એફેસીઓ
૩ એ કારણે, હું પાઊલ બીજી પ્રજાઓને મદદ કરવા ખ્રિસ્ત ઈસુને લીધે કેદી છું.* ૨ તમે જરૂર સાંભળ્યું હશે કે તમારા માટે ઈશ્વરની અપાર કૃપાનો કારભાર મને સોંપવામાં આવ્યો છે ૩ અને પવિત્ર રહસ્ય મને પ્રગટ કરવામાં આવ્યું છે, જેના વિશે મેં તમને અગાઉ ટૂંકમાં લખ્યું હતું. ૪ તેથી, તમે આ વાંચશો ત્યારે ખ્રિસ્તના પવિત્ર રહસ્યની મારી સમજણ વિશે તમને ખબર પડશે. ૫ જેમ હમણાં તેમના પવિત્ર પ્રેરિતોને અને પ્રબોધકોને તેમની શક્તિ દ્વારા આ રહસ્ય જણાવવામાં આવ્યું છે, તેમ અગાઉની પેઢીઓમાં માણસોને જણાવવામાં આવ્યું ન હતું. ૬ એ રહસ્ય આ છે: બીજી પ્રજાના લોકો ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં હોવાને લીધે અને ખુશખબરને લીધે વારસાના ભાગીદાર, એક જ શરીરના અવયવો અને અમારી સાથે ઈશ્વરના વચનના સહભાગી બને. ૭ ઈશ્વરની અપાર કૃપાની ભેટથી હું એ પવિત્ર રહસ્યનો સેવક બન્યો છું. એ ભેટ મને તેમની શક્તિ દ્વારા મળી છે.
૮ સર્વ પવિત્ર જનોમાં સૌથી નાનામાં નાનો હોવા છતાં, મને એ અપાર કૃપા આપવામાં આવી, જેથી ખ્રિસ્તની અખૂટ સંપત્તિની ખુશખબર હું બીજી પ્રજાઓને જાહેર કરું; ૯ અને બધું ઉત્પન્ન કરનાર ઈશ્વર પોતાનામાં યુગોના યુગોથી છુપાયેલું પવિત્ર રહસ્ય કઈ રીતે અમલમાં લાવે છે, એ જોવા લોકોને મદદ કરું. ૧૦ એવું એટલા માટે થયું, જેથી હમણાં મંડળ દ્વારા સ્વર્ગની સરકારોને અને સત્તાઓને ઈશ્વરના જ્ઞાનનાં જુદાં જુદાં પાસાં વિશે જણાવવામાં આવે. ૧૧ યુગોના યુગોથી તેમણે ઘડેલા હેતુ પ્રમાણે આ થયું, જે હેતુ આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુ વિશે છે. ૧૨ તેમના દ્વારા આપણે સંકોચ વિના બોલી શકીએ છીએ અને તેમના પરની આપણી શ્રદ્ધાને લીધે અચકાયા વગર ઈશ્વરની પાસે જઈ શકીએ છીએ. ૧૩ તેથી, હું વિનંતી કરું છું કે તમારા લીધે હું સંકટો સહન કરું છું એનાથી તમે નિરાશ ન થતા, કેમ કે એ તમારા માટે ગૌરવ છે.
૧૪ આ કારણે હું પિતા આગળ ઘૂંટણે પડું છું, ૧૫ જેમના લીધે સ્વર્ગમાં અને પૃથ્વી પર દરેક કુટુંબને નામ મળ્યું છે. ૧૬ હું પ્રાર્થના કરું છું કે તે પોતાના ભરપૂર મહિમાથી પવિત્ર શક્તિ દ્વારા તમને એવું બળ આપે, જેનાથી તમારું મન અને દિલ શક્તિશાળી થાય ૧૭ અને તમારી શ્રદ્ધાને લીધે પ્રેમથી ભરેલા તમારા દિલમાં ખ્રિસ્ત વસે. હું એવી પણ પ્રાર્થના કરું છું કે તમે દૃઢ થાઓ અને શ્રદ્ધાના પાયાને વળગી રહો, ૧૮ જેથી તમે સર્વ પવિત્ર જનો સાથે સત્યની પહોળાઈ અને લંબાઈ અને ઊંચાઈ અને ઊંડાઈ પૂરી રીતે સમજી શકો; ૧૯ અને તમે ખ્રિસ્તનો પ્રેમ જાણી શકો જે જ્ઞાન કરતાં ચઢિયાતો છે, જેથી ઈશ્વર આપે છે એ ગુણોથી તમે ભરપૂર થાઓ.
૨૦ જેમની શક્તિ આપણામાં કામ કરે છે એ ઈશ્વર, આપણે માંગીએ કે કલ્પના કરીએ એના કરતાં અનેક ગણું વધારે કરી શકે છે. ૨૧ એટલે, મંડળ દ્વારા અને ખ્રિસ્ત ઈસુ દ્વારા પેઢી દર પેઢી હંમેશાં માટે તેમનો મહિમા થાઓ. આમેન.