અભ્યાસ લેખ ૨૪
ગીત ૩૭ ઈશ્વરના બોલ મને દોરે
યાકૂબની ભવિષ્યવાણીમાંથી શીખીએ—ભાગ ૧
“તમે બધા મારી પાસે આવો, જેથી હું તમને જણાવું કે ભાવિમાં તમારા પર શું વીતશે.”—ઉત. ૪૯:૧.
આપણે શું શીખીશું?
યાકૂબે રૂબેન, શિમયોન, લેવી અને યહૂદા વિશે કરેલી ભવિષ્યવાણીમાંથી શીખીશું.
૧-૨. યાકૂબે પોતાના મરણ પહેલાં શું કર્યું અને કેમ? (ચિત્ર પણ જુઓ.)
ઘણી મોટી ઉંમરે યાકૂબે પોતાના કુટુંબકબીલા સાથે કનાનથી ઇજિપ્તની મુસાફરી કરી હતી. એ વાતને આશરે ૧૭ વર્ષ વીતી ગયાં છે અને તે વફાદારીથી યહોવાની ભક્તિ કરી રહ્યા છે. (ઉત. ૪૭:૨૮) એ સમયગાળામાં તેમને પોતાના વહાલા દીકરા યૂસફને મળીને ઘણી ખુશી મળી છે. વિખેરાઈ ગયેલું કુટુંબ આખરે એક થઈ ગયું છે. જોકે, યાકૂબને ખ્યાલ આવી જાય છે કે બહુ જલદી તેમનું મરણ થવાનું છે. એટલે તે એક મહત્ત્વની વાત જણાવવા પોતાના બધા દીકરાઓને બોલાવે છે.—ઉત. ૪૯:૨૮.
૨ એ જમાનામાં એ સામાન્ય હતું કે પિતા પોતાના મરણ પહેલાં કુટુંબીજનોને ભેગાં કરે, જેથી તેઓને અમુક સૂચનો આપી શકે. (યશા. ૩૮:૧) તે કદાચ એ પણ જણાવતા કે તેમના મરણ પછી કોણ કુટુંબની આગેવાની લેશે.
યાકૂબ મરણ પથારીએ છે અને પોતાના ૧૨ દીકરાઓ આગળ ભવિષ્યવાણી કરી રહ્યા છે (ફકરા ૧-૨ જુઓ)
૩. ઉત્પત્તિ ૪૯:૧, ૨માં જણાવ્યું છે તેમ યાકૂબના શબ્દો કેમ ખાસ છે?
૩ ઉત્પત્તિ ૪૯:૧, ૨ વાંચો. પણ યાકૂબ અને તેમના દીકરાઓનું ભેગું મળવું બહુ ખાસ હતું. યાકૂબ એક પ્રબોધક હતા. યહોવાની મદદથી યાકૂબે પોતાના દીકરાઓને અમુક મહત્ત્વના બનાવો વિશે જણાવ્યું, જે ભાવિમાં તેઓની અને તેઓના વંશજોની સાથે બનવાના હતા. એ કારણે યાકૂબે મરણ પથારીએ કહેલા શબ્દોને ભવિષ્યવાણી કહેવામાં આવે છે.
૪. આ લેખમાં શાની ચર્ચા કરીશું? (“યાકૂબનું કુટુંબ” બૉક્સ પણ જુઓ.)
૪ આ લેખમાં જોઈશું કે યાકૂબે રૂબેન, શિમયોન, લેવી અને યહૂદાને શું કહ્યું હતું. આવતા લેખમાં જોઈશું કે યાકૂબે પોતાના બાકીના આઠ દીકરાઓને શું કહ્યું હતું. આપણે જોઈ શકીશું કે યાકૂબે ફક્ત પોતાના દીકરાઓ વિશે જ નહિ, તેઓના વંશજો વિશે પણ ભવિષ્યવાણી કરી હતી. એ વંશજો સમય જતાં પ્રાચીન ઇઝરાયેલ રાષ્ટ્ર બનવાના હતા. એના ઇતિહાસ પર નજર કરવાથી આપણે સાફ જોઈ શકીશું કે યાકૂબની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ. એટલું જ નહિ, યાકૂબના શબ્દો પર ધ્યાન આપવાથી શીખી શકીશું કે સ્વર્ગમાંના પિતા યહોવાને ખુશ કરવા આપણે શું કરી શકીએ.
રૂબેન
૫. રૂબેનને પોતાના પિતા પાસેથી કઈ આશા હશે?
૫ યાકૂબે સૌથી પહેલા રૂબેન સાથે વાત કરી. તેમણે કહ્યું: “તું મારો પ્રથમ જન્મેલો દીકરો છે.” (ઉત. ૪૯:૩) પ્રથમ જન્મેલા દીકરા તરીકે રૂબેનને લાગ્યું હશે કે તેને પોતાના પિતાની સંપત્તિમાંથી બમણો ભાગ મળશે. તેને એવું પણ લાગ્યું હશે કે પિતાના મરણ પછી તે કુટુંબનો શિર બનશે અને સમય જતાં એ લહાવો તેના વંશજોને વારસામાં મળશે.
૬. રૂબેનને કેમ પ્રથમ જન્મેલા દીકરાનો હક ન મળ્યો? (ઉત્પત્તિ ૪૯:૩, ૪)
૬ પણ રૂબેનને પ્રથમ જન્મેલા દીકરાનો હક ન મળ્યો. (૧ કાળ. ૫:૧) શા માટે? કેમ કે યાકૂબની સૌથી વહાલી પત્ની રાહેલ મરણ પામી, એના થોડા જ સમય પછી રૂબેને બિલ્હાહ સાથે જાતીય સંબંધ બાંધ્યો હતો. બિલ્હાહ રાહેલની દાસી અને યાકૂબની ઉપપત્ની હતી. (ઉત. ૩૫:૧૯, ૨૨) તો પછી રૂબેને કેમ એવું કર્યું હશે? તે રાહેલની બહેન લેઆહનો દીકરો હતો. એટલે તેને કદાચ લાગ્યું હશે કે જો તે બિલ્હાહ સાથે સંબંધ બાંધશે, તો યાકૂબની નજરમાંથી બિલ્હાહ ઊતરી જશે અને યાકૂબ લેઆહને વધારે પ્રેમ કરવા લાગશે. અથવા બની શકે કે રૂબેનના મનમાં બિલ્હાહ માટે વાસના જાગી હશે અને તે પોતાની ઇચ્છાઓ પર કાબૂ રાખી શક્યો નહિ. ભલે ગમે એ કારણ હોય, પણ તેણે પોતાના કામથી યહોવાને અને પોતાના પિતાને બહુ દુઃખી કર્યા હતા.—ઉત્પત્તિ ૪૯:૩, ૪ વાંચો.
૭. રૂબેન અને તેના વંશજોનું શું થયું? (“યાકૂબે મરણ પથારીએ કરેલી ભવિષ્યવાણી” બૉક્સ પણ જુઓ.)
૭ યાકૂબે રૂબેનને કહ્યું: “તું કાયમ ચઢિયાતો રહીશ નહિ.” એ શબ્દો સાચા પડ્યા. બાઇબલમાં એવું ક્યાંય જોવા મળતું નથી કે રૂબેનના વંશજોમાંથી કોઈ રાજા, યાજક કે પ્રબોધક બન્યું હોય. તોપણ યાકૂબે પોતાના દીકરાને વારસામાંથી કાઢી મૂક્યો નહિ. રૂબેનના વંશજો ઇઝરાયેલ રાષ્ટ્રનું એક કુળ બન્યા. (યહો. ૧૨:૬) રૂબેને બીજા અમુક કિસ્સાઓમાં સરસ ગુણો બતાવ્યા હતા. એવું પણ ક્યાંય જોવા મળતું નથી કે રૂબેને ફરી ક્યારેય વ્યભિચાર કર્યો હોય.—ઉત. ૩૭:૨૦-૨૨; ૪૨:૩૭.
૮. રૂબેનના દાખલામાંથી શું શીખી શકીએ?
૮ આપણે શું શીખી શકીએ? આપણે સંયમનો ગુણ કેળવવા સખત મહેનત કરીએ અને વ્યભિચારથી દૂર રહેવા મન મક્કમ કરીએ. જો ક્યારેય આપણાં મનમાં પાપ કરવાની લાલચ જાગે, તો શું? થોભીએ અને વિચાર કરીએ કે આપણાં કામોથી યહોવાને, કુટુંબને અને બીજાઓને કેટલું દુઃખ પહોંચશે. એ પણ યાદ રાખીએ કે “માણસ જે કંઈ વાવે, એ જ તે લણશે.” (ગલા. ૬:૭) બીજી બાજુ, રૂબેનના કિસ્સામાંથી આપણને જોવા મળે છે કે યહોવા કેટલા દયાળુ છે. ખરું કે, આપણે પોતાની ભૂલનું પરિણામ ભોગવવું પડી શકે. પણ જો પસ્તાવો કરીશું અને જે ખરું છે એ કરીશું, તો યહોવા આપણને માફ કરશે અને આશીર્વાદ આપશે.
