દુઃખ-તકલીફો વિશે લોકો શું માને છે?
હિંદુ
તેઓનું માનવું છે કે દરેક વ્યક્તિ પોતાનાં કર્મોનાં ફળ ભોગવે છે. કોઈએ આ જન્મમાં કે ગયા જન્મમાં પાપ કર્યાં હોય તો તેઓએ દુઃખ ભોગવવું પડે છે. તેઓ એવું પણ માને છે કે વ્યક્તિ આ દુનિયાની મોહમાયા છોડીને પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ મેળવી શકે છે, જેને મોક્ષ કહેવાય છે.
મુસ્લિમ
તેઓનું માનવું છે કે લોકો પાપ કરે છે એટલે ખુદા તેઓને સજા કરવા દુઃખ-તકલીફો લાવે છે. તેમ જ, તેઓના ઈમાનની કસોટી કરવા પણ ખુદા તેઓ પર તકલીફો લાવે છે. ઉત્તર અમેરિકાના ઇસ્લામિક સોસાયટીના પ્રમુખ ડૉક્ટર સૈયદ સઈદ જણાવે છે: “દુઃખ-તકલીફો આપણને યાદ અપાવે છે કે આપણે હંમેશાં ખુદાની બરકતો માટે અહેસાન માનવો જોઈએ અને બધાને મદદ કરવી જોઈએ.”
યહુદી
તેઓનું માનવું છે કે વ્યક્તિનાં કામોને લીધે તેના પર દુઃખો આવે છે. અમુક યહુદીઓનું માનવું છે કે દુઃખ સહેનારા નિર્દોષ લોકોને ફરીથી જીવતા કરવામાં આવશે. આમ, તેઓને ન્યાય મળશે. યહુદી ધર્મની રહસ્યમય વિચારધારા મુજબ ગુજરી ગયેલી વ્યક્તિ વારંવાર જન્મ લે છે, જેથી તે પોતાના પાપોનો પસ્તાવો કરી શકે.
બૌદ્ધ
તેઓ માને છે કે વ્યક્તિ ખોટાં કામ, ખોટી ઇચ્છા અને ખોટી ભાવનાઓને છોડી ન દે ત્યાં સુધી તેણે વારંવાર જન્મ લેવો પડે છે અને દુઃખ સહેવું પડે છે. જો વ્યક્તિ સમજદાર બને, સારાં કામો કરે અને મન સાફ રાખે, તો તે નિર્વાણ પામે છે. એટલે કે, બધી તકલીફોમાંથી છુટકારો મેળવે છે.
કન્ફ્યુશિયસ
અલગ અલગ ધર્મોની જાણકારી આપતું પુસ્તક જણાવે છે: કન્ફ્યુશિયસ માન્યતા પ્રમાણે ‘વ્યક્તિની નિષ્ફળતા અને ભૂલોને’ કારણે તેના પર દુઃખો આવે છે. તેઓનું માનવું છે કે સારું જીવન જીવીને તકલીફો ઓછી કરી શકાય છે. પણ મોટા ભાગે વ્યક્તિનાં દુઃખો માટે વ્યક્તિ પોતે નહિ, પણ ‘એક અલૌકિક શક્તિ જવાબદાર હોય છે. એટલે વ્યક્તિના નસીબમાં જે લખાયું હોય એને સ્વીકારી લેવું જોઈએ.’—અ ડિક્શનરી ઓફ કમ્પેરેટિવ રિલિજન.
આફ્રિકાના અમુક આદિવાસીઓ
તેઓનું માનવું છે કે વ્યક્તિ પર કોઈએ જંતર-મંતર કર્યું હોય તો તેના પર દુઃખ-તકલીફો આવે. જંતર-મંતર કરનારાઓ તેઓનું સારું કરી શકે છે અથવા બગાડી પણ શકે છે. તેઓ માને છે અલગ અલગ વિધિઓ કરવાથી ખરાબ અસરને દૂર કરી શકાય છે. કોઈ વ્યક્તિ બીમાર થઈ જાય તો તે ભૂવાઓ પાસે જાય છે. ભૂવાઓ અમુક વિધિઓ કરે છે અથવા મંત્રેલી દવા આપે છે, જેથી મેલીવિદ્યાની ખરાબ અસરને દૂર કરી શકાય.
ખ્રિસ્તીઓ
તેઓનું માનવું છે કે પહેલા યુગલ આદમ-હવાએ પાપ કર્યું ત્યારથી દુનિયામાં દુઃખ-તકલીફોની શરૂઆત થઈ. એ વિશે બાઇબલના પહેલા પુસ્તકમાં જણાવ્યું છે. જોકે, ઘણા ખ્રિસ્તી પંથોએ એમાં પોતાની માન્યતાઓ ઉમેરી દીધી છે. દાખલા તરીકે, અમુક કેથલિક લોકોનું માનવું છે કે તેઓ પોતે દુઃખ-દર્દ સહીને જાણે ‘ઈશ્વરને અર્પણ’ ચઢાવે છે. બીજા શબ્દોમાં, એ સહીને તેઓ ઈશ્વરને વિનંતી કરે છે કે તેઓના ચર્ચનું ભલું કરે અથવા તો બીજા કોઈનો ઉદ્ધાર કરે.
વધુ જાણવા
jw.org પર શું ઈશ્વર બધા લોકોની ભક્તિ સ્વીકારે છે? વીડિયો જુઓ.