શું યહોવાના સાક્ષીઓ બીજા ધર્મના લોકો સાથે મળીને ભક્તિ કરે છે?
યહોવાના સાક્ષીઓ તરીકે અમે બધા ધર્મના લોકો સાથે ઈશ્વર વિશે તેઓ જે માને છે, એ વિશે વાત કરીએ છીએ. પણ બીજા ધર્મના લોકો સાથે ભેગા થઈને ભક્તિ કરવાની વાત આવે તો અમે એવું નથી કરતા. બાઇબલમાં જણાવ્યું છે કે જેઓ સાચે જ ઈસુના પગલે ચાલે છે, તેઓ વચ્ચે “એકતા” છે. એ એકતા તેઓની શ્રદ્ધામાં પણ જોવા મળે છે. (એફેસીઓ ૪:૧૬; ૧ કોરીંથીઓ ૧:૧૦; ફિલિપીઓ ૨:૨) એ એકતામાં પ્રેમ, કૃપા અને દયા જેવા ગુણો હોય એટલું જ પૂરતું નથી. અમે બાઇબલમાંથી જે શીખીએ છીએ એ પાળીએ છીએ. એના વગર તો અમારી શ્રદ્ધા અધૂરી કહેવાશે.—રોમનો ૧૦:૨, ૩.
બાઇબલમાં જણાવ્યું છે કે બીજા ધર્મના લોકો સાથે ભેગા મળીને ભક્તિ કરવી એ તો અસમાન ઝૂંસરી સાથે બંધાવા જેવું છે. એનાથી શ્રદ્ધા નબળી પડી શકે છે. (૨ કોરીંથીઓ ૬:૧૪-૧૭) એટલે જ ઈસુએ પોતાના શિષ્યોને બીજા ધર્મના લોકો સાથે ભેગા મળીને ભક્તિ કરવાની ના પાડી છે. (માથ્થી ૧૨:૩૦; યોહાન ૧૪:૬) એવી જ રીતે ઈશ્વરે મુસા દ્વારા ઇઝરાયેલીઓને આજ્ઞા આપી હતી, કે તેઓ પોતાની આસપાસના લોકો સાથે મળીને ભક્તિ ન કરે. (નિર્ગમન ૩૪:૧૧-૧૪) એકવાર બીજા ધર્મના લોકોએ ઇઝરાયેલીઓને કહ્યું કે તેઓ ઇઝરાયેલીઓને મદદ કરવા માંગે છે. પણ એ વફાદાર ઇઝરાયેલીઓએ તેઓની મદદ લેવાની સાફ ના પાડી. કેમ કે એ મદદ લેવી એક રીતે ધર્મમાં ભેળસેળ કરવા જેવું થઈ જાત.—એઝરા ૪:૧-૩.
શું યહોવાના સાક્ષીઓ બીજા ધર્મના લોકો સાથે જરાય વાતચીત નથી કરતા?
ના એવું નથી. ઈસુના એક શિષ્ય પ્રેરિત પાઉલની જેમ અમને પણ “બની શકે એટલા લોકો” સાથે તેઓના વિચારો અને ધાર્મિક માન્યતાઓ વિશે વાત કરવી ગમે છે. (૧ કોરીંથીઓ ૯:૧૯-૨૨) વાતચીત કરતી વખતે અમે બાઇબલની સલાહ લાગુ પાડીએ છીએ અને “પૂરા આદર” સાથે વાત કરીએ છીએ.—૧ પિતર ૩:૧૫.