પાઠ ૧૦૩
“તમારું રાજ્ય આવો”
યહોવાએ વચન આપ્યું છે: ‘એવો સમય આવશે જ્યારે શોક કે વિલાપ, દુઃખ કે બીમારી રહેશે નહિ. અરે, મરણ પણ રહેશે નહિ. હું દરેકની આંખોમાંથી એકેએક આંસુ લૂછી નાખીશ. પહેલાં જે ખરાબ થયું હતું એ બધું ભૂલાઈ જશે.’
યહોવાએ આદમ અને હવાને સુખ-શાંતિથી રહેવા એદન બાગ આપ્યો હતો. તેઓએ યહોવાની ભક્તિ કરવાની હતી અને આખી પૃથ્વીને પોતાના બાળકોથી ભરી દેવાની હતી. આદમ અને હવાએ યહોવાની વાત માની ન હતી, તોપણ યહોવાનો હેતુ બદલાયો નથી. આ પુસ્તકની મદદથી આપણે શીખ્યા કે યહોવા જે પણ વચન આપે છે, એ પૂરું થાય છે. યહોવાએ ઇબ્રાહિમને વચન આપ્યું હતું એ પ્રમાણે, તેમનું રાજ્ય પૃથ્વીના બધા લોકો માટે ઘણા આશીર્વાદો લાવશે.
જલદી જ શેતાન અને તેના દુષ્ટ દૂતો તેમજ બધા ખરાબ લોકોનું નામનિશાન નહિ રહે. પછી દુનિયાના બધા લોકો યહોવાની ભક્તિ કરશે. આપણે ન બીમાર પડીશું કે ન મરીશું. રોજ સવારે ઊઠીશું ત્યારે આપણામાં ચુસ્તી અને સ્ફૂર્તિ હશે. આપણે ખુશ હોઈશું કે આપણને આટલું સરસ જીવન મળ્યું છે! આખી પૃથ્વી એક સુંદર બાગ જેવી બની જશે. બધા પાસે સારો ખોરાક અને રહેવા માટે સરસ મજાનું ઘર હશે. બધા લોકો પ્રેમાળ હશે, તેઓ એકબીજાને નુકસાન નહિ કરે. અરે, જંગલી જાનવરોનો પણ ડર નહિ રહે, તેઓ પણ આપણાથી નહિ ડરે.
ગુજરી ગયેલા લોકોને યહોવા જીવતા કરશે ત્યારે, કેટલો ખુશીનો સમય હશે! આપણે બાઇબલ સમયના લોકોનું સ્વાગત કરીશું, જેમ કે હાબેલ, નૂહ, ઇબ્રાહિમ, સારાહ, મૂસા, રૂથ, એસ્તેર અને દાઉદ. તેઓ આપણી સાથે મળીને આ પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવશે. આપણી પાસે હંમેશાં મજેદાર કામ હશે.
યહોવા ઇચ્છે છે કે તમે પણ બાગ જેવી સુંદર પૃથ્વી પર રહો. ત્યાં તમે યહોવા વિશે એવી વાતો શીખશો, જેની તમે કલ્પના પણ નહિ કરી હોય. ચાલો, આપણે યહોવા સાથેની દોસ્તી મજબૂત કરવા હંમેશાં મહેનત કરતા રહીએ.
“હે યહોવા અમારા ભગવાન! મહિમા, માન અને શક્તિ મેળવવા તમે જ યોગ્ય છો. તમે જ બધી વસ્તુઓ બનાવી.”—પ્રકટીકરણ ૪:૧૧