યુવાન લોકો પૂછે છે . . .
શા માટે હું મિત્રો જાળવી શકતો નથી?
“હું અને મારી સખી ઘણી રૂચિઓ અને પ્રવૃત્તિઓના સહભાગી થતા; અમે ભેગા મળી સમય પસાર કરવાનો આનંદ માણતા. પરંતુ અચાનક જ અમારી મૈત્રી ઠંડી બની ગઈ. એણે મને ખરેખર ઉદાસ બનાવી.”—મારિયા.
તમને છેવટે એવો એક મિત્ર મળ્યો, જે તમને સમજે અને તમારો ન્યાય ન કરે. પછી, અચાનક જ, તમારી મૈત્રી ભાંગવા લાગે છે. તમે એને બચાવવા પ્રયત્ન કરો છો, પરંતુ કોઈ સફળતા મળતી નથી.
એક વફાદાર મિત્ર અમૂલ્ય છે. (નીતિવચન ૧૮:૨૪) અને મિત્ર ગુમાવવો એ દુ:ખદ અનુભવ હોય શકે. બાઇબલ આપણને કહે છે કે અયૂબને તેના મિત્રોએ ત્યજી દીધો ત્યારે, તેણે વિલાપ કર્યો: “મારાં સગાંસંબંધીઓએ મને તજી દીધો છે, અને મારા દિલોજાન મિત્રો મને ભૂલી ગયા છે.” (અયૂબ ૧૯:૧૪) તમે તાજેતરમાં જ મૈત્રી ગુમાવી હોય તો, તમે પણ એવો જ સંતાપ અનુભવી શકો. યુવાન પેટ્રિક કહે છે તેમ, “એવું લાગે છે કે જાણે તમે જેને ચાહો છો તે મરણ પામ્યું છે.” પરંતુ તમે કરેલી લગભગ દરેક મૈત્રી નિષ્ફળ ગઈ હોય તો શું?
નાજુક મૈત્રી
ઈસ્ટવૂડ એટવોટર કૃત એડોલેસન્સ પુસ્તક અવલોકે છે કે તરુણ વયના મિત્રોની “મૈત્રી તૂટે છે ત્યારે અચાનક, નાટકીય ફેરફારો અને કડવી લાગણીઓસહિત, મૈત્રીમાં અસ્થિરતા આવે છે.” તરુણોની મૈત્રી એટલી નાજુક શાથી હોય છે? એક કારણ એ છે કે તમે મોટા થતા જાવ છો તેમ, તમારી લાગણીઓ, દૃષ્ટિબિંદુઓ, ધ્યેય, અને રૂચિઓ બદલાવાની શરૂ થાય છે. (સરખાવો ૧ કોરીંથી ૧૩:૧૧.) તમે પોતાને કેટલીક બાબતોમાં તમારા સમોવડિયા કરતાં આગળ નીકળી જતા—કે પાછળ રહી જતા—જોઈ શકો.
તેથી મિત્રો મોટા થાય છે ત્યારે, તેઓની મૈત્રી કેટલીક વાર ઓછી થઈ જાય છે—તેઓ એકબીજા પ્રત્યે ખીજાય છે એ કારણે નહિ પરંતુ, તેઓ ભિન્ન ધ્યેયો, રૂચિઓ, અને મૂલ્યો વિકસાવતા હોવાને કારણે. મૈત્રી અટકી જાય એ સૌથી સરસ પણ હોય શકે. તમે મોટા થતા જાવ અને આત્મિક બાબતોને વધુ ગંભીરતાપૂર્વક લેવાનું શરૂ કરો તેમ, તમે સમજી શકો કે અગાઉના તમારા કેટલાક મિત્રો હિતકર અસર ન હતા. (૧ કોરીંથી ૧૫:૩૩) તમે તેઓની કાળજી લો છો, પરંતુ તમે તેઓના સંગાથનો આનંદ પહેલાં જેટલો માણતા નથી.
