સ્નેઈલ ફીવર શું એનો અંત નજરે પડે છે?
નાઈજીરિયામાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી
તબીબી અને વિજ્ઞાન ક્ષેત્રે સ્તબ્ધ કરી નાખનારી પ્રગતિઓ છતાં, માનવજાત પોતાની યુગ-જૂની ઘણી સમસ્યાઓ હલ કરી શકી નથી. સ્નેઈલ ફીવરને વશ કરવાના પ્રયત્નો વિષે આ સાચું ઠર્યું છે.
દેખીતી રીતે જ, રોગની સારવાર માટે બધાં જ સાધનો પ્રાપ્ય છે. સંડોવાયેલા પરોપજીવોના જીવન ચક્રની તબીબોને સમજણ છે. રોગનું સહેલાયથી નિદાન થાય છે. એ મટાડવા અસરકારક ઔષધો પ્રાપ્ય છે. સરકારી આગેવાનો એ અટકાવવા પ્રયત્નો આગળ ધપાવવા આતુર છે. તોપણ, આ રોગનો અંત નજરે પડતો નથી જેની મરકી આફ્રિકા, એશિયા, કૅરેબિયન, મધ્ય પૂર્વ, અને દક્ષિણ અમેરિકાના કરોડો લોકો પર છવાયેલી છે.
સ્નેઈલ ફીવર (જેને બિલ્હાર્ઝિઆસિસ, અથવા સ્ચિસ્ટોસોમિઆસિસ પણ કહેવાય છે) હજારો વર્ષથી માણસને પીડે છે. ઇજિપ્તની મમીઓમાં મળી આવેલાં ચૂનાવાળાં ઈંડાં સાબિતી પૂરી પાડે છે કે ફારૂનના જમાનામાં મિસરીઓને આ રોગ થતો હતો. ત્રીસ સદીઓ પછી, એ જ રોગ ઇજિપ્તમાં વ્યાપવાનું ચાલુ રાખે છે, એ દેશના લાખો રહેવાસીઓનું આરોગ્ય હણી રહ્યો છે. નાઈલના ડેલ્ટા પ્રદેશમાંનાં કેટલાંક ગામડાઓમાં, દર ૧૦ વ્યક્તિઓમાંથી ૯ જણાંને એનો ચેપ લાગ્યો છે.
ઇજિપ્ત, ૭૪ કે એથી વધુ દેશોમાંનો, એક છે જ્યાં સ્નેઈલ ફીવર સ્થાનિક મરકી છે. જગતવ્યાપી, વિશ્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હેલ્થ ઑરગેનાઈઝેશન, ડબલ્યુએચઓ, હૂ) એ જણાવેલી સંખ્યા પ્રમાણે, ૨૦ કરોડ લોકોને આ રોગનો ચેપ છે. એમાંથી ૨ કરોડ કાયમી પીડા ભોગવનારા છે, આશરે ૨,૦૦,૦૦૦ દર વર્ષે મરે છે. પરોપજીવી કીટાણુવાળા ઉષ્ણકટિબંધીય રોગોમાં, અસરગ્રસ્ત લોકો અને એનાથી પહોંચતી સામાજિક તથા આર્થિક હાનિની દૃષ્ટિએ, મેલેરિયા પછી સ્નેઈલ ફીવર આવે છે.
પરોપજીવીનું જીવન ચક્ર
સ્નેઈલ ફીવર સમજવો, અને એમ એને કઈ રીતે અટકાવવો તથા સાજો કરવો એ જાણવું, અર્થાત એનાં કારણભૂત પરોપજીવીને ઓળખવાં. ચાવીરૂપ મુદ્દો આ છેઃ આ પરોપજીવીને બચવા અને પેઢી દર પેઢી આબાદ થવા બે યજમાનોની જરૂર હોય છે, બે જીવંત પ્રાણીઓ જેમાંથી એ પોતાનો ખોરાક મેળવી શકે અને વૃદ્ધિ કરી શકે. એક છે સ્તન્ય પ્રાણી, જેમ કે માનવી; બીજું છે તાજા પાણીની સ્નેઈલ (ગોકળગાય, ગેસ્ટ્રોપોડા).
બાબત આમ બને છે. તળાવ, સરોવર, ઝરણું, કે નદીના પાણીમાં આ પરોપજીવીવાળી વ્યક્તિનો પેશાબ કે મળ ભળે છે ત્યારે, પરોપજીવીનાં ઈંડાં—શક્યપણે, એક દિવસમાં લાખો ઈંડાં—એમાં જાય છે. સૂક્ષ્મદર્શક યંત્રની મદદ વિના આ ઈંડાં દેખાતાં નથી એટલાં એ ઝીણાં હોય છે. ઈંડાં પાણીના સંપર્કમાં આવતાં સેવાય છે અને પરોપજીવીઓ મુક્ત કરે છે. આ પરોપજીવીઓ પોતાનાં શરીર પરના ઝીણા વાળની મદદથી તરે છે અને તાજા પાણીની ગોકળગાય (સ્નેઈલ) સુધી જાય છે, એમાં સોંસરાં ઉતરી જાય છે. સ્નેઈલની અંદર, તેઓ ત્યાર પછીનાં ચાર કે સાત સપ્તાહમાં અનેકગણાં થાય છે.
તેઓ સ્નેઈલમાંથી બહાર નીકળે છે ત્યારે, કોઈ માનવી કે સ્તન્ય પ્રાણીને શોધવા અને તેમાં પ્રવેશવા માટે એની પાસે ફક્ત ૪૮ કલાક હોય છે. નહિતર, તેઓ મરી જશે. પાણીમાં આવેલા આવા યજમાન સુધી પહોંચ્યા પછી, આ પરોપજીવી ચામડીમાં છિદ્ર પાડે છે અને રક્તપ્રવાહમાં પ્રવેશે છે. એનાથી વ્યક્તિને થોડી ખંજવાળ આવી શકે, છતાં ઘણી વાર હુમલો થયો છે એની ખબર સુદ્ધાં પડતી નથી. રક્તપ્રવાહમાં પરોપજીવી, એનાં પ્રકાર પ્રમાણે, આગળ વધી મૂત્રાશયની કે આંતરડાંની રક્તવાહિનીઓમાં પહોંચે છે. સપ્તાહોમાં પરોપજીવી પુખ્તવયના નર કે માદા કીડા બને છે જેની લંબાઈ ૨૫ મિલીમીટર સુધીની હોય છે. સંવનન પછી, માદા યજમાનના રક્તપ્રવાહમાં ઈંડા વહેતા મૂકવાનું શરૂ કરે છે, એમ ચક્ર પૂરું કરે છે.
લગભગ અર્ધાં ઈંડા (આંતરડાંના સ્નેઈલ ફીવરમાં) યજમાનના મળમાં અથવા (પેશાબને લગતા સ્નેઈલ ફીવરમાં) પેશાબમાં શરીરમાંથી બહાર પડે છે. બાકીનાં ઈંડાં શરીરમાં રહે છે અને મહત્ત્વના અવયવોને હાનિ પહોંચાડે છે. રોગ વધે છે તેમ, શિકાર બનેલી વ્યક્તિને તાવ આવી શકે, પેઢામાં સોજો ચઢી શકે, અને અંતઃસ્ત્રાવ થઈ શકે. છેવટે રોગમાંથી મૂત્રાશયનું કૅન્સર અથવા યકૃત કે મૂત્રપિંડ નિષ્ક્રિય થઈ શકે. શિકાર બનેલા કેટલાકને વંધ્યત્વ આવે છે અથવા પક્ષઘાત થાય છે. અન્યો મરણ પામે છે.
ઉકેલ અને સમસ્યા
રોગનો ફેલાવો અટકાવવા, ઓછામાં ઓછી ચાર બાબતો થઈ શકે. આમાંનું એક પગલું પણ વિશ્વવ્યાપી લાગુ પાડવામાં આવે તો, રોગ નાબૂદ થશે.
