બાઇબલ શું કહે છે?
ગરીબ
શું ઈશ્વર ગરીબોની સંભાળ રાખે છે?
‘તમારો સ્વભાવ નિર્લોભી થાય; કેમ કે ઈશ્વરે કહ્યું છે કે, હું તને કદી મૂકી દઈશ નહિ અને તને તજીશ પણ નહિ.’—હિબ્રૂ ૧૩:૫.
ઈશ્વર કઈ રીતે સંભાળ રાખે છે? યહોવાના ભક્તો તંગીમાં આવી પડે ત્યારે, એ દેખાઈ આવે છે કે ઈશ્વર અનેક રીતે તેઓની સંભાળ રાખે છે. એમાંની એક રીત છે, સાથી ખ્રિસ્તીઓ તરફથી બતાવવામાં આવતી પ્રેમાળ મદદ.a યાકૂબ ૧:૨૭ જણાવે છે, “વિધવાઓની અને અનાથોની તેઓનાં દુઃખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની, એટલે બાપની આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે.”
શરૂઆતના ખ્રિસ્તીઓએ એકબીજાને મદદ પૂરી પાડી હતી. જેમ કે, દુકાળની ભયંકર અસર યહુદાના પ્રદેશોમાં થશે એવી ભવિષ્યવાણી કરવામાં આવી ત્યારે, સિરિયાના શહેર અંત્યોખમાં રહેતા ખ્રિસ્તીઓએ “યહુદાહમાં રહેનાર ભાઈઓને કંઈક મદદ” મોકલવાનું નક્કી કર્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૮-૩૦) પરિણામે, જરૂરિયાતમંદ સાથી ખ્રિસ્તીઓને જોઈતી મદદ મળી. સ્વેચ્છાએ આપેલી આ મદદ બતાવે છે કે ખ્રિસ્તી પ્રેમ કાર્યોથી જાહેર થાય છે.—૧ યોહાન ૩:૧૮.
ગરીબો કઈ રીતે પોતાને મદદ કરી શકે?
“હું યહોવા તારો ઈશ્વર છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું.”—યશાયા ૪૮:૧૭, ૧૮.
આપણને પોતાની સંભાળ રાખવા ઈશ્વર સહાય કરે છે. બાઇબલનું જ્ઞાન વ્યવહારુ અને સારી સલાહ આપનારું છે, જે લાખો લોકોએ મેળવ્યું છે. નીતિવચનો ૨:૬, ૭ જણાવે છે: “યહોવા જ્ઞાન આપે છે; તેના મુખમાંથી વિદ્યા તથા બુદ્ધિ નીકળે છે; તે યથાર્થીઓને માટે ખરું જ્ઞાન સંગ્રહ કરી રાખે છે.” લોકો એ જ્ઞાન શોધીને એનો ઉપયોગ કરે છે ત્યારે તેઓને જ લાભ થાય છે.
ઉદાહરણ તરીકે, તેઓ ડ્રગ્સ અને દારૂ જેવી ખર્ચાળ અને નુકસાનકારક કુટેવથી દૂર રહે છે. (૨ કોરીંથી ૭:૧) તેઓ વધારે પ્રમાણિક, જવાબદાર અને અંતઃકરણનું સાંભળનાર બને છે. આમ, તેઓને નોકરી મળવાની તક વધે છે અથવા તેઓ સારા કર્મચારી બને છે. એફેસી ૪:૨૮ જણાવે છે: ‘ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી; પણ ઉદ્યોગ કરીને સુકૃત્યો કરવાં, જેથી જેને જરૂર છે તેને આપવાને પોતાની પાસે કંઈ હોય.’
શું કોઈ સાબિતી છે કે બાઇબલનું જ્ઞાન ગરીબોને મદદ કરે છે?
“ઈશ્વરનું જ્ઞાન સાચું છે તે પરિણામથી પરખાય છે.”—માથ્થી ૧૧:૧૯, કોમન લેંગ્વેજ.
સાબિતી આપતા પરિણામો. ઘાનામાં રહેતા વિલ્સન પાસે કામચલાઉ નોકરી હતી. એ નોકરીના છેલ્લા દિવસે મેનેજિંગ ડાયરેક્ટરની કાર ધોતી વખતે વિલ્સનને ડેકીમાંથી પૈસા મળ્યા. તેમના સુપરવાઈઝરે એ પૈસા રાખી લેવા કહ્યું. પણ વિલ્સન યહોવાનો સાક્ષી હોવાથી તેણે ચોરી કરવાની ના પાડી. એના બદલે, તેમણે જેમના પૈસા હતા તેમને પાછા આપ્યા. વિલ્સનને નોકરીના એ છેલ્લા દિવસે છૂટા કરવાને બદલે કાયમી નોકરી આપવામાં આવી. થોડા સમય પછી, તેમને મોટા અધિકારી બનાવવામાં આવ્યા.
ફ્રાંસમાં રહેતી ગેરાલ્ડઇને નોકરી ગુમાવી. કેમ કે, તેની માલિકને યહોવાના સાક્ષીઓ પસંદ ન હતા. જોકે, માલિકની માએ જણાવ્યું કે ગેરાલ્ડઇનને કાઢી મૂકીને તેણે મોટી ભૂલ કરી છે. તેમણે કહ્યું: ‘જો તને ભરોસાપાત્ર અને સારા કર્મચારી જોઈતા હોય, તો યહોવાના સાક્ષીઓ કરતાં વધારે સારું કોઈ નહિ મળે.’ માલિકે યહોવાના સાક્ષીઓ વિશે માહિતી મેળવી. એટલે, ગેરાલ્ડઇનને પોતાની નોકરી પાછી મળી.
દક્ષિણ આફ્રિકાના સારાહ બહેન એકલા હાથે બાળકોનો ઉછેર કરે છે. તેમણે મુશ્કેલભર્યા સંજોગોમાં ખ્રિસ્તી પ્રેમનો અનુભવ કર્યો. મંડળના ભાઈબહેનોએ તેમના કુટુંબને જરૂરી ખોરાક અને આવવા-જવાની સગવડ પૂરી પાડી. પછીથી, તેમના બાળકોએ કહ્યું, “મંડળમાં અમારા ઘણા માબાપ છે.”
આવા તો અનેક અનુભવો છે. એ નીતિવચનો ૧:૩૩નું વચન યાદ દેવડાવે છે: “જે કોઈ મારું [યહોવાનું] સાંભળશે તે સહીસલામત રહેશે, અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.” આ કેટલું ખરું છે! ◼ (g13-E 02)
[ફુટનોટ]
a કેટલાક દેશોમાં, સરકાર ગરીબોને પૈસે-ટકે સહાય પૂરી પાડે છે. જ્યાં આવી સહાય મળતી ન હોય, ત્યાં ગરીબ વ્યક્તિના સગાં-વહાલાં પર એ જવાબદારી આવે છે.—૧ તીમોથી ૫:૩, ૪, ૧૬.
[પાન ૧૦ પર ચિત્ર]