તમારાં બાળકોને ઊછરવામાં મદદ કરો
બા ળકને ઉછેરવાની બાબત આવે છે ત્યારે, ઘણાં માબાપ દરેક જગ્યાએ જવાબો શોધે છે, હકીકતમાં, એ તેઓના પોતાના ઘરમાં હાથવગા હોય છે. અગણિત કુટુંબો પાસે બાઇબલ છે, પરંતુ એ બાળકોને ઉછેરવામાં ઉપયોગમાં લેવાને બદલે અભરાઈ પર ધૂળ ખાતું હોય છે.
સાચું, ઘણાં આજે કૌટુંબિક જીવનમાં માર્ગદર્શન તરીકે બાઇબલનો ઉપયોગ કરવામાં શંકા ધરાવે છે. તેઓ એને પુરાણું, જૂની-ઢબનું, અથવા વધુ પડતું કઠોર તરીકે નકારે છે. પરંતુ પ્રમાણિક તપાસ બતાવશે કે બાઇબલ કુટુંબો માટે વ્યવહારું પુસ્તક છે. ચાલો જોઈએ કે કઈ રીતે.
યોગ્ય વાતાવરણ
બાઇબલ પિતાને પોતાનાં બાળકોને “મેજની આસપાસ જૈતુનવૃક્ષના રોપ જેવાં” તરીકે જોવાનું કહે છે. (ગીતશાસ્ત્ર ૧૨૮:૩, ૪) રોપના ફણગા કાળજીભરી માવજત, યોગ્ય પોષણ, ખેડાણ, અને ભેજ વગર ફળ આપનાર વૃક્ષોમાં વધશે નહિ. એવી જ રીતે, સફળ બાળ-ઉછેર, પ્રયાસ અને કાળજી માંગી લે છે. બાળકોને પરિપક્વતા સુધી વધવા માટે સ્વાસ્થ્યપ્રદ વાતાવરણની જરૂર હોય છે.
લગ્ન સાથીઓ વચ્ચેનો અને માબાપ અને બાળકો વચ્ચેનો—પ્રેમ આવા વાતાવરણ માટેનો પ્રથમ હિસ્સો છે. (એફેસી ૫:૩૩; તીતસ ૨:૪) કુટુંબના ઘણા સભ્યો એક બીજાને પ્રેમ કરે છે પરંતુ તેઓને આવો પ્રેમ વ્યક્ત કરવાની જરૂર લાગતી નથી. જોકે, વિચારો: તમે તમારા મિત્રને ઘણા પત્રો લખ્યા હોય અને સરનામું, કે ટીકીટો ન લગાવ્યા હોય કે મોકલ્યા ન હોય તો, તમે યોગ્ય રીતે કહી શકો કે તમે તેની સાથે વાત કરી છે? એવી જ રીતે, બાઇબલ બતાવે છે કે સાચો પ્રેમ હૃદયને ઉષ્મા આપતી લાગણી કરતાં વધારે છે; એ શબ્દો અને કાર્યોથી પોતાની જાતે વ્યક્ત કરે છે. (સરખાવો યોહાન ૧૪:૧૫ અને ૧ યોહાન ૫:૩.) દેવે પોતાના પુત્ર માટેનો પ્રેમ આ શબ્દોમાં વ્યક્ત કરીને ઉદાહરણ બેસાડ્યું: “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું.”—માત્થી ૩:૧૭.
પ્રશંસા
કઈ રીતે માબાપ પોતાનાં બાળકો પ્રત્યે આવો પ્રેમ બતાવી શકે? પ્રથમ, સારું જુઓ. બાળકોમાં ભૂલો જોવી સરળ છે. તેઓની અપરિપક્વતા, બિનઅનુભવ, અને સ્વાર્થીપણું દરરોજ અગણિત રીતે દેખાય છે. (નીતિવચન ૨૨:૧૫) પરંતુ તેઓ દરરોજ ઘણી સારી બાબતો કરે છે. તમે કઈ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશો? દેવ આપણી ભૂલો પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી પરંતુ આપણે કરેલ સારી બાબતોને યાદ રાખે છે. (ગીતશાસ્ત્ર ૧૩૦:૩; હેબ્રી ૬:૧૦) આપણે આપણાં બાળકો સાથે એવો જ વ્યવહાર કરવો જોઈએ.