શિમયોન અને લેવી
૯. યાકૂબ કેમ શિમયોન અને લેવીથી ખુશ ન હતા? (ઉત્પત્તિ ૪૯:૫-૭)
૯ ઉત્પત્તિ ૪૯:૫-૭ વાંચો. પછી યાકૂબે શિમયોન અને લેવી સાથે વાત કરી. તેમના શબ્દોથી સાફ દેખાઈ આવે છે કે તે તેઓથી જરાય ખુશ ન હતા. વર્ષો પહેલાંની આ વાત છે. શખેમ નામના કનાની માણસે યાકૂબની દીકરી દીનાહ પર બળાત્કાર કર્યો હતો. એટલે સમજી શકાય કે દીનાહ સાથે જે બન્યું, એના લીધે યાકૂબના બધા દીકરાઓને ઘણું દુઃખ થયું હતું. પણ શિમયોન અને લેવી પોતાનો પિત્તો ગુમાવી બેઠા. યાકૂબના દીકરાઓએ એક કાવતરું ઘડ્યું. તેઓએ શખેમ અને તેના માણસોને કહ્યું કે જો તેઓ સુન્નત કરાવે, તો તેઓની અને યાકૂબના કુટુંબની વચ્ચે શાંતિ રહેશે. એ માણસોએ તેઓની વાત માની લીધી. શખેમના લોકો હજી પીડાથી કણસતા હતા એવામાં શિમયોન અને લેવી “તલવાર લઈને કોઈને શંકા ન જાય એ રીતે શહેરમાં ઘૂસ્યા” અને “શહેરના બધા પુરુષોને મારી નાખ્યા.”—ઉત. ૩૪:૨૫-૨૯.
૧૦. યાકૂબે શિમયોન અને લેવી વિશે કરેલી ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ? (“યાકૂબે મરણ પથારીએ કરેલી ભવિષ્યવાણી” બૉક્સ પણ જુઓ.)
૧૦ યાકૂબને ખૂબ દુઃખ થયું હતું, કેમ કે તેમના બંને દીકરાઓએ લાશોનો ઢગલો કર્યો હતો. તેમણે ભવિષ્યવાણી કરી કે તેઓ આખા ઇઝરાયેલમાં વિખેરાઈ જશે અને એકબીજાથી જુદા પડી જશે. આશરે ૨૦૦ વર્ષ પછી જ્યારે ઇઝરાયેલીઓ વચનના દેશમાં આવ્યા, ત્યારે એ શબ્દો સાચા પડ્યા. શિમયોન કુળને યહૂદા કુળમાંથી અમુક શહેરો વારસા તરીકે મળ્યાં. (યહો. ૧૯:૧) બીજી બાજુ, લેવી કુળને આખા ઇઝરાયેલમાં છૂટાંછવાયાં ૪૮ શહેરો વારસા તરીકે મળ્યાં.—યહો. ૨૧:૪૧.
૧૧. શિમયોન અને લેવી કુળે કયાં સારાં કામો કર્યાં?
૧૧ શિમયોન અને લેવીના વંશજોએ પોતાના બાપદાદાઓ જેવી ભૂલો ન કરી. ઘણા લેવીઓએ વફાદારીથી યહોવાની ભક્તિ કરી. જરા આ બનાવ યાદ કરો. મૂસા સિનાઈ પર્વત પર યહોવા પાસેથી નિયમશાસ્ત્ર લેવા ગયા હતા. એ સમયે ઘણા ઇઝરાયેલીઓ વાછરડાની ભક્તિ કરવા લાગ્યા. પણ લેવીઓએ એમ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. એના બદલે, તેઓએ મૂસાને સાથ આપ્યો અને જે લોકોએ વાછરડાની ભક્તિ કરી હતી, તેઓનો ખાતમો બોલાવવા મદદ કરી. (નિર્ગ. ૩૨:૨૬-૨૯) યહોવાએ લેવી કુળને એક ખાસ લહાવો આપ્યો. તેમણે એ કુળના પુરુષોને યાજકો તરીકે સેવા આપવા પસંદ કર્યા. (નિર્ગ. ૪૦:૧૨-૧૫; ગણ. ૩:૧૧, ૧૨) શિમયોન કુળ વિશે શું? તેઓએ યહૂદા કુળને મદદ કરી હતી, જેથી તેઓ કનાનીઓને હરાવીને વચનના દેશ પર કબજો મેળવી શકે.—ન્યા. ૧:૩, ૧૭.
૧૨. શિમયોન અને લેવીના દાખલામાંથી શું શીખી શકીએ?
૧૨ આપણે શું શીખી શકીએ? ક્યારેય ગુસ્સામાં આવીને કોઈ નિર્ણય ન લઈએ અથવા કોઈ કામ ન કરીએ. જો કોઈ આપણી સાથે કે આપણા સ્નેહીજન સાથે ખરાબ રીતે વર્ત્યું હોય, તો ગુસ્સો આવવો સ્વાભાવિક છે. (ગીત. ૪:૪) પણ યાદ રાખવાની જરૂર છે કે જો ગુસ્સાથી લાલ-પીળા થઈને કંઈક બોલી દઈશું અથવા કરી બેસીશું, તો એ યહોવાને નહિ ગમે. (યાકૂ. ૧:૨૦) ધારો કે, કોઈ વ્યક્તિ આપણી સાથે ખરાબ રીતે વર્તે છે. ભલે તે યહોવાની ભક્તિ કરતી હોય કે ન કરતી હોય, આપણે તેની સાથે બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે વર્તીએ છીએ. આમ, આપણે ગુસ્સામાં આવીને ઈંટનો જવાબ પથ્થરથી નહિ આપીએ. (રોમ. ૧૨:૧૭, ૧૯; ૧ પિત. ૩:૯) બીજું શું શીખી શકીએ? બની શકે કે તમારાં મમ્મી-પપ્પા એવું કંઈ કરતા હોય, જે યહોવાને પસંદ નથી. પણ યાદ રાખજો, તમે તેઓના પગલે ચાલવા બંધાયેલા નથી. એવું ન વિચારી લો કે તમારા માટે યહોવાને ખુશ કરવા અશક્ય છે. યહોવા તમને જે ખરું છે, એ કરવા મદદ કરશે અને તમારી મહેનત પર આશીર્વાદ વરસાવશે.
યહૂદા
૧૩. યહૂદાનો વારો આવ્યો ત્યારે તેને કેમ ચિંતા થઈ હશે?
૧૩ હવે યહૂદાનો વારો આવ્યો. મોટા ભાઈઓ માટે પિતાના શબ્દો સાંભળીને યહૂદાને ચિંતા થવા લાગી હશે. કેમ કે તેણે પણ અમુક મોટી ભૂલો કરી હતી. (ઉત. ૩૪:૨૭) એવું લાગે છે કે શખેમ શહેરને લૂંટવામાં તેનો પણ હાથ હતો. તેણે પોતાના ભાઈઓને જણાવ્યું કે તેઓ યૂસફને ગુલામ તરીકે વેચી દે. પિતાને જૂઠું કહેવામાં પણ તેણે ભાઈઓને સાથ આપ્યો હતો. (ઉત. ૩૭:૨૭, ૩૧-૩૩) પછીથી, તેણે પોતાની વહુ તામાર સાથે એ વિચારીને જાતીય સંબંધ બાંધ્યો હતો કે તે વેશ્યા છે.—ઉત. ૩૮:૧૫-૧૮.
૧૪. યાકૂબે યહૂદા વિશે શું કહ્યું અને યહૂદાએ કયાં સારાં કામો કર્યાં? (ઉત્પત્તિ ૪૯:૮, ૯)
૧૪ પણ યાકૂબે યહૂદાના બસ વખાણ કર્યા અને તેને આશીર્વાદ આપ્યો. (ઉત્પત્તિ ૪૯:૮, ૯ વાંચો.) યહૂદાએ બતાવી આપ્યું હતું કે તેને પોતાના ઘરડા પિતાની ખૂબ ચિંતા હતી. તેણે એ પણ બતાવી આપ્યું હતું કે તેને પોતાના સૌથી નાના ભાઈ બિન્યામીન માટે બહુ લાગણી હતી.—ઉત. ૪૪:૧૮, ૩૦-૩૪.
૧૫. યહૂદા વિશે કરેલી યાકૂબની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ?
૧૫ યાકૂબે ભવિષ્યવાણી કરી હતી કે યહૂદા તેના ભાઈઓનો આગેવાન બનશે. જોકે, આશરે ૨૦૦ વર્ષ પછી એ ભવિષ્યવાણી પૂરી થઈ. જ્યારે ઇઝરાયેલીઓ વચનના દેશમાં જવા વેરાન પ્રદેશમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે યહૂદા કુળે ઇઝરાયેલ રાષ્ટ્રની આગેવાની લીધી. (ગણ. ૧૦:૧૪) દાયકાઓ પછી વચનના દેશ પર કબજો મેળવવા કનાનીઓ સામે લડવાની જરૂર ઊભી થઈ. એ સમયે યહૂદા કુળ સૌથી પહેલા લડવા ગયું. (ન્યા. ૧:૧, ૨) વધુમાં, યહૂદા કુળમાંથી ઘણા રાજાઓ આવ્યા અને દાઉદ એમાંના સૌથી પહેલા રાજા હતા. જોકે, એ ભવિષ્યવાણી બીજી રીતોએ પણ પૂરી થઈ.
૧૬. ઉત્પત્તિ ૪૯:૧૦ની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ? (“યાકૂબે મરણ પથારીએ કરેલી ભવિષ્યવાણી” બૉક્સ પણ જુઓ.)
૧૬ યાકૂબે જણાવ્યું કે આખી માણસજાતનો શાસક યહૂદા કુળમાંથી આવશે અને તે કાયમ માટે રાજ કરશે. (ઉત્પત્તિ ૪૯:૧૦ અને ફૂટનોટ વાંચો.) એ શાસક ઈસુ ખ્રિસ્ત છે, જેમને યાકૂબે શીલોહ કહ્યા. ઈસુ વિશે એક દૂતે કહ્યું: “યહોવા ઈશ્વર તેને તેના પૂર્વજ દાઉદની રાજગાદી આપશે.” (લૂક ૧:૩૨, ૩૩) ઈસુને ‘યહૂદા કુળના સિંહ’ પણ કહેવામાં આવ્યા.—પ્રકટી. ૫:૫.
૧૭. આપણે કઈ રીતે યહોવાનો દાખલો અનુસરી શકીએ?
૧૭ આપણે શું શીખી શકીએ? યહૂદાએ અમુક મોટી ભૂલો કરી હતી, તોપણ યહોવાએ તેને આશીર્વાદ આપ્યો. કદાચ યહૂદાના ભાઈઓને થયું હશે, ‘યહોવાએ તેનામાં એવું તો શું જોયું કે તેને આશીર્વાદ આપ્યો!’ આપણે નથી જાણતા કે એ ભાઈઓનાં મનમાં શું ચાલી રહ્યું હતું. પણ આપણે એટલું તો જાણીએ છીએ કે યહોવાએ યહૂદામાં સારા ગુણો જોયા અને એ માટે તેને આશીર્વાદ આપ્યો. આપણે કઈ રીતે યહોવાનો દાખલો અનુસરી શકીએ? જ્યારે કોઈ ભાઈ કે બહેનને ખાસ લહાવો મળે, ત્યારે કદાચ આપણું ધ્યાન સૌથી પહેલા તેમની ખામીઓ પર જાય. પણ આપણે યાદ રાખીએ કે યહોવા ખરેખર તેઓના સારા ગુણોથી ખુશ છે. તે હંમેશાં પોતાના ભક્તોની સારી વાતો પર ધ્યાન આપે છે. આપણે પણ એમ કરવાની પૂરી કોશિશ કરીએ.
૧૮. આપણે કેમ ધીરજ રાખવી જોઈએ?
૧૮ યહૂદાના દાખલામાંથી આપણને બીજો એક બોધપાઠ મળે છે. એ છે, આપણે ધીરજ રાખવી જોઈએ. યહોવા હંમેશાં પોતાનાં વચનો પૂરાં કરે છે. પણ જરૂરી નથી કે આપણે ધાર્યું હોય એ સમયે અને એ રીતે બધું થાય. યહૂદાના વંશજોએ ઈશ્વરના લોકોની આગેવાની લેવાનું તરત શરૂ કર્યું ન હતું. પણ એવું થયું ત્યાં સુધી યહોવાએ નીમેલા ભક્તