મનોરંજનને શું થયું છે?
પ્રાચીન રૂમીઓ, જેઓએ પોતાની સંસ્કૃતિ ઊંચી માની લીધી હતી, તેઓ સાથી માનવીઓની યાતનાને કઈ રીતે મનોરંજન તરીકે જોઈ શકે? ગેરહાર્ટ ઉલહોર્ન ધ કોન્ફ્લીક્ટ ઑફ ક્રિશ્ચિયાનિટી વીથ હીધનીસમમાં લખે છે, “એ ફક્ત નવી અને વધુ શક્તિશાળી ઉત્તેજના માટેની તીવ્ર ઇચ્છા દ્વારા જ સમજાવી શકાય. બધા શક્ય આનંદથી સંતુષ્ટ લોકોએ, તેઓને હવે બીજે ક્યાંયથી મળતી ન હતી એવી ઉત્તેજના . . . શોધી.”
ઘણા લોકો આજે એવી જ “નવી અને વધુ શક્તિશાળી ઉત્તેજના માટે તીવ્ર ઇચ્છા” બતાવી રહ્યા છે. કબૂલ કે તેઓ જીવંત કત્લેઆમ અને લંપટતા જોવા એકઠા ન પણ થતા હોય. પરંતુ તેઓની મનોરંજનની પસંદગી એવી જ હિંસા અને જાતીયતાના વિચારો પ્રગટ કરે છે. કેટલાંક ઉદાહરણોનો વિચાર કરો.
ચલચિત્રો. તાજેતરનાં વર્ષોમાં ચલચિત્રો બનાવનારાઓએ “વિકૃતિ માટેની પસંદગી” બતાવી છે, ચલચિત્ર વિવેચક માઈકલ મેડવેડે જાહેર કર્યું. તેણે ઉમેર્યું, “ચલચિત્ર ઉદ્યોગનો સંદેશ, નિર્દયતાનું ચિત્રાલેખન અને ખાનદાની અથવા સારાપણું દેખાડવા કરતાં ઘેલછાને વધુ ગંભીર વિચારણા, વધુ સ્વયંસંચાલિત માન આપવામાં આવતા હોય એમ જણાય છે.”
ટેલિવિઝન સાથેની સ્પર્ધાએ ચલચિત્ર બનાવનારાઓને લોકોને લલચાવીને સિનેમાગૃહમાં લાવવા લગભગ કોઈ પણ પ્રયત્નો કરવા દબાણ મૂક્યું છે. “અમારે એવા ચલચિત્રોની જરૂર છે જે પ્રભાવશાળી હોય, જે નોંધપાત્ર હોય, જે લોકો ટીવી પર જુએ છે એ બધા કાર્યક્રમોથી અલગ તરી આવતા હોય,” એક ફિલ્મ સ્ટુડીઓના અધ્યક્ષે કહ્યું. “એવું નથી કે અમે લોહી અને લૂંટફાટ તેમ જ [અશ્લીલ] ભાષાને આધીન છીએ, પરંતુ આજે ફિલ્મ ચલાવવા માટે એની જ જરૂર છે.” હકીકતમાં, ઘણા હવેથી સૌથી હિંસક ફિલ્મોથી પણ આઘાત પામતા નથી. ફિલ્મ નિર્દેશક એલન જે. પાકુલા કહે છે કે, “લોકો હિંસક દૃશ્યો પ્રત્યે લાગણીશૂન્ય બની રહ્યા છે. મરનારાઓની સંખ્યા ચારગણી વધી છે, વિસ્ફોટ શક્તિમાં સખત વધારો થયો છે, અને લોકો જાણે કે એ વિષે બહેરા બની ગયા છે. તેઓએ પાશવી અભિરુચી માટે તૃષ્ણા વિકસાવી છે.”
ટેલિવિઝન. જાપાન, બ્રાઝિલ, અને યુરોપનો સમાવેશ કરતા, જગતના ઘણા દેશોમાં હવે ટીવી પર જાતીયતાનું નિર્લજ્જ વર્ણન સામાન્ય થઈ ગયું છે. અમેરિકામાં સામાન્ય ટીવી દર્શકે એક જ વર્ષમાં જાતીયતાને લગતા કંઈક ૧૪,૦૦૦ બનાવો નિહાળ્યા. એક સંશોધન ટુકડી અહેવાલ આપે છે કે, “જાતીય વિષયો અને એને ખુલ્લેઆમ બતાવવામાં થયેલા વધારાને ઘટાડવાની કોઈ નિશાની દેખાતી નથી. એક-સમયના પ્રતિબંધિત વિષયો જેવા કે નજીકના સગા વચ્ચેનો સંભોગ, વિકૃત કામવાસના, અને પાશવતા સાંજના-સમયમાં ઘણા જ લોકપ્રિય બન્યા છે.”