એક યુવાન માણસ નોંધે છે: “ઘરમાં કે શાળામાં કંઈ પણ પરિપૂર્ણ કરવામાં—મારા આખા જીવનમાં, મને કોઈ પણ પ્રકારની પ્રશંસા મળી હોય એવું યાદ નથી.” માબાપો, પોતાનાં બાળકોની આ મહત્ત્વની જરૂરિયાતને ધ્યાન બહાર ન જવા દો! દરેક બાળકોની તેઓ જે સારી બાબતો કરે છે એ માટે નિયમિતપણે પ્રશંસા થવી જોઈએ. એ તેઓના “નિરાશા”થી ઊછરવાના જોખમને ઘટાડશે, એ માની બેસશે નહિ કે પોતે કંઈ સારું કરી શકશે નહિ.—કોલોસી ૩:૨૧.
વાતચીતસંચાર
પોતાનાં બાળકો પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાની બીજી સારી રીત યાકૂબ ૧:૧૯ની સલાહને અનુસરવી છે: “દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો, તથા ક્રોધમાં ધીરો થાય.” શું તમે તમારાં બાળકોના વિચારો બહાર કઢાવો છો અને તેઓ જે કહે છે તે ખરેખર સાંભળો છો? તમારાં બાળકો જાણતા હશે કે તેઓ તમને કંઈ કહે તે પહેલાં તમે તેમને ભાષણ આપશો અથવા તેઓ કેવું અનુભવે છે એ તમે જાણશો ત્યારે તમે ગુસ્સે થશો તો, તેઓ પોતાની લાગણીઓ તમને જણાવશે નહિ. પરંતુ તેઓને ખબર હશે કે તમે ખરેખર સાંભળશો તો, તેઓ પોતાને તમારી સમક્ષ વધુ સારી રીતે રજૂ કરશે.—સરખાવો નીતિવચન ૨૦:૫.
જોકે તમને ખબર હોય કે તેઓએ જણાવેલી લાગણીઓ ખોટી છે તો શું? શું એ ગુસ્સાથી જવાબ આપવાનો, ભાષણ આપવાનો, કે અમુક શિષ્ત આપવાનો સમય છે? કબૂલ કે, કેટલીક છોકરવાદી હરકતો ‘બોલવામાં ધીમા, તથા ક્રોધમાં ધીરા’ બનવા મુશ્કેલ બનાવી શકે. પરંતુ દેવે પોતાનાં બાળકો સાથે વ્યવહાર કરવામાં જે ઉદાહરણ બેસાડ્યું છે એનો ફરીથી વિચાર કરો. શું તેમણે અનિચ્છનીય ભયનું વાતાવરણ ઉત્પન્ન કર્યું છે, કે જેથી પોતાનાં બાળકો તેમને કહેતા બીવે કે તેઓ ખરેખર શું અનુભવે છે? ના! ગીતશાસ્ત્ર ૬૨:૮ કહે છે: “હે લોકો, તમે સર્વ પ્રસંગે [દેવનો] ભરોસો રાખો; તેની આગળ તમારૂં હૃદય ખુલ્લું કરો; દેવ આપણો આશ્રય છે.”
તેથી ઈબ્રાહીમ સદોમ અને ગમોરાહ શહેરોના નાશ વિષે દેવના નિર્ણય વિષે ચિંતિત હતો ત્યારે, તે પોતાના આકાશી પિતાને કહેતા અચકાયો ન હતો: “એવી રીતે કરવું તારાથી વેગળું થાઓ . . . આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?” યહોવાહે ઈબ્રાહીમને ધમકાવ્યો નહિ; તેમણે તેનું સાંભળ્યું અને તેના ભયને શાંત કર્યો. (ઉત્પત્તિ ૧૮:૨૦-૩૩) દેવ નોંધપાત્ર રીતે ધીરજવાળા અને નરમાશવાળા છે, ત્યારે પણ જ્યારે કે પોતાનાં બાળકો લાગણીઓને રજૂ કરે છે કે જે પૂરેપૂરી રીતે ગેરવાજબી અને અયોગ્ય હોય.—યૂના ૩:૧૦–૪:૧૧.
એવી જ રીતે માબાપોએ એવું વાતાવરણ પેદા કરવાની જરૂર છે કે જેમાં બાળકો પોતાની આંતરિક લાગણીઓને પ્રગટ કરવા સલામતી અનુભવે, ભલે એ કેટલીય શાંતિભંગ કરનારી હોય. તેથી તમારું બાળક ગમે તેટલું લાગણીવશ થયું હોય, તેનું સાંભળો. તેને ઠપકો આપવાને બદલે, બાળકની લાગણીઓને સ્વીકારો અને કારણ કઢાવો. દાખલા તરીકે, તમે એમ કહી શકો: ‘તને કંઈક બાબતમાં ખૂબ ગુસ્સો આવ્યો લાગે છે. તું મને જણાવીશ શું થયું છે?’
ગુસ્સા પર કાબૂ રાખવો
અલબત્ત, કોઈ માબાપ યહોવાહ જેટલા ધીરજવાળા નથી. અને બાળકો ચોક્કસ પોતાનાં માબાપની ધીરજની મર્યાદાની કસોટી કરવા પ્રયત્ન કરી શકે. તમને પ્રસંગોપાત્ત પોતાનાં બાળકો પર ગુસ્સો આવતો હોય તો, ચિંતા ન કરો કે એ તમને ખરાબ માબાપ બનાવે છે. કોઈ સમયે, તમને યોગ્ય ગુસ્સો આવ્યો હોઈ શકે. દેવ પોતે પોતાનાં બાળકો પર યોગ્ય રીતે ગુસ્સે થાય છે, અરે જેઓ તેમને ઘણા વહાલા છે તેઓ પર પણ. (નિર્ગમન ૪:૧૪; પુનર્નિયમ ૩૪:૧૦) છતાં પણ, તેમનો શબ્દ, આપણા ગુસ્સાને કાબૂ રાખવાનું શીખવે છે.—એફેસી ૪:૨૬.
કઈ રીતે? કેટલીક વખત થોડી ક્ષણો માટે થોભી જાઓ તેથી તમારા ગુસ્સાને ધીમો પડવાની તક મળશે. (નીતિવચન ૧૭:૧૪) અને યાદ રાખો, એ બાળક છે! તેની પાસે પુખ્ત વર્તણૂક કે પરિપક્વ વિચારસરણીની અપેક્ષા ન રાખો. (૧ કોરીંથી ૧૩:૧૧) તમારું બાળક શા માટે અમુક રીતે વર્તે છે એ સમજવાથી તમારો ગુસ્સો ઓછો થઈ શકે. (નીતિવચન ૧૯:૧૧) ભૂલો નહિ કે કંઈક ખરાબ કામ કરવું અને ખરાબ વ્યક્તિ હોવું એ બેમાં ઘણો તફાવત છે. બૂમો પાડીને બાળકને કહેવું કે તે ખરાબ છે એ બાળકને વિચારમાં પાડી શકે કે, ‘શા માટે સારા બનવાનો પ્રયત્ન કરવો?’ પરંતુ પ્રેમાળ રીતે બાળકને સુધારવાથી બીજી વખતે તેને સારું કરવામાં મદદ મળશે.
વ્યવસ્થા અને આદર જાળવી રાખવો
બાળકોને વ્યવસ્થા અને આદરના બોધનું શિક્ષણ આપવું એ માબાપો સામનો કરે છે એ મોટા પડકારોમાંનો એક છે. આજના છૂટછાટવાળા જગતમાં, ઘણા વિચારે છે કે પોતાનાં બાળકો પર અંકુશ કરવો યોગ્ય છે કે નહિ. બાઇબલ જવાબ આપે છે: “સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું છોકરૂં પોતાની માને ફજેત કરે છે.” (નીતિવચન ૨૯:૧૫) કેટલાક “સોટી” શબ્દથી ખચકાય છે, એમ વિચારીને કે એ કોઈ પ્રકારનો બાળ-અત્યાચાર સૂચવે છે. પરંતુ એ સૂચવતું નથી. હેબ્રી શબ્દ “સોટી” છડી શબ્દને સૂચવે છે જેમ ભરવાડ પોતાના ઘેટાંને દોરવા ઉપયોગ કરતો હતો—મારવા નહિ.a તેથી સોટી શિષ્તને ચિત્રિત કરે છે.
બાઇબલમાં, શિષ્ત આપવી મુખ્યત્વે શિક્ષણ આપવાને લાગુ પડે છે. તેથી નીતિવચનનું પુસ્તક ચાર વખત કહે છે, ‘શિખામણ સાંભળ.’ (નીતિવચન ૧:૮; ૪:૧; ૮:૩૩; ૧૯:૨૭) બાળકોએ શીખવાની જરૂર છે કે શું ખરું છે કે જે બદલો લાવશે અને શું ખોટું છે કે જે ખરાબ પરિણામો લાવશે. શિક્ષા મનમાં એ બેસાડવામાં મદદ કરી શકે કે ખોટું કામ ન કરવું જોઈએ અને બદલા—જેવા કે પ્રશંસા—ને કારણે સારા કામ કરવા જોઈએ. (સરખાવો પુનર્નિયમ ૧૧:૨૬-૨૮) શિક્ષાની બાબત આવે છે ત્યારે માબાપે દેવના ઉદાહરણનું અનુકરણ કરવું જોઈએ, કેમ કે તેમણે પોતાના લોકોને કહ્યું હતું કે તે “ન્યાયની રૂએ” તેઓને શિક્ષા કરશે. (યિર્મેયાહ ૪૬:૨૮) કેટલાંક બાળકોને સીધા માર્ગે લાવવા થોડા જ કઠોર શબ્દોની જરૂર હોય છે. બીજાઓને માટે વધુ કડક થવાની જરૂર હોય છે. પરંતુ “ન્યાયની રૂએ” શિક્ષા કરવામાં બાળકને ખરેખર લાગણીમય કે શારીરિક નુકશાન પહોંચાડે એવા કંઈકનો સમાવેશ થશે નહિ.
સમતોલ શિષ્તમાં બાળકોને સીમાઓ અને મર્યાદાઓ વિષેના શિક્ષણનો સમાવેશ થવો જોઈએ. આમાંના ઘણા સ્પષ્ટપણે દેવના શબ્દમાં બતાવવામાં આવ્યા છે. બાઇબલ વ્યક્તિગત મિલકત ફરતે સીમાઓ માટે આદર બતાવવાનું શીખવે છે. (પુનર્નિયમ ૧૯:૧૪) એ ભૌતિક સીમાઓ લગાડીને, હિંસાને પ્રેમ કરવો કે જાણીજોઈને બીજાને નુકસાન પહોંચાડવાને ખોટું ઠરાવે છે. (ગીતશાસ્ત્ર ૧૧:૫; માત્થી ૭:૧૨) એ જાતીય મર્યાદાઓ સ્થાપીને, નજીકના સગા સાથેના જાતીય સંબંધને ખોટો ઠરાવે છે. (લેવીય ૧૮:૬-૧૮) એ વ્યક્તિગત અને લાગણીમય સીમાઓ સ્વીકારે છે, જે આપણને કોઈકને તિરસ્કરણીય નામથી બોલાવવાનું અથવા મૌખિક દુરુપયોગનાં અન્ય રૂપોના ઉપયોગની મનાઈ કરે છે. (માત્થી ૫:૨૨) બાળકોને આ મર્યાદાઓ અથવા સીમાઓ વિષે—શબ્દ અને ઉદાહરણ બંને દ્વારા—શીખવવું તંદુરસ્ત કૌટુંબિક વાતાવરણ પેદા કરવા મહત્ત્વનું છે.
