વિશ્વને નિહાળતા
અક્ષરજ્ઞાન અને આરોગ્ય
_
યુનેસ્કો (UNESCO, યુનાઈટેડ નેશન્સની શૈક્ષણિક, વૈજ્ઞાનિક, અને સાંસ્કૃતિક સંસ્થા)એ ટાંકેલા આંકડાઓ અનુસાર, ઊંચી કક્ષાનું અક્ષરજ્ઞાન દીર્ઘાયુષ્યમાં ફાળો આપી શકે છે. “વાંચતા-લખતા શીખેલા લોકો,” યુનેસ્કો સોર્સીસ સામયિક નોંધે છે, “સ્વચ્છતા અને આરોગ્યની કાળજી પ્રત્યે વધુ સભાન હોય છે; તેઓ ઓછા પ્રારબ્ધવાદી હોવાનું વલણ ધરાવે છે અને, બિમારીના બનાવોમાં, ડોક્ટર પાસે જવાની વધુ શક્યતા ધરાવે છે.” જોકે, અક્ષરજ્ઞાન આયુષ્યને અસર કરતા ઘટકોમાંનો માત્ર એક છે. “તબીબી સારવારની સુગમતા, કુટુંબના નાણાકીય સંજોગો અને સામાજિક વાતાવરણ” પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.
અર્થહીન પરિષદ
_
ડેનમાર્કના કોપનહેગનમાં માર્ચ ૬-૧૨, ૧૯૯૫માં, જગત ફરતેના લગભગ ૨૦,૦૦૦ પ્રતિનિધિઓ યુનાઈટેડ નેશન્સે યોજેલા એક સંમેલનમાં હાજરી આપવા મળ્યા, જેનો વિષય હતો: “સામાજિક વિકાસ માટેની વિશ્વ પરિષદ.” તેઓના મળવાનો હેતુ શું હતો? વિકસતા દેશોમાં ગરીબી, બેકારી, અને ભેદભાવોનો અંત લાવવાના માર્ગોની ચર્ચા કરવી. જોકે, એક મોટું વિઘ્ન—નાણાંનો અભાવ—પારખતા વધુ સમય ન લાગ્યો. એમ લાગે છે કે ઘણા ગરીબ દેશો ધનાઢ્ય દેશોના એટલા ભારે દેવાદાર છે, કે તેઓને એનું વ્યાજ ભરવું પણ પરવડી શકતું નથી. યજમાન રાષ્ટ્ર, ડેનમાર્કે દરખાસ્ત મૂકી કે ધનાઢ્ય દેશો તેને અનુસરીને સૌથી વધુ ગરીબ રાષ્ટ્રોનું દેવું રદ કરે. તેમ છતાં, એક કોયડો છે. ઘણાં ગરીબ રાષ્ટ્રોનું દેવું શસ્ત્રો ખરીદવાથી પરિણમ્યું છે. તેથી, એક UN સલાહકારે સમજાવ્યું તેમ, દેવું રદ કરવામાં આવે તો, તેઓ એ તકનો ઉપયોગ ફક્ત શસ્ત્રો ખરીદવા માટે જ કરશે.
સહાનુભૂતિ શીખવી
_
બાળકોમાંની સહાનુભૂતિનો અભ્યાસ કરતા સંશોધકોએ પ્રસ્તાવ મૂક્યો કે બીજાઓની લાગણીઓને સમજવાની ક્ષમતા શીખવાથી આવે છે. “અત્યાચાર પામેલાં બાળકો બીજાં દુ:ખી બાળકોને સહાનુભૂતિપૂર્વક પ્રત્યુત્તર આપતાં નથી એમ બતાવવામાં આવ્યું છે,” ધ ન્યૂ યોર્ક ટાઈમ્સમાં ટાંકવામાં આવ્યું તેમ, મેનહટનમાંની કેન્સાસ સ્ટેટ યુનિવર્સિટીના એક પ્રોફેસર, ડો. માર્ક એ. બાર્નેટ કહે છે. “તેઓ દુ:ખી બાળક તરફ જુએ છે પણ કંઈ કરતા નથી અથવા ચીસ પાડીને બાળકને ધક્કો મારે છે.” બીજી તર્ફે, તે ઉમેરે છે કે, “એક બાળક જેની લાગણીમય જરૂરિયાતો પૂરી પાડવામાં આવી હોય, તે બીજાઓની લાગણીઓ પ્રત્યે વધુ સભાન હોય છે.” જોકે, લાગણીમય સલામતી પૂરી પાડવા ઉપરાંત, માબાપોએ પોતાના બાળકોને કઈ રીતે સહાનુભૂતિપૂર્વક વર્તવું એ બતાવવાની જરૂર છે. ડો. બાર્નેટ કહે છે કે સહાનુભૂતિવાળાં માબાપો સામાન્ય રીતે સહાનુભૂતિવાળાં બાળકો ઉછેરે છે.
ગોકળગાયનો હુમલો
_
છ વર્ષ અગાઉ સાઉથ અમેરિકન જીવંત સોનેરી ગોકળગાય ખોરાક તરીકે વિએટનામમાં આયાત કરવામાં આવી એના પહેલાં, વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે ગોકળગાય ક્યારેય છટકશે તો, એ મોટો કોયડો પેદા કરશે. એમ લાગે છે કે, સમયે વૈજ્ઞાનિકોને સાચા સાબિત ઠરાવ્યા છે. કેટલીક ગોકળગાય નાસી છૂટી અને તરત જ ડાંગર ખાવામાં અભિરૂચી બતાવી. પછી સરકારે ગોકળગાય પર પ્રતિબંધ મૂક્યો, પરંતુ તેમ છતાં ઘણી નાની હોટલોએ એનો ઉછેર કરવાનું તથા ખોરાક માટે વેચવાનું ચાલુ જ રાખ્યું. એસોસીએટેડ પ્રેસે અહેવાલ આપ્યો કે અધિકૃત વિયેટનામ ન્યૂઝ અનુસાર, માત્ર આઠ ઝીણાં જીવડાં ૧૧ ચોરસ ફીટમાંની ડાંગર એક જ દિવસમાં ખાઈ શકે છે! અહેવાલ અનુસાર ગોકળગાયે ૭૭,૦૦૦ એકરની ડાંગર નાશ કરી નાખી છે અને દેશના ડાંગર પકવતા સૌથી વધુ ઉત્પાદક પ્રદેશમાં ફેલાઈ છે. એક માદા ગોકળગાય એક વર્ષના લગભગ ૪ કરોડ જેટલાં ઇંડાં મૂકી શકે છે.
ચીનની વસ્તી
૧.૨ અબજે પહોંચે છે
_
આ વર્ષની શરૂઆતમાં ચીનની વસ્તી ૧.૨ અબજની સંખ્યા વટાવી ગઈ, એમ ચાઇના ટુડેએ અહેવાલ આપ્યો. ૧૯૭૦ના દાયકામાં દાખલ કરવામાં આવેલા રાષ્ટ્રીય કુટુંબ નિયોજનના કાર્યક્રમ વગર, એટલી વસ્તી નવ વર્ષ અગાઉ થઈ ગઈ હોત. તથાપિ, ચીનની વસ્તી વર્તમાન વૃદ્ધિના દરે હવે પછીની સદીની શરૂઆતમાં ૧.૩ અબજે પહોંચશે. ચીન ભૌગોલિક દૃષ્ટિએ જગતના સૌથી વિશાળ દેશો મધ્યે હોવા છતાં, એની વસ્તીના એકમ દીઠ અનાજ, માંસ, અને ઇંડાંની ઉપજ, વધુ વિકસિત દેશો કરતાં ઓછી છે. વધુમાં, ખેતી માટેની કુલ જમીન પ્રદૂષણ અને ગીચ વસવાટને કારણે ઓછી થઈ રહી છે, એમ ચાઇના ટુડેએ કહ્યું.
યુવાનો ભાવિ વિષે
નિરાશાવાદી છે
_
ઓસ્ટ્રેલિયા એક “સફળતાનો દેશ” કહેવાતો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયાના વધુ ને વધુ યુવાન લોકો એ મૂલ્યાંકન સાથે આજે કદાચ સહમત નહિ થાય. ધ ઓસ્ટ્રેલિયન વર્તમાનપત્રને ૧૫ અને ૧૯ વર્ષની વચ્ચેના યુવાનોના અભ્યાસનો અહેવાલ આપતા જાણવા મળ્યું કે, તેઓ “ઓસ્ટ્રેલિયાના આર્થિક ભાવિની ‘વિનાશક’ દૃષ્ટિ ધરાવે છે.” સરકારી, કેથલિક, અને ખાનગી શાળાઓના ૯મા, ૧૦મા, અને ૧૧મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનો ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. “અહેવાલ પ્રમાણે સંશોધન ‘તદ્દન સ્પષ્ટપણે’ સૂચવે છે કે ૧૫ અને ૧૬ વર્ષની વયની તાજેતરની પેઢી ‘ભાવિ માટે આતુર નથી’—તેઓ માને છે કે સમાજ વધુ ને વધુ હિંસક થઈ રહ્યો છે અને બેકારી વધતી જ જશે,” એમ વર્તમાનપત્રએ કહ્યું. દસ વર્ષ પછીનું તેઓનું જીવન વર્ણવવાનું કહેવામાં આવ્યું ત્યારે, “મોટા ભાગનાઓએ પ્રત્યુત્તરમાં આર્થિક મંદીનો તથા વ્યક્તિઓ પાસે પોતાના આર્થિક નિર્માણ પર ઓછો કાબૂ હોય એવા સમાજનો ઉલ્લેખ કર્યો.”
“યાદશક્તિ” ધરાવતા છોડ
_
ઘણા છોડ પોતા પર હુમલો થાય ત્યારે, હુમલાખોરોને નસાડવા રસાયણ પેદા કરે છે. ન્યૂ સાયંટિસ્ટ સામયિક અહેવાલ આપે છે કે કેટલાક છોડ હુમલાની “યાદશક્તિ” પણ કેળવે છે, જેથી ફરી હુમલો કરવામાં આવે તો, ઘણી ઝડપથી ઝેર પેદા કરવાનું શરૂ કરે છે. ઈયળ તમાકુનું પાંદડું ચાવે છે ત્યારે છોડ જાસ્મોનિક તેજાબ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે, જે મૂળ સુધી મુસાફરી કરે છે. એનાથી નિકોટિન પેદા થવાનું શરૂ થાય છે, જે ખાનારને અનિચ્છનીય લગાડવા માટે પાંદડામાં પાછું આવે છે. જેનાં મૂળ અગાઉ તેજાબની અસરમાં આવ્યાં હતાં એવાં છોડે હુમલો કરવા ઘણી જલદીથી પ્રત્યાઘાત પાડ્યો. “એ સૂચવે છે કે છોડ પાસે ખરેખર યાદશક્તિ હોય છે,” એમ બફેલો ખાતેની સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યૂ યોર્કના ઈયન બોલ્ડવિન કહે છે.
કમરના દુ:ખાવાનો સામનો કરવો
_
જગત ફરતેના ૯૦ ટકા લોકોના જીવનમાં કોઈ સમયે થતો કમરનો દુ:ખાવો, કેનેડાના ધ મેડિકલ પોસ્ટ અનુસાર, “માનવજાતને અસર કરતી વારંવાર થતી પરિસ્થિતિ છે.” જોકે, મોટા ભાગના કિસ્સાઓમાં, ખર્ચાળ તબીબી હસ્તક્ષેપની જરૂર ન હોય શકે. એક ચિકિત્સક, ડો. ગાર્થ રસેલ કહે છે કે “કમરની (સામાન્યપણે શારીરિક પ્રવૃતિ કર્યા પછી) એકાએક કે તીવ્ર બળતરામય પીડાના ૯૦ ટકા કિસ્સાઓમાં, ફક્ત કમરના સ્નાયુ તીવ્રપણે ખેંચાયા હોવાનો સમાવેશ થાય છે, અને બે કે ત્રણ દિવસના આરામ પછી સારું થઈ જાય છે.” ત્યાર બાદ, ડો. રસેલ સલાહ આપે છે કે, “હળવી કસરત શરૂ કરો અને તમારી દૈનિક પ્રવૃત્તિ ચાલુ રાખો.”
મુશ્કેલીભર્યા વાઇરસ
_
યુ.એસ.ન્યૂઝ એન્ડ વર્લ્ડ રીપોર્ટના એક લેખ અનુસાર, “નવા તેમ જ જૂના રોગો અનિયંત્રિત બન્યા છે.” શા માટે? કેટલાક ઘટકોએ રોગો પ્રત્યેની માનવ નિર્બળતા વધારી છે, એમ સ્વીસ વર્તમાનપત્ર નોઈ ત્ઝર્કર ત્ઝાઈતુંગ સમજાવે છે. એ ઘટકોમાં આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં થયેલા વધારાનો સમાવેશ થાય છે, જેને પરિણામે રાગો માટે પ્રતિકાર ન ધરાવતી વસ્તીમાં રોગોની પ્રસ્તાવના થાય છે. વધુમાં, યુ.એસ.ન્યૂઝ નોંધે છે કે “સાદા કિટાણુઓ એક વાર એન્ટિબાયોટિક્સથી સરળતાથી મરી જતા, એણે તદ્દન નવા અને સૌથી વધુ શક્તિશાળી ડ્રગ્સને પરાજીત કરવાનું શરૂ કર્યું છે,” એ બાબત જ્યોર્જિયાના એટ્લાન્ટામાંની CDC (સીડીસી, Centers for Disease Control)ના લોકોને ચોંકાવે છે.
નવા જૂથપ્રકારો
_
બ્રિટિશ તથા બ્રાઝિલિયન વનસ્પતિશાસ્ત્રીઓ છોડના નવા જૂથપ્રકારની શોધમાં, ૨૦થી વધુ વર્ષોથી બ્રાઝિલના ઈશાન ખૂણે દરેક પર્વતોમાં સંશોધન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓએ અગાઉ અજાણ્યા હતા એવા આશ્ચર્યકારક ૧૩૧ જૂથ પ્રકારો શોધ્યા છે, જે સર્વ માત્ર ૧૭૧ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ઊગે છે. ફોલ્યા દે સાઓં પાઊલો વર્તમાનપત્ર એ પ્રદેશને “એદન બાગ” કહે છે, જે બ્રાઝિલના બાહિયા રાજ્યમાં પીકો દાસ એલ્માસ પર ૬,૪૨૦ ફીટ ઊંચે છે. વનસ્પતિશાસ્ત્રીઓએ ૩,૫૦૦ જેટલા છોડ ખાતરી કરવા તપાસ્યા કે એ બધા છોડ ખરેખર નવી શોધ હતાં—અને એ ખરેખર હતાં. ઇંગ્લેન્ડના રોયલ બોટાનિક ગાર્ડન્સના સાયમન માયોએ વર્તમાનપત્રને કહ્યું: “વીસમી સદીના અંતમાં આટલા બધા છોડ શોધી કાઢવા એ પ્રભાવશાળી છે.”
(g95 12/8 & 12/22)