વિશ્વને નિહાળતા
ઠંડા પાણીમાં ડુબવાથી બચવું
_
બરફવાળા પાણીમાં પડી જતા લોકો શા માટે જલદી જ મરણ પામે છે એની શોધ કરી રહેલા વૈજ્ઞાનિકોને માલૂમ પડ્યું છે કે ઠંડા આઘાતને કારણે શરીરનો કુદરતી પ્રત્યાઘાત અતિઉચ્ચ માત્રામાં શ્વસન કરવાનો (hyperventilate) છે. “એકાએક શ્વાસ લેવાની સાથે પાણી ગળી જવાય છે—અને વ્યક્તિ ડૂબી જાય છે,” ન્યૂ સાયંટિસ્ટ સામયિક કહે છે. અતિઉચ્ચ માત્રામાં શ્વસન અટકાવી શકાતું નથી. તેથી બચાવનો આધાર, સામાન્યપણે બે કે ત્રણ મિનિટમાં હવા ઉતાવળે ગળી જવાનો પ્રત્યાઘાત સમી જાય ત્યાં સુધી, માથું પાણીની ઉપર રાખવા પર રહેલો છે.
સત્ય જણાવવાની ફરજ નથી
_
તાજેતરના યુ.એસ. કોર્ટ મુકદ્દમાઓએ જગતવ્યાપી લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને દર્શકોને અચંબામાં મૂકી દીધા છે. “મુકદ્દમો ચલાવનારાઓ (પ્રોસેક્યુટર્સ)ની ફરજ છે કે તેઓ સત્ય રજૂ કરે તે જ સમયે, બચાવ પક્ષના વકીલો જુદા જ લક્ષ્યાંકો અનુસરે છે,” ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ કહે છે. “બચાવ પક્ષના વકીલનું કામ એ છે કે તે અસીલનો નિર્દોષ છુટકારો અપાવે, જૂરી ચોક્કસ ફેંસલો આપવામાં નિષ્ફળ જાય એમ કરાવે (જે માટે તે જૂરીના એકાદ સભ્યમાં પણ વાજબી શંકા ઊભી કરે) અથવા સૌથી ઓછા ગંભીર આરોપ હેઠળ સજા કરાવે.” “તેઓને ખાતરી કરાવવાની કોઈ ફરજ હોતી નથી કે નિરાપરાધી હોવાનો ફેંસલો ખરો છે,” એમ ન્યૂ યોર્ક યુનિવર્સિટીની કાયદાની શાળામાં કાયદાના નીતિશાસ્ત્રના શિક્ષક સ્ટીવન ગિલર્સ કહે છે. “અમે જૂરીને જણાવીએ છીએ કે મુકદ્દમો સત્ય માટેની શોધ છે, અને અમે તેઓને એવું કદી જણાવતા નથી કે બચાવ પક્ષના વકીલોની ફરજ તેઓને મૂર્ખા બનાવવાની છે.” “અસીલને સુસ્પષ્ટ રીતે સંડોવતી હકીકતોનો સામનો કરવો પડે ત્યારે, વકીલોએ ઘણી વાર એવી વાર્તાઓ બનાવવી જોઈએ કે જૂરી હકીકતોને બદલે એનો વિચાર કરે જેથી પેલી હકીકતોની અવગણના થાય અને નિર્દોષ છુટકારાનો મત આપે,” એમ ટાઇમ્સ જણાવે છે. વકીલોને ખબર હોય છે કે પોતાનો અસીલ ગુનેગાર છે પરંતુ અસીલ હજુ પણ આગ્રહ રાખે છે કે મુકદ્દમો જૂરી સમક્ષ લઈ જવામાં આવે, તો શું? “તો પછી વકીલો કોર્ટમાં યુરાયાહ હીપની જેમ જશે, જૂઠી દીનતાથી ભરપૂર, અને પોતાના અસીલની વાર્તાની પ્રમાણિકતામાં પોતાની ગહન માન્યતાનો દાવો કરશે તે જ સમયે જાણે છે કે એ ૧૦૦ ટકા જૂઠું છે,” ગિલર્સ કહે છે.
મગરના સમાચાર
_
તાજેતરમાં ખોદી કાઢવામાં આવેલા પ્રાચીન મગરના જડબાના અસ્મિ અવશેષો મગર પરિવારનું “પ્રથમ જાણમાં હોય એવું વનસ્પતિ આહારી સભ્ય રજૂ કરી શકે,” એમ નેચર સામયિક જણાવે છે. આધુનિક મગરના લાંબા અણિયાળા દાંતને બદલે, જેની આજે માનવીઓને આટલી બધી બીક લાગે છે, આ પ્રાચીન પૂર્વજના દાંત ચપટા, ઘાસ ચાવવા માટે વધારે બંધબેસતા હતા. સંકેતો દર્શાવે છે કે આ પ્રાણી—જે ચીની અને કેનેડિયન સંશોધકોએ ચીનમાં હુબા પ્રાંતમાં યાંગત્સે નદીના દક્ષિણ કાંઠા પાસેની ટેકરી પરથી શોધી કાઢ્યું—જળચર (amphibian) નહિ પણ ભૂમિ પર રહેનારું છે. એનું કદ? એની લંબાઈ આશરે એક મીટર હતી.
વધતો જતો તણાવ
_
રીઓ ડી જાનેરો, બ્રાઝિલમાં કરવામાં આવેલા તાજેતરના એક અભ્યાસમાં માલૂમ પડ્યું કે તબીબી સારવાર શોધતા લોકોમાંથી ૩૫ ટકા કરતાં વધુ લોકો વિવિધ પ્રકારની માનસિક ખલેલોથી પીડાઈ રહ્યા હતા, એમ વેજા જણાવે છે. સામયિકે વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization, WHO)ના માનસિક-આરોગ્ય નિયામક ડો. જોર્જ આલ્બર્ટો કોસ્ટા ઈ સિલ્વાને પૂછ્યું: “આ સંખ્યાનો ખુલાસો શું? શું દુનિયા વધારે ખરાબ થઈ રહી છે કે લોકો માનસિક રીતે વધારે નબળા પડી રહ્યા છે?” તેમનો પ્રત્યુત્તર હતોઃ “આપણે ઝડપભેર સદંતર બદલાય રહેલા સમયમાં જીવી રહ્યા છીએ, જે સરવાળે ચિંતા અને તણાવ પેદા કરે છે જે માણસજાતના ઇતિહાસમાં અગાઉ કદી આટલી માત્રામાં ન હતા.” તે દાવો કરે છે કે તણાવનો એક સામાન્ય ઉદ્ભવ રીઓ ડી જાનેરોમાંની વ્યાપેલી હિંસા છે. ઘણી વાર ભયપશ્ચાદના તણાવમાં દોરી જાય છે, જે, તે સમજાવે છે, “લોકોને ત્યારે અસર કરે છે જ્યારે તેઓ એક યા બીજી રીતે જીવનને ભયમાં મૂકનાર સ્થિતિમાં આવી ગયા હોય. દિવસ દરમિયાન તેઓ દરેક બાબત સંબંધી અસલામતી પ્રગટ કરે છે. રાત્રે તેઓને ભીષણ સ્વપ્ન આવે છે જેમાં જે બનાવે તેઓનું જીવન ભયમાં મૂક્યું તે દેખાય છે.”
આરોગ્ય અસમતુલા
_
ધનાઢ્ય અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે આરોગ્યની અસમતુલા વધતી જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અંદાજ કાઢે છે કે વિકસિત દેશોમાં રહેતા અને ત્યાં જન્મેલા લોકોનું સરેરાશ આયુષ્ય ૭૬ વર્ષ છે—સરખામણીમાં જે ઓછા વિકસિત દેશોમાં ૫૪ વર્ષ છે. ગરીબ દેશોમાં, ૧૯૫૦માં, શિશુ મરણો, ધનાઢ્ય દેશો કરતાં ત્રણગણાં વધારે હતાં; હવે એ ૧૫ગણાં વધારે છે. ગરીબ દેશોમાં, ૧૯૮૦ના દાયકાના અંત ભાગમાં, પ્રસૂતિની જટિલતાને કારણે થતાં મરણનો દર, ધનાઢ્ય દેશો કરતાં ૧૦૦ગણો વધારે હતો. કોયડામાં ફાળો આપનાર ઘટક, WHO જણાવે છે, એ હકીકત છે કે ગરીબ દેશોમાં રહેતા અર્ધા કરતાં ઓછા લોકોને ચોખ્ખું પાણી અને ગટર વ્યવસ્થા મળે છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર, “સૌથી ઓછા વિકસિત દેશો”ની સંખ્યા ૧૯૭૫માં ૨૭માંથી વધીને ૧૯૯૫માં ૪૮ થઈ છે. જગતવ્યાપી ૧.૩ અબજ લોકો ગરીબ છે, અને તેઓની સંખ્યા વધી રહી છે.
સંપૂર્ણ શિયાળુ કોટ
_
વિમાનમાંથી ધૃવીય રીંછ જોવા પ્રયત્ન કરતા વૈજ્ઞાનિકો માટે એ ઘણો જ કપરો સમય હતો—અને રીંછ સફેદ હોય છે અને હિમાચ્છાદિત વિસ્તારોમાં રહે છે એ દેખીતા કારણસર નહિ. પોપ્યુલર સાયન્સ અનુસાર, વૈજ્ઞાનિકો પાસે એ કોયડાનું જેને હોંશિયારીભર્યું કહી શકાય એવો ઉપાય હતો: તેઓએ સંવેદનશીલ ઇન્ફ્રારેડ ફિલ્મનો ઉપયોગ કર્યો, એવી દલીલસહિત કે એ આ હૃષ્ટપુષ્ટ પ્રાણીઓમાંથી નીકળતી શારીરિક ગરમી સહેલાયથી પારખશે. પરંતુ ફિલ્મ કોરી નીકળી! એવું જણાય છે કે ધૃવીય રીંછનો કોટ એટલો અસરકારક ઇન્સ્યુલેટર છે કે પશુમાંથી જરાય ગરમી છટકતી નથી. સામયિક એ પણ નોંધે છે કે કોટનાં વાળ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોનું સારું વહન કરતા જણાય છે, જે એને રીંછના “સૂર્ય કોષો”માં લઈ જાય છે જે કોઈક રીતે આવા પ્રકાશનું ગરમીમાં રૂપાંતર કરે છે.
બેભાન થતા પ્રશંસકો
_
શા માટે આટલા બધા પ્રશંસકો રોક જલસામાં બેભાન બને છે? બર્લિન, જર્મનીમાંની યુનિવર્સિટી હોસ્પિટલ ખાતેના મગજના નિષ્ણાતે તાજેતરમાં એ પ્રક્રિયાની શોધ કરી. મુખ્યત્વે યુવતીઓની હાજરીવાળા બર્લિન રોક જલસામાં, જલસા દરમિયાન કંઈક ૪૦૦ બેભાન બની. ડિસ્કવર સામયિક અનુસાર, ન્યુરોલોજીના નિષ્ણાતને માલૂમ પડ્યું કે બેભાન થનારી ૯૦ ટકા સામેની હરોળમાં ઊભી હતી. આ મનપસંદ જગ્યા પ્રાપ્ત કરવા, છોકરીઓએ લાંબી કતારમાં કલાકો રાહ જોઈ હતી, અને ઘણીએ તાજેતરમાં ખાધું ન હતું કે આગલી રાત્રે ઊંઘ લીધી ન હતી. અન્ય ઘટકો—તેઓની પોતાની ચીસાચીસ અને પાછળના ટોળાના દબાણે—છાતી પર દબાણ મૂક્યું, જેણે લોહીનું દબાણ ઘટાડ્યું. આને લીધે, ક્રમાનુસાર, મગજને લોહીનો પુરવઠો ન મળ્યો. ત્યાર પછી બેભાનપણું આવ્યું. ન્યુરોલોજીના નિષ્ણાતે ભલામણ કરી કે રોકના પ્રશંસકો અગાઉથી જમી લે તથા ઊંઘ લઈ લે તે જ સમયે, બેસેલા રહે, અને શો દરમિયાન શાંત રહે તથા ટોળાથી દૂર રહે, છતાં તેણે સ્વીકાર્યું કે થોડાક જ તરુણ પ્રશંસકો આ માને એમ લાગે છે.
સમય ક્યાં જાય છે
_
દિવસ ક્યાં જતો રહ્યો? ઘણા છટાપૂર્વક આ પ્રશ્ન પૂછે છે, પરંતુ તાજેતરના એક અભ્યાસે એનો જવાબ વૈજ્ઞાનિક રીતે આપવા પ્રયત્ન કર્યો. ઇલિનોઈ, યુ.એસ.એ.માંના સંશોધન વિભાગે કંઈક ૩,૦૦૦ લોકોની રોજની પ્રવૃત્તિનો ત્રણ વર્ષ અભ્યાસ કર્યો, જે લોકોને તેઓ પોતાનો સમય કઈ રીતે પસાર કરી રહ્યા છે તેની નોંધ રાખવા જણાવ્યું. વૃંદમાં ૧૮થી ૯૦ વર્ષના લોકો હતા અને તેઓ વિશાળ વ્યાપવાળી પાર્શ્વભૂમિકા આવરતા હતા. સમય વાપરી નાખનાર મોખરેનો ઘટક ઊંઘ હતો. ત્યાર પછી કામ, જે રોજ સરેરાશ ૧૮૪ મિનિટ લેતું હતું. ત્યાર પછી ટીવી અને વિડિયો નિહાળવું, ૧૫૪ મિનિટ આવતું હતું. ઘરગથ્થુ કામ ૬૬ મિનિટ લેતું હતું, પ્રવાસ અને આવ-જા કરવી ૫૧, શણગાર ૪૯, અને બાળ તથા પાલતુ પ્રાણી સંભાળ ૨૫ મિનિટ. યાદીને તળિયે ઉપાસના હતી, જે સરેરાશ રોજ ૧૫ મિનિટ લેતી હતી.
વિનામૂલ્યે બેબી-સિટીંગ?
_
પરગણાના પરેશાન માબાપે બીજાઓ તેઓનાં બાળકોની દેખરેખ રાખે તેની નવી રીત શોધી છે જેથી પોતે કેટલીક ખરીદી કરવા મુક્ત બની શકે. તેઓ પોતાનાં ભૂલકાઓને રમકડાના સ્ટોરમાં કે મલ્ટીમિડિયા કોમ્પ્યુટર સ્ટોરમાં મૂકી જાય છે. અતિ ઉચ્ચ-ટેકનોલોજીવાળા યંત્રોથી મુગ્ધ બનેલાં બાળકો, માબાપ પાછા ફરે ત્યાં સુધી ડેમન્સ્ટ્રેશન મોડેલ સાથે રમે છે. જોકે, એમાં નવાઈ નથી કે, વેપારીઓ આનાથી ખુશ નથી, એવો અહેવાલ ન્યૂઝવીક સામયિક આપે છે. તેઓ ફરિયાદ કરે છે કે બાળકો, ઓછામાં ઓછું, પ્રદર્શન મોડેલને સંભવિત ગ્રાહકોથી વંચિત રાખે છે; સૌથી ખરાબ, તેઓ એ તોડી નાખે છે. અન્યોને માલૂમ પડ્યું છે કે કેટલાક માબાપ પાછા આવીને, તેઓનાં બાળકોની કોઈએ સંભાળ ન લીધી હોય તો અથવા તેઓને બાથરૂમ ન લઈ ગયા હોય તો, ફરિયાદ કરે છે! આમ, કેટલાક સ્ટોર્સ આ વલણ સામે લડી રહ્યા છે—પ્રદર્શન માટેના કોમ્પ્યુટર પહોંચી ન શકાય એમ રાખવાં અથવા બાળકોનું ધ્યાન રાખનાર કોઈ ન હોય તો, ચોકીયાતોને બોલાવવા.
નવાં મૂલ્યો
_
રશિયન યુવાનો તેમ જ સમગ્રપણે રશિયન સમાજ મૂલ્યોની કટોકટીમાંથી પસાર થઈ રહ્યાં છે. તાજેતરમાં સેન્ટ પીટર્સબર્ગ, રશિયામાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં માલૂમ પડ્યું કે યુવાનોનું વલણ “માનવતાને સામાન્ય મૂલ્યો—અર્થાત્, આરોગ્ય, જીવન, કુટુંબ, અને પ્રેમ તેમ જ વ્યક્તિગત મૂલ્યો, જેમ કે સફળતા, કારકિર્દી, સગવડ, અને ભૌતિક સલામતી—પર ભાર મૂકે છે,” રશિયન વર્તમાનપત્ર સક્ત-પેટ્રબર્ગસ્કી અહેવાલ આપે છે. અન્ય આગળ પડતા મૂલ્યો માબાપ, પૈસા, કલ્યાણકારી, સુખ, મૈત્રી, અને જ્ઞાનને કેન્દ્રમાં રાખે છે. રસપ્રદ બાબત છે કે, સારી શાખ હોવી અને વ્યક્તિગત સ્વતંત્રતાનો આનંદ માણવો, યુવાનોનાં મનમાં છેલ્લી જગ્યાઓમાંથી બે રોકે છે. છેલ્લું મૂલ્ય શું છે? પ્રમાણિકતા. અહેવાલ નિષ્કર્ષ આપે છેઃ “પોતાની ચોતરફ જુઠાણું જ હોય, તો પછી ઊગતી પેઢીનાં મનમાં [પ્રમાણિકતા] નિર્માલ્ય છે.” (g96 3/8 & 3/22)