કુટુંબમાં વ્યવસ્થા અને આદર જાળવવાની બીજી ચાવી કુટુંબના સભ્યોની ભૂમિકા સમજવી છે. ઘણાં કુટુંબોમાં આજે, આવી ભૂમિકાઓ ઝાંખી અથવા મૂંઝવણભરી હોય છે. કેટલાંક કુટુંબોમાં માબાપ બાળકને બોજરૂપ સમસ્યાઓ જણાવે છે, સમસ્યાઓને હાથ ધરવા બાળક સજ્જ હોતું નથી. બીજામાં, બાળકોને ઘરના શિર બનવા દેવામાં આવે છે અને તેઓ આખા કુટુંબના નિર્ણયો કરે છે. એ ખોટું અને હાનિકારક છે. માબાપો પોતાનાં નાનાં બાળકોની જરૂરિયાતને પૂરી પાડવા જવાબદાર છે—પછી તે ભૌતિક, લાગણીમય, કે આત્મિક હોય—એનાથી વિરુદ્ધ નહિ. (૨ કોરીંથી ૧૨:૧૪; ૧ તીમોથી ૫:૮) યાકૂબના ઉદાહરણનો વિચાર કરો, જેણે પોતાના આખા કુટુંબ અને કાફલાની ગતિ બદલી જેથી નાનાં બાળકોને ચાલવું અઘરું ન પડે. તે તેઓની મર્યાદાઓ સમજ્યો અને એ પ્રમાણે કાર્ય કર્યું.—ઉત્પત્તિ ૩૩:૧૩, ૧૪.
આત્મિક જરૂરિયાત પ્રત્યેનું વલણ
તંદુરસ્ત કૌટુંબિક વાતાવરણમાં આત્મિકતા કરતાં કંઈ વધુ નથી. (માત્થી ૫:૩) બાળકોમાં આત્મિકતા માટે ખૂબ ક્ષમતા છે. તેઓની પાસે પ્રશ્નો ભરેલા હોય છે: શા માટે આપણે અસ્તિત્વમાં છીએ? પૃથ્વી અને એના પ્રાણીઓ, વૃક્ષો, અને દરિયાઓ કોણે બનાવ્યા? શા માટે લોકો મરે છે? ત્યાર પછી શું થાય છે? સારા લોકોને શા માટે ખરાબ બાબતો થાય છે? યાદી અંત વગરની હોય છે. ઘણી વાર, માબાપો જ એવા છે જે આવી બાબતોનો વિચાર ન કરવાનું પસંદ કરે છે.b
બાઇબલ માબાપોને પોતાનાં બાળકોને આત્મિક તાલીમ આપવા સમય ફાળવવાની અરજ કરે છે. એ આવી તાલીમનું વર્ણન એવા શબ્દોમાં કરે છે કે એ માબાપ અને બાળકોની વચ્ચે સતત વાતચીત-સંચાર છે. માબાપ પોતાનાં બાળકોને દેવ અને તેમના શબ્દ વિષે જ્યારે તે સાથે ચાલતા હોય, ઘરમાં ભેગા બેસતા હોય, સૂતી વખતે—જ્યારે પણ શક્ય હોય ત્યારે—શીખવી શકે.—પુનર્નિયમ ૬:૬, ૭; એફેસી ૬:૪.
બાઇબલ આવા આત્મિક કાર્યક્રમની વધુ ભલામણ કરે છે. એ તમને જરૂર હશે એવી વિગતો પણ પૂરી પાડે છે. છેવટે, ઉપર જણાવેલા બાળકોના પ્રશ્નોનો તમે કેવો જવાબ આપશો? બાઇબલ જવાબો આપે છે. એઓ સ્પષ્ટ છે, એઓ મુગ્ધ કરનારા છે, અને એઓ આ નિરાશાભર્યા જગતમાં મોટી આશા આપે છે. એનાથી પણ વધુ, બાઇબલના ડહાપણને સમજવું તમારાં બાળકોને સૌથી મજબૂત આધાર, આજના ગૂંચવણભર્યા જગતમાં સૌથી મોટું માર્ગદર્શન આપી શકે છે. એ તેઓને આપો, અને તેઓ ખરેખર સમૃદ્ધ બનશે—હમણાં અને ભવિષ્યમાં.
[Footnotes]
a અવેક! સપ્ટેમ્બર ૮, ૧૯૯૨ના પાન ૨૬-૭ જુઓ.
b કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તક કુટુંબના અભ્યાસ માટે તૈયાર કરેલું છે અને એના વિષયો લગ્ન અને બાળ-ઉછેર પર બાઇબલનું વધુ વ્યવહારું માર્ગદર્શન બતાવે છે. એ વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.
[Caption on page ૧૧]
તમારા બાળકની કોઈ ખાસ બાબત જોઈને નિયમિત તેની પ્રશંસા કરવાની આદત બનાવો