યુવાનો પૂછે છે
ઓનલાઇન ફોટો શેર કરવા વિશે મને શું ખબર હોવી જોઈએ?
તમે વૅકેશનમાં ઘણી મજા કરી રહ્યા છો અને એ વિશે તમારા દોસ્તોને જણાવવા માંગો છો. તમે શું કરશો?
(ક) દરેકને પોસ્ટકાર્ડ લખશો?
(ખ) બધા દોસ્તોને ઈ-મેઈલ કરશો?
(ગ) ઓનલાઇન ફોટા પોસ્ટ કરશો?
જ્યારે તમારાં દાદા-દાદી તમારી ઉંમરના હતા, ત્યારે તેઓએ કદાચ પહેલી રીત પસંદ કરી હશે.
જ્યારે તમારાં મમ્મી-પપ્પા તમારી ઉંમરના હતા, ત્યારે તેઓએ કદાચ બીજી રીત પસંદ કરી હશે.
આજે ઘણા યુવાનો ત્રીજી રીત, એટલે કે ઓનલાઇન ફોટા પોસ્ટ કરવાની રીત પસંદ કરે છે. શું તમે પણ એ જ કરો છો? જો હા, તો આ લેખમાં તમને જાણવા મળશે કે ફોટા પોસ્ટ કરતી વખતે તમે કયાં જોખમોથી બચી શકો.
ફોટા પોસ્ટ કરવાથી શું ફાયદા થાય છે?
તમે તરત ફોટા શેર કરી શકો છો. “હું દોસ્તો સાથે મજા કરતી હોઉં છું, એ જ સમયે હું ફોટા શેર કરી શકું છું.”—મેલીની.
તમે સહેલાઈથી બીજાઓ વિશે જાણી શકો છો. “મારા દોસ્તોના જીવનમાં શું ચાલી રહ્યું છે, એ જાણવા તેઓને મૅસેજ કરવાને બદલે તેઓએ પોસ્ટ કરેલા ફોટા જોવા વધારે સહેલું છે.”—જોર્ડન.
તમે તેઓની નજીક રહી શકો છો. “મારા અમુક દોસ્તો અને કુટુંબના લોકો મારાથી ઘણા દૂર રહે છે. પણ તેઓએ પોસ્ટ કરેલા ફોટા જોઉં છું ત્યારે, મને લાગે છે કે જાણે હું તેઓની સાથે જ છું.”—કેરન.
ફોટા પોસ્ટ કરવાથી શું નુકસાન થાય છે?
તમારી સુરક્ષા ખતરામાં પડી શકે છે. જો તમારા પોસ્ટ કરેલા ફોટાથી ખબર પડે કે તમે ક્યાં છો, તો તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો. એક વેબસાઇટ જણાવે છે કે, “જો આપણા પોસ્ટ કરેલા ફોટા કે વીડિયોથી ખબર પડે કે આપણે કયા સમયે ક્યાં છીએ, તો અજાણ્યા લોકો ઇન્ટરનેટ દ્વારા આપણી પર નજર રાખી શકે છે. અરે, આપણને નુકસાન પણ કરી શકે છે.”
ખાસ કરીને ચોરી અને લૂંટ કરનારા લોકો, આવી માહિતી શોધતા રહેતા હોય છે. એક સત્ય ઘટના પર ધ્યાન આપો. એકવાર ત્રણ ચોરોએ ૧૮ ઘરોમાંથી ૭૦ લાખથી પણ વધારે રૂપિયાનો સામાન લૂંટી લીધો હતો. તેઓએ કઈ રીતે જાણ્યું હશે કે ઘરમાં કોઈ નથી? ચોરોએ એ ઘરના લોકોની ઓનલાઇન પોસ્ટ દ્વારા તેઓ પર નજર રાખી હતી.
ખરાબ બાબતો તમારી સામે આવી શકે છે. અમુક લોકોને કોઈ ફરક પડતો નથી કે તેઓ શું પોસ્ટ કરી રહ્યા છે. સારા નામની છોકરી કહે છે: “કોઈ અજાણ્યા વ્યક્તિની પોસ્ટ જોવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. એ તો અજાણ્યા શહેરમાં નકશા વગર ફરવા જેવું છે. તમે એવી જગ્યાએ પહોંચી જઈ શકો, જ્યાં તમે ક્યારેય જવા નહિ માંગો.”
તમારો સમય બરબાદ થઈ શકે છે. યોલાન્દા નામની છોકરી કહે છે: “લોકોની નવી નવી પોસ્ટ જોવામાં અને કોમેન્ટ વાંચવામાં ઘણો સમય બરબાદ થઈ શકે છે. તમને દર સેકંડે ફોન જોવાની લત પણ લાગી શકે છે.”
જો તમારું ફોટો શેરીંગ એકાઉન્ટ હોય, તો પોતાના પર કાબૂ રાખતા શીખો
સાંમથા પણ એવું જ વિચારે છે. તે કહે છે: “હું પહેલેથી નક્કી કરું છું કે, કેટલા સમય સુધી ઓનલાઇન રહીશ. જો તમે પણ ફોટો શેરીંગ એકાઉન્ટ બનાવવાના હોવ, તો પોતાના પર કાબૂ રાખતા શીખો.”
તમે શું કરી શકો?
ખરાબ બાબતો જોવાનું ટાળો. બાઇબલમાં એક ઈશ્વરભક્તે લખ્યું છે: “હું કોઈ નકામી ચીજો તરફ નજર નહિ કરું”—ગીતશાસ્ત્ર ૧૦૧:૩.
“હું હંમેશાં મારા દોસ્તોની પોસ્ટ જોઉં છું. જો તેઓની પોસ્ટમાં ખરાબ બાબતો જોવા મળે, તો હું તેઓને અનફોલો કરી દઉં છું.”—સ્ટીવન.
એવા લોકોની દોસ્તી ન કરો, જેઓનાં વાણી-વર્તન તમારી સાથે મેળ ખાતા ન હોય. તેઓ તમારા સારા સંસ્કાર બગાડી શકે છે. બાઇબલમાં જણાવ્યું છે: “છેતરાશો નહિ. ખરાબ સંગત સારી આદતોને બગાડે છે.”—૧ કોરીંથીઓ ૧૫:૩૩. ફૂટનોટ.
“ફોટા વિશે ચાલી રહેલા દુનિયાનાં વલણથી દૂર રહો. નહિ તો તમે પણ ગાળો બોલવા કે ગંદા ચિત્રો જોવા લાગી શકો. અરે, બીજાં ખોટાં કામોમાં પણ ફસાઈ શકો છો.”—જેસિકા.
નક્કી કરો કે તમે કેટલા સમય સુધી ઇન્ટરનેટ વાપરશો અને ક્યારે ક્યારે ફોટો પોસ્ટ કરશો. બાઇબલમાં લખ્યું છે: “તમે પોતાના પર કડક નજર રાખો, જેથી તમે મૂર્ખની જેમ નહિ, પણ સમજુ માણસની જેમ ચાલો. તમારા સમયનો સૌથી સારો ઉપયોગ કરો.”—એફેસીઓ ૫:૧૫, ૧૬.
“મેં એવા લોકોની પોસ્ટ જોવાનું બંધ કરી દીધું છે, જેઓ એક જ ફોટો વારંવાર પોસ્ટ કરે છે. જેમ કે, કોઈ દરિયા કિનારે ફરવા ગયું હોય અને એક જ છીપલાના ૨૦ ફોટા પોસ્ટ કરી દે. એ બધા ફોટા જોવામાં ઘણો સમય બરબાદ થઈ જતો હતો.”—રિબકા.
પોતાના જ ફોટા પોસ્ટ ન કર્યા કરો. એવું ન વિચારશો કે તમારા દોસ્તોને તમારા વિશે જાણવાની ખૂબ તાલાવેલી છે અથવા તેઓ તમને જોવા તરસે છે. બાઇબલના એક લેખક પાઉલે લખ્યું: “હું તમને બધાને કહું છું કે પોતે કંઈક છો એમ ન વિચારો”—રોમનો ૧૨:૩.
“અમુક લોકો વારંવાર સેલ્ફી પોસ્ટ કરતા હોય છે. જો કોઈ છોકરી મારી ફ્રેન્ડ હોય, તો મને ખબર છે કે તે કેવી દેખાય છે. મારે વારંવાર યાદ કરવાની જરૂર નથી”—એલિસન.