પ્રથમ પગલું પાણીના ઉદ્ભવોમાંથી સ્નેઈલ નાબૂદ કરવી છે. પરોપજીવીના વિકાસ માટે સ્નેઈલ મહત્ત્વનું કામ કરે છે. સ્નેઈલ નહિ તો, સ્નેઈલ ફીવર નહિ.
મુખ્ય પ્રયત્ન એવું ઝેર પેદા કરવાનો છે જે એટલું તીવ્ર હોય કે સ્નેઈલને મારી નાખે પરંતુ પર્યાવરણ પ્રદૂષિત કરશે નહિ. ૧૯૬૦ના અને ૧૯૭૦ના દાયકાઓમાં, સ્નેઈલ નાબૂદ કરવાના પ્રયત્નો પાણીના બહોળા પટમાં બધા જીવો મારી નાખવામાં સફળ થયા. ઇજિપ્તની થીઓડોર બિલ્હાર્ઝ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં એવું મોલ્યુસીસાઈડ (એવો ઘટક જે સ્નેઈલને મારી નાખે) શોધી કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જે અન્ય જીવોને હાનિકર્તા નથી. સંસ્થાના પ્રમુખ, ડૉ. અલી ઝીન અલ અબદીન આવા ઘટક વિષે નોંધ લે છે: “એ પાણીમાં નાખવાનો હોવાથી, જે પાણી ખેતી માટે વપરાય છે, એ લોકો અને પશુઓ પીએ છે, અને જેમાં માછલાં જીવે છે, અમારે અતિશય ખાતરી રાખવી પડે છે કે એમાંનું કંઈ અસર ન પામે.”
બીજું પગલું પરોપજીવીને માનવીમાં મારી નાખવાં. ૧૯૭૦ના દાયકાના મધ્ય સુધીમાં, સારવારમાં ઔષધોનો ઉપયોગ થતો હતો જેનાથી ઘણી આડ-અસરો અને જટિલતાઓ ઊભી થતી હતી. ઘણી વાર, સારવારમાં નસમાં રોજ શૃંખલાબંધ પીડાકારક રસી આપવી જરૂરી બનતું હતું. કેટલાકે ફરિયાદ કરી કે રોગ કરતાં તો સારવાર વધારે પીડાકારક હતી. ત્યારથી માંડીને, નવી ઔષધો શોધવામાં આવી છે જે સ્નેઈલ ફીવર વિરુદ્ધ અસરકારક છે, જેમ કે પ્રઝિક્વાંટેલ, અને એ મુખ દ્વારા લઈ શકાય છે.
આ ઔષધો આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં ક્ષેત્ર યોજનાઓમાં સફળ થઈ હોવા છતાં, ઘણા દેશો માટે મોટી સમસ્યા કીમતની છે. હૂએ ૧૯૯૧માં દુઃખ વ્યક્ત કર્યું: “અસરગ્રસ્ત દેશો મોટા પાયે [સ્નેઈલ ફીવર] નિયંત્રણ કાર્યક્રમોનો અમલ કરી શકતા નથી કારણ કે સારવાર ઘણી જ મોંઘી છે; ઔષધની પ્રમાણભૂત ચલણમાં કીમત જ સામાન્યપણે મોટા ભાગના આફ્રિકી આરોગ્ય મંત્રાલયોના માથાદીઠ બજેટ કરતાં વધી જાય છે.”
દર્દીને વિનામૂલ્યે ઔષધો પ્રાપ્ય બનાવવામાં આવે તોપણ, ઘણા લોકો સારવાર માટે જતા નથી. શા માટે? એક કારણ એ છે કે આ રોગથી મરણપ્રમાણ સરખામણીમાં ઓછું છે, તેથી કેટલાક એને ગંભીર સમસ્યા ગણતા નથી. બીજું કારણ એ છે કે લોકો હંમેશા રોગનાં લક્ષણો પારખતા નથી. આફ્રિકાના કેટલાક ભાગોમાં, પેશાબમાં લોહી જવું (જે રોગનું પ્રાથમિક લક્ષણ છે) એટલું સામાન્ય છે કે એને પુખ્તવયના થવાનો સામાન્ય ભાગ ગણી લેવામાં આવે છે.
ત્રીજું પગલું ઈંડાં પાણી વ્યવસ્થાથી દૂર રાખવાં. સ્થાનિક વહેળાઓ અને તળાવોનું પ્રદૂષણ થતું અટકાવવા જાજરાં બાંધવામાં આવે અને દરેક જણ એનો ઉપયોગ કરે તો, સ્નેઈલ ફીવર થવાનો ભય ઘટાડી શકાય.
ગોળાવ્યાપી અભ્યાસો બતાવે છે કે નળના પાણી અને જાજરાંની વ્યવસ્થા કરવામાં આવ્યા પછી રોગમાં સારો એવો ઘટાડો થયો છે, પરંતુ આ જોગવાઈઓ રોગના અટકાવની બાંયધરી આપતી નથી. “ફક્ત એક જ વ્યક્તિ નહેરમાં મળ કરે તો, ચક્ર કાયમ રહે છે,” એવું અવલોકન વૈજ્ઞાનિક એલન ફેન્વીક કરે છે, જેમણે સ્નેઈલ ફીવર પર ૨૦ વર્ષથી સંશોધન કર્યું છે. ગટરની તૂટેલી પાઈપનું પણ જોખમ રહેલું છે જેમાંથી ચેપવાળો મળ પાણીના ઉદ્ભવમાં ભળી શકે.
ચોથું પગલું પરોપજીવીના પ્રદૂષિત પાણીથી લોકોને દૂર રાખવા. એ પણ દેખાય છે એટલું સહેલું નથી. ઘણા દેશોમાં, પીવાનું પાણી પૂરાં પાડતાં સરોવરો, વહેળાઓ, અને નદીઓનો નહાવા, સિંચાઈ કરવા, અને કપડાં ધોવા પણ ઉપયોગ થાય છે. માછીમારો રોજ પાણીના સંપર્કમાં આવે છે. અને ઉષ્ણકટિબંધની તીવ્ર ગરમીમાં, પાણીનો જથ્થો બાળકો માટે નહાવાનો લલચાવનારો કુંડ બને છે.
ભાવિ માટે કઈ આશા?
એમાં શંકા નથી કે નિષ્ઠાવાન લોકો અને સંગઠનો આ રોગ સામે લડવા ખંતપૂર્વક કાર્ય કરી રહ્યાં છે અને બીજું કે પ્રચંડ પ્રગતિ કરવામાં આવી છે. સંશોધકો તો એની પ્રતિકાર રસી શોધવા મહેનત કરી રહ્યા છે.
તથાપિ, રોગને જડમૂળથી નાબૂદ કરવાની આશા નહિવત જ છે. ડૉ. એમ. લેરિવીઅર ફ્રેન્ચ મેડિકલ જરનલ લા રીવુઈ ડુ પ્રેટિસિઅરમાં જણાવે છે: “સફળતાઓ છતાં . . . રોગ દૂર થવાનું નામ લેતો નથી.” રોગ અટકાવવો અને એમાંથી સાજા થવું વ્યક્તિગત રીતે વાસ્તવિકતા બની શકે તેમ છતાં, સ્નેઈલ ફીવરનો વિશ્વવ્યાપી ઉકેલ દેવની નવી દુનિયા ન આવે ત્યાં સુધી ન પણ આવી શકે. બાઇબલ વચન આપે છે કે “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.”—યશાયાહ ૩૩:૨૪.
[Caption on page ૧૫]
માનવીઓ પ્રદૂષિત પાણીમાં પ્રવેશે છે ત્યારે, તેઓને પરોપજીવીનો ચેપ લાગે છે જે સ્નેઈલ ફીવર લાવે છે