કાયમી
સલામતીનું
જીવન
તમને ખૂબ જ તાવ આવ્યો હોય તો, તમે માથાનો દુઃખાવો મટાડવા તરત દવા લેશો અને ગરમી ઘટાડવા બરફ ઘસશો. દવા અને બરફ પીડા ઘટાડશે છતાં, એ તમારા તાવનું કારણ જણાવશે નહિ. અને તમારી તંદુરસ્તીની સમસ્યા ગંભીર હોય તો, તમારે અનુભવી ડૉક્ટરની સારવાર લેવી પડશે.
માણસજાત અસલામતીનો સતત તાવ સહી રહી છે. દુઃખદ લક્ષણોમાંથી સ્વસ્થ થવા આપણે યોગ્ય રીતે ટૂંકા-ગાળાનો ઇલાજ કરીએ છીએ, પરંતુ સાજાપણું ફક્ત એવી કોઈ વ્યક્તિ પાસેથી આવી શકે જે આપણી પરિસ્થિતિનું સારી રીતે નિદાન કરી શકે. અને આપણા ઉત્પન્નકર્તા યહોવાહ દેવ સિવાય માણસજાતને બીજું કોઈ સારી રીતે જાણતું નથી. તે જાણે છે કે આપણા પર સમસ્યાઓ આવી હોવાથી જીવન અસલામત છે.
સલામત શરૂઆત ઠુકરાવી દીધી
દેવનો શબ્દ જણાવે છે કે યહોવાહે પ્રથમ માનવ જોડીને સંપૂર્ણ ઉત્પન્ન કરી હતી અને સલામત પરિસ્થિતિમાં મૂકી હતી. તેઓ ચિંતામુક્ત હતા. માનવીઓ માટે દેવનો હેતુ સંપૂર્ણ સલામતી સાથે પારાદેશમાં હંમેશ માટે જીવે એવો હતો. માનવજાતને પ્રથમ એવી જગ્યાએ રાખવામાં આવી હતી જ્યાં “સર્વ પ્રકારનાં વૃક્ષ જેનાં ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારાં” હતાં. નોંધ લો કે તેઓની શારીરિક તેમ જ લાગણીમય જરૂરિયાતોની કાળજી રાખવામાં આવતી હતી, કેમ કે પરિસ્થિતિ “જોવામાં સુંદર” તરીકે વર્ણવવામાં આવી હતી. નિઃશંક એનો એ અર્થ હતો કે પ્રથમ જોડીને રાખવામાં આવી હતી એ જગ્યા સ્થાયી, મુશ્કેલી વગરના જીવનની ખાતરી આપતી હતી.—ઉત્પત્તિ ૨:૯.
આદમ અને હવાએ દેવના પ્રેમાળ સર્વોપરી શાસનનો ત્યાગ કર્યો, આમ પોતે શંકા, ભય, શરમ, દોષ, અને અસલામતીની લાગણીવાળા જીવનમાં પ્રવેશ્યા. દેવને ત્યજ્યા પછી, આદમે કબૂલ્યું કે તે ‘બીતો’ હતો. પ્રથમ માનવીઓએ પોતાને ઢાંક્યા અને પોતાના પ્રેમાળ ઉત્પન્નકર્તાથી સંતાઈ ગયા, કે જેમની સાથે તેઓએ અત્યાર સુધી નિકટનો અને લાભદાયી સંબંધનો આનંદ માણ્યો હતો.—ઉત્પત્તિ ૩:૧-૫, ૮-૧૦.
યહોવાહનો મૂળ હેતુ બદલાયો નથી. બાઇબલ જણાવે છે કે આપણા ઉત્પન્નકર્તા પ્રેમાળ દેવ છે, જે જલદી જ આજ્ઞાધીન માણસજાતને પારાદેશમય પૃથ્વી પર સ્થાપિત કરશે અને હંમેશ માટે સલામતીમાં જીવવા માટે સમર્થ કરશે. યશાયાહ પ્રબોધક મારફતે વચન આપવામાં આવ્યું: “હું નવાં આકાશ તથા નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું . . . તમે સર્વકાળ આનંદ કરો ને હરખાઓ.” (યશાયાહ ૬૫:૧૭, ૧૮) આ નવાં આકાશ તથા નવી પૃથ્વી વિષે પ્રેષિત પીતર કહે છે: “જેમાં ન્યાયીપણું વસે છે.”—૨ પીતર ૩:૧૩.
એ કઈ રીતે પ્રાપ્ત કરવામાં આવશે? યહોવાહની સરકાર દ્વારા. આ એ રાજ્ય છે જે વિષે ઈસુ ખ્રિસ્તે પોતાના અનુયાયીઓને પ્રાર્થના કરવા જણાવ્યું હતું: “ઓ આકાશમાંના અમારા બાપ, તારૂં નામ પવિત્ર મનાઓ; તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.”—માત્થી ૬:૯, ૧૦.
દેવનું રાજ્ય માનવ સરકારનું સ્થાન લેશે અને પ્રેમાળ રીતે દેવના હેતુનો જગતવ્યાપી અમલ કરશે. (દાનીયેલ ૨:૪૪) આદમના સમયથી જે શંકા, ભય, શરમ, દોષ, અને અસલામતીએ માણસજાતને હેરાન-પરેશાન કરી છે, એ જતા રહેશે. બાઇબલ અનુસાર, એ રાજ્ય હાથવેંતમાં જ છે. આપણા અનિશ્ચિત જગતમાં, અત્યારે પણ દેવના રાજ્યની ઇચ્છા રાખનારાઓ માટે અમુક પ્રમાણમાં સલામતી પ્રાપ્ય છે.
આત્મિક બાબતોને પ્રાધાન્ય આપો
દેવનો સેવક દાઊદ બીક અને દુઃખનો અર્થ જાણતો હતો. અને છતાં ગીતશાસ્ત્ર ૪:૮માં દાઊદે લખ્યું: “હું શાંતિમાં સૂઈ જઇશ, તેમજ ઊંઘી પણ જઈશ; કેમકે, હે યહોવાહ, હું એકલો હોઉં ત્યારે પણ તું મને સલામત રાખે છે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) યહોવાહે દાઊદને સલામતીની લાગણી આપી હતી, તેમ છતાં દાઊદ ઘણી વખત સમસ્યાઓથી ઘેરાયેલો હતો. શું આપણે એમાંથી કંઈક શીખી શકીએ? આ અસલામત જગતમાં પણ આપણે કઈ રીતે સલામતી મેળવી શકીએ?
આદમ અને હવાનો ઉત્પત્તિનો અહેવાલ વિચારો. તેઓએ સલામતીની પોતાની લાગણી ક્યારે ગુમાવી? જ્યારે ઉત્પન્નકર્તા સાથેનો પોતાનો વ્યક્તિગત સંબંધ તરછોડ્યો અને માણસજાત માટેના તેમના હેતુના સુમેળમાં જીવવાની ના પાડી. એને બદલે, આપણે યહોવાહ દેવની બને તેમ નિકટ જઈએ, અને તેમની ઇચ્છાના સુમેળમાં જીવવાનો પ્રયત્ન કરીએ તો, અત્યારે પણ આપણે વધારે સલામત જીવનનો આનંદ માણી શકીએ છીએ.
બાઇબલના અભ્યાસથી યહોવાહને જાણવાથી આપણને જીવનનો હેતુ સમજવા મદદ મળશે. પછી જ આપણે સમજીશું કે આપણે કોણ છીએ અને શા માટે અહીં છીએ. આપણે દેવને પ્રેમ કરતા હોઈએ, માણસજાત માટેના તેમના હેતુઓ જાણીએ, અને એમાં આપણે ક્યાં બંધબેસીએ છીએ એ સમજીએ ત્યારે સલામત જીવન શક્ય છે. પૌલ નામની વ્યક્તિએ ઘણાં વર્ષો અગાઉ એ જાણ્યું હતું.
પૌલ જર્મની પાસેના એક ટાપુ પર જન્મ્યો અને ઉછર્યો હતો. વિશ્વયુદ્ધ ૨માં પોતાનાં માબાપે જે સહન કર્યું હતું એને કારણે, તેનું કુટુંબ ધર્મમાં રસ ધરાવતું નહોતું. યુવાન તરીકે પૌલ પોતા વિષે કહે છે: “હું કશામાં માનતો નહોતો અને કોઈને માન આપવા માંગતો નહોતો. હું દારૂ પીને મારું દુઃખ દૂર કરતો, અઠવાડિયામાં બે ત્રણ વાર ખૂબ જ પીતો હતો. મારા જીવનમાં કંઈ સલામતી નહોતી.”
પછી પૌલને યહોવાહના સાક્ષી સાથે ચર્ચા થઈ. પૌલે ખૂબ દલીલો કરી, પરંતુ સાક્ષીએ કહેલ એક બાબતે એને વિચારતો કરી દીધો. “કંઈ પણ એની મેળે આવ્યું નથી.” બીજા શબ્દોમાં કહીએ તો, આપણી ફરતે આપણે કુદરતમાં જે જોઈએ છીએ એના કોઈક ઉત્પન્નકર્તા હોવા જ જોઈએ.
“મેં અવારનવાર એ વિષે વિચાર કર્યો, અને હું સહમત થયો.” આમ પૌલે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કર્યો અને યહોવાહ વિષે જાણ્યું. તે કબૂલે છે: “મારાં માબાપ સિવાય, યહોવાહ મારા જીવનમાં પ્રથમ હતા કે જેમણે મારા માટે કંઈક કર્યું હતું.” પૌલે ૧૯૭૭માં સાક્ષી તરીકે બાપ્તિસ્મા લીધું અને કહ્યું: “હવે હું જાણું છું કે ખરેખર જીવનનો હેતુ શું છે. હું યહોવાહની ઇચ્છાના સુમેળમાં જીવવાનો આનંદ માણું છું. હું સલામતી અનુભવું છું, કેમ કે એવી કોઈ બાબત નથી જે મને કે મારા કુટુંબને થઈ શકે અને યહોવાહ ભાવિમાં એને દૂર ન કરી શકે.”
આ અનુભવ પરથી આપણે શું શીખી શકીએ? પૌલે ભૌતિક સંપત્તિ પર નહિ પણ આત્મિક બાબતો પર ધ્યાન આપીને પોતાની અસલામતી—લાગણીમય બોજ—આંબ્યો. તેણે ઉત્પન્નકર્તા સાથે ગાઢ સંબંધ વિકસાવ્યો. લાખો યહોવાહના સાક્ષીઓ આવા સંબંધનો આનંદ માણે છે. એ તેઓને આંતરિક બળ આપે છે જે તેઓને બીજાઓ સાથેના સંબંધમાં આત્મ-બલિદાન કરવા માટે મદદ કરે છે. આત્મિક બાબતો પર ધ્યાન આપીને પોતાના જીવન વધુ સલામત બનાવવામાં લોકોને મદદ કરવા માટે તેઓના ઘરે જવામાં યહોવાહના સાક્ષીઓ પોતાના સમયનો ઉપયોગ કરે છે. પરંતુ સાક્ષીઓ પ્રચાર કરવા કરતાં કંઈક વધુ કરે છે.
“તમારા દેવ, યહોવાહને બોલાવો”
જુલાઈ ૧૯૯૭માં ઓડર નદીને કારણે ઉત્તરીય યુરોપના મોટા વિસ્તારોમાં પૂર આવ્યું ત્યારે, જર્મનીમાંના યહોવાહના સાક્ષીઓએ પડોશી પોલૅન્ડમાંના લોકોની સ્થિતિ વિષે સાંભળ્યું. તેઓ શું કરી શક્યા? બર્લિન અને એની આસપાસના સાક્ષીઓએ થોડા જ દિવસોમાં ૧,૧૬,૦૦૦ ડૉલર સ્વૈચ્છિક રીતે દાન આપીને અદ્ભુત ઉદારતા બતાવી.
બાંધકામમાં અનુભવ ધરાવનાર સાક્ષીઓએ રોડ માર્ગે—પોતાના ખર્ચે—બર્લિનથી પોલૅન્ડના વ્રોક્લોવ ફરતેના પ્રદેશમાં છ કલાક મુસાફરી કરી. એક નાના નગરમાં, અનેક ઘરોને ઘણું નુક્શાન થયું હતું. એક સાક્ષી કુટુંબનું ઘર ૨૦ ફૂટથી વધારે પાણીમાં હતું. પછીના મહિને દીકરીનું લગ્ન હતું અને તે તેના પતિ સાથે એ ઘરમાં રહેવા વિચારતી હતી. ઘરને સમારવા અને કુટુંબને મદદ કરવા માટે શું કરવામાં આવ્યું, જેઓએ લગભગ બધું જ ગુમાવી દીધું હતું?
પૂર ઓછું થયું ત્યારે પડોશીએ મશ્કરી કરતા પૂછ્યું: “તમે તમારા દેવ યહોવાહને શા માટે બોલાવતા નથી, અને જુઓ કે તે તમને મદદ કરે છે કે નહિ?” બીજા દિવસે જર્મનીથી અનેક વાહનો સાક્ષી કુટુંબના ઘરે આવી પહોંચ્યાં ત્યારે પડોશી કેટલો આશ્ચર્ય પામ્યો! અપરિચિત લોકોના વૃંદે વાહનમાંથી ઉતરીને ઘરનું સમારકામ કરવાનું શરૂ કર્યું. “તેઓ કોણ છે? માલસામાન માટે કોણ પૈસા ચૂકવશે?” પડોશીએ તપાસ આદરી. સાક્ષી કુટુંબે જણાવ્યું કે આ તેઓના આત્મિક ભાઈબહેનો છે અને તેઓ જ માલસામાન માટે ચૂકવી રહ્યા છે. નગરના રહેવાસીઓ ઘરનું નવીનીકરણ થયેલું જોઈને દંગ રહી ગયા. સ્વાભાવિક રીતે, લગ્ન નક્કી કરેલ તારીખે જ રાખવામાં આવ્યું.
આ કુટુંબે જાણ્યું કે યહોવાહના સાક્ષીઓની આંતરરાષ્ટ્રીય ભાઈચારાની માન્યતા આત્મિક ફાયદાઓ જ નહિ પરંતુ અસલામત જગતમાં પુષ્કળ સલામતી પણ લાવે છે. ફક્ત તેઓને જ કંઈ આ અનુભવ થયો નથી. અસરગ્રસ્ત વિસ્તાર ફરતે, ઘરો અને યહોવાહના સાક્ષીઓનાં રાજ્યગૃહો સમારવામાં આવ્યાં. અને બિનસાક્ષી પડોશીઓને પણ ભૂલવામાં આવ્યા નહિ. તેઓના ઘરોએ પણ ઘણું કામ કરવામાં આવ્યું, જેની ઘણી કદર કરવામાં આવી.
ન્યાયપણું, વિશ્રામ, અને સલામતી
છેવટે આકરો તાવ જાય છે અને તંદુરસ્તી પાછી આવે છે ત્યારે, આપણે મદદ કરનાર ડૉક્ટરના કેટલા બધા આભારી થઈએ છીએ! માણસજાત પર હંમેશા ફરી વળનાર અસલામતીનો તાવ—દેવના રાજ્ય દ્વારા—હંમેશ માટે જતો રહેશે ત્યારે, આપણે આપણા ઉત્પન્નકર્તાના કેટલા આભારી થઈશું! હા, તે આપણને ‘સાચા ન્યાયીપણા, સર્વકાળનો વિશ્રામ તથા નિર્ભયતાʼમાં જીવન આપશે. કેવી અદ્ભુત આશા!—યશાયાહ ૩૨:૧૭.
દેવ નવી દુનિયાનું વચન આપે છે જ્યાં સર્વ કાયમી સલામતીનો આનંદ માણશે
ભૌતિક સંપત્તિ પર નહિ પરંતુ આત્મિક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણે લાગણીમય બોજ દૂર કરી શકીએ