મૈત્રીને ઝેર ચઢાવતી બાબતો
તો પછી, તમે સતતપણે મિત્રો ગુમાવો—સંબંધો જે તમને જાળવવા ગમશે—તો શું? નિખાલસપણે, એનો અર્થ એ પણ થઈ શકે કે તમારે તમારા વ્યક્તિત્વમાં કેટલોક સુધારો કરવાનો છે. દાખલા તરીકે, ઈર્ષા મૈત્રીને ઝેર ચઢાવે છે. કલ્પના કરો કે તમારી પાસે એક મિત્ર છે જે વધુ ધનાઢ્ય, વધુ સમજદાર, વધુ દેખાવડો, કે તમારા કરતાં વધુ લોકપ્રિય છે. તે જે વધારાનું ધ્યાન મેળવી શકે એનાથી શું તમને ખીજ ચઢે છે? “ઈર્ષા હાડકાંનો સડો છે.” (નીતિવચન ૧૪:૩૦) “હું મારા મિત્રની લોકપ્રિયતા અને તેની પાસે જે બાબતો છે જે મારી પાસે નથી એની ખરેખર અદેખાઈ કરું છું,” યુવાન કીનન સ્વીકારે છે, “અને એણે અમારા સંબંધને અસર કરી.”
માલિકીપણું બીજું એક વિનાશક લક્ષણ હોય શકે. તમને જાણવા મળે કે તમારો એક મિત્ર તેના બીજા મિત્રો સાથે વધારેને વધારે સમય અને તમારી સાથે ઓછોને ઓછો સમય ગાળે છે તો શું? એક યુવાને કબૂલ્યું: “બીજાઓ મારા કોઈ મિત્ર સાથે વાત કરતા તો, મને ઈર્ષા થતી.” તમને લાગી શકે કે તમારા મિત્રની બીજાઓ સાથેની સોબત વિશ્વાસઘાતનું કૃત્ય છે.
સંપૂર્ણતાવાદ પણ મૈત્રીને નિષ્ફળ કરી શકે. દાખલા તરીકે, તમને જાણવા મળે કે, તમારો મિત્ર તમારી પીઠ પાછળ તમારા વિષે કૂથલી કરે છે, કદાચ ગુપ્ત બાબતો પણ પ્રગટ કરે છે. (નીતિવચન ૨૦:૧૯) “હું ફરી કદી તેનો વિશ્વાસ કરીશ નહિ!” તમે ગુસ્સાસહિત બોલશો.
મૈત્રી—લેવું કે આપવું?
ઈર્ષા, માલિકીપણું, કે સંપૂર્ણતાવાદ તમારી મૈત્રી પર તણાવ લાવ્યાં હોય તો, પોતાને પૂછો કે, ‘મારે મૈત્રીમાંથી શું જોઈએ છે?’ શું તમે એમ માનો છો કે મૈત્રી, તમારી દરેક આજ્ઞા પાળનાર કોઈક, અર્થાત્ એવા પ્રકારનો નોકર જે તમે કહો તે કરે, એનો સમાવેશ કરે છે? શું તમે મોભો, લોકપ્રિયતા, કે કંઈક મેળવવા માટે મિત્રો શોધો છો? શું તમે તમારા મિત્ર પાસેથી અનન્ય અર્પિતપણાની અપેક્ષા રાખો છો જ્યાં એ સંબંધમાં બીજાઓ માટે ઓછો અવકાશ હોય? તો પછી, તમારે મૈત્રીની તમારી દૃષ્ટિમાં ફેરગોઠવણ કરવાની જરૂર છે.
બાઇબલ શિક્ષણમાંથી આપણે શીખીએ છીએ કે બીજા સાથેના સારા સંબંધો લેવામાંથી નહિ પણ આપવામાંથી પરિણમે છે! માત્થી ૭:૧૨માં, ખુદ ઈસુ ખ્રિસ્તે કહ્યું: “જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.” મિત્રો પાસેથી અમુક બાબતોની અપેક્ષા રાખવી એ માત્ર સ્વાભાવિક છે. અન્ડરસ્ટેન્ડીંગ રીલેશનશિપ્સ પુસ્તક કબૂલે છે: “આપણે મિત્ર પાસે નિયમિતપણે એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ કે તે એવી વ્યક્તિ હોય જે પ્રમાણિક અને નિખાલસ હોય, હેત બતાવતી હોય, તેની ગુપ્ત બાબત કે કોયડા આપણને કહેતી હોય, આપણને જરૂર હોય ત્યારે મદદ આપતી હોય, આપણો ભરોસો કરતી હોય અને . . . અસહમતી દરમ્યાન ઉકેલ લાવવા પણ તૈયાર હોય.” જોકે, એટલેથી જ બાબતનો અંત આવતો નથી. પુસ્તક ઉમેરે છે: “આ એવી બાબતો છે જે લોકો મિત્ર પોતા માટે કરે એવી અપેક્ષા રાખતા હોય છે અને બદલામાં મિત્ર માટે એ જ બાબતો કરવાની અપેક્ષા રાખતા હોય છે.”—અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.
ખુદ ઈસુએ પોતાની સમીપના લોકો સાથે જે રીતે વ્યવહાર રાખ્યો એની નોંધ લો. તેમણે પોતાના શિષ્યોને કહ્યું: “હવેથી હું તમને દાસ કહેતો નથી; કેમકે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી; પણ મેં તમને મિત્ર કહ્યા છે.” પરંતુ શું ઈસુની તેમના શિષ્યો સાથેની મૈત્રી તેઓ ઈસુ માટે શું કરી શકે એના પર આધારિત હતી? એથી તદ્દન વિરુદ્ધ. તેમણે કહ્યું: “પોતાના મિત્રોને સારૂ જીવ આપવો, તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી.” (યોહાન ૧૫:૧૩, ૧૫) હા, મૈત્રી માટેનો ખરો આધાર આત્મત્યાગી પ્રેમ છે! પ્રેમ પાયો હોય છે ત્યારે, સંબંધ હેરાનગતિ અને કોયડાથી બચી શકે છે.
કોયડા ઊભા થાય છે ત્યારે
દાખલા તરીકે, કલ્પના કરો કે, તમારા મિત્ર પાસે તમારા કરતાં વધુ પૈસા, બુદ્ધિ, કે સૂઝ છે. નિઃસ્વાર્થ પ્રેમ તમને તમારા મિત્ર સાથે આનંદ કરવા મદદ કરશે. આખરે, “પ્રીતિ અદેખાઈ કરતી નથી,” બાઇબલ કહે છે.—૧ કોરીંથી ૧૩:૪.
અથવા ધારો કે તમારો મિત્ર એવું કંઈ કહે કે કરે જેનાથી તમારી લાગણીઓ દુભાય. શું એનો અર્થ એ થયો કે તમારી મૈત્રી તૂટી ગઈ? જરૂરી નથી. પ્રેષિત પાઊલને તેના મિત્ર માર્કે મિશનરી પ્રવાસમાં પડતો મૂક્યો ત્યારે તે ઘણો જ નિરાશ થયો હતો. તે એટલો બધો નિરાશ થયો હતો કે તેણે માર્કને પોતાના ત્યાર પછીના પ્રવાસમાં સાથે આવવા દેવાનો નકાર કર્યો! પાઊલે માર્કના પિત્રાઈ ભાઈ, બાર્નાબાસને એ બાબતે કેટલાક કડક શબ્દો પણ કહ્યા. તેમ છતાં, વર્ષો પછી, પાઊલ માર્ક વિષે હેતાળ રીતે બોલ્યો, અરે પોતાની સાથે સેવા કરવા તેને આમંત્રણ પણ આપ્યું. દેખીતી રીતે જ તેઓએ પોતાની મધ્યેના મતભેદોને ઉકેલ્યા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૭-૩૯; ૨ તીમોથી ૪:૧૧.
તમારી મૈત્રીમાં કોયડા ઊભા થાય ત્યારે, શા માટે એમ જ કરવા પ્રયત્ન કરતા નથી? બાબતોને વણસવા ન દો. (એફેસી ૪:૨૬) નિષ્કર્ષ પર આવવા કે ગુસ્સાપૂર્વક આરોપ મૂકવા પહેલાં, એ બાબત વિષે તમારા મિત્રનું શું કહેવું છે એ સાંભળો. (નીતિવચન ૧૮:૧૩; ૨૫:૮, ૯) કદાચ કોઈ ગેરસમજણ પણ થઈ હોય. પરંતુ તમારો મિત્ર નબળી નિર્ણાયકતા માટે ખરેખર અપરાધી હોય તો શું? યાદ રાખો કે તમારો મિત્ર માત્ર માનવી છે. (ગીતશાસ્ત્ર ૫૧:૫; ૧ યોહાન ૧:૧૦) અને આપણે બધાં આપણે પાછળથી પસ્તાઈએ એ બાબતો કહેવા કે કરવા માટે અપરાધી છીએ.—સરખાવો સભાશિક્ષક ૭:૨૧, ૨૨.
તથાપિ, તમે તમારા મિત્રના કૃત્યએ તમને કેટલા દુ:ખી કર્યા છે એ નિખાલસપણે વ્યક્ત કરી શકો. એ કદાચ તમારા મિત્રને નિખાલસપણે માફી માંગવા પ્રેરી શકે. પ્રેમ “હાનિનો હિસાબ રાખતો નથી,” તેથી કદાચ તમે એ કિસ્સો ભૂલી જઈ શકો. (૧ કોરીંથી ૧૩:૫, NW) ગુમાવેલી મૈત્રી તરફ જોતાં યુવાન કીનન વર્ણવે છે: “મારે એ બધું ફરી કરવાનું હોય તો, હું અમારી મૈત્રીમાં સંપૂર્ણતાની અપેક્ષા રાખીશ નહિ. હું તેનું વધુ સાંભળીશ અને તેને ટેકો આપીશ તથા તેની ભૂલોને મોટી બનાવી દઈશ નહિ. હવે મને સમજાય છે કે કસોટીઓ તથા પડકારોનો સામનો કરવાથી મૈત્રી સફળ થાય છે.”
પરંતુ તમારો મિત્ર તમારી સાથે પહેલાં જેટલો કે તમને ગમે એટલો સમય પસાર ન કરે તો શું? શું એમ હોય શકે કે તમે તમારા મિત્રનાં સમય અને ધ્યાનના વધુ પડતા માલિક બની બેઠા છો? એ સંબંધોને ગૂંગળાવી નાખી શકે. સારા સંબંધોવાળા લોકો એકબીજાને અવકાશ આપે છે. (સરખાવો નીતિવચન ૨૫:૧૭.) તેઓ બીજા લોકોના આનંદ માટે પુષ્કળ અવકાશ આપે છે! છેવટે તો, બાઇબલ ખ્રિસ્તીઓને તેઓની મૈત્રીમાં “વિસ્તૃત બનવાનું” થવાનું ઉત્તેજન આપે છે. (૨ કોરીંથી ૬:૧૩, NW) તેથી એક મિત્ર એમ કરે ત્યારે, તેને બેવફા તરીકે જોવાની જરૂર નથી.
વાસ્તવમાં, કોઈ એક વ્યક્તિ પર વધુ પડતા આધારિત બનવું સારું નથી. (ગીતશાસ્ત્ર ૧૪૬:૩) તમારા સમોવડિયાના જૂથની બહારની વ્યક્તિઓ સાથે મૈત્રી કેળવવી એ ડહાપણભર્યું છે, જેમ કે તમારા માબાપ, વડીલો, અને કાળજી લેતી, જવાબદાર હોય એવી પરિપક્વ વ્યક્તિઓ. એન હેતપૂર્વક વર્ણવે છે: “મારી મમ્મી મારી સૌથી સારી સખી છે. હું તેની સાથે કોઈ પણ બાબતોની વાત કરી શકું છું.”
કાયમી મૈત્રીનો આનંદ માણી શકાય છે!
બાઇબલ ૧ પીતર ૩:૮માં કહે છે: “છેવટે, તમે સર્વ એક મનનાં, બીજાના સુખદુઃખમાં ભાગ લેનારાં, ભાઈઓ પર પ્રીતિ રાખનારાં, કરુણાળુ તથા નમ્ર થાઓ.” હા, માયાળુપણું, કરુણા, નૈતિક પ્રમાણિકતા, અને બીજાઓ માટે નિખાલસ ચિંતા બતાવો, અને તમે હંમેશા મિત્રોને આકર્ષશો! માનીએ કે, કાયમી મૈત્રી પ્રયત્ન અને કૃતનિશ્ચયતા માંગી લે છે. પરંતુ એના બદલાઓ પ્રયત્નને પાત્ર છે.
રસપ્રદપણે, બાઇબલ દાઊદ અને યોનાથાન વિષે કહે છે. તેઓએ નોંધપાત્ર મૈત્રીનો આનંદ માણ્યો હતો. (૧ શમૂએલ ૧૮:૧) તેઓએ મામૂલી અદેખાઈ અને વ્યક્તિત્વની ખામીઓને આંબી હતી. એ શક્ય હતું કેમ કે દાઊદ અને યોનાથાન, બન્નેએ મૈત્રી સર્વ બાબતોથી ઉપરવટ જઈને યહોવાહ દેવ પ્રત્યેની વફાદારી પર ટેકવી હતી. તમે પણ એમ કરો, અને તમને પણ દેવનું ભય રાખનારા મિત્રો જાળવવામાં ભાગ્યે જ કોઈ તકલીફ પડશે! (g96 5/22)
કોઈ વિચારે કે બીજા મિત્રો હોવા એ બેવફાઈ છે ત્યારે, મૈત્રી અવારનવાર તૂટી જાય છે