પુસ્તક વૉચિંગ અમેરિકા પ્રમાણે, ટીવીમાં પરવાનગી અપાયેલા ગાંડપણ માટે કારણ છે. એ નોંધે છે: “જાતીયતા વેચાય છે. . . . નેટવર્ક અને ઉત્પાદન પેઢીઓએ જાણ્યું કે તેઓ વધુ દર્શકોને નારાજ કરવા કરતાં ગલીપચી કરાવતા હતા તેમ તેમ, તેઓએ ધીમે ધીમે વધુ ખુલ્લી રીતે પ્રતિબંધિત બાબતોને પરવાનગી આપીને પોતાના ઉત્પાદનોની વેચાણ ક્ષમતા વધારી.”
વિડીઓ રમતો. પેક-મેન અને ડોન્કી કોંગ રમતો, જે સરખામણીમાં નિર્દોષ ઉંમરની છે, એણે નવા યુગને ધિક્કારજનક જાતીય રમતોને આવકાર આપ્યો છે. પ્રાધ્યાપક માર્શા કિન્ડરે આ રમતોને “ટીવી અથવા ચલચિત્રો કરતાં વધારે ખરાબ” તરીકે વર્ણવી. “શક્તિશાળી હોવાનો એકમાત્ર માર્ગ હિંસા છે, એવો સંદેશો” એઓ આપે છે.
જાહેર હિતના કારણે, યુનાઈટેડ સ્ટેટ્સમાં આગળ પડતી ઉત્પાદન કંપની હવે પોતાની વિડીઓ રમતો પર ક્રમાંક પદ્ધતિનો ઉપયોગ કરે છે. “એમએ-૧૭” લેબલ—દર્શાવે છે કે “પુખ્ત” રમત ૧૭થી ઓછી ઉંમરવાળા માટે અયોગ્ય છે—જેમાં અતિશય હિંસા, જાતીયતા, અને ભ્રષ્ટતાનો સમાવેશ થતો હોય શકે. છતાં, કેટલાક ભય સેવે છે કે “પુખ્ત” ક્રમાંક ફક્ત રમતનું આકર્ષણ વધારશે. એક રમતરસિયો યુવાન કહે છે, “મને ૧૫ વર્ષ થયા હોય અને એમએ-૧૭નું સ્ટીકર જોઉં તો, હું કોઈ પણ કિંમતે એ ખરીદીશ.”
સંગીત. લોકપ્રિય સંગીતના વિષયોનું અન્વીક્ષણ કરનાર એક સામયિક દાવો કરે છે કે ૧૯૯૫ના અંત સુધી, મુખ્ય ૪૦ આલ્બમોમાંથી ફક્ત ૧૦ આલ્બમો જ ભ્રષ્ટતાથી કે કેફી પદાર્થો, હિંસા, અને જાતીયતાના નિર્દેશથી મુક્ત હતા. સેન્ટ લુઈસ પોસ્ટ-ડીસ્પેચ અહેવાલ આપે છે, “તરુણાવસ્થાએ પણ ન પહોંચેલાં બાળકોને પ્રાપ્ય સંગીત ઘણું જ આઘાતજનક છે, જે ઘણુંખરું શૂન્યવાદી છે. કેટલાંક તરુણોને આકર્ષક હોય એવું [સંગીત] ક્રોધથી અને નિરાશાથી ભરપૂર હોય છે તથા એવી લાગણીઓને ઉત્તેજન આપે છે કે જગત અને સાંભળનાર પોતે પણ વિનાશ થનાર છે.”
એવું લાગે છે કે ડેથ મેટલ, “ગ્રંજ” રૉક, અને “ગેંગસ્ટા” રૅપ હિંસામાં મોજ માણે છે. અને સાનફ્રાંસિસ્કો ક્રોનીકલના અહેવાલ પ્રમાણે, “આ ઉદ્યોગના લોકો અનુમાન કરે છે કે વધુ ભયાનક વૃંદો ટોચ પર પહોંચી રહ્યાં છે.” ક્રોધ અને મૃત્યુનાં સ્તુતિગીતો હવે ઑસ્ટ્રેલિયા, જાપાન, અને યુરોપમાં લોકપ્રિય બન્યાં છે. સાચું, કેટલાંક જૂથોએ વધુ સૌમ્ય સંદેશ સ્વીકારવાનો પ્રયત્ન કર્યોં છે. તથાપિ, ક્રોનીકલ્સ નોંધ લે છે, “પુરાવો સૂચવે છે કે નિર્દોષ સંગીતનું વેચાણ નથી.”
કૉમ્પ્યુટરો. આ ઘણા સારા ઉપયોગ માટેનું કીમતી સાધન છે. છતાં, એઓનો ઉપયોગ પણ અમુક દ્વારા લંપટ સામગ્રી વેચવામાં થયો છે. દાખલા તરીકે, મેક્લીન્સ સામયિક અહેવાલ આપે છે કે એ સામગ્રીમાં “વિચિત્ર અંધશ્રદ્ધાથી માંડીને વેશ્યાગીરી, બાળકો સાથેની વેશ્યાગીરી સુધીની દરેક બાબત વિષેનાં ચિત્રો અને લખાણ”નો સમાવેશ થાય છે, “એવી સામગ્રી જે ઘણા પુખ્તોને આઘાત પમાડશે, તેઓનાં બાળકોની તો વાત જ જવા દો.”
વાંચન સામગ્રી. ઘણાં લોકપ્રિય પુસ્તકો જાતીયતા અને હિંસાથી ભરેલાં છે. અમેરિકા અને કૅનેડામાંની હાલની એક ધૂનને “શૉક ફિક્શન” કહેવામાં આવી—એવી ભયંકર બિહામણી વાર્તાઓ જેનું નિશાન છેક આઠ વર્ષના યુવાન બાળકો પણ છે. ન્યૂયૉર્ક ટીચરમાં લખતા ડાયેના વેસ્ટ દાવો કરે છે કે આ પુસ્તકો “બહુ યુવાન મનનો વિકાસ હજુ શરૂ થાય એ પહેલાં જ રુંધી નાખે છે.”
નૅશનલ કોઅલીશન ઓન ટેલિવિઝન વાયોલન્સ (એનસીટીવી)નું નિરીક્ષણ અહેવાલ આપે છે કે, જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ, અને હૉંગ કૉંગમાં પ્રકાશિત ઘણાં હાસ્યાસ્પદ પુસ્તકો “તીવ્ર અને ઘાતકી યુદ્ધો, નરમાંસભક્ષવાદ, શિરચ્છેદ, શેતાનવાદ, બળાત્કાર, અને ભ્રષ્ટતા” દર્શાવે છે. એનસીટીવીના સંશોધન નિર્દેશક, ડૉ. થોમસ રેડેકી કહે છે, “આ સામયિકોમાં અતિશય હિંસા અને પતિત જાતીયતાની સામગ્રી આઘાતજનક છે. એ બતાવે છે કે આપણે પોતાને કેવા લાગણીશૂન્ય બનાવી દીધા છે.”
ચેતવણીની જરૂર
સ્પષ્ટપણે, આજના જગતમાં જાતીયતા અને હિંસાનું આકર્ષણ છે, અને એનું મનોરંજન ઉદ્યોગમાં પ્રતિબિંબ પડે છે. ખ્રિસ્તી પ્રેષિત પાઊલે વર્ણન કરી હતી એવી જ પરિસ્થિતિ છે: “તેઓએ નઠોર થઈને સર્વ પ્રકારના દુરાચાર કરવાને આતુરતાથી પોતાને લંપટપણાને સોંપ્યા.” (એફેસી ૪:૧૯) ઘણા સારા કારણસર આજે ઘણા કંઈક સારાની શોધ કરી રહ્યા છે. શું તમે પણ કરી રહ્યા છો? એમ હોય તો, તમને જાણીને આનંદ થશે કે હવે પછીનો લેખ બતાવશે તેમ, તમે હિતકર મનોરંજન મેળવી શકો છો.