધ્યાન આપો કે ગલાતીઓ ૨:૨૦માં પાઉલે શું કહ્યું: “ઈશ્વરના દીકરાએ મને પ્રેમ બતાવ્યો. મારા માટે પોતાનો જીવ આપી દીધો.” પાઉલે એવું ન વિચાર્યું કે ‘યહોવા બીજાં ભાઈ-બહેનોને તો પ્રેમ કરી શકે છે પણ મને નહિ. કેમ કે પહેલાં મેં ઘણાં ખોટાં કામ કર્યાં હતાં.’ એટલે તે રોમનાં ભાઈ-બહેનોને લખી શક્યા કે “આપણે હજુ પાપી હતા ત્યારે, ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા.” (રોમ. ૫:૮) ખરેખર, યહોવા પોતાના બધા જ ભક્તોને ખૂબ ચાહે છે. પાઉલને પૂરી ખાતરી હતી કે ઈશ્વરનો પ્રેમ ઊંડો છે. તે જાણતા હતા કે યહોવાએ ઇઝરાયેલના લોકો સાથે કેટલી ધીરજ રાખી હતી. w૨૧.૦૪ ૨૨ ¶૮-૧૦

શનિવાર, માર્ચ ૪

“ઈશ્વર પરનો પ્રેમ તો એ છે કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ.” —૧ યોહા. ૫:૩.

બાઇબલ વિદ્યાર્થીને યહોવાને પ્રેમ કરવાનું શીખવીએ. જ્યારે મોકો મળે ત્યારે યહોવાના ગુણો પર ધ્યાન દોરીએ. તેને બતાવીએ કે યહોવા આનંદી ઈશ્વર છે. એ પણ બતાવીએ કે યહોવા એવા લોકોની પડખે રહે છે જેઓ તેમને પ્રેમ કરે છે. (૧ તિમો. ૧:૧૧; હિબ્રૂ. ૧૧:૬) વિદ્યાર્થી શીખેલી વાતો લાગુ કરે છે ત્યારે તેને ઘણો ફાયદો થાય છે. આપણે સમજાવીએ કે યહોવા તેને પ્રેમ કરે છે એટલે તેને ફાયદો થઈ રહ્યો છે. (યશા. ૪૮:૧૭, ૧૮) એ રીતે આપણે વિદ્યાર્થીને યહોવાને પ્રેમ કરવાનું શીખવી શકીશું. વિદ્યાર્થીના દિલમાં યહોવા માટેનો પ્રેમ વધતો જશે તેમ ફેરફાર કરવાની તેની ઇચ્છા પણ વધતી જશે. વિદ્યાર્થીએ બાપ્તિસ્મા તરફ આગળ વધવા ઘણું જતું કરવું પડશે. તેણે કદાચ એવા દોસ્તોનો સાથ છોડવો પડે જેઓ યહોવાની ભક્તિ કરતા ન હોય. એવું પણ બને કે તેના કુટુંબના સભ્યોને યહોવાના સાક્ષીઓ પસંદ ન હોવાથી તેનો સાથ છોડી દે. ઈસુએ વચન આપ્યું હતું કે જેઓ તેના શિષ્યો બનશે તેઓને તે એકલા નહિ મૂકી દે. તેઓને યહોવાના લોકો પોતાના કુટુંબની જેમ પ્રેમ કરશે.—માર્ક ૧૦:૨૯, ૩૦. w૨૧.૦૬ ૪ ¶ ૮-૯

રવિવાર, માર્ચ ૫

“તમારી નજર ઉઠાવીને ખેતરો જુઓ. એ ખેતરો કાપણી માટે તૈયાર છે.”—યોહા. ૪:૩૫.

પ્રેરિત પાઉલે શિષ્ય બનાવવાના કામને ખેતીવાડીના કામ સાથે સરખાવ્યું. તેમણે કોરીંથ મંડળનાં ભાઈ-બહેનોને કહ્યું: “મેં રોપ્યું, અપોલોસે પાણી પાયું, . . . તમે ઈશ્વરનું ખેતર છો જેને તે ખેડી રહ્યા છે.” (૧ કોરીં. ૩:૬-૯) એનાથી ખબર પડે છે કે બી રોપવું જ પૂરતું નથી, એને પાણી પાવું પણ ખૂબ જરૂરી છે. આમ જોવા મળે છે કે આપણે ‘ઈશ્વરના ખેતરના’ કામદારો છીએ. આપણે પ્રચાર કરીએ છીએ ત્યારે જાણે બી રોપવાનું કામ કરીએ છીએ. આપણે શીખવવાનું કામ કરીએ છીએ ત્યારે એને પાણી પાવાનું કામ કરીએ છીએ. આપણે સારી રીતે જાણીએ છીએ કે ઈશ્વર જ એ બીને વૃદ્ધિ આપશે એટલે કે લોકોને પોતાની તરફ દોરી લાવશે. યહોવાએ આપણને પ્રચાર કરવાનો અને બીજાઓને શીખવવાનો સરસ લહાવો આપ્યો છે. એ કામમાં આપણને ખરી ખુશી મળે છે. પ્રેરિત પાઉલે પણ થેસ્સાલોનિકામાં રહેતા ઘણા લોકોને ઈસુના શિષ્ય બનવા મદદ કરી હતી. તેઓ વિશે તેમણે કહ્યું, “આપણા માલિક ઈસુની હાજરી દરમિયાન અમારી આશા કે આનંદ કે ગર્વનો મુગટ શું છે? શું એ તમે નથી? તમે જ અમારો મહિમા અને આનંદ છો.”—૧ થેસ્સા. ૨:૧૯, ૨૦; પ્રે.કા. ૧૭:૧-૪. w૨૧.૦૭ ૩ ¶૫; ૭ ¶૧૭

સોમવાર, માર્ચ ૬

“નાનાઓમાંના એકને તમે ધિક્કારો નહિ.”—માથ. ૧૮:૧૦.

દુનિયાના લાખો-કરોડો લોકોમાં યહોવા તમને પોતાની તરફ દોરી લાવ્યા છે. (યોહા. ૬:૪૪) જરા વિચારો એનો શું અર્થ થાય? એ જ કે તેમણે તમારામાં કંઈક કીમતી જોયું. તેમણે જોયું કે તમે સાફ દિલના છો અને એક દિવસ ચોક્કસ તેમને પ્રેમ કરશો. (૧ કાળ. ૨૮:૯) કેટલી ખુશીની વાત છે કે યહોવા તમને ઓળખે છે, સમજે છે અને પ્રેમ કરે છે! યહોવા આપણી કાળજી તો રાખે જ છે, સાથે સાથે બીજાં ભાઈ-બહેનોની પણ તે કાળજી રાખે છે. એ સમજાવવા ઈસુએ એક ઘેટાંપાળકનો દાખલો આપ્યો. એક ઘેટાંપાળક પાસે ૧૦૦ ઘેટાં હતાં. તેનું એક ઘેટું ખોવાઈ ગયું ત્યારે તે બાકીના ‘૯૯ ઘેટાંને પહાડ પર મૂકીને એકને શોધવા’ નીકળી પડ્યો. એ જ્યારે પાછું મળ્યું ત્યારે તે એના પર ગુસ્સે થતો નથી, પણ ખુશ થાય છે. ઈસુએ જણાવ્યું કે યહોવા પણ એક ઘેટાંપાળક જેવા છે. તેમને મન તેમનાં બધાં ઘેટાં કીમતી છે. ઈસુએ કહ્યું: “મારા સ્વર્ગમાંના પિતાને જરાય પસંદ નથી કે આ નાનાઓમાંથી એકનો પણ નાશ થાય.”—માથ. ૧૮:૧૨-૧૪. w૨૧.૦૬ ૨૦ ¶૧-૨

મંગળવાર, માર્ચ ૭

“તમે ઈશ્વરની પાસે આવો.”—યાકૂ. ૪:૮.

