વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૩/૮ પાન ૭
  • તમે દેવમાં ભરોસો મૂકી શકો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમે દેવમાં ભરોસો મૂકી શકો
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • દેવ તમને કદી નિરાશ કરશે નહિ
  • બાઇબલમાં ભરોસો મૂકવાનાં કારણો
  • સુખી જીવન માટે ભરોસો મહત્ત્વનો છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • તમે ભાઈ-બહેનો પર ભરોસો કરી શકો છો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • પૂરા દિલથી યહોવાહ પર ભરોસો રાખ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • બાઇબલ ઈશ્વરની વાણી છે
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૬
g96 ૩/૮ પાન ૭

તમે દેવમાં ભરોસો મૂકી શકો

તમે સંપૂર્ણપણે દેવમાં તથા તેમના શબ્દ બાઇબલમાં ભરોસો મૂકી શકો. દેવમાં આજીવન ભરોસો મૂક્યા પછી, એક માણસે, ૧૦૦ વર્ષની વય વટાવી ગયા પછી, પોતાના આત્મવિશ્વાસ માટે આ કારણ આપ્યું: “જુઓ,” તેણે કહ્યું, “આજ સર્વ લોકને સારૂ ઠરાવેલે માર્ગે હું જાઉં છું; અને તમારાં અંત:કરણમાં ને તમારા મનમાં તમે સહુ જાણો છો, કે જે સારાં વચનો તમારા દેવ યહોવાહે તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી; તે સર્વ તમારા સંબંધમાં ફળીભૂત થયાં છે, તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી.”—યહોશુઆ ૨૩:૧૪.

આ માણસ, પ્રાચીન ઈસ્રાએલના આગેવાન, યહોશુઆએ દેવ પર અને તેમના શબ્દ પર પૂરા આધારનો અનુભવ કર્યો. દેવે ઈસ્રાએલને જે દરેક બાબતનું વચન આપ્યું તે સાચું પડ્યું. તમે ઉત્પન્‍નકર્તા અને તેમના શબ્દ વિષે વધુ જાણો તો, તમે પણ એવો જ ભરોસો વિકસાવી શકો. ત્યાર પછીના દેવના એક ઉપાસક, દાઊદ રાજાએ એને આ રીતે વ્યક્ત કર્યું: “તારૂં નામ જાણનારા તારા પર ભરોસો રાખશે; કેમકે, હે યહોવાહ, તેં તારા શોધનારને તજ્યા નથી.”—ગીતશાસ્ત્ર ૯:૧૦.

દેવ તમને કદી નિરાશ કરશે નહિ

તમે જેટલું વધુ ‘દેવનું નામ જાણશો’ અને એ નામનો જે અર્થ થાય છે—તેમના હેતુઓ, પ્રવૃત્તિઓ, અને ગુણો—એ જાણશો તો, તમે તેમનામાં એટલો વધુ ભરોસો મૂકશો. તે આધાર રાખી શકાય એવા મિત્ર છે જે કદી તમને નિરાશ થવા દેશે નહિ અથવા પોતાનું વચન તોડશે નહિ. અને જેઓ તેમના પ્રતિનિધિઓ હોવાનો દાવો કરે છે અને ત્યાર પછી જેઓ બીજાઓ સાથે કપટથી વર્તે છે, તેઓના ઢોંગથી નાહિંમત ન થાઓ. એવા લોકોને બાઇબલ બિનભરોસાપાત્ર તરીકે ઓળખાવે છે. ધાર્મિક ઢોંગીઓ એક બાબત કહે છે અને એનાથી વિરુદ્ધ કરે છે. પ્રેષિત પીતરે ચેતવણી આપી તેમ, તેઓ પોતાનાં ટોળાંનું શોષણ કરે છે. પીતરે લખ્યું: “તેઓને લીધે સત્યના માર્ગની નિંદા થશે. તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમને વેચવાના માલ જેવા કરશે.”—૨ પીતર ૨:૨, ૩.

આવા લોકો દેવને રજૂ કરતા નથી. તેઓ તેમના શબ્દનો અનાદર કરે છે. શા માટે તમે પોતે બાઇબલમાં પ્રગટ દેવની પોતાની નોંધ અને સાક્ષી તપાસતા નથી? ‘પરંતુ,’ તમે પૂછી શકો, ‘શા માટે મારે અન્ય કોઈ પુસ્તક કરતાં બાઇબલમાં ભરોસો મૂકવો જોઈએ?’ એ સાચું છે કે સમસ્ત ઇતિહાસમાં અગણિત ધાર્મિક છેતરપિંડીઓ થઈ છે, પરંતુ બાઇબલ ભિન્‍ન છે. બાઇબલમાં ભરોસો મૂકવાનાં નીચેનાં કારણો વિચારો.

બાઇબલમાં ભરોસો મૂકવાનાં કારણો

તમે બાઇબલમાં ભરોસો મૂકી શકો કારણ કે એનાં વચનો અને ભવિષ્યવાણીઓ હંમેશાં સાચાં પડે છે. અહીં ફક્ત એક જ ઉદાહરણ આપવામાં આવ્યું છે. ભલે બંદીવાન ઈસ્રાએલને માની ન શકાય એવું લાગ્યું હોય છતાં, બાઇબલના લેખક, યહોવાહ દેવે વચન આપ્યું હતું કે તે તેઓને શક્તિશાળી બાબેલોનની ગુલામીમાંથી છોડાવશે અને તેઓને યરૂશાલેમમાં પુનઃસ્થાપિત કરશે. એ અસંભવ આશા જણાઈ કારણ કે બાબેલોન તે સમયની મુખ્ય જગત સત્તા હતી અને એણે યરૂશાલેમનો પૂરો નાશ કર્યો હતો. પરંતુ આશરે બસો વર્ષ અગાઉથી, યહોવાહે ઇરાની શાસક કોરેશનું નામ સુદ્ધાં આપી દીધું હતું જે બાબેલોનને ઊથલાવી નાખશે અને દેવના લોકોને મુક્ત કરશે અને ભાખ્યું કે કઈ રીતે બાબેલોનની નદીનું સંરક્ષણ નિષ્ફળ જશે. તમે આ અહેવાલ યશાયાહ ૪૪:૨૪-૪૫:૪માં વાંચી શકો.

રીઝનીંગ ફ્રોમ ધ સ્ક્રીપ્ચર્સ પુસ્તક વચન કઈ રીતે પરિપૂર્ણ થયું તે સમજાવે છે: “ભવિષ્યવાણી લખવામાં આવી ત્યારે કોરેશનો જન્મ થયો ન હતો. . . . ભવિષ્યવાણી ૫૩૯ બી.સી.ઈ.થી વિગતવાર પરિપૂર્ણ થવી શરૂ થઈ. કોરેશે એક કૃત્રિમ સરોવરમાં યુફ્રેટિસ નદીનાં પાણી વાળ્યાં, શહેરમાં ઊજવણીઓ દરમ્યાન બાબેલોનના નદી પરના દરવાજાઓ નિષ્કાળજીથી ઊઘાડા રહેવા દેવામાં આવ્યા હતા, અને કોરેશની સરદારી હેઠળ બાબેલોનનું માદાય તથા ઈરાનીઓ આગળ પતન થયું. ત્યાર બાદ, કોરેશે યહુદી બંદીવાનોને મુક્ત કર્યા અને યહોવાહનું મંદિર યરૂશાલેમમાં ફરી બાંધવાની સૂચનાસહિત તેઓને ત્યાં પાછા મોકલ્યા.”a દેવે આપેલું આવું દરેક વચન, બાઇબલમાં આપવામાં આવેલી દરેક ભવિષ્યવાણી, ભૂલ વિના સાચી પડી છે.

a વોચટાવર બાઇબલ એન્ડ ટ્રેક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત.

પરિપૂર્ણ થયેલી ભવિષ્યવાણીનું બીજું એક ઉદાહરણ એ હકીકત છે કે આપણી સદીમાં ભરોસો ઘટી ગયો છે. બાઇબલે આપણે જીવીએ છીએ એ સમયના ગુણધર્મ તરીકે એ અગાઉથી ભાખ્યું, કેમ કે એ ૧૯૧૪માં વિશ્વયુદ્ધ ૧થી શરૂ થયેલા યુગને “છેલ્લા દિવસો” કહે છે અને કહે છે કે એ “વ્યવહારમાં અઘરો કટોકટીમય સમય” લાવશે. એણે જણાવ્યું કે આપણા દિવસમાં લોકો ‘સ્વાર્થી, . . . આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, . . . કૃતઘ્નો, અધર્મી, પ્રેમરહિત, કોઈ સહમતી કરવા તૈયાર નહિ એવા, નિંદક, . . . વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદાંધ’ થશે. અને એણે આ પણ ભાખ્યું: “દુષ્ટ માણસ તથા ધુતારાઓ . . . વિશેષ દુરાચાર કરતા જશે.” (૨ તીમોથી ૩:૧-૪, ૧૩) એ જ આપણે આપણા સમયમાં જોયું છે.

તમે બાઇબલમાં ભરોસો મૂકી શકો કારણ કે એ પૂરેપૂરું પ્રમાણભૂત છે. કોઈએ કદી બાઇબલની પ્રમાણભૂતતાને સફળતાપૂર્વક પડકાર ફેંક્યો નથી. પ્રખ્યાત વૈજ્ઞાનિક સર આઈઝેક ન્યૂટને કહ્યું: “મને દુન્યવી કોઈ પણ ઇતિહાસ કરતાં બાઇબલમાં પ્રમાણભૂતતાના વધારે ખાતરીભર્યાં ચિહ્‍નો જોવાં મળે છે.” હિટલરની “નોંધપોથી”ના જેવી અહીં કોઈ છેતરપિંડી નથી! અને બાઇબલની અન્ય પ્રાચીન લખાણો સાથે કેવી સરખામણી થાય છે? ધ બાઇબલ ફ્રોમ ધ બિગિનિંગ કહે છેઃ “કોઈ લખાણની સાક્ષી પૂરતી પ્રાચીન MSS. [મૂળપ્રતો]ની સંખ્યામાં, અને અસલ તથા સાક્ષી પૂરતી MSS. વચ્ચે પસાર થયેલાં વર્ષોની સંખ્યામાં, બાઇબલ [હોમર, પ્લેટો, અને અન્યોનાં] સાંસ્કૃતિક લખાણો કરતાં ચોક્કસ પ્રકારનો વિશેષ લાભ ધરાવે છે. . . . બાઇબલની સરખામણીમાં સાંસ્કૃતિક MSS. બધું મળીને મુઠ્ઠીભર માત્ર જ છે. કોઈ પ્રાચીન પુસ્તક બાઇબલ જેટલી સાક્ષી ધરાવતું નથી.” બાઇબલ વિષે દરેક બાબત એનું પૂરેપૂરું સાચાપણું ચીંધે છે.

તમે બાઇબલ પર ભરોસો કરી શકો કારણ કે એ એનાં સર્વ કથનોમાં સંપૂર્ણપણે ચોકસાઈભર્યું છે. બાઇબલ કહે છે કે દેવ “ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે, અને પૃથ્વીને અધર લટકાવે છે.” (અયૂબ ૨૬:૭) તે સમયે પ્રવર્તમાન તરંગી તાર્કિક સિદ્ધાંતોનું પુનરાવર્તન કરવાને બદલે, જેમ કે પૃથ્વી હાથીઓના ટેકા પર છે, બાઇબલે ત્યાર પછી સ્થાપિત થયેલું વૈજ્ઞાનિક સત્ય જણાવ્યું—પૃથ્વી અવકાશમાં “અધર” લટકે છે. એ ઉપરાંત, કોલંબસના સમયથી બે હજાર કરતાં વધુ વર્ષો પર, બાઇબલે સ્પષ્ટપણે જણાવ્યું કે પૃથ્વી ગોળ છે.—યશાયાહ ૪૦:૨૨.

તમે બાઇબલની પ્રમાણિકતા અને નિખાલસતા માટે એના પર ભરોસો મૂકી શકો. બાઇબલ લેખકોએ કોઈ બાબત ખોટી રીતે રજૂ કરી નહિ. તેઓએ જે કહ્યું તેણે તેઓનો પોતાનો, તેઓના દેશબંધુઓનો, અને તેઓના શાસકોનો ખરાબ ચિતાર આપ્યો તોપણ, તેઓએ પ્રમાણિકપણે હકીકતો જણાવી. દાખલા તરીકે, પ્રેષિત માત્થીએ, પોતાની સુવાર્તામાં, ખુલ્લી રીતે સ્વીકાર કર્યો કે ઈસુ ખ્રિસ્તના પ્રેષિતોએ કેટલીક વાર વિશ્વાસની ખામી બતાવી, આગવું સ્થાન લેવા અંદરોઅદર ઝગડ્યા, અને ઈસુની ધરપકડ થઈ ત્યારે તેમને ત્યજી દીધા.—માત્થી ૧૭:૧૮-૨૦; ૨૦:૨૦-૨૮; ૨૬:૫૬.

બાઇબલ પર ભરોસો કરવાનું બીજું એક વિશિષ્ટ કારણ એ છે કે બાઇબલની સલાહ, જ્યારે પણ લોકોએ એના પર ભરોસો કર્યો અને એ લાગુ પાડી ત્યારે, હંમેશાં વ્યવહારૂ અને લાભદાયી પૂરવાર થઈ છે. (નીતિવચન ૨:૧-૯) જીવનના કોયડાનો સામનો કરવામાં ઘણી વાર બાઇબલની સલાહ “નિષ્ણાતો”ની ડગુમગુ થતી સલાહ કરતાં નાટ્યાત્મક રીતે ભિન્‍ન પડે છે. ઘણાં રાષ્ટ્રીય વર્તમાનપત્રોમાં આવી સલાહ આપનાર કટારલેખક સંબંધી, લંડનનું ધ સન્ડે ટાઇમ્સ પૂછે છે: “શું દર વર્ષે હજારો લોકો પોતાના સૌથી આંતરિક વિચારો અને લાગણીઓ એ કટાર લેખકોને આપશે જેઓ તો ખરેખર આડેધડ સલાહ આપતા હોય છે?” બાઇબલ લેખકોએ એ રીતે આડેધડ લખાણ કર્યું નહિ. તેઓએ ભરોસાપાત્ર, દેવ-પ્રેરિત સલાહ નોંધી જે સમયની કસોટીઓમાં અડીખમ રહી છે.—૨ તીમોથી ૩:૧૬, ૧૭.

“બાઇબલની સલાહે મને એવા નિર્દેશનમાંથી બચાવી જેણે મારું જીવન બરબાદ કરી નાખ્યું હોત,” એલન કહે છે, જે હમણાં તેની ત્રીસીમાં છે અને સુખી દાંપત્ય જીવન માણે છે. “મારાં માબાપ, જેઓના છૂટાછેડા થયા હતા, લગ્‍ન ગોઠવણમાં વિશ્વાસ બતાવતા ન હતા, અને તેઓએ મને કોઈકની સાથે પરણવાને બદલે ફક્ત તેની સાથે રહેવાનું ઉત્તેજન આપ્યું. બાઇબલ સિદ્ધાંતો અનુસરવાથી મને મારા જીવનમાં મળેલી સ્થિરતાનો વિચાર કરું છું ત્યારે, મને આનંદ થાય છે કે મેં મારાં પોતાનાં માબાપ કરતાં બાઇબલની સલાહ પર વધારે ભરોસો કર્યો.”—જુઓ એફેસી ૫:૨૨-૩૧; હેબ્રી ૧૩:૪.

“બાઇબલ બાબતો વિષે જે કહે છે તે શીખવાનું શરૂ કર્યું ત્યારે હું ફક્ત ૧૪ વર્ષની હતી,” ફલોરેન્સ કહે છે. “હવે હું ૧૯૬૦ના દાયકાના ભૂતકાળનો વિચાર કરું છું અને મારા સમોવડિયાઓએ તે સમયનાં મૂલ્યો અને નૈતિકતાઓ અનુસરી પોતાને જે મુશ્કેલીમાં મૂક્યા છે તેનો વિચાર કરું છું ત્યારે, મને એક યુવાન, બિનઅનુભવી સ્ત્રી તરીકે બાઇબલની સલાહે જે રક્ષણ આપ્યું તેનો ઘણો જ આભાર માનું છું.”—જુઓ ૧ કોરીંથી ૬:૯-૧૧.

“મારા કિસ્સામાં,” જેમ્સ કહે છે, “હું જુગાર, ધૂમ્રપાન, અને દારૂ પીવામાં સપડાયો હતો.” તે કહેવાનું ચાલુ રાખે છેઃ “એનાથી ઘણા લોકોને અને તેઓનાં કુટુંબોને થયેલી હાનિ હું જાણું છું. શરૂઆતમાં હું બાઇબલનો મારા કોયડા સાથેનો સંબંધ પારખી શક્યો નહિ. પરંતુ હવે હું સ્પષ્ટ જોઉં છું કે એણે સારી બાબત વિષે મારી વિચારસરણીને કેવી અસર કરી છે અને મને વધુ આરોગ્યપ્રદ જીવન-ઢબ જાળવવામાં મદદ કરી છે.”—જુઓ ૨ કોરીંથી ૭:૧.

મેરી એનએ જીવનનાં દબાણો અને વ્યથિત પાર્શ્વભૂમિકામાંથી પાંગરેલી લાગણીમય મુશ્કેલીઓને કારણે આપઘાત કરવા વિચાર્યું. “તે સમયે આપઘાત જ એક માત્ર માર્ગ જણાયો,” તે કહે છે. “પરંતુ બાઇબલે મારી વિચારસરણીમાં ફેરગોઠવણ કરી. ફક્ત બાઇબલમાં મેં જે વાંચ્યું એ કારણે જ મેં આપઘાત ન કર્યો.”—જુઓ ફિલિપી ૪:૪-૮.

આ બધાને મદદ કરનાર બાબત શું હતી? તેઓએ દેવમાં અને તેમના શબ્દ બાઇબલમાં પૂરો ભરોસો વિકસાવ્યો. દેવ ભરોસાપાત્ર, વહાલા મિત્ર બન્યા જેમણે મુશ્કેલીના સમયમાં તેઓના કાનમાં ધીમા સાદે સલાહ જણાવી. (સરખાવો યશાયાહ ૩૦:૨૧.) તેઓ બાઇબલ સિદ્ધાંતો શીખ્યા જેણે તેઓને જીવનનાં દબાણો અને કોયડાનો સામનો કરવામાં મદદ કરી. અને તેઓ દેવ તરફથી અદ્‍ભુત વચનોમાં ભરોસો મૂકતા શીખ્યા, એવા દેવ જે કદી જૂઠું બોલી શકતા નથી—જેમ કે સર્વ છેતરપિંડી, જૂઠાણાં, અને શોષણથી મુક્ત તથા દુઃખ, માંદગી, અરે મરણથી પણ મુક્ત સુંદર “નવી પૃથ્વી”નું વચન!—૨ પીતર ૩:૧૩; ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯; પ્રકટીકરણ ૨૧:૪, ૫.

તમે એ જ ભરોસો વિકસાવી શકો. આજે જગત તમારા ભરોસાનો વિશ્વાસઘાત કરી શકે, પરંતુ તમે ખાતરી રાખી શકો કે દેવમાં અને તેમના શબ્દમાં તમારો ભરોસો કદી તૂટશે નહિ. તમે દેવથી અને તેમના શબ્દ બાઇબલથી વધારે સારી રીતે પરિચિત થાવ એ માટે આ સામયિકના પ્રકાશકો તમને મદદ કરવા કોઈકની ગોઠવણ કરવામાં, આનંદ અનુભવશે.

(g96 2/8)

કંઈક ૨૦૦ વર્ષ અગાઉથી, દેવના શબ્દે આગાહી કરી કે કઈ રીતે બાબેલોનને ઊથલાવી નાખવામાં આવશે

સર આઈઝેક ન્યૂટનને બાઇબલ ભરોસાપાત્ર માલૂમ પડ્યું

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો