આનો રચનાર કોણ?
પાણીમાં રહેતા છીપલાંનાં (લિંપેટના) દાંતની રચના
પાણીમાં રહેતું લિંપેટ, દરિયાઈ ગોકળગાય જેવું હોય છે. એનાં પર શંકુ આકારનું કવચ હોય છે. એનાં દાંતની મજબૂતી નવાઈ પમાડે એવી હોય છે. આ દાંત ગોથાઈટ નામના મજબૂત ખનીજનાં પાતળા રેસાથી બન્યા હોય છે. એ રેસા એકબીજા સાથે ગુંથાયેલા હોય છે. આ દાંતની ઉપર પ્રોટીનનું નરમ પડ હોય છે.
જાણવા જેવું: લિંપેટના મોંમાં જીભ જેવો ભાગ હોય છે, જેને રાડુલા કહે છે. રાડુલાની ચારેબાજુ વાંકાચૂકા દાંતોની લાઇન હોય છે. દરેક દાંત એક મિલીમીટરથી પણ નાનો હોય છે. લિંપેટ પોતાના દાંતનો ઉપયોગ ખોતરવા માટે કરે છે. એનાં દાંત એટલા મજબૂત હોય છે કે, એ પાણીમાં રહેલા પથ્થરોમાંથી શેવાળ (દરિયાઈ વનસ્પતિ) ખોતરીને ખાય શકે છે.
સંશોધકો અણુ બળ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને જોઈ શક્યા કે, લિંપેટના દાંત કેટલા મજબૂત હોય છે. તેઓને જોવા મળ્યું છે કે, લિંપેટના દાંતમાં એટલી જબરજસ્ત તાકાત હોય છે, જે આજ સુધી બીજા કોઈ પણ જીવિત પ્રાણીમાં જોવા મળી નથી. અરે, એમાં કરોળિયાના રેસા કરતાં પણ વધારે તાકાત હોય છે. મુખ્ય સંશોધક કહે છે: “લિંપેટના દાંત જે રીતે બનાવવામાં આવ્યા છે, એની નકલ કરીને આપણે પણ મજબૂત અને ટકાઉ વસ્તુઓ બનાવી શકીએ છીએ.”
સંશોધકોનું માનવું છે કે લિંપેટના દાંત જે પદાર્થથી બન્યા હોય છે, એના જેવા કૃત્રિમ પદાર્થોનો ઉપયોગ કરીને આપણે ઘણી વસ્તુઓ બનાવી શકીએ છીએ. દાખલા તરીકે, ગાડી, બૉટ, વિમાન અને નકલી દાંત જેવી વસ્તુઓ પણ બનાવી શકીએ છીએ.
તમને શું લાગે છે? લિંપેટના અદ્ભુત દાંત શું પોતાની મેળે આવી ગયા કે પછી એનો કોઈ રચનાર છે?