વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૧/૮ પાન ૧૪
  • હુલા હવાઈનું નૃત્ય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હુલા હવાઈનું નૃત્ય
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • મિશનરીઓની અસર
  • હુલાનું પુન:પ્રચલિત થવું
  • આજનું હુલા
  • શું નૃત્ય કરવું ખ્રિસ્તીઓ માટે છે?
    સજાગ બનો!—૧૯૯૬
સજાગ બનો!—૧૯૯૬
g96 ૧/૮ પાન ૧૪

હુલા હવાઈનું નૃત્ય

સજાગ બનો!ના હવાઈના ખબરપત્રી તરફથી

હવાઈનો ઉલ્લેખ કરતાંની સાથે જ ઘણી વાર હુલા યાદ આવે છે. હુલા હવાઈ સાથે અજોડપણે સંકડાયેલું હોવા છતાં, એની શરૂઆત દક્ષિણ પેસિફિકમાં થઈ હતી.

પ્રાચીન સમયમાં હવાઈયનો પાસે કોઈ લેખિત ભાષા ન હતી, તેથી પોતાનો ઇતિહાસ અને રિવાજો વર્ણવવા માટે ગીતો અને મંત્રોચ્ચારનો ઉપયોગ કરવામાં આવતો. એ મંત્રોચ્ચાર અને ગીતોની સાથે, કમર, હાથ અને પગની હિલચાલ, તેમ જ ચહેરાના હાવભાવવાળું હુલા કરવામાં આવતું.

કેપ્ટન કૂક તથા તેના માણસો ૧૭૭૮માં આવ્યા એ અગાઉની હુલા સાથે સંકળાયેલી કોઈ પણ બાબતની નોંધ રજૂ કરવી શક્ય નથી. આજે જાણીતું છે એ મોટે ભાગે ૧૯મી સદીના પાછલા ભાગના આચરણો, ગીતો, તથા મંત્રોચ્ચાર પર આધારિત છે.

પ્રથમ હુલા પવિત્ર વિધિઓ હોય શકે. તોપણ બધા હુલા ઉપાસનાનું કૃત્ય કે ધાર્મિક પૂજાનો એક ભાગ હતા એવું માનવામાં આવતું નથી.

મિશનરીઓની અસર

હુલા ૧૮મી તથા ૧૯મી સદીઓમાં મુલાકાતી વહાણો પર આવતા અન્વેષકો તથા ખલાસીઓ માટે રજૂ કરવામાં આવતું. એ પૈસા ચૂકવતા ગ્રાહકો હુલા જાતીયતાથી ભરપૂર હોય એમ ઇચ્છતા હોય એ શક્ય છે.

મિશનરીઓ ૧૮૨૦માં આવ્યા ત્યારે, તેઓ પાસે હુલાને દોષિત ઠરાવવા મજબૂત કારણ હતું. મિશનરીઓએ મુખીઓની બહાલી મેળવ્યા પછી હુલા પર અસંસ્કારી તથા હલકટ—અને ડેવિલના કૃત્ય—હોવા તરીકે પ્રહાર કર્યો. અરે એથી પણ પહેલાં, ૧૮૧૯માં રાજા કામેહામેહા ૧ની વિધવા, રાણી રીજેન્ટ કાહુમાનુ, પ્રાચીન ધાર્મિક રિવાજોમાં પરિવર્તન લાવી. એમાં મૂર્તિઓને તોડી પાડવાનો તથા અટપટી વિધિઓ નાબૂદ કરવાનો સમાવેશ થયો. અગણિત નૃત્યો તથા મંત્રોચ્ચાર પણ હંમેશ માટે નાબૂદ થયાં.

કાહુમાનુને ૧૮૨૫માં ચર્ચમાં સ્વીકારવામાં આવી. તેણે ૧૮૩૦માં જાહેરમાં હુલા કરવા પર પ્રતિબંધ મૂકતું ફરમાન બહાર પાડ્યું. તેનું ૧૮૩૨માં મૃત્યુ થયા પછી, કેટલાક મુખીઓએ એ ફરમાન અવગણ્યું. બેએક વર્ષો માટે, યુવાન રાજા કામેહામેહા ૩ તથા તેના સંગાથીઓએ નૈતિક નિયંત્રણની ખુલ્લેઆમ ઉપેક્ષા કરી ત્યારે, હુલા ટૂંકા ગાળામાં જ ફરી એક વાર લોકપ્રિય બન્યું. પરંતુ રાજાએ ૧૮૩૫માં સ્વીકાર્યું કે પોતાનો માર્ગ ખોટો હતો, અને રાજ્ય કેલ્વીનવાદીઓની સત્તા હેઠળ પાછું આવ્યું.

હુલાનું પુન:પ્રચલિત થવું

કાલાકૌઆ રાજાના શાસન (૧૮૭૪-૯૧) દરમ્યાન, જાહેરમાં હુલા કરવાની પૂર્ણ પુન:સ્વીકૃતિ સાથે એને ફરીથી જીવન મળ્યું. તેના ૧૮૮૩માં રાજ્યાભિષેક માટે, મહિનાઓની તાલીમ તથા ઉત્તેજના ઘણાં મંત્રોચ્ચાર તથા હુલાની જાહેરમાં રજૂઆતથી પરાકાષ્ઠાએ પહોંચ્યાં, જેમાંનાં કેટલાંક હુલા ખાસ કરીને એ પ્રસંગ માટે લખવામાં આવ્યાં હતાં. તેનું ૧૮૯૧માં મરણ થયું ત્યાં સુધીમાં, હુલા પગ મૂકવાની ઢબોમાંથી તથા શરીરની હિલચાલના ઘણા બદલાણોમાંથી પસાર થઈ ચૂક્યું હતું અને યુકુલેલી, ગિટાર, અને વાયોલિન જેવાં વાજીંત્રોના ઉપયોગનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો.

રાજાશાહીનો ૧૮૯૩માં અંત આવ્યા પછી, હુલાની ફરીથી પડતી થઈ. જોકે, વીસમી સદીના મધ્ય ભાગ સુધીમાં, એ ફાલી રહ્યું હતું. વિવિધ પ્રેક્ષકવર્ગને વધુ આકર્ષવા, ઘણી નવી બાબતો ઉમેરવામાં આવી. ઘણા લોકો હવાઈની ભાષા સમજી શકતા ન હોવાથી, અંગ્રેજી શબ્દો વાપરવામાં આવ્યા. આધુનિક હુલા ખુદ નૃત્યને વધુ મહત્ત્વ આપે છે—હાથ અને પગની હિલચાલ, કમર લચકાવવી, અને ચહેરાના હાવભાવ કરવા.

ટાપુની મુલાકાત લેનારાઓની સંખ્યા વધી તેમ, હુલા વધુ ને વધુ લોકપ્રિય બન્યું. ઉત્તર અમેરિકાના મુસાફરો પોતે શીખ્યા હતા એ નૃત્ય પોતાની સાથે લઈ ગયા અને હોલીવૂડની ફિલ્મોમાં બિનહવાઈયન નૃત્યકારો દ્વારા એ રજૂ કરવાનું શરૂ કર્યું. વર્ષ ૧૯૩૫માં મિની માઉસે મિકી માટે હુલા કર્યું, જેણે પોતાનું સ્ટીલનું ગિટાર વગાડ્યું.

આજનું હુલા

વર્ષ ૧૯૭૦ના દાયકામાં “હવાઈયન પુન:જાગૃતિના યુગ” સાથે, જૂના હુલાના રૂપોને પુન:પ્રચલિત કરવા ભજનકારો, નૃત્યકારો, અને પ્રવીણ શિક્ષકોનું જ્ઞાન પાયારૂપ બન્યું. આજે પ્રવીણ હુલા કરનારાઓ છે જેઓ જૂના નૃત્યોનું પુનરુત્પાદન કરે છે અને એવાઓ પણ છે જેઓ નવા નૃત્યો ઉત્પન્‍ન કરે છે. કોઈ પણ કિસ્સામાં, તેઓના પ્રયત્નો ભવ્ય અને કુતૂહલજનક પ્રદર્શનમાં પરિણમ્યા છે.

ઘણા હવાઈયન દેવો સાથેનો આત્મિક સંબંધ આધુનિક સમયોમાં કેટલેક અંશે ઊતરી આવ્યો છે. દર વર્ષે હુલા નૃત્યકારોના વૃંદો હવાઈના હિલોમાં યોજાતો મેરી મોનાર્કનો ઉત્સવ શરૂ થતાં પહેલાં, પેલે (દેવી)ની અગ્‍નિની ખાણે કે લાવારસ વહેતા નવા સ્થળોએ યાત્રાએ જાય છે. તેઓ મંત્રોચ્ચાર કરે છે, નૃત્ય કરે છે, અને ફૂલો, બેરીઓ, તથા જીનનું અર્પણ ચઢાવે છે તથા સ્પર્ધામાં પોતાના પ્રયત્ન પર દેવીનો આશીર્વાદ માગે છે. હુલાની ઓલિમ્પિક ગણાતી એ ત્રણ રાતની સ્પર્ધામાં જગત ફરતેથી આવેલા વૃંદો ભાગ લે છે.

હુલા હવાઈમાં સાંસ્કૃતિક પુન:જાગૃતિનો એક વિશાળ ભાગ બન્યું છે. એમાં દેવદેવીઓને ભક્તિભાવ આપતા મંત્રોચ્ચાર સાથે કરવામાં આવતા ગંભીર નૃત્યો ઉપરાંત ટાપુ પરના રોજિંદા જીવનની સાદી રજૂઆતોનો સમાવેશ થાય છે, જેઓનો કોઈ ધાર્મિક અર્થ હોતો નથી.

ખ્રિસ્તીઓએ નૃત્ય કરવામાં તથા અમુક હુલા જોવામાં ખુબ જ પસંદગી કરનાર બનવું જોઈએ. તેઓએ ખાતરી કરવાની જરૂર છે કે તેઓ અજાણતાથી કોઈ દેવદેવીને પૂજ્યભાવ આપી રહ્યા નથી. ગીતો અથવા મંત્રોચ્ચાર કરતી કે સાંભળતી વખતે પણ કાળજી રાખવાની જરૂર છે. એમાંના ઘણામાં છૂપા કે દ્વિઅર્થી શબ્દો સમાએલા હોય છે. એ ધ્યાનમાં રાખવામાં આવે તો, પ્રેક્ષક કે ભાગ લેનારી વ્યક્તિ મનોરંજનના આરોગ્યપ્રદ રૂપ તરીકે હુલાનો આનંદ માણી શકે છે. (g95 12/8)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો