વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૧૧/૮ પાન ૧૨-૧૫
  • ડાઉન અંડરનું જીવન ભિન્‍ન છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડાઉન અંડરનું જીવન ભિન્‍ન છે
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • યુરોપીયન નિવાસસ્થાન
  • લોકો પણ ભિન્‍ન છે
  • વાહન ચલાવવું​—⁠એક મોટી ભિન્‍નતા
  • ભિન્‍ન હવામાન
  • બીજી ભિન્‍નતાઓ
  • પુષ્કળ ખુલ્લી જગ્યાઓ
સજાગ બનો!—૧૯૯૭
g97 ૧૧/૮ પાન ૧૨-૧૫

ડાઉન અંડરનું જીવન ભિન્‍ન છે

સજાગ બનો!ના ઑસ્ટ્રેલિયામાંના ખબરપત્રી તરફથી

“ડા ઉન અંડર” (નીચે) એક અંગ્રેજી અભિવ્યક્તિ છે જે તાજેતરમાં ઘણા માટે જાણીતી થઈ છે. પરંતુ શાની નીચે? એ વિષુવવૃત્તથી નીચેના દેશોને ઉલ્લેખે છે. પારિભાષિક અર્થમાં, દક્ષિણ ગોળાર્ધના બધા દેશોને “ડાઉન અંડર” નામ આપી શકાય. છતાં, ફક્ત ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડને સામાન્ય રીતે એ નામથી ઓળખવામાં આવે છે. આ લેખ ઑસ્ટ્રેલિયા પર કેન્દ્રિત હશે, જેનું નામ લૅટિન શબ્દ ઑસ્ટ્રાલિસ પરથી આવે છે, જેનો અર્થ થાય છે “દક્ષિણ દિશાનું.”

ઑસ્ટ્રેલિયાનું જીવન ઉત્તર ગોળાર્ધના બીજા ઘણા દેશો કરતાં જુદું છે. અને એ ફક્ત ભૌગોલિક સ્થાન નથી જે આ ભિન્‍નતા દર્શાવે છે. ત્યાં બીજી ઘણી ભિન્‍નતાઓ છે જે મુલાકાતીઓ જુએ છે.

યુરોપીયન નિવાસસ્થાન

વર્ષ ૧૭૮૮માં, ધોમધકતા તાપવાળા આ દેશમાં યુરોપીયનો વસવાના શરૂ થયા. ફર્સ્ટ ફ્લીટ તરીકે જાણીતા સઢવાળાં વહાણો સિડની કોવમાં આવવા શરૂ થયાં. એના મુસાફરો મોટા ભાગે ઇંગ્લૅંડ, આયર્લૅન્ડ અને સ્કોટલૅન્ડના ગુનેગારો હતા, જેઓ પોતાની સાથે અંગ્રેજી ભાષા લાવ્યા. પછીના ૧૫૦ વર્ષ સુધી, મોટા ભાગના દેશાંતર કરનારા મૂળ બ્રિટીશ હતા.

વિશ્વયુદ્ધ ૨ પછી, દેશાંતરની ઢબમાં બદલાણ આવ્યું. આજે, હજારો “નવા ઑસ્ટ્રેલિયાવાસીઓ” વિભિન્‍ન દેશોમાંથી છે, જેમાં મોટા ભાગની સંખ્યા ઇટાલી અને ગ્રીસમાંથી છે. દેશાંતરકારોએ ઑસ્ટ્રેલિયાની જીવનઢબને બહોળી રીતે અસર કરી છે અને તેઓ પોતાની સાથે પોતાની ભાષા અને અંગ્રેજીના લાક્ષણીક ઉચ્ચારો, સાથે સાથે વિભિન્‍ન વાનગીઓ અને સંસ્કૃતિઓ પણ લાવ્યા છે.

એ જ કારણે અહીં જુદાજુદા ઉચ્ચારો સાંભળવા મળે છે. પરંતુ ઘણી પેઢીઓથી અહીં રહેતાં કુટુંબોની અંગ્રેજી બોલવાની રીત અને ઉચ્ચારો લાક્ષણિક છે. અંગ્રેજી સ્વરો એ, ઈ, આઈ, ઓ, યુના ઑસ્ટ્રેલિયાવાસીઓના ઉચ્ચારો પહોળા છે, સહેલાઈથી ખબર ન પડે એવો અવાજ, જે ચોક્કસ રીતે સમજવા માટે સમય લાગી શકે. પછી ઑસ્ટ્રેલિયા માટે વિચિત્ર ઉચ્ચારણો છે. દાખલા તરીકે, દિવસ કે રાત્રીનો ગમે તે સમય હોય, “ગુડ મૉર્નિંગ” કે “ગુડ ઇવનીંગ” કવાને બદલે, સ્વીકાર્ય મૈત્રીપૂર્ણ અભિવાદન છે “ગુડે, મેટ!” ઘણી વાર એ કોઈની તબિયત વિષેની નમ્ર વાતચીતથી આગળ વધે છે, અને મુલાકાતીને પૂછવામાં આવી શકે “હાવ યેર ગોઈન મેટ, ઑરાઈટ?”

લોકો પણ ભિન્‍ન છે

આ ખરબચડા દેશમાં રહેવું અનુકૂળ બનવાની ક્ષમતા અને ચારિત્ર્યની દૃઢતા માંગે છે. ઘણા ઑસ્ટ્રેલિયાવાસીઓ આશાવાદી હોવાનું આ જ કારણ હોય શકે, જેનાથી આ કહેવત બની, “શીલ બી રાઈટ, મેટ!” આ સૂચવે છે કે બાબતો ઉદાસ દેખાય ત્યારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, અંતે દરેક બાબતો સારી થઈ જવી જોઈએ.

ધ ઑસ્ટ્રેલિયન પુસ્તકની પ્રસ્તાવના અવલોકે છે: “એક એવો દેશ જેણે પોતાની શરૂઆત કેદીઓથી કરી હોય અને બસો વર્ષ પછી ગતિશીલ અને ધનાઢ્ય નાનું રાષ્ટ્ર બની જાય, એની પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે કે એ આકર્ષક અને અસમાન ચારિત્ર્યો પેદા કરે. . . . તેઓની રચના . . . ધ ઑસ્ટ્રેલિયન થાય છે.”

સાથીની સાથે રહેવાનો ગુણ છેલ્લી બે સદીઓથી ઑસ્ટ્રેલિયાવાસીઓમાં ખૂબ જ મજબૂત સ્ફુરણા છે. ઑસ્ટ્રેલિયાવાસીઓને તેઓના સૈનિકોની વિશ્વયુદ્ધ ૧ની મક્કમતાની નોંધ લેવાનું ગમે છે. ન્યૂઝીલૅન્ડના સૈન્યદળની સાથે, આ ખડતલ લોશ્કરી સેનાઓ અન્ઝાક્સ તરીકે જાણીતી થઈ, જે શબ્દ સંયુક્ત રીતે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડના લશ્કરો માટે વપરાય છે. તેઓ “ખોદનારા” તરીકે પણ જાણીતા થયા, પરંતુ એ અનિશ્ચિત છે કે એ ભોંય ખોદવાને કે ઑસ્ટ્રેલિયાની સોનાની ખાણ ખોદવાને ઉલ્લેખે છે, જ્યાં ૧૮૦૦ દરમિયાન માણસો ભેગા થયા.

વાહન ચલાવવું​—⁠એક મોટી ભિન્‍નતા

જમણી તરફ વાહનો ચલાવતા દેશમાંથી આવતા મુલાકાતીઓ માટે ઑસ્ટ્રેલિયા ઘણુ ભિન્‍ન છે. આખા દેશમાં, વાહનોને ડાબી તરફ ચલાવવામાં આવે છે.

જમણી તરફ વાહનો ચલાવવામાં આવે છે એવા દેશમાંથી તમે ઑસ્ટ્રેલિયામાં આવો તો, વ્યસ્ત રોડને પાર કરવાનું તમારું પ્રથમ પગલું જોખમી સાબિત થઈ શકે. તમારી ‘પહેલાં ડાબે જોવાની, પછી જમણે જોવાની અને પછી ફરીથી ડાબે જોવાની’ ટેવવાળી રોડ પાર કરવાની પદ્ધતિ વિનાશક બની શકે. હવે તમારે રોડ પાર કરતા પહેલાં ‘જમણી તરફ, પછી ડાબી તરફ અને ફરીથી જમણી તરફ જોવાનુ’ વિચારવું જોઈએ. ખૂબ સરસ! તમે ઝડપથી શીખી રહ્યા છો. અરેરે! તમે કારમાં લગભગ ખોટી બાજુથી પેસી ગયા. તમે ભૂલી ગયા કે આ દેશમાં ડ્રાઇવરની બાજુ જમણી છે!

ભિન્‍ન હવામાન

ઉત્તર ગોળાર્ધના સંદર્ભમાં, ડાઉન અંડરમાં ઋતુઓ વિપરીત છે. ગરમ, સૂકા પવનો ઉત્તર અને વાયવ્યમાંથી આવે છે, બધા ઠંડા પવનો દક્ષિણમાંથી આવે છે. અહીં ક્યારે એમ કહેવામા નથી આવતુ કે ઉત્તરની ઠંડી, પરંતુ દક્ષિણના ઠંડા સૂસવાટા અને બરફની આંધીથી સાવધ રહો.

ઑસ્ટ્રેલિયા એ પૃથ્વીનો સૌથી સૂકો અને ગરમ ખંડ છે, દેશના અંતર્ભાગમાં તાપમાન ૩૦ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. ઉચ્ચતમ તાપમાન ૫૩.૧ ડીગ્રી નોંધાયું હતું. લઘુતમ તાપમાન -૨૨ ડીગ્રી હતું, જે સ્નોઈ માઉન્ટેઈન વિસ્તારમાં, ઑસ્ટ્રેલિયાના સૌથી ઊંચા શિખર, માઉન્ટ કોસ્કીસ્કો નજીક હતું.

ઉત્તર ગોળાર્ધની સરખામણીમાં અહીં એટલી ઠંડી નથી હોતી. દાખલા તરીકે, વિક્ટોરીયા રાજ્યની રાજધાની મેલબોર્ન શહેરનો વિચાર કરો. આ શહેર ઑસ્ટ્રેલિયાના એકદમ દક્ષિણ ભાગમાં આવેલું હોવા છતાં, જુલાઈ મહિનામાં અહીંનું દૈનિક સરેરાશ તાપમાન ૬થી ૧૩ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. આની સરખામણીમાં જાન્યુઆરીમાં બૈજીંગ, ચીનનું દૈનિક સરેરાશ તાપમાન -૧૦થી +૧ ડીગ્રી અથવા ન્યૂયૉર્કનું -૪થી +૩ ડીગ્રી સુધી પહોંચે છે. બંને શહેરો વિષુવવૃત્તથી મેલબોર્ન શહેર જેટલાં જ દૂર છે. શા માટે ડાઉન અંડર હૂંફાળુ છે, ખાસ કરીને ઑસ્ટ્રેલિયા પૃથ્વીના સૌથી ઠંડા પ્રદેશ​—⁠ઍન્ટાર્કટિકા​—⁠ની નજીક છે?

ભિન્‍નતા એ છે કે ઉત્તર ગોળાર્ધ જમીન પ્રદેશોથી ઘેરાયેલો છે પરંતુ દક્ષિણ ગોળાર્ધ મહાસાગરથી ઘેરાયેલો છે. ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ હજારો ચોરસ કિલોમીટરના મહાસાગરથી ઘેરાયેલા છે, જે ઍન્ટાર્કટિકની થીજવી નાખતી હવા સામે હૂંફાળી હવાનો પ્રતિરોધ ઉત્પન્‍ન કરે છે, આમ વાતાવરણ હૂંફાળું રાખે છે.

ઑસ્ટ્રેલિયા ખંડની વિશાળતાને કારણે, ભિન્‍ન ભાગોમાં જુદુંજુદું તાપમાન નોંધનીય છે. ઘણા દક્ષિણી રાજ્યોમાં, ઋતુઓ નજરે ચડે એવી છે, શિયાળામાં સાફ, ઠંડી, અથવા હિમયુક્ત રાત્રી, જેના પછી સામાન્ય રીતે ગરમ દિવસો આવે છે. આ ખુશનુમાન ઠંડા દિવસો ઘણી વાર ઉત્તર ગોળાર્ધના ઘણા દેશના ઉનાળાના દિવસોને મળતા આવે છે. છતાં, ઑસ્ટ્રેલિયાના ઉત્તરી રાજ્યોમાં, વર્ષને સામાન્ય રીતે બે ઋતુઓમાં વહેંચી દીધું છે​—⁠લાંબી સૂકી ઋતુ અને ચોમાસાના વરસાદ સાથે ભેજવાળી ઋતુ. ઉત્તરી ક્ષેત્રનું પાટનગર ડાર્વિનમાં, હંમેશા તાપમાન ૩૨ ડીગ્રી સેલ્સિયસ હોય છે.

બીજી ભિન્‍નતાઓ

ખંડના મોટા ભાગના વિસ્તારમાં વિશેષ હૂંફાળું તાપમાન હોવાને કારણે, ઑસ્ટ્રેલિયાના લોકો ખાસ કરીને સામાન્ય કપડા પહેરે છે. પરંતુ મોટી કીનારીવાળો ટોપો પહેરવો મહત્ત્વનો છે. સૂર્ય પ્રકાશના વધુ તાપને કારણે વધુ તાપમાન રહેતા દેશો કરતાં અહીં ચામડીના કૅન્સરના વધુ કેસ બને છે.

ત્યાં હજુ પણ પુષ્કળ ખુલ્લી જગ્યા હોવાથી ત્યાં આઉટડોર બારબેક્યુ માટે સુવિધાઓ સાથે ઘણાં પર્યટન સ્થળો બને છે. સરખામણીમાં માસ મોંઘુ નથી, તેથી સોસેજીસ અને સ્ટીક એ મૂળ બારબેક ખોરાક છે. પરંતુ આ ખુલ્લી જગ્યાના બારબેક્યુની આસપાસ ઊભા રહેલા લોકો શું એકબીજાને હાથથી કોઈ ગુપ્ત સંદેશાઓ આપે છે? ના, તેઓ પોતાનો હાથ માખીઓ ઉડાડવા હલાવી રહ્યા છે! માખીઓ અને મચ્છરો ઘરબહારના ખાસ કરીને ગરમ હવામાનમાં ખોરાકમાં મોટી સમસ્યા ઊભી કરે છે.

તેથી, અંડર ડાઉનમાં જીવવાનો અર્થ થાય માખી અને મચ્છર સાથે રહેતા શીખવું, અને મોટા ભાગના ઘરોને આગળ અને પાછળ જાળીવાળા દરવાજા હોય છે. પહેલાના દિવસોમાં, લોકો કિનારી પર રબરના બુચ લટકાવેલી હેટ પહેરતા હતા, જે માખી અને મચ્છરને તેઓના ચહેરાથી દૂર રાખતી હતી. જંતુઓ અટકાવવાની દવાની શોધ થઈ ત્યારથી, આવી હેટ જોવા મળતી નથી.

બીજી ભિન્‍નતા ભવ્ય, રંગબેરંગી ફૂલો અને ફૂલછોડ અને વૃક્ષો છે. ઉત્તર ગોળાર્ધમાં જોવા મળતી સુગંધની અહીં ખામી છે. અહીં, બગીચાપ્રેમીએ ફૂલની પૂરી સુવાસ મેળવવા પોતાનું નાક એકદમ નજીક લઈ જવું પડે છે. અલબત્ત, આ બધા ઑસ્ટ્રેલિયાનાં ફૂલો માટે સાચું નથી. ઉદાહરણ તરીકે, ડાફ્ને અને જાસ્મીન તમારા નસકોરા માટે આહ્‍લાદક આનંદ પૂરો પાડે છે. પરંતુ સામાન્યપણે ઠંડા, પ્રદેશો કરતાં અહીં ફૂલોની સુગંધ ઓછી છે.

પુષ્કળ ખુલ્લી જગ્યાઓ

અંડર ડાઉનમાં જગ્યા સાચે જ એક ભિન્‍ન પાસું છે. શું નજીક છે અને શું દૂર છે એનો ખ્યાલ બીજા ઉત્તરીય દેશો કરતાં ભિન્‍ન છે. બે શહેરો વચ્ચેનું અંતર એટલું લાંબુ છે કે તમારે એકથી બીજા શહેરમાં જવા માટે કલાકો સુધી મુસાફરી કરવી પડી શકે. આ ખાસ કરીને જેને પ્રેમથી આઉટબેક કહેવામાં આવે છે એવા ભાગોમાં છે. અહીં જગ્યા અને શાંતિ પુષ્કળ પ્રમાણમાં છે અને મુલાકાતીઓ પોતાના ફેફસાને તાજી, બિનપ્રદૂષિત હવાથી ભરી શકે છે. એની નજીક નિલગિરીના ઝાડ છે, જેને સામાન્ય રીતે ગુંદરનું ઝાડ તરીકે ઓળખવામાં આવે છે. ગુંદરનું ઝાડ અને બાવળ અથવા ગોરડ ઝાડ આંતરિક જમીન પ્રદેશ પર કાબૂ ધરાવે છે.

સાંજ પડે છે તેમ, ભવ્ય સૂર્યાસ્ત તમારી આંખોને આનંદ આપે છે. પરંતુ અંધકાર આશ્ચર્યજનક ઝડપથી આવે છે, કેમ કે ડાઉન અંડરમાં સંધ્યાકાળનું અજવાળું ઘણું ઓછું છે. જલદી જ, ખૂબ જ તેજસ્વી દક્ષિણ રાત્રી આકાશ સધર્ન ક્રૉસ તરીકે ઓળખાતી પ્રખ્યાત ગોઠવણ સમેત, વિપુલ સંખ્યામાં તારાઓ પ્રદર્શિત કરે છે. આકાશ સામે ગુંદરનાં વૃક્ષો ઊભા છે અને વન્ય જીવનના આરામનો સમય થઈ ગયો છે, તમારા પર નીરવતા એવી છવાઈ જાય છે કે જાણે આ ખુલ્લી જગ્યામાં એનો ક્યારેય અંત આવશે નહિ.

તમારી સ્લીપીંગ બૅગમાં ઘુસતા પહેલાં કાળજીપૂર્વક કેમ્પની આગ હોલવી નાખો. એ ખૂબ મહત્ત્વનું છે કારણ કે ઑસ્ટ્રેલિયાની ઝાડીઓમાં એક વાર આગ લાગે પછી, તરત જ એ વિનાશક બને છે અને દરેકે દરેક વસ્તુનો નાશ કરી નાખે છે. તીવ્ર ગરમીમાં ગુંદર વૃક્ષમાં વિસ્ફોટ થાય છે જે ડરામણી ઝડપે આગ ફેલાવે છે. ગરમ, સૂકા ઉનાળાના મહિનાઓમાં, ઝાડી વિસ્તાર નજીક રહેતા લોકો માટે હંમેશા ભય રહેલો હોય છે. આગ પર પ્રતિબંધ અને ખુલ્લામાં આગ સળગાવવાના નિયમનું કડક પાલન થવું જ જોઈએ.

જલદી જ પરોઢ થાય છે, અને તમે કુકાબુરાના ટોળાના હસવાના અવાજથી ઊઠી જાવ છો જે રાત્રી દરમિયાન નજીકના ગુંદરના વૃક્ષમાં સૂઈ ગયા હતા અને હવે આનંદી ગીતો સાથે ઊઠી ગયા છે. આભા બનીને, તમે તમારા તંબુની બહાર સુંદર રંગવાળા પક્ષીઓથી ભરપૂર બીજાં વૃક્ષો જુઓ છો. અત્યાર સુધીમાં તમે એમાંના ઘણાને ઉપરાંત બીજાં પ્રાણીઓને પણ જેમ કે કાંગારૂ, કોલારીંછ, એનુસ અને કદાચ વોમ્બેટને પણ મળી ચૂક્યા છો. તમે જેઓને મળવા આતુર નથી એ સાપ અને કરોળિયો છે. હા, આ ખંડમાં દુનિયાના સૌથી ઝેરી સાપ અને કરોળિયા છે. પરંતુ આમાંના મોટા ભાગના તમે એઓને કંઈ કરો નહિ ત્યાં સુધી તમારા માટે કોઈ જોખમ ઊભું કરશે નહિ.

હવે કેંપ આગની આસપાસ સવારના નાસ્તાનો સમય છે​—⁠જે સામાન્ય રીતે બેકન અને ઈંડા તથા સારી રીતે શેકીને કાપેલી બ્રેડ છે. તાજી હવાને કારણે તમને સારી ભૂખ લાગે છે. પછી, તમે માખીઓની વચ્ચે નાસ્તાનો આનંદ લેવાનો પ્રયત્ન કરો તેમ, તમે આ ઝાડીઓના અનુભવ વિષે મનન કરો છો, જેણે તમને ઑસ્ટ્રેલિયાના ખંડની વિશાળતાની ઝાંખી કરાવી છે.

હવે આ વિશાળ દેશમાં તમારી મુસાફરીનો અંત આવી રહ્યો છે અને તમે ઘરે પાછા ફરી રહ્યા છો. નિઃશંક મૈત્રીપૂર્ણ ઑસ્ટ્રેલિયાવાસીઓને જણાવવાનો તમારો અનુભવ અને તેઓની જીવવાની નમ્ર રીતભાત તમારી સ્મૃતિમાં હંમેશા રહેશે. મોટા ભાગના મુલાકાતીઓની જેમ, કદાચ તમે પણ કોઈ દિવસ પાછા ફરવાનું ઇચ્છી શકો. પરંતુ તમે નિઃશંકપણે એક નિષ્કર્ષ પર પહોંચ્યા છો: ડાઉન અંડરનું જીવન ભિન્‍ન છે!

[Caption on page ૧૩]

પેરાકીટ અને પિંક કોકટુ: By courtesy of Australian International Public Relations; સ્ત્રી: By courtesy of West Australian Tourist Commission

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો