વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • bh પાન ૨૦૨-પાન ૨૦૪ ફકરો ૨
  • શું પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એક છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એક છે?
  • પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • મથાળાં
  • ‘શબ્દ ઈશ્વર હતો’
  • વધારે માહિતી મેળવો
  • સાબિતી જુઓ
પવિત્ર બાઇબલ શું શીખવે છે?
bh પાન ૨૦૨-પાન ૨૦૪ ફકરો ૨

વધારે માહિતી

શું પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એક છે?

મોટા ભાગના ચર્ચના લોકો ત્રૈક્ય, ત્રૈએક ઈશ્વર કે ટ્રિનિટીમાં માને છે. એ માન્યતા મુજબ, એક ઈશ્વરમાં ત્રણ વ્યક્તિ છે: પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. તેઓ માને છે કે ત્રણેય સરખા છે, સર્વશક્તિમાન છે, તેઓની કોઈ શરૂઆત નથી. લોકો માને છે કે ‘પિતા ઈશ્વર છે. પુત્ર ઈશ્વર છે અને પવિત્ર આત્મા ઈશ્વર છે.’ તોપણ તેઓ ત્રણ નહિ, પણ એક જ ઈશ્વર છે.

મોટા ભાગના ખ્રિસ્તીઓ આવું કંઈક માને છે. તેઓ કબૂલે છે કે પોતે આ માન્યતા બીજાને સમજાવી શકતા નથી. તોપણ તેઓને લાગે છે કે બાઇબલ એવું જ કંઈક શીખવે છે. પરંતુ આખા બાઇબલમાં આવું શિક્ષણ એકેય વખત જોવા મળતું નથી. પણ એક બાઇબલ કલમ આ માન્યતાને સાબિત કરે છે એવું ઘણા ખ્રિસ્તીઓ કહે છે. ચાલો આપણે એ કલમ પર વિચાર કરીએ.

‘શબ્દ ઈશ્વર હતો’

યોહાન ૧:૧ કહે છે: ‘શરૂઆતમાં શબ્દ હતો, અને શબ્દ ઈશ્વરની સાથે હતો. અને શબ્દ ઈશ્વર હતો.’ એ જ અધ્યાય પછી ચોખ્ખું જણાવે છે કે આ ‘શબ્દ’ ઈસુ હતા. (યોહાન ૧:૧૪) પણ એ શબ્દને ‘ઈશ્વર’ કહેવામાં આવે છે. એટલે અમુક માની લે છે કે પિતા અને પુત્ર એક જ ઈશ્વર છે.

બાઇબલનો આ ભાગ મૂળ ગ્રીક ભાષામાં લખાયો હતો. પછીથી બીજી ભાષાઓમાં એનો અનુવાદ થયો. પરંતુ બાઇબલના ઘણા અનુવાદકોએ આ કલમમાં એમ ન લખ્યું કે ‘શબ્દ ઈશ્વર હતો.’ કેમ નહિ? ગ્રીક ભાષાનું સારું એવું જ્ઞાન હોવાથી તેઓએ નક્કી કર્યું કે એ વાક્યનો અનુવાદ જુદી રીતે થવો જોઈએ. અહીં અમુક અનુવાદનાં ઉદાહરણો જુઓ: “લોગોસ [એટલે શબ્દ] ઈશ્વરીય હતા.” (એ ન્યૂ ટ્રાંસલેશન ઓફ ધ બાઇબલ) “શબ્દ એક ઈશ્વર હતો.” (ધ ન્યૂ ટેસ્ટામેન્ટ ઈન એન ઈમ્પ્રુવ્ડ વર્ઝન) “શબ્દ ઈશ્વરની સાથે હતો અને તેનો સ્વભાવ તેમના જેવો જ હતો.” (ધ ટ્રાંસલેટર્સ ન્યૂ ટેસ્ટામેન્ટ) આ ભાષાંતરો બતાવે છે કે ‘શબ્દ’ પરમ ઈશ્વર નથી. તેમને ‘એક ઈશ્વર’ કહેવામાં આવ્યા છે. એટલે કે યહોવાના સ્વર્ગદૂતોમાં તે સૌથી મહાન છે. તેમને ખૂબ ઊંચી પદવી મળી છે. યોહાન ૧:૧ની કલમમાં ‘શબ્દ ઈશ્વર હતો’ એનો અર્થ થાય, તે ‘શક્તિશાળી વ્યક્તિ’ હતા.

વધારે માહિતી મેળવો

મોટા ભાગે આપણે ગ્રીક ભાષા જાણતા નથી. એટલે તમે કેવી રીતે જાણી શકો કે યોહાન ખરેખર શું કહેવા માંગતા હતા? એક ઉદાહરણ લો. સ્કૂલમાં એક શિક્ષક વિદ્યાર્થીઓને એક વિષય પર સમજાવે છે. પણ થોડા સમય પછી બધા વિદ્યાર્થીઓ એ વિષયને જુદી જુદી રીતે સમજવા લાગે છે. બધા મૂંઝાઈ ગયા છે. તો ખરી સમજણ ક્યાંથી મેળવવી? શિક્ષક પાસેથી. એ જ રીતે યોહાન ૧:૧ વિશે વધારે માહિતી જાણવા માટે, તમે યોહાનના જ પુસ્તકમાંથી વધારે માહિતી મેળવી શકો. એ પુસ્તકમાં આગળ વાંચશો તો ખબર પડશે કે ઈસુની કઈ પદવી છે. પછી તમે હકીકત જાણી શકશો.

ચાલો જોઈએ કે યોહાનનું પુસ્તક આપણને શું જણાવે છે. યોહાનના પહેલા અધ્યાયની અઢારમી કલમ કહે છે: ‘સર્વશક્તિમાન ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી.’ પણ લોકોએ તો ઈશ્વરના પુત્ર ઈસુને જોયા હતા. ઈસુ વિશે ઈશ્વરભક્ત યોહાને કહ્યું: ‘શબ્દ’ એટલે ઈસુ ‘માનવ તરીકે જન્મ્યો અને આપણામાં વસ્યો. તેનો મહિમા અમે જોયો.’ (યોહાન ૧:૧૪) તો પછી, પુત્ર એટલે ઈસુ કેવી રીતે પરમ ઈશ્વરનો એક ભાગ હોઈ શકે? યોહાને એમ પણ જણાવ્યું કે શબ્દ ‘ઈશ્વરની સાથે હતો.’ વિચાર કરો, તમે કોઈ વ્યક્તિ સાથે છો, સાથે સાથે તમે પોતે જ એ વ્યક્તિ પણ છો! એ તો બની જ ન શકે. યોહાન ૧૭:૩માં ઈસુ સાફ સાફ જણાવે છે કે પિતા અને પુત્ર અલગ અલગ છે. તે તેમના પિતાને ‘એકલા ખરા ઈશ્વર’ કહે છે. એ પુસ્તકને અંતે યોહાન ફરીથી કહે છે: ‘ઈસુ તે જ ખ્રિસ્ત, ઈશ્વરના દીકરા છે, એવો તમે વિશ્વાસ કરો. માટે આટલી વાતો લખેલી છે.’ (યોહાન ૨૦:૩૧) અહીં ઈસુને ઈશ્વર નહિ, પણ ઈશ્વરનો દીકરો કહેવામાં આવે છે. યોહાનના જ પુસ્તકની આ વધારે માહિતી, આપણને યોહાન ૧:૧ની પૂરી સમજણ મેળવવા મદદ કરે છે. હવે આપણે જાણીએ છીએ કે ‘શબ્દ’ એટલે ઈસુ પાસે ઊંચી પદવી હોવાથી તેમને ‘એક ઈશ્વર’ કહેવામાં આવ્યા છે. પરંતુ તે ખુદ પરમ ઈશ્વર નથી. તેમની બરાબર પણ નથી.

સાબિતી જુઓ

શિક્ષક અને વિદ્યાર્થીઓના ઉદાહરણ પર ફરીથી વિચાર કરો. માનો કે શિક્ષક વધારે માહિતી જણાવે તોપણ, અમુક વિદ્યાર્થીઓને સંતોષ થતો નથી. તેઓને હજી શંકા છે. તેઓ શું કરી શકે? તેઓ બીજા કોઈ શિક્ષકને એ જ વિષય પર પૂછી શકે. બીજા શિક્ષક પણ એવો જ જવાબ આપે તો, મોટા ભાગના વિદ્યાર્થીઓની શંકા દૂર થઈ જશે. યોહાનના પુસ્તકમાંથી ઈસુ અને પરમેશ્વર વચ્ચેના સંબંધની સમજણ આપણે મેળવી. તોપણ તમને કોઈ સવાલ હોય તો, તમે બાઇબલનાં બીજાં પુસ્તકોમાંથી વધારે માહિતી મેળવી શકો. દાખલા તરીકે, માથ્થીનું પુસ્તક. એ પુસ્તકમાં ઈસુએ દુષ્ટ દુનિયાના અંત વિશે આમ કહ્યું: ‘તે દિવસ તથા તે ઘડી વિશે પિતા વગર કોઈ પણ જાણતો નથી, સ્વર્ગના દૂતો નહિ, તેમ જ દીકરો પણ નહિ.’ (માથ્થી ૨૪:૩૬) આ કલમ કેવી રીતે સાબિત કરે છે કે ઈસુ, પરમ ઈશ્વર નથી?

ઈસુએ કબૂલ કર્યું કે પોતાના કરતાં પિતા વધારે જાણે છે. જો ઈસુ, પરમ ઈશ્વરનો જ એક ભાગ હોય, તો તેમને પણ પિતાની જેમ સર્વ વાતની ખબર હોત. પરંતુ આ કલમ સાબિતી આપે છે કે પિતા અને પુત્ર એક નથી. તોપણ અમુક કહેશે: ‘ઈસુના બે રૂપ હતા. આ કલમમાં તે માણસના રૂપમાં બોલે છે.’ જો એમ હોય, તો ઈશ્વરના પવિત્ર આત્મા વિશે શું? જો એ પિતા અને પુત્ર સાથે જોડાયેલો હોય, તો ઈસુએ કેમ એવું ન કહ્યું કે એ પવિત્ર આત્મા પણ પિતા જેટલું જ જાણે છે? આપણે જોઈ ગયા તેમ, પવિત્ર આત્મા તો ઈશ્વરની શક્તિ છે. નહિ કે કોઈ વ્યક્તિ.

તમે બાઇબલમાંથી શીખતા રહેશો તેમ આ વિષય પર હજુ ઘણું જાણવા મળશે. તમને પિતા, પુત્ર અને પવિત્ર આત્મા વિશે સત્ય જાણવા બીજી ઘણી સાબિતીઓ મળશે.—ગીતશાસ્ત્ર ૯૦:૨; પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૫; કલોસી ૧:૧૫.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો