સેર્નોબીલની ગમગીનીમાં નક્કર આશા
યુક્રેનના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી
એપ્રિલ ૨૬, ૧૯૮૬ના રોજ, ઇતિહાસમાં સૌથી ખરાબ અણુ-પાવર-પ્લાન્ટ અકસ્માત સેર્નોબીલ, યુક્રેન ખાતે થયો. એ વર્ષમાં ત્યાર પછી સોવિયેટ પ્રમુખ મિખાઈલ ગોર્બોચોવે નોંધ્યું કે કરુણતા ક્રૂર યાદ હતી કે “માણસજાત હજુ પોતે શોધેલા ગંજાવર પરિબળોનું નિયંત્રણ કરતી નથી.”
સેર્નોબીલ વિનાશના મહત્ત્વ પર ભાર મૂકી, સાયકોલોજી ટુડેની જર્મન આવૃત્તિના ફેબ્રુઆરી ૧૯૮૭ના અંકે જણાવ્યું: “સેર્નોબીલ ખાતે રીએક્ટર વિનાશ . . . આધુનિક સંસ્કૃતિના ઇતિહાસમાં એક વળાંક બિંદુ છે. અને એ એવી દુર્ઘટના છે જે આપણને સદીઓ સુધી બહોળા પ્રમાણમાં અસર કરશે.” ધ ન્યૂ યોર્ક ટાઇમ્સએ કહ્યું કે “દુનિયાની હવા, જમીનના ઉપરના સ્તર અને પાણીમાં એટલા લાંબા સમયનું કિરણોત્સર્ગ [પહોંચ્યું હતું] જેટલું કદી પણ કરવામાં આવ્યાં હોય એવાં અણુ પરિક્ષણો અને બોમ્બ વિસ્ફોટોથી થયું હશે.”
જર્મન વર્તમાન પત્ર હેન્નોવરસ્ચે ઓગેમીને આગાહી કરી કે “સોવિયેટ રીએક્ટર ઓગળી ગયું એના પરિણામે સમસ્ત દુનિયામાં હવે પછીના ૫૦ વર્ષોમાં અંદાજે ૬૦,૦૦૦ લોકો કેન્સરથી મરણ પામશે . . . વધુ ૫,૦૦૦ ગંભીર અનુવંશીય હાનિ ભોગવશે અને ૧,૦૦૦ની સંખ્યા સુધીના જન્મથી આરોગ્યની ખામીઓ ભોગવશે.”
સેર્નોબીલ દુર્ઘટનાએ ભય, ચિંતા, અને અનિશ્ચિતતાનાં વાદળો ઊભાં કર્યાં છે જેણે લાખોનાં જીવન અંધકારગ્રસ્ત કર્યાં છે. તોપણ, કેટલાકે આ ગાઢ ગમગીની વચ્ચે પણ નક્કર આશાનો આનંદ માણ્યો છે. રૂડનિક પરિવારનો વિચાર કરો, જેમાં વિક્ટર અને આન્ના અને તેઓની બે દીકરીઓ, એલીના અને અંજા છે. એપ્રિલ ૧૯૮૬માં રૂડનિક પરિવાર પ્રિપેટમાં રહેતું હતું, જે સેર્નોબીલ રીએક્ટરથી ત્રણ કિલોમીટરથી પણ ઓછા અંતરે છે.
અકસ્માતનો દિવસ
કરુણ શનિવારની સવારે, જોખમાયેલા રીએકટરમાં ફાયરમેનના વિક્રમી કૃત્યને કારણે હજુ પણ વધુ ખરાબ પરિણામો થતાં અટક્યાં. કલાકોની અંદર જ ફાયરમેનો કિરણોત્સર્ગ માંદગીમાં પટકાયા, અને એમાંના અમુક પછીથી મરણ પામ્યા. ગ્રિગોરી મેડવેડેફ, ૧૯૭૦ના દાયકામાં સેર્નોબીલ ખાતે નાયબ મુખ્ય ઈજનેર, પોતાના પુસ્તક બર્ન્ડ સોલ્સમાં લખે છે: “વાદળ રીએક્ટર સ્થળને નગરથી અલગ પાડતા દેવદાર વૃક્ષોનાં નાનાં ઉદ્યાનની પાર ઘસડાયું, એણે નાના જંગલને રાખની કિરણોત્સર્ગી વર્ષાથી ઢાંકી દીધું.” અહેવાલ મુજબ ટનબંધી વરાળરૂપ કિરણોત્સર્ગી સામગ્રી વાતાવરણમાં છૂટી!
નોંધનીયપણે, ૪૦,૦૦૦ કરતાં વધુ વસ્તીવાળા પ્રિપેટમાંનું જીવન એ શનિવારે સામાન્ય જણાતું હતું. બાળકો શેરીઓમાં રમી રહ્યાં હતાં, અને લોકો મે ૧ના રોજ સોવિયેટ દિનની ઉજવણીની તૈયારીમાં પડ્યા હતા. અકસ્માતની કોઈ જાહેરાત ન હતી, અને ભયની કોઈ ચેતવણી ન હતી. આન્ના રૂડનિક પોતાની ત્રણ-વર્ષની દીકરી એલેનાને લઈ બહાર ફરી રહી હતી ત્યારે, તેઓને આન્નાના સાવકા પિતા મળ્યા. તેમણે અકસ્માત વિષે સાંભળ્યું હતું. કિરણોત્સર્ગના જોખમ વિષે ચિંતાતુર, તે તેઓને ઝડપભેર આશરે ૧૬ કિલોમીટર દૂર પોતાના ઘરે હંકારીને લઈ ગયા.
કિરણોત્સર્ગી વાદળ વાતાવરણમાં ઊંચું ચઢ્યું અને યુક્રેન, બેલોરશિયા (હવે બેલારુસ), રશિયા, અને પોલૅન્ડ, તેમ જ જર્મની, ઑસ્ટ્રિયા, અને સ્વિત્ઝરલૅન્ડ સુધી સેંકડો કિલોમીટર તણાઈને ગયું. ત્યાર પછીના સોમવારે, સ્વીડન અને ડેનમાર્કના વૈજ્ઞાનિકોએ કિરણોત્સર્ગનું ઊંચું પ્રમાણ નોંધ્યું ત્યારે, તેઓ ચિંતાતુર બન્યા.
પરિણામો
સોવિયેટ સૈનિકો, ફાયરમેનો, બાંધકામ નિષ્ણાતો, અને અન્યોને સેર્નોબીલ મોકલવામાં આવ્યા. આ વૃંદ—કંઈક ૬,૦૦,૦૦૦નું સંખ્યાબળ—“સંકેલી લેનારા” (“લીક્વીડેટર્સ”) તરીકે જાણીતા થયા. તેઓએ દસ માળ ઊંચા અને બે મીટર જાડા સ્ટીલ અને કોંક્રીટની શબપેટીથી ક્ષતિગ્રસ્ત રીએક્ટરને સીલ કરી દઈ યુરોપ માટે વધારે ખરાબ આફત અટકાવી.
આજુબાજુના વિસ્તારમાંથી સ્થળાંતર ત્યાર પછીના થોડા દિવસે શરૂ થયું. અમારે અમારાં ઘર છોડવાં પડ્યાં, અમારી પાસે જે કંઈ હતું બધું જ—કપડાં, પૈસા, દસ્તાવેજો, ખોરાક—પડતાં મૂકવાં પડ્યાં. “અમે અતિશય ચિંતાતુર હતા, કેમ કે આન્ના અમારા બીજા બાળક માટે સગર્ભા હતી.”
કંઈક ૧,૩૫,૦૦૦ લોકોએ સ્થળાંતર કરવું પડ્યું—રીએક્ટરથી આશરે ૩૦ કિલોમીટર સુધીનાં બધાં રહેઠાણો ત્યજવામાં આવ્યાં. રૂડકિન પરિવાર સગાંઓને ત્યાં રહેવા ગયો. તેમ છતાં, સગાંઓ તરત જ ગભરાઈ ઊઠ્યા કે રૂડકિન પરિવાર તેઓ સુધી કિરણોત્સર્ગી ફેલાવો કરશે. “તેઓ બેચેન બની ઊઠ્યા,” આન્નાએ કહ્યું, “અને છેવટે તેઓએ અમને જતા રહેવા કહ્યું.” સ્થળાંતર કરનારા અન્યોના પણ એવા જ દુઃખદ અનુભવો હતા. છેવટે, સપ્ટેમ્બર ૧૯૮૬માં, રૂડકિન પરિવાર, મોસ્કો, રશિયાથી આશરે ૧૭૦ કિલોમીટર દક્ષિણપશ્ચિમે, કાલુગામાં સ્થાયી થયો.
“છેવટે અમને સમજાયું કે ઘરે પાછા જવાનું ન હતું,” આન્નાએ અવલોક્યું. “અમે અમારા કુટુંબનું વહાલું ઘર ગુમાવ્યું હતું, જ્યાં અમે જન્મ્યા અને મોટા થયા હતા. એ સુંદર વિસ્તાર હતો, ફૂલોની જાજમ અને ઘાસના મેદાનોવાળો, જ્યાં નાની નદીઓમાં કમળ હતાં. જંગલો ફળ અને મશરૂમોથી ભરપૂર હતાં.”
યુક્રેનનું સૌંદર્ય કલંકિત બન્યું એટલું જ નહિ પરંતુ સોવિયેટ યુનિયન માટે અનાજની વખાર તરીકે એની ભૂમિકા પણ અસર પામી. એ પાનખરની દેશની ઘણી ખરી ફસલમાં બગાડ થયો હતો. તેવી જ રીતે, સ્કેન્ડિનેવિયામાં, ૭૦ ટકા રેન્ડિયર માંસ ખાવા માટે અયોગ્ય ઠરાવ્યું હતું કારણ કે પ્રાણીઓએ કિરણોત્સર્ગ પામેલી લીલોતરી ખાધી હતી. અને જર્મનીના અમુક ભાગોમાં, બગાડ થયો હોવાના ભયને કારણે ખેતરોમાં શાકભાજી સડી જવા દેવા પડ્યાં હતાં.
કિરણોત્સર્ગની આરોગ્ય પર અસરો
અકસ્માતના પાંચ વર્ષ પછી બહાર પાડવામાં આવેલા અધિકૃત આંકડા જણાવે છે કે ૫,૭૬,૦૦૦ લોકો કિરણોત્સર્ગના સંપર્કમાં આવ્યા હતા. આવી વ્યક્તિઓમાં કેન્સરયુક્ત કે કેન્સરવિહીન રોગોમાં વધારો જણાવવામાં આવ્યો. ખાસ કરીને યુવાન લોકો અસર પામ્યા હતા. ડિસેમ્બર ૨, ૧૯૯૫ના ધ ન્યૂ સાયન્ટીસ્ટ સામયિકે જણાવ્યું કે યુરોપના એક આગળ પડતા થાયરોઈડ નિષ્ણાત માને છે કે “સેર્નોબીલમાંથી રજકણો પડી ત્યારે એક વર્ષથી નાના બાળકોમાંથી સૌથી વધારે પ્રમાણમાં સંપર્કમાં આવનારાઓના ૪૦ ટકા જેટલાને મોટા થતા થાયરોઈડ કેન્સર થવાની શક્યતા છે.”
આન્ના સગર્ભાવસ્થા દરમિયાન કિરણોત્સર્ગના સંપર્કમાં આવી હોવાથી, તબીબોએ આગ્રહ રાખ્યો કે તે ગર્ભપાત કરાવી લે. વિક્ટર અને આન્નાએ ના પાડી ત્યારે, તેઓએ એવું વચન આપતા જાહેરનામા પર સહી કરવી પડી કે બાળક વિકૃત પેદા થાય તોપણ તેઓ એની સંભાળ લેશે. અંજા વિકૃત ન જન્મી છતાં, તેને ટૂંકી નજર, શ્વસનની સમસ્યા, અને હૃદયના રોગ જરૂર છે. વધુમાં, આફત તૂટી પડી ત્યાર પછી રૂડનિક પરિવારના અન્ય સભ્યોનું આરોગ્ય પણ કથળ્યું છે. વિક્ટર અને એલીના બંનેને હૃદયની સમસ્યાઓ થઈ છે, અને આન્ના એકમાત્ર એવી છે જેની નોંધણી સેર્નોબીલ અપંગોમાં નોંધણી થઈ છે.
સૌથી વધુ કિરણોત્સર્ગ અસરગ્રસ્તોમાં પેલા સંકેલી લેનારાઓ છે જેઓએ ક્ષતિગ્રસ્ત રીએક્ટરને સીલ કર્યું હતું. સફાઈ કરવામાં મદદ કરનારા હજારોનું એના કારણે અકાળે અવસાન થયું હોવાનું કહેવાય છે. બચેલા ઘણાને જ્ઞાનતંતુ પર અને માનસની શારીરિક ફરિયાદો થઈ છે. ઉદાસીનતા વિસ્તૃત થઈ છે, અને આત્મહત્યા અસામાન્ય નથી.
એન્જીલા બચી જનારાઓમાંની એક છે જેને આરોગ્યની તીવ્ર સમસ્યાઓ ચાલુ થઈ. આ આફત સમયે, તે સેર્નોબીલથી ૮૦ કરતાં વધારે કિલોમીટર દૂર, યુક્રેનના પાટનગર કીએવમાં રહેતી હતી. પરંતુ ત્યાર પછી, તેણે રીએક્ટર સ્થળે સંકેલી લેનારાઓને પુરવઠો પૂરો પાડવામાં સમય વીતાવ્યો. સેવેન્ટલાના, બીજી એક બચી જનાર, જે કીએવ પાસે ઈરપીનમાં રહે છે, તેને કેન્સર થયું અને તેણે શસ્ત્રક્રિયા કરાવવી પડી.
ભૂતકાળ પર નજર
એપ્રિલ ૧૯૯૬માં, મોટા અકસ્માત પછી દસ વર્ષે, મિખાઈલ ગોર્બોચોવે કબૂલ કર્યું: “આપણે એ પ્રકારની પરિસ્થિતિ માટે જરાય તૈયારી કરી નથી.” તે જ સમયે, રશિયાના પ્રમુખ યેલ્તસીને વિવેચન કર્યું: “માણસજાતે આ માત્રામાં, આવા ગંભીર પરિણામોવાળી, અને દૂર કરવી આટલી કપરી, કમનસીબી કદી અનુભવી નથી.”
વિશિષ્ટપણે, સાયન્ટીફીક અમેરિકનની જર્મન આવૃત્તિએ સેર્નોબીલ આફતના પરિણામોની સરખામણી, મધ્યમ-કદના અણુ યુદ્ધથી જે પરિણમ્યું હોત, તેની સાથે કરી. દુર્ઘટનાને કારણે મરણ પામેલાઓની સંખ્યા કેટલાકે આશરે ૩૦,૦૦૦ અંદાજી.
ગયા વર્ષના સમાચાર અહેવાલ અનુસાર, અકસ્માતની દસમી સંવત્સરી સુધીમાં તો, પ્લાન્ટ ફરતે હજુ ૨૯ કિલોમીટરનું ક્ષેત્ર એવું છે જે માનવ જીવન માટે અયોગ્ય છે. તેમ છતાં, અહેવાલે નોંધ લીધી કે “કૃતનિશ્ચયી ૬૪૭ રહેવાસીઓએ આ વિસ્તારમાં ઘૂસણખોરી કરી છે, અંદર જવા લાંચ આપી છે, અથવા ખુલ્લી રીતે પાછા ત્યાં ચાલી ગયા છે.” એણે અવલોક્યું: “એ પ્લાન્ટથી ૧૦-કિલોમીટર અંતરે કોઈ જ રહેતું નથી. એની ફરતે બીજો ૨૦-કિલોમીટર-પહોળો પટ્ટો છે જ્યાં હજારથી ઓછા લોકો પાછા ફર્યા છે.”
વિસ્તૃત વ્યાપેલા ભય મધ્યે આત્મવિશ્વાસ
એક વખત સેર્નોબીલ પાસે રહેતા હજારો લોકો માટે, જીવન ઘણું જ અઘરું બન્યું છે અને હજુ પણ છે. સ્થળાંતર પામેલાઓના એક અભ્યાસે પ્રગટ કર્યું કે ૮૦ ટકા પોતાનાં નવાં ઘરોમાં દુઃખી છે. તેઓને ઉદાસપણું, થાક, બેચેની, ચીડ, અને એકલવાયાપણાની લાગણી થાય છે. સેર્નોબીલ ફક્ત અણુ અકસ્માત ન હતો—એ કચડી નાખતી માત્રામાં સામાજિક અને માનસિક કટોકટી હતી. એમાં નવાઈ નથી કે, ઘટતી ઘટનાઓનો ઉલ્લેખ ઘણા સેર્નોબીલ-પૂર્વેની કે સેર્નોબીલ-પછીની ઘટના તરીકે કરે છે.
અન્ય ઘણાની સરખામણીમાં ભિન્ન, રૂડનિક પરિવાર પરિસ્થિતિ નોંધપાત્રપણે સારી રીતે હાથ ધરે છે. તેઓએ યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો અને, પરિણામે, ન્યાયી નવી દુનિયા સંબંધી દેવના શબ્દમાં મળી આવતાં વચનોમાં દૃઢ વિશ્વાસ વિકસાવ્યો. (યશાયાહ ૬૫:૧૭-૨૫; ૨ પીતર ૩:૧૩; પ્રકટીકરણ ૨૧:૩, ૪) પછી, ૧૯૯૫માં, વિક્ટર અને આન્નાએ પાણીનું બાપ્તિસ્મા લઈને દેવને પોતાના સમર્પણની સંજ્ઞા પૂરી પાડી. પછીથી તેમની દીકરી એલીના પણ બાપ્તિસ્મા પામી.
વિક્ટર સમજાવે છે: “બાઇબલનો અભ્યાસ કરવાથી અમે આપણા ઉત્પન્નકર્તા યહોવાહ દેવને, અને પૃથ્વી પર માણસજાત માટે તેમનાં વચનો જાણી શક્યા. અમે હવે જરાય ઉદાસ નથી, કેમ કે અમે જાણીએ છીએ કે દેવનું રાજ્ય આવશે ત્યારે, આવા ભયંકર અકસ્માતો ફરી કદી થશે નહિ. અમે તે સમયની વાટ જોઈએ છીએ જ્યારે સેર્નોબીલ પાસે અમારા વહાલા વતન ફરતેનો ગ્રામીણ પ્રદેશ એની ખાલી સ્થિતિમાંથી સાજો થશે અને અદ્ભુત પારાદેશનો ભાગ બનશે.”
એન્જીલા અને સ્વેત્લાના, જેઓ પણ દેવની ન્યાયીપણાની નવી દુનિયામાં ભરોસો મૂકે છે, પોતાની કિરણોત્સર્ગ-પ્રભાવિત માંદગીઓ છતાં, એવી જ ઝળહળતી દૃષ્ટિ ધરાવે છે. “ઉત્પન્નકર્તા અને તેમના હેતુઓના જ્ઞાન વિના,” એન્જીલાએ નોંધ્યું, “જીવન અઘરું બન્યું હોત. પરંતુ યહોવાહ સાથે ગાઢ સંબંધ રાખવાથી મને હકારાત્મક રહેવામાં મદદ મળે છે. મારી ઇચ્છા બાઇબલના પૂરા-સમયના પ્રચારક તરીકે તેમની સેવામાં ચાલુ રહેવાની છે.” સ્વેત્લાનાએ ઉમેર્યું: “મારા ખ્રિસ્તી ભાઈબહેનો મને ઘણા મદદરૂપ છે.”
આવી વ્યકિતઓને બાઇબલનો અભ્યાસ પ્રગટ કરે છે કે “પ્રસંગ તથા દૈવયોગ” લોકોને અસર કરે છે, તેઓ ગમે ત્યાં રહેતા હોય અને તેઓ ગમે તે હોય. (સભાશિક્ષક ૯:૧૧) પરંતુ બાઇબલ વિદ્યાર્થીઓ એ પણ શીખ્યા છે કે તેઓની મુશ્કેલીઓ ભલેને ગમે તેટલી વિનાશક કેમ ન હોય, એવી કોઈ હાનિ નથી જેને યહોવાહ દેવ સારી ન કરી શકે, એવો કોઈ જખમ નથી જેને તે સાજો ન કરી શકે, અને એવી કોઈ ખોટ નથી જે તે ભરપાઈ ન કરી શકે.
તમે પણ કઈ રીતે દેવનાં વચનોમાં વિશ્વાસ વિકસાવી શકો અને એમ ઉજ્જ્વળ ભાવિનો આનંદ માણી શકો? બાઇબલ પુસ્તક નીતિવચનનો લેખક જવાબ આપે છે: “તારો વિશ્વાસ યહોવાહ પર રહે માટે આજે મેં તને, હા, તને, તે જણાવ્યાં છે.” (નીતિવચન ૨૨:૧૯) હા, તમારે નિયમિત બાઇબલ અભ્યાસ દ્વારા જ્ઞાન લેવાની જરૂર છે. તમારા વિસ્તારમાંના યહોવાહના સાક્ષીઓને તમને મદદ કરવામાં આનંદ થશે. તેઓ વિનામૂલ્ય બાઇબલ અભ્યાસ આપે છે જે તમને અનુકૂળ સમય અને સ્થળે આપવામાં આવશે.
[Caption on page ૧૮]
Tass/Sipa Press
[Caption on page ૨૦]
“માણસજાતે આ માત્રામાં, આવાં ગંભીર પરિણામોવાળી, અને દૂર કરવી આટલી કપરી, કમનસીબી કદી અનુભવી નથી.” રશિયાના પ્રમુખ યેલ્તસીન
[Caption on page ૨૧]
સેર્નોબીલ ફક્ત અણુ અકસ્માત ન હતો—એ કચડી નાખતી માત્રામાં સામાજિક અને માનસિક કટોકટી હતી