જુઓ, શું બની રહ્યું છે!
યુક્રેઇનના યુદ્ધમાં ધર્મોનો હાથ—બાઇબલ શું કહે છે?
આ અહેવાલ જણાવે છે કે યુક્રેઇનમાં થઈ રહેલા યુદ્ધ વિશે જાણીતા ધર્મગુરુઓએ શું કહ્યું:
‘પેટ્રીઆર્ક કીરીલ રશિયન ઑર્થોડૉક્સ ચર્ચના આગેવાન છે. તેમણે રશિયાએ કરેલા હુમલા વિશે એક શબ્દ પણ કહ્યો નથી. તેમના ચર્ચે યુક્રેઇન વિરુદ્ધ જૂઠી અફવાઓની ઝુંબેશ ચલાવી છે. પુતિન એ અફવાઓને સાચી ઠરાવીને યુદ્ધ કરવાના નિર્ણયને યોગ્ય ગણાવે છે.’—ઈયુઓબ્ઝર્વર, ૭ માર્ચ, ૨૦૨૨.
‘પેટ્રીઆર્ક કીરીલે યુક્રેઇન પર થયેલા હુમલા વિશે કહ્યું કે એ તો જાણે આપણા અંદરના પાપ સામે લડવા જેવું છે. એમ કહીને તેમણે રશિયાના હુમલાને યોગ્ય ઠરાવ્યો.’—એપી ન્યૂઝ, ૮ માર્ચ, ૨૦૨૨.
‘મેટ્રોપોલિટન એપીફેનીઅસ પહેલા, જે યુક્રેઇનના કિવ શહેરના ઓર્થોડોક્સ ચર્ચના આગેવાન છે. તેમણે પોતાના દેશના લોકોને “રશિયાના હુમલાખોરો સામે લડવા” આશીર્વાદ આપ્યા. તેમણે જણાવ્યું કે રશિયાના સૈનિકોની કતલ કરવી એ પાપ નથી.’—જેરુશલેમ પોસ્ટ, ૧૬ માર્ચ, ૨૦૨૨.
‘અમે [ધ યુ.સી.સી.આર.ઓ.] યુક્રેઇનની સેના અને અમારી સાથે લડનારા બધાને ટેકો આપીએ છીએ. યુક્રેઇનના બચાવ માટે લડનારા બધાને અમે આશીર્વાદ આપીએ છીએ. અમે તેઓ માટે પ્રાર્થના કરીએ છીએ.’ —યુ.સી.સી.આર.ઓ.a સ્ટેટમેન્ટ, ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨.
તમને શું લાગે છે? જે ધર્મ ઈસુને પગલે ચાલવાનો દાવો કરે છે, શું તેણે પોતાના લોકોને યુદ્ધમાં ભાગ લેવા ઉત્તેજન આપવું જોઈએ? એ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?
યુદ્ધમાં ધર્મોએ આપેલો ટેકો
ધર્મો શાંતિના પાઠ શીખવે છે. પણ ઇતિહાસ પુરાવો આપે છે કે ધર્મોને યુદ્ધમાં કંઈ ખોટું નથી દેખાતું, અરે એને ખરું ઠરાવવાનો પ્રયત્ન કર્યો છે. લોકોને યુદ્ધમાં જવા ઉત્તેજન પણ આપે છે. વર્ષોથી યહોવાના સાક્ષીઓએ ધર્મના આગેવાનોનો આ ઢોંગ ખુલ્લો પાડ્યો છે. અમારા સાહિત્યમાં બહાર પાડેલા એવા અમુક લેખો જુઓ:
“ધ ક્રુસેડ્સ—અ ‘ટ્રેજીક ઈલ્યુઝન’” લેખમાં જણાવ્યું છે કે ઈશ્વર અને ખ્રિસ્તના નામે ભારે કતલ થઈ. એ માટે રોમન કૅથલિક ચર્ચ જવાબદાર હતું.
“ધ કેથલિક ચર્ચ ઈન આફ્રિકા” લેખમાં જણાવ્યું છે કે ધર્મના આગેવાનો બે જાતિઓ વચ્ચે થયેલી હિંસાને રોકી ન શક્યા. એટલે સુધી કે આખેઆખી જાતિને મિટાવી દેવાનો પ્રયત્ન થયો ત્યારે તેઓએ એ રોકવા કંઈ કર્યું નહિ.
“ઈઝ રીલિજન ટુ બ્લેમ?”, “રીલિજનસ રોલ ઇન મેન્સ વોર્સ,” અને “રીલિજન ટેક્સ સાઇડ્સ” લેખોમાં કૅથલિક, ઑર્થોડૉક્સ અને પ્રોટેસ્ટંટ ધર્મના પાદરીઓના ઢોંગ ખુલ્લા પાડ્યા છે. એમાં જણાવ્યું છે કે જ્યારે બે દેશો વચ્ચે યુદ્ધ થયા ત્યારે કઈ રીતે એ પાદરીઓએ બીજા દેશમાં રહેતા પોતાના જ લોકો વિરુદ્ધ યુદ્ધ કરવા ઉત્તેજન આપ્યું.
શું ખ્રિસ્તી ધર્મોએ યુદ્ધને ટેકો આપવો જોઈએ?
ઈસુએ શું શીખવ્યું હતું: “તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખ.” (માથ્થી ૨૨:૩૯) “તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો.”—માથ્થી ૫:૪૪-૪૭.
વિચારો: ઈસુએ લોકોને પ્રેમ કરવાની આજ્ઞા આપી છે. એક બાજુ ખ્રિસ્તી ધર્મગુરુઓ એ આજ્ઞા પાળવાનો દાવો કરે અને બીજી બાજુ લોકોને યુદ્ધમાં મારી નાખવા ઉશ્કેરે, શું એ યોગ્ય કહેવાય? એનો જવાબ મેળવવા આ લેખો વાંચો: “ટ્રુ ક્રિશ્ચિયનસ એન્ડ વૉર” અને “શું દુશ્મન પર પ્રેમ રાખવો શક્ય છે?”
ઈસુએ શું શીખવ્યું હતું: “મારું રાજ્ય આ દુનિયાનું નથી. જો મારું રાજ્ય આ દુનિયાનું હોત તો મારા સેવકો લડ્યા હોત.” (યોહાન ૧૮:૩૬) “જેઓ તલવાર ઉઠાવે છે તેઓ તલવારથી નાશ પામશે.”—માથ્થી ૨૬:૪૭-૫૨.
વિચારો: જો ઈસુને બચાવવા ખ્રિસ્તીઓએ લડવાનું ન હતું, તો શું તેઓએ બીજાં કોઈ કારણને લીધે હથિયાર ઉઠાવવા જોઈએ? પહેલાના સમયના ખ્રિસ્તીઓ ઈસુના પગલે ચાલ્યા અને ક્યારેય યુદ્ધમાં ભાગ લીધો નહિ. એ વિશે જાણવા આ લેખ વાંચો: “ઈઝ વૉર કંપેટીબલ વીથ ક્રિશ્ચિઆનીટી?”
જે ધર્મો યુદ્ધ કરવા ઉત્તેજન આપે છે, તેઓનું શું થશે?
બાઇબલમાં જણાવ્યું છે કે ઈશ્વર એવા બધા ધર્મોને નકારે છે, જે ઈસુની આજ્ઞા પાળવાનો દાવો કરે છે પણ તેમનાં શિક્ષણ પ્રમાણે ચાલતા નથી.—માથ્થી ૭:૨૧-૨૩; તિતસ ૧:૧૬.
બાઇબલના પ્રકટીકરણના પુસ્તકમાં જણાવ્યું છે કે ‘પૃથ્વી પર જેઓને મારી નાખવામાં આવ્યા હતા,’ તેઓ માટે ઈશ્વર એવા ધર્મોને જવાબદાર ગણે છે. (પ્રકટીકરણ ૧૮:૨૧, ૨૪) એ વિશે વધારે જાણવા “વૉટ ઈઝ બેબીલોન ધ ગ્રેટ?” લેખ વાંચો.
ઈસુએ ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે જેમ એક ઝાડ સારાં ફળ આપતું ન હોય, “એ કપાય છે અને આગમાં નંખાય છે.” (માથ્થી ૭:૧૫-૨૦) એવી જ રીતે ઈશ્વર ખરાબ કામો કરતા બધા ધર્મોનો નકાર કરશે અને છેવટે તેનો નાશ કરશે. એવું કઈ રીતે થશે એ વિશે જાણવા આ લેખ વાંચો, “ધર્મને નામે ધતિંગ ક્યાં સુધી ચાલશે?”
Photo credits, left to right: Photo by Sefa Karacan/Anadolu Agency/Getty Images; Maxym Marusenko/NurPhoto via Getty Images
a યુ.સી.સી.આર.ઓનું આખું નામ યુક્રેનીઅન કાઉન્સિલ ઓફ ચર્ચીસ એન્ડ રિલીજીઅસ ઓર્ગેનાઈઝેશન્સ છે. આ ધાર્મિક સંગઠનમાં ૧૫ ચર્ચો છે. જેમ કે, ઑર્થોડૉક્સ, ગ્રીક અને રોમન કેથલિક, પ્રોટેસ્ટંટ અને ઈવેન્જેલિકલ ડિનોમિનેશન્સ. એની સાથે સાથે યહૂદી અને મુસ્લિમ ધર્મોનો પણ સમાવેશ છે.