જ્યારે આપણે યહોવાએ બતાવેલા અપાર પ્રેમ પર મનન કરીએ છીએ, ત્યારે યહોવા માટેનો આપણો પ્રેમ વધે છે અને તેમની સાથેની આપણી દોસ્તી પાકી થાય છે. (રોમ. ૮:૩૮, ૩૯) ઈસુને અનુસરવાનું આપણને ઉત્તેજન મળે છે. (૧ પિત. ૨:૨૧) સ્મરણપ્રસંગ નજીક આવતો જાય તેમ આપણે ઈસુના છેલ્લા અઠવાડિયા વિશે, તેમના મરણ વિશે અને તે પાછા જીવતા થયા એ વિશે બાઇબલમાંથી વાંચીને એના પર મનન કરીએ છીએ. સ્મરણપ્રસંગની સાંજે, પ્રવચનમાં આપણને ઈસુએ બતાવેલો પ્રેમ યાદ કરાવવામાં આવે છે. (એફે. ૫:૨; ૧ યોહા. ૩:૧૬) ઈસુ વિશે વાંચવાથી અને એના પર મનન કરવાથી આપણને ‘ઈસુની જેમ ચાલતા રહેવા’ ઉત્તેજન મળે છે. (૧ યોહા. ૨:૬) ઈશ્વરના પ્રેમમાં કાયમ રહેવાનો આપણો ઇરાદો પાકો થાય છે. (યહૂ. ૨૦, ૨૧) જો આપણે યહોવાની આજ્ઞા પાળીશું, તેમના નામને પવિત્ર મનાવીશું અને તેમના દિલને ખુશ કરીશું, તો યહોવાના પ્રેમની છાયામાં કાયમ રહી શકીશું. (નીતિ. ૨૭:૧૧; માથ. ૬:૯; ૧ યોહા. ૫:૩) સ્મરણપ્રસંગથી આપણો ઇરાદો મજબૂત થાય છે કે આપણે એ રીતે જીવન જીવીએ કે દરરોજ યહોવાને કહી શકીએ, ‘હું તમારા પ્રેમમાં કાયમ રહેવા ઇચ્છું છું.’ w૨૨.૦૧ ૨૩ ¶૧૭-૧૮; ૨૫ ¶૧૯

બુધવાર, માર્ચ ૮

‘તમે કોની ભક્તિ કરશો એ નક્કી કરો.’—યહો. ૨૪:૧૫.

યહોવાએ આપણને નિર્ણયો લેવાની છૂટ આપી. આપણે જીવનમાં શું કરીશું એ પોતે નક્કી કરી શકીએ છીએ. આપણે તેમની સેવા કરવાનો નિર્ણય લઈએ છીએ ત્યારે તેમને ઘણી ખુશી થાય છે. (ગીત. ૮૪:૧૧; નીતિ. ૨૭:૧૧) જીવનમાં બીજા નિર્ણયો લેતી વખતે પણ આપણે એ છૂટનો સારો ઉપયોગ કરી શકીએ છીએ. કેવી રીતે? ચાલો એ માટે ઈસુનો દાખલો જોઈએ. ઈસુ હંમેશાં બીજાઓનો વિચાર કરતા. એક વખત ઈસુ અને તેમના પ્રેરિતો ખૂબ થાક્યા હતા. તેઓ આરામ કરવા એક શાંત જગ્યાએ ગયા પણ તેઓ આરામ કરી શક્યા નહિ. લોકોનું એક મોટું ટોળું તેઓની પાછળ પાછળ આવ્યું. તેઓ ઈસુ પાસેથી શીખવા માંગતા હતા. ઈસુ તેઓને જોઈને ચિડાઈ ગયા નહિ. પણ તેમનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું. “તે તેઓને ઘણી વાતો શીખવવા લાગ્યા.” (માર્ક ૬:૩૦-૩૪) આપણે પણ ઈસુની જેમ બીજાઓને મદદ કરવા આપણાં સમય-શક્તિ ખર્ચીએ છીએ ત્યારે યહોવાના નામનો મહિમા થાય છે.—માથ. ૫:૧૪-૧૬. w૨૧.૦૮ ૩ ¶૭-૮

ગુરુવાર, માર્ચ ૯

‘દરેક માણસ પોતાનાં જ કામોને લીધે ખુશી મેળવે. તેણે પોતાનાં કામોની સરખામણી બીજાઓ સાથે કરવી નહિ.’—ગલા. ૬:૪.

યહોવાએ સૃષ્ટિ બનાવી ત્યારે બધું એકસરખું બનાવ્યું નહિ. તેમણે અલગ અલગ ઝાડ-પાન અને પ્રાણીઓ બનાવ્યાં. અરે, તેમણે માણસોને પણ અલગ અલગ બનાવ્યા. એટલે તે ક્યારેય આપણને બીજાઓ સાથે સરખાવતા નથી. યહોવા આપણું દિલ જુએ છે, આપણે અંદરથી કેવા છીએ એ જુએ છે. (૧ શમુ. ૧૬:૭) તે જાણે છે કે આપણામાં કઈ ખૂબી છે, કઈ ખામીઓ છે અને આપણો ઉછેર કઈ રીતે થયો છે. એટલે આપણે જે કરી શકીએ છીએ એનાથી વધારે તે આપણી પાસે અપેક્ષા રાખતા નથી. આપણે પણ પોતાને યહોવાની નજરે જોવા જોઈએ. એમ કરીશું તો આપણે ‘સમજુ બનીશું’ અને પોતાને ચઢિયાતા નહિ સમજીએ કે ઊતરતા પણ નહિ ગણીએ. (રોમ. ૧૨:૩) બીજાઓને જોઈને શીખવામાં કંઈ ખોટું નથી. દાખલા તરીકે, જો કોઈ ભાઈ કે બહેન સારી રીતે પ્રચાર કરતા હોય, તો તેઓને જોઈને આપણે શીખી શકીએ છીએ. (હિબ્રૂ. ૧૩:૭; ફિલિ. ૩:૧૭) પણ બીજાઓને જોઈને શીખવામાં અને પોતાને બીજાઓ સાથે સરખાવવામાં ફરક છે. w૨૧.૦૭ ૨૦ ¶૧-૨

શુક્રવાર, માર્ચ ૧૦

“તમારી આંખો ઊંચી કરીને આકાશ તરફ જુઓ. એ બધા તારા કોણે બનાવ્યા છે?”—યશા. ૪૦:૨૬.

તમે પશુ-પક્ષીઓ, ઝાડ-પાન અને તારાઓને ધ્યાનથી જોશો તો સર્જનહાર પર તમારો વિશ્વાસ મજબૂત થશે. (ગીત. ૧૯:૧) એ વિશે શીખતા જશો તેમ તમને પાકી ખાતરી થશે કે યહોવા જ આપણા સર્જનહાર છે. સૃષ્ટિમાંથી આપણને સર્જનહાર વિશે ઘણું શીખવા મળે છે. (રોમ. ૧:૨૦) દાખલા તરીકે, સૂર્ય માણસો માટે ખૂબ જરૂરી છે. એનાથી માણસોને ગરમી અને અજવાળું મળે છે. સૂર્યમાંથી અમુક હાનિકારક કિરણો પણ નીકળે છે. જોકે એ કિરણોથી માણસોને કોઈ નુકસાન થતું નથી. કેમ કે પૃથ્વીની ચારેબાજુ ગેસનું એક પડ છે, જેને ઑઝોન કહે છે. એ સૂર્યમાંથી નીકળતા હાનિકારક કિરણો શોષી લે છે. સૂર્યના હાનિકારક કિરણો વધતા જાય તેમ ઑઝોનની માત્રા પણ વધતી જાય છે. શું એ જોઈને તમને નથી લાગતું આપણા સર્જનહાર પ્રેમાળ અને બુદ્ધિમાન છે? w૨૧.૦૮ ૧૭ ¶૯-૧૦

શનિવાર, માર્ચ ૧૧

“જે કોઈ ઈશ્વરને પ્રેમ કરે છે, તેણે પોતાના ભાઈને પણ પ્રેમ કરવો જોઈએ.”—૧ યોહા. ૪:૨૧.

વ્યક્તિ બાપ્તિસ્મા લે પછી પણ આપણે તેના માટે પ્રેમ અને આદર બતાવતા રહેવું જોઈએ. (૧ યોહા. ૪:૨૦) ધારો કે એક ભાઈએ એવું કંઈક કર્યું છે, જે આપણને સમજાતું નથી. આપણે એવું ન વિચારીએ કે તેમનો ઇરાદો સારો નથી. એને બદલે આપણે તેમનો આદર કરીએ, તેમના પર પૂરો ભરોસો રાખીએ અને તેમને પોતાના કરતાં ચઢિયાતા ગણીએ. (રોમ. ૧૨:૧૦; ફિલિ. ૨:૩) આપણે બધા સાથે ભલાઈ અને દયાથી વર્તવું જોઈએ. જો આપણે યહોવાના કુટુંબનો ભાગ બનવા માંગતા હોઈએ, તો બાઇબલનાં ધોરણો પ્રમાણે ચાલીએ. દાખલા તરીકે ઈસુએ શીખવ્યું હતું કે બધા સાથે ભલાઈ અને કૃપાથી વર્તીએ, અરે દુશ્મનો સાથે પણ. (લૂક ૬:૩૨-૩૬) એમ કરવું હંમેશાં સહેલું હોતું નથી. એવા સમયે આપણે ઈસુની જેમ વિચારવાનો અને વર્તવાનો પ્રયત્ન કરીએ. યહોવાની આજ્ઞા પાળવાનો અને ઈસુ જેવા બનવાનો પ્રયત્ન કરીને બતાવીએ છીએ કે આપણે યહોવાના કુટુંબનો ભાગ બનવા માંગીએ છીએ. w૨૧.૦૮ ૫-૬ ¶૧૪-૧૫

રવિવાર, માર્ચ ૧૨

“મારું પારખું તો કરી જુઓ, હું તમારા માટે આકાશના દરવાજા ખોલી દઉં છું કે નહિ. હું તમારા પર એટલો બધો આશીર્વાદ વરસાવીશ.”—માલા. ૩:૧૦.

યહોવા પર ભરોસો રાખીએ. યહોવાએ વચન આપ્યું છે કે જેઓ તેમના પર ભરોસો રાખે છે અને તેમની સેવામાં બનતું બધું કરે છે તેઓને ઘણા આશીર્વાદો આપશે. બાઇબલમાં એવા ઘણા ઈશ્વરભક્તોના દાખલા છે, જેઓએ યહોવાની સેવામાં બહુ મહેનત કરી હતી. ઘણા કિસ્સામાં તેઓએ પહેલા પગલું ભર્યું અને પછી યહોવાએ તેઓને આશીર્વાદ આપ્યો. દાખલા તરીકે ઇબ્રાહિમે પહેલા પોતાનું ઘર છોડ્યું પછી યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો. (હિબ્રૂ. ૧૧:૮) યાકૂબે પહેલા સ્વર્ગદૂત સાથે કુસ્તી કરી પછી યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો. (ઉત. ૩૨:૨૪-૩૦) યાજકોએ બંને કાંઠે છલકાતી યર્દન નદીમાં પગ મૂક્યો પછી ઇઝરાયેલીઓ એને પાર કરીને વચનના દેશમાં પહોંચી શક્યા. (યહો. ૩:૧૪-૧૬) આપણે એવાં ભાઈ-બહેનો પાસેથી શીખી શકીએ જેઓ યહોવા પર ભરોસો રાખીને તેમની સેવામાં વધુ કરી રહ્યાં છે. w૨૧.૦૮ ૨૯-૩૦ ¶૧૨-૧૪

સોમવાર, માર્ચ ૧૩

“તું એવું ન કહે, ‘હાલના કરતાં અગાઉના દિવસો વધારે સારા હતા.’”—સભા. ૭:૧૦.

વૃદ્ધ ભાઈ-બહેનો, તમે પહેલાં ભલે અલગ રીતે કામ કરતા, પણ બદલાતા સંજોગોની સાથે તમે નવી રીતોએ કામ કરવાનું શીખ્યાં છો. જો તમારું બાપ્તિસ્મા હમણાં જ થયું હોય તોપણ તમે યુવાનોને મદદ કરી શકો છો. તમારા અનુભવોના ભંડારમાંથી યુવાનોને આપતા રહો અને યહોવા પણ તમને આશીર્વાદો ‘આપતા રહેશે.’ (લૂક ૬:૩૮) વૃદ્ધ ભાઈ-બહેનો યુવાનો સાથે દોસ્તી કરે ત્યારે એકબીજાને સાથ આપી શકે છે. (રોમ. ૧:૧૨) તેઓ બંને પાસે કંઈક ને કંઈક મહત્ત્વનું છે. વૃદ્ધ ભાઈ-બહેનો પાસે અનુભવ અને સમજણ છે તો યુવાનો પાસે તાકાત. તેઓ બંને સાથે મળીને કામ કરે ત્યારે ઈશ્વરનો મહિમા થાય છે અને મંડળમાં સંપ જળવાય છે. w૨૧.૦૯ ૮ ¶૩; ૧૨-૧૩ ¶૧૭-૧૮

મંગળવાર, માર્ચ ૧૪

“વધસ્તંભ પર મારી નાખેલા ખ્રિસ્તને અમે જાહેર કરીએ છીએ, એ વાત યહૂદીઓ માટે ઠોકરરૂપ છે.”—૧ કોરીં. ૧:૨૩.

ઈસુને વધસ્તંભ પર ગુનેગારની જેમ મારી નાખવામાં આવ્યા. એટલે ઘણા યહૂદીઓ માટે એ માનવું મુશ્કેલ હતું કે ઈસુ જ મસીહ છે. (પુન. ૨૧:૨૨, ૨૩) જેઓ ઈસુનો ન્યાય કરવાના હતા તેઓએ ભેદભાવ રાખ્યા વગર ઈસુનો ન્યાય કરવાનો હતો. પણ તેઓએ નિયમ બાજુ પર મૂકી દીધો હતો. તેઓ તો ફટાફટ મુકદ્દમો પૂરો કરવામાં લાગેલા હતા. (લૂક ૨૨:૫૪; યોહા. ૧૮:૨૪) તેઓ “ઈસુને મારી નાખવા તેમની વિરુદ્ધ ખોટા સાક્ષીઓ શોધતા હતા.” (માથ. ૨૬:૫૯; માર્ક ૧૪:૫૫-૬૪) પછીથી ઈસુ પાછા જીવતા થયા અને તેમની કબર ખાલી મળી, ત્યારે તેઓએ રોમન સૈનિકોને “ચાંદીના ઘણા સિક્કા” આપ્યા. તેઓએ રોમન સૈનિકો પાસે જૂઠી અફવા ફેલાવી કે શિષ્યો આવીને ઈસુની લાશ લઈ ગયા. જે યહૂદીઓએ ઈસુ પર વિશ્વાસ ન કર્યો તેઓએ એ વાત પર ધ્યાન ન આપ્યું, કે ઈસુ નિર્દોષ હતા. તેમના પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમની સાથે અન્યાય થયો હતો.—માથ. ૨૮:૧૧-૧૫. w૨૧.૦૫ ૧૧ ¶૧૨-૧૩

બુધવાર, માર્ચ ૧૫

“એ દિવસ અને ઘડી વિશે પિતા સિવાય કોઈ જાણતું નથી, સ્વર્ગના દૂતો નહિ કે દીકરો નહિ.”—માથ. ૨૪:૩૬.

યહોવા ધારે તો ચપટીમાં શેતાનની દુનિયાનો નાશ કરી શકે છે, પણ તે ધીરજ રાખી રહ્યા છે. એનાથી આપણને ફાયદો થાય છે. આદમ અને હવાનાં બાળકો જન્મથી જ પાપી છે, તોપણ યહોવા તેઓને પ્રેમ કરે છે. યહોવા તેઓની કાળજી રાખે છે. (૧ યોહા. ૪:૧૯) તેમણે વચન આપ્યું છે કે તે શેતાનની દુનિયાનો જલદી જ નાશ કરશે. એ માટે તેમણે એક દિવસ નક્કી પણ કર્યો છે. એ દિવસ આવે ત્યાં સુધી યહોવાનો પ્રેમ આપણને ધીરજથી સહેવા મદદ કરશે. ધીરજ રાખવામાં યહોવાએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. યહોવાની જેમ ઈસુએ પણ ધીરજ રાખી. ધરતી પર હતા ત્યારે ઈસુએ લોકોની કડવી વાતો સહેવી પડી, અપમાન સહન કરવું પડ્યું. એટલું જ નહિ તેમણે તો આપણા માટે પોતાનો જીવ પણ આપી દીધો. (હિબ્રૂ. ૧૨:૨, ૩) યહોવાએ જે રીતે ધીરજ બતાવી, એનાથી ઈસુને એ બધું સહન કરવા માટે હિંમત મળી. આજે આપણને પણ એમાંથી હિંમત મળી શકે છે. w૨૧.૦૭ ૧૨-૧૩ ¶૧૫-૧૭

ગુરુવાર, માર્ચ ૧૬

“જેમ તમારા પિતા દયાળુ છે એમ તમે દયાળુ થાઓ.” —લૂક ૬:૩૬.

આપણે દરરોજ કોઈ ને કોઈ ભૂલ કરીએ છીએ. પણ યહોવા આપણને માફ કરે છે. (ગીત. ૧૦૩:૧૦-૧૪) ઈસુ પણ દયાળુ છે. તેમના શિષ્યોએ ડગલે ને પગલે ભૂલો કરી પણ ઈસુએ તેઓને માફ કર્યા. અરે, આપણને પાપની ગુલામીમાંથી છોડાવવા તો તેમણે પોતાનો જીવ આપી દીધો. (૧ યોહા. ૨:૧, ૨) આપણે ‘એકબીજાને દિલથી માફ કરવા’ જોઈએ. (એફે. ૪:૩૨) એમ કરીશું તો ભાઈ-બહેનો માટે આપણો પ્રેમ ગાઢ બનશે. જોકે અમુક વાર એમ કરવું અઘરું હોય છે, તેમ છતાં પ્રયત્ન કરવો જોઈએ. એક બહેને એવું જ કર્યું. તેમણે ચોકીબુરજનો આ લેખ વાંચ્યો “એકબીજાને દિલથી માફ કરો.” એનાથી તેમને ઘણી મદદ મળી. તે કહે છે, “એ લેખમાં બતાવ્યું છે, માફ કરવાનો અર્થ એ નથી કે આપણે બીજાઓનાં ખોટાં કામને ચલાવી લઈએ છીએ કે તેઓના કામથી આપણને દુઃખ પહોંચ્યું નથી. પણ એનો અર્થ થાય કે આપણે તેઓ માટે મનમાં ખાર ભરી રાખતા નથી અને મનની શાંતિ જાળવીએ છીએ.” આપણે ભાઈ-બહેનોને માફ કરીને બતાવીએ છીએ કે તેઓને દિલથી પ્રેમ કરીએ છીએ અને યહોવા જેવા બનવાનો પ્રયત્ન કરીએ છીએ. w૨૧.૦૯ ૨૩ ¶૧૫-૧૬

શુક્રવાર, માર્ચ ૧૭

‘ઈશ્વરની ભક્તિ કરનારા લોકોએ સચ્ચાઈથી ભક્તિ કરવી જોઈએ.’ —યોહા. ૪:૨૪.

યહોવા અને તેમના હેતુઓ વિશેનું સત્ય ઈસુ જાણતા હતા. એ માટે તેમના દિલમાં ખૂબ પ્રેમ હતો. એટલે તે સત્યના માર્ગે ચાલ્યા અને એ વિશે બીજાઓને પણ જણાવ્યું. (યોહા. ૧૮:૩૭) ઈસુના શિષ્યોને પણ સત્ય માટે ખૂબ પ્રેમ હતો. (યોહા. ૪:૨૩) પ્રેરિત પિતરે કહ્યું, ખ્રિસ્તી હોવાનો અર્થ થાય કે ‘સત્યના માર્ગે’ ચાલવું. (૨ પિત. ૨:૨) પહેલી સદીના ખ્રિસ્તીઓને સત્ય માટે ખૂબ પ્રેમ હતો. એટલે તેઓએ એવાં શિક્ષણ, વિચારો અને રીતરિવાજોને નકારી કાઢ્યાં જે બાઇબલ આધારિત ન હતાં. (કોલો. ૨:૮) એવી જ રીતે, આજે યહોવાના સાક્ષીઓ “સત્યના માર્ગ પર” ચાલવાની પૂરી કોશિશ કરે છે. (૩ યોહા. ૩, ૪) તેઓનું શિક્ષણ અને જીવવાની રીત બાઇબલ આધારિત છે. યહોવાના સાક્ષીઓ દાવો કરતા નથી કે તેઓ પાસે બાઇબલની પૂરેપૂરી સમજણ છે. અમુક વાર બાઇબલની કલમો સમજાવવામાં અને સંગઠન ચલાવવામાં તેઓથી ભૂલો થઈ છે. જ્યારે એ ભૂલો વિશે ખબર પડી ત્યારે એને સુધારવામાં આવી. w૨૧.૧૦ ૨૧-૨૨ ¶૧૧-૧૨

શનિવાર, માર્ચ ૧૮

“યહોવા પર ભરોસો રાખનાર તેમના અતૂટ પ્રેમની છાયામાં રહે છે.” —ગીત. ૩૨:૧૦.

પહેલાંના સમયમાં શહેર ફરતે ઊંચી દીવાલો હતી, જેથી લોકોનું દુશ્મનોથી રક્ષણ થતું. યહોવાનો અતૂટ પ્રેમ પણ દીવાલની જેમ આપણું રક્ષણ કરે છે, જેથી યહોવા સાથેનો આપણો સંબંધ તૂટે નહિ. તે બીજી એક રીતે પણ આપણને અતૂટ પ્રેમ બતાવે છે. તે આપણને પોતાની તરફ ખેંચી લાવે છે. (યર્મિ. ૩૧:૩) યહોવા પોતાના લોકોનું રક્ષણ કઈ રીતે કરે છે, એ સમજાવવા એક ગીતના લેખક દાઉદે બીજું એક ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું, “મારા પર અતૂટ પ્રેમ રાખનાર ઈશ્વર મારો સલામત આશરો છે.” તેમણે યહોવા વિશે એ પણ જણાવ્યું કે “તે મને અતૂટ પ્રેમ બતાવે છે; તે મારો કિલ્લો, મારો સલામત આશરો અને મારો છોડાવનાર છે. તે મારી ઢાલ છે અને તેમનામાં હું શરણ લઉં છું.” (ગીત. ૫૯:૧૭; ૧૪૪:૨) દાઉદે કેમ એવું કહ્યું કે યહોવાનો અતૂટ પ્રેમ, તેમના માટે એક કિલ્લો અને આશરો છે? જૂના જમાનામાં કિલ્લામાં આશરો લેવાથી લોકોનું રક્ષણ થતું હતું. એવી જ રીતે યહોવા પોતાના બધા ભક્તોને જરૂરી મદદ પૂરી પાડશે, જેથી તેમની સાથેના આપણા સંબંધનું રક્ષણ થાય. w૨૧.૧૧ ૬ ¶૧૪-૧૫

રવિવાર, માર્ચ ૧૯

“હું તમારાં બધાં કામો પર મનન કરીશ.”—ગીત. ૭૭:૧૨.

એકવાર એવું બન્યું કે ઈસુ પોતાના શિષ્યો સાથે હોડીમાં મુસાફરી કરતા હતા. અચાનક એક મોટું તોફાન આવ્યું અને હોડી ડૂબવા લાગી. પણ ઈસુ આરામથી સૂતા હતા. શિષ્યો ડરી ગયા અને ઈસુને જગાડીને કહેવા લાગ્યા “હે માલિક, બચાવો.” એ બનાવથી ઈસુ શિષ્યોને કંઈક શીખવવા માંગતા હતા. ઈસુ એ જોવા મદદ કરી રહ્યા હતા કે શિષ્યોએ શ્રદ્ધા વધારવાની જરૂર હતી. (માથ. ૮:૨૩-૨૬) એટલે ઈસુએ તેઓને પૂછ્યું “તમે કેમ ગભરાઓ છો? તમારી શ્રદ્ધા કેમ ખૂટી ગઈ?” શું તમે ‘મોટા તોફાનનો’ સામનો કરી રહ્યા છો? કદાચ તમે કુદરતી આફતોને લીધે અથવા બીમારીઓને લીધે ઘણું સહન કરી રહ્યા હશો. ચિંતાઓને તમારા પર હાવી થવા ન દો, પણ યહોવા પર ભરોસો રાખો અને પ્રાર્થના કરતા રહો. એવા સમયનો વિચાર કરો જ્યારે યહોવાએ તમને મદદ કરી હોય, એનાથી તમારી શ્રદ્ધા વધશે. (ગીત. ૭૭:૧૧) ભરોસો રાખો કે યહોવા તમારો સાથ ક્યારેય નહિ છોડે, આજે પણ નહિ અને ભાવિમાં પણ નહિ. w૨૧.૧૧ ૨૨ ¶૭, ૧૦

સોમવાર, માર્ચ ૨૦

“તમે ચોરી ન કરો.”—લેવી. ૧૯:૧૧.

એક ઇઝરાયેલી કદાચ વિચારે, ‘હું બીજા કોઈની વસ્તુ પડાવી લેતો નથી, એટલે એ આજ્ઞા તો પાળું જ છું.’ પણ બની શકે કે તે બીજી કોઈ રીતે ચોરી કરતો હોય. દાખલા તરીકે. જો એક વેપારી બીજાઓને છેતરવા ખોટાં માપ કે ત્રાજવાં વાપરે તો એ પણ એક પ્રકારની ચોરી જ કહેવાય. લેવીય ૧૯:૧૩ની કલમથી સાફ જોવા મળે છે કે નોકરી-ધંધામાં કોઈને છેતરવું એ ચોરી કરવા બરાબર છે. આઠમી આજ્ઞામાં ચોરી ન કરવા વિશે લખ્યું હતું. પણ એ આજ્ઞા પાછળનો સિદ્ધાંત સમજવા લેવીયમાં આપેલી માહિતી આપણને મદદ કરે છે. એ સિદ્ધાંત હતો કે આપણે દરેક વખતે ઈમાનદાર રહેવું જોઈએ. લેવીય ૧૯:૧૧-૧૩ વાંચીને આપણે શીખી શકીએ છીએ કે બેઈમાની અને ચોરીને યહોવા કઈ નજરે જુએ છે. આપણે પોતાને પૂછવું જોઈએ, ‘શું હું નોકરી કે વેપાર-ધંધો ઈમાનદારીથી કરું છું? શું મારે કોઈ ફેરફાર કરવાની જરૂર છે?’ w૨૧.૧૨ ૯-૧૦ ¶૬-૮

મંગળવાર, માર્ચ ૨૧

“જેમ યહોવાએ તમને દિલથી માફ કર્યા, તેમ તમે પણ કરો.” —કોલો. ૩:૧૩.

આપણાથી દરરોજ ભૂલો થાય છે, એ માટે યહોવા પાસે માફી માંગીએ. જો આપણાથી કોઈ મોટું પાપ થઈ જાય તો વડીલોને જણાવીએ. તેઓ આપણું સાંભળશે અને બાઇબલમાંથી સલાહ આપશે. તેઓ આપણા માટે પ્રાર્થના કરશે, એનાથી યહોવા આપણને માફ કરશે અને તેમની સાથે આપણો સંબંધ પહેલા જેવો થશે. (યાકૂ. ૫:૧૪-૧૬) ઈસુના બલિદાન વિશે મનન કરવાથી ફાયદો થશે. ઈસુનાં દુઃખોનો વિચાર કરીએ ત્યારે આપણને પણ ઘણું દુઃખ થાય છે. એ વિશે આપણે મનન કરીએ ત્યારે ઈસુ અને યહોવા માટેનો આપણો પ્રેમ વધે છે. દર વર્ષે સ્મરણપ્રસંગમાં જઈએ અને બીજાઓને બોલાવીએ ત્યારે એ બલિદાન માટે આપણી કદર વધતી જાય છે. સાચે જ, યહોવાએ આપણને કેટલી સરસ તક આપી છે કે આપણે તેમના દીકરા વિશે બીજાઓને શીખવી શકીએ છીએ! w૨૧.૦૪ ૧૮-૧૯ ¶૧૩-૧૬

બુધવાર, માર્ચ ૨૨

“તે તેઓને ઘણી વાતો શીખવવા લાગ્યા.”—માર્ક ૬:૩૪.

એકવાર ઈસુ પહાડી વિસ્તારમાં હતા. તેમણે ત્યાં આખી રાત પ્રાર્થનામાં વિતાવી હતી. આપણે સમજી શકીએ કે બીજા દિવસે તે ઘણા થાકી ગયા હશે. પણ લોકોનું મોટું ટોળું તેમને મળવા આવ્યું ત્યારે તેમણે શું કર્યું? ગરીબ અને બીમાર લોકોને જોઈને તેમને દયા આવી. તેમણે તેઓને સાજા કર્યા. એટલું જ નહિ તેમણે સૌથી જોરદાર પ્રવચન આપ્યું. એ પ્રવચનને આપણે પહાડ પરના ઉપદેશ તરીકે ઓળખીએ છીએ. (લૂક ૬:૧૨-૨૦) ઈસુએ બીજાઓ માટે સમય કાઢ્યો. ઈસુના દોસ્ત, બાપ્તિસ્મા આપનાર યોહાનને મારી નાખવામાં આવ્યા. જરા વિચારો, ઈસુને કેવું લાગ્યું હશે? બાઇબલમાં જણાવ્યું છે, “એ સાંભળીને ઈસુ ત્યાંથી હોડીમાં એવી જગ્યાએ ગયા, જ્યાં એકલા રહી શકે.” (માથ. ૧૪:૧૦-૧૩) પણ તે એકાંત જગ્યાએ પહોંચે એ પહેલાં લોકોનું મોટું ટોળું ત્યાં પહોંચી ગયું. (માર્ક ૬:૩૧-૩૩) તે જોઈ શકતા હતા કે લોકોને ઈશ્વર તરફથી મદદ અને દિલાસાની જરૂર છે. એટલે ઈસુએ એમાં જરાય મોડું કર્યું નહિ.—લૂક ૯:૧૦, ૧૧. w૨૨.૦૨ ૨૧ ¶૪, ૬

ગુરુવાર, માર્ચ ૨૩

“બધા લોકો સાથે હળી-મળીને રહેવા તમારાથી બનતું બધું કરો.”—રોમ. ૧૨:૧૮.

જો આપણને ખ્યાલ આવે કે આપણે કોઈ ભાઈ કે બહેનના દિલને ઠેસ પહોંચાડી છે તો શું કરવું જોઈએ? યહોવાને પ્રાર્થના કરીએ અને ભાઈ કે બહેન સાથે સુલેહ-શાંતિ કરવા તેમની મદદ માંગીએ. આપણે દિલમાં ડોકિયું કરીએ અને વિચારીએ, ‘શું હું પોતાની ભૂલ સ્વીકારવા અને માફી માંગવા તૈયાર છું? હું મારા ભાઈ કે બહેન સાથે સુલેહ-શાંતિ કરવા પહેલ કરું તો એ વિશે યહોવા અને ઈસુને કેવું લાગશે?’ પોતાની તપાસ કરવાથી આપણને ઈસુનું સાંભળવા અને એ ભાઈ કે બહેન સાથે શાંતિ જાળવવા મદદ મળશે. આપણે પણ સુલેહ-શાંતિ કરતી વખતે નમ્ર રહેવું જોઈએ. (એફે. ૪:૨, ૩) તેમને મળીએ ત્યારે પૂરી કોશિશ કરીએ કે બધા મતભેદો દૂર થાય અને સંબંધો પહેલાં જેવા થઈ જાય. કોણ સાચું અને કોણ ખોટું એ સાબિત કરવાને બદલે આપણે તેમની સાથે સુલેહ-શાંતિ કરીએ, એ વધારે મહત્ત્વનું છે.—૧ કોરીં. ૬:૭. w૨૧.૧૨ ૨૫-૨૬ ¶૧૩-૧૬

શુક્રવાર, માર્ચ ૨૪

“તેમણે શહેર પર નજર નાખી અને રડી પડ્યા.”—લૂક ૧૯:૪૧.

ઈસુ જાણતા હતા કે મોટા ભાગના યહૂદીઓ રાજ્યનો સંદેશો નહિ સ્વીકારે. એના લીધે જ યરૂશાલેમનો નાશ થશે અને જે યહૂદીઓ બચી જશે તેઓને ગુલામ બનાવવામાં આવશે. એ બધું વિચારીને ઈસુનું હૈયું ભરાઈ આવ્યું. (લૂક ૨૧:૨૦-૨૪) ઈસુએ જેવું કહ્યું હતું એવું જ થયું. મોટા ભાગના લોકોએ તેમનો સ્વીકાર ન કર્યો. આપણા વિસ્તારમાં પણ મોટા ભાગના લોકો ખુશખબર ન સાંભળે તો શું કરી શકીએ? યહોવાને લોકોની ચિંતા છે. ઈસુ રડ્યા એ આપણને યાદ અપાવે છે કે યહોવાને પણ લોકોની ખૂબ ચિંતા છે. “તે ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.” (૨ પિત. ૩:૯) યહોવાની જેમ આપણને પણ લોકોની ચિંતા છે. એટલે તેઓને રાજ્યની ખુશખબર જણાવવા બનતું બધું જ કરીએ છીએ.—માથ. ૨૨:૩૯. w૨૨.૦૧ ૧૬-૧૭ ¶૧૦-૧૨

શનિવાર, માર્ચ ૨૫

“હું તમને વળગી રહું છું. તમારા જમણા હાથે મને પકડી રાખ્યો છે.”—ગીત. ૬૩:૮.

યહોવાએ અગાઉ પોતાના ભક્તો માટે જે કર્યું હતું, આપણે એના પર મનન કરીએ. એટલું જ નહિ આ સવાલનો વિચાર કરીએ: ‘યહોવાએ મને કઈ રીતે મદદ કરી છે?’ એમ કરવાથી આપણી શ્રદ્ધા મજબૂત થશે. સૌથી મહત્ત્વનો ફાયદો, એનાથી યહોવા માટેનો આપણો પ્રેમ ગાઢ થશે. યહોવા માટેનો પ્રેમ આપણને તેમની આજ્ઞાઓ પાળવા મદદ કરશે. એ પ્રેમને લીધે આપણે તેમને ખુશ કરવા કંઈ પણ જતું કરવા તૈયાર રહીશું અને કસોટી સહી શકીશું. (માથ. ૨૨:૩૭-૩૯; ૧ કોરીં. ૧૩:૪, ૭; ૧ યોહા. ૫:૩) યહોવા સાથેની પાકી દોસ્તી સૌથી કીમતી છે, એની તોલે બીજું કંઈ જ ન આવી શકે! (ગીત. ૬૩:૧-૭) યાદ રાખો કે પ્રાર્થના, અભ્યાસ અને મનન ભક્તિનો એક ભાગ છે. ઈસુની જેમ યહોવા સાથે સમય વિતાવવા શાંત જગ્યા પસંદ કરો. ધ્યાન ફંટાવે એવી બાબતો દૂર રાખો. પૂરું ધ્યાન આપવા યહોવા પાસે મદદ માંગો. જો અત્યારે સમયનો સૌથી સારો ઉપયોગ કરશો, તો યહોવા તમને બાગ જેવી સુંદર ધરતી પર હંમેશ માટેનું જીવન આપશે.—માર્ક ૪:૨૪. w૨૨.૦૧ ૩૦-૩૧ ¶૧૮-૨૦

રવિવાર, માર્ચ ૨૬

“જે ખરાબ છે એને ધિક્કારો.”—રોમ. ૧૨:૯.

આપણે જેવું વિચારીએ છીએ મોટા ભાગે એવું જ કરીએ છીએ. એટલે ઈસુએ શીખવ્યું કે એવા વિચારો મનમાંથી કાઢી નાખીએ, જે મોટું પાપ કરવા તરફ દોરી જાય. (માથ. ૫:૨૧, ૨૨, ૨૮, ૨૯) આપણે બધા ઈશ્વર યહોવાને ખુશ કરવા માંગીએ છીએ. એટલે ખૂબ જરૂરી છે કે ખરાબ વિચાર આવે કે તરત એને મનમાંથી કાઢી નાખીએ. ઈસુએ કહ્યું: “જે વાતો મોંમાંથી નીકળે છે એ દિલમાંથી આવે છે.” (માથ. ૧૫:૧૮) આપણે જે બોલીએ છીએ, એનાથી ખબર પડે છે કે આપણો સ્વભાવ કેવો છે. આપણે પોતાને પૂછીએ: ‘સાચું બોલવું અઘરું હોય ત્યારે પણ શું હું સાચું બોલું છું? શું હું વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથે વાત કરતી વખતે ફ્લર્ટ કે ચેનચાળા કરવાનું ટાળું છું, જેથી બતાવી શકું કે મારા લગ્‍નસાથીને વફાદાર છું? શું હું ખરાબ કે ગંદી વાતો બોલવાથી દૂર રહું છું? કોઈ મને ખોટું લગાડે તોપણ શું હું શાંતિથી જવાબ આપું છું?’ એ સવાલો પર વિચાર કરવાથી આપણને ફેરફાર કરવા મદદ મળશે. એટલે, ગાળાગાળી કરવાનું, જૂઠું બોલવાનું અને ગંદી વાતો કરવાનું છોડી દઈશું તો જ જૂનો સ્વભાવ સહેલાઈથી ઉતારી શકીશું. w૨૨.૦૩ ૫ ¶૧૨-૧૪

સોમવાર, માર્ચ ૨૭

“બીજાની સલાહ લેનાર પાસે બુદ્ધિ હોય છે.”—નીતિ. ૧૩:૧૦.

જેઓ સામે ચાલીને સલાહ લે છે, તેઓ સારા નિર્ણય લઈ શકે છે અને ભક્તિમાં આગળ વધી શકે છે. એટલે બીજાઓ સલાહ આપે એની રાહ જોવાને બદલે આપણે સામે ચાલીને તેઓની સલાહ લઈએ. આપણે ભાઈ-બહેનો પાસે ક્યારે સલાહ લઈ શકીએ? ચાલો અમુક સંજોગો જોઈએ: (૧) એક બહેન અનુભવી પ્રકાશકને પોતાના અભ્યાસમાં લઈ જાય છે. અભ્યાસ પછી બહેન તેમની પાસે સલાહ માંગે છે, જેથી પોતાની શીખવવાની રીતમાં સુધારો કરી શકે. (૨) એક કુંવારા બહેનને કપડાં ખરીદવાં છે. તે એક અનુભવી બહેનને પૂછે છે કે એ કપડાં કેવાં છે એ વિશે અચકાયા વગર જણાવે. (૩) એક ભાઈ પહેલી વખત પ્રવચન આપવાના છે. તે અનુભવી ભાઈને પોતાનું પ્રવચન ધ્યાનથી સાંભળવાનું કહે છે, જેથી સુધારો કરવાની જરૂર લાગે તો તેને સલાહ આપી શકે. વર્ષોથી પ્રવચન આપતા ભાઈ પણ સારું પ્રવચન આપનાર બીજા ભાઈઓ પાસેથી સલાહ લઈ શકે છે અને એ પ્રમાણે સુધારો કરી શકે છે.—નીતિ. ૧૯:૨૦. w૨૨.૦૨ ૧૩ ¶૧૫-૧૭

મંગળવાર, માર્ચ ૨૮

“હું એકલો નથી. મને મોકલનાર પિતા મારી સાથે છે.”—યોહા. ૮:૧૬.

યહોવા જેમ ઈસુને પ્રેમ કરે છે તેમ પોતાનાં બધાં બાળકોને પ્રેમ કરે છે અને તેઓની સંભાળ રાખે છે. ઈસુ ધરતી પર હતા ત્યારે યહોવાએ તેમનું ધ્યાન રાખ્યું. (યોહા. ૫:૨૦) ઈસુ દુઃખી હતા ત્યારે યહોવાએ તેમની હિંમત બંધાવી અને તેમની શ્રદ્ધા વધારી. યહોવાએ તેમની બીજી જરૂરિયાતો પણ પૂરી કરી. ઘણી વાર યહોવાએ જાહેરમાં પોતાના દીકરાને જણાવ્યું કે તે તેમને પ્રેમ કરે છે. (માથ. ૩:૧૬, ૧૭) ઈસુને ક્યારેય એકલું લાગ્યું નહિ, કારણ કે તે જાણતા હતા કે તેમના પ્રેમાળ પિતા તેમની પડખે છે. ઈસુની જેમ આપણે પણ ઘણી વાર યહોવાનો પ્રેમ અનુભવ્યો છે. યહોવા આપણને પોતાની તરફ દોરી લાવ્યા છે અને ભાઈ-બહેનોથી બનેલું મોટું કુટુંબ આપ્યું છે. (યોહા. ૬:૪૪) એ ભાઈ-બહેનો સાથે રહીને આપણને ઘણી ખુશી થાય છે. તેઓ મુશ્કેલીઓમાં આપણી હિંમત વધારે છે. યહોવા આપણને શ્રદ્ધામાં મજબૂત રહેવા મદદ કરે છે. તે આપણી બીજી જરૂરિયાતો પણ પૂરી પાડે છે. (માથ. ૬:૩૧, ૩૨) યહોવા આપણને કેટલો પ્રેમ કરે છે, એ વિશે વિચારીએ છીએ ત્યારે તેમના માટેનો આપણો પ્રેમ પણ વધતો જાય છે. w૨૧.૦૯ ૨૨ ¶૮-૯

બુધવાર, માર્ચ ૨૯

“જૂના સ્વભાવને એની આદતો સાથે ઉતારી નાખો.”—કોલો. ૩:૯.

યહોવાના સાક્ષીઓ પાસેથી તમે બાઇબલમાંથી શીખ્યા એ પહેલાં તમારું જીવન કેવું હતું? આપણામાંથી ઘણાને એ દિવસો યાદ કરવાય ગમતા નથી. આપણા વિચારો અને સ્વભાવ દુનિયાના રંગે રંગાયેલા હતા. ખરા-ખોટા વિશે આપણા વિચારો દુનિયાના લોકો જેવા હતા. ‘આ દુનિયામાં આપણને કોઈ આશા ન હતી અને આપણે ઈશ્વર વગરના હતા.’ (એફે. ૨:૧૨) પણ બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું ત્યારે તમને જાણવા મળ્યું કે એક ઈશ્વર છે, જેમનું નામ યહોવા છે. તે તમને ખૂબ પ્રેમ કરે છે. તમને સમજાયું કે યહોવાને ખુશ કરવા અને તેમના કુટુંબનો ભાગ બનવા, તમારે જીવનમાં અને વિચારોમાં ઘણા ફેરફાર કરવા પડશે. તમે શીખ્યા કે યહોવાની નજરે જે ખરું છે એ કરવું જોઈએ અને જે ખોટું છે એનાથી દૂર રહેવું જોઈએ. (એફે. ૫:૩-૫) યહોવા આપણા સર્જનહાર અને પિતા છે. એટલે આપણે કઈ રીતે જીવવું જોઈએ, એ નક્કી કરવાનો તેમને હક છે. તે ચાહે છે કે આપણે બાપ્તિસ્મા પહેલાં ‘જૂના સ્વભાવને એની આદતો સાથે ઉતારી નાખવા’ મહેનત કરીએ. w૨૨.૦૩ ૨ ¶૧-૩

ગુરુવાર, માર્ચ ૩૦

“મારાં બીજાં ઘેટાં પણ છે.”—યોહા. ૧૦:૧૬.

બીજાં ઘેટાંના લોકોને સ્મરણપ્રસંગમાં હાજરી આપીને ખુશી મળે છે અને પોતાની આશા પર વિચાર કરવાનો મોકો મળે છે. તેઓ સ્મરણપ્રસંગના પ્રવચનને સાંભળવાની રાહ જુએ છે. એ પ્રવચનમાં જણાવવામાં આવે છે કે ખ્રિસ્ત અને તેમના સાથી રાજાઓ ૧,૦૦૦ વર્ષના રાજ દરમિયાન માણસો માટે શું કરશે. એ રાજમાં ૧,૪૪,૦૦૦ રાજાઓ, ઈસુ ખ્રિસ્તની આગેવાની નીચે પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવવા અને માણસોને પાપ અને ખામી વગરના બનવા મદદ કરશે. એ પ્રસંગમાં બીજાં ઘેટાંના લોકો યશાયા ૩૫:૫, ૬; ૬૫:૨૧-૨૩ અને પ્રકટીકરણ ૨૧:૩, ૪ જેવી ભવિષ્યવાણીઓ પર વિચાર કરે છે. એનાથી તેઓના ચહેરા ખીલી ઊઠે છે. એ સુંદર ભાવિની કલ્પના કરીને તેઓની આશા મજબૂત થાય છે અને યહોવાની ભક્તિ કરતા રહેવાનો તેઓનો ઇરાદો પાકો થાય છે.—માથ. ૨૪:૧૩; ગલા. ૬:૯. w૨૨.૦૧ ૨૧ ¶૫-૭

સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૯) માથ્થી ૨૬:૬-૧૩

શુક્રવાર, માર્ચ ૩૧

‘માણસનો દીકરો ઘણા લોકોના છુટકારાની કિંમત ચૂકવવા પોતાનું જીવન આપવા આવ્યો છે.’—માર્ક ૧૦:૪૫.

છુટકારાની કિંમત એટલે શું? આદમે જે ગુમાવ્યું એ ઈસુ પોતાનું જીવન આપીને કિંમત ચૂકવવાના હતા. (૧ કોરીં. ૧૫:૨૨) પણ ઈસુએ કેમ એ કિંમત ચૂકવવી પડી? યહોવાનાં ન્યાય ધોરણો પ્રમાણે મુસાના નિયમમાં જણાવ્યું હતું કે જીવને બદલે જીવ. (નિર્ગ. ૨૧:૨૩, ૨૪) આદમે એવું જીવન ગુમાવ્યું જેમાં કોઈ ખામી ન હતી. ઈસુ પાસે એવું જીવન હતું. એટલે યહોવાનાં ન્યાયનાં ધોરણો પ્રમાણે ઈસુએ પોતાનું બલિદાન આપીને એ કિંમત ચૂકવી. (રોમ. ૫:૧૭) આમ, ઈસુ પર જેઓ વિશ્વાસ મૂકવાના હતા તેઓ માટે તે “સનાતન પિતા” બન્યા. (યશા. ૯:૬; રોમ. ૩:૨૩, ૨૪) ઈસુ પોતાના પિતા યહોવાને અને આપણને ખૂબ પ્રેમ કરે છે. એટલે તે પોતાનું જીવન આપવા તૈયાર હતા. આ જ પ્રેમને કારણે તે અંત સુધી યહોવાને વફાદાર રહ્યા અને તેમની ઇચ્છા પ્રમાણે કરતા રહ્યા. (યોહા. ૧૪:૩૧; ૧૫:૧૩) ઈસુના બલિદાનના લીધે જ ધરતી અને માણસો માટેનો યહોવાનો હેતુ પૂરો થશે. w૨૧.૦૪ ૧૪ ¶૨-૩

સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૯) માથ્થી ૨૧:૧-૧૧, ૧૪-૧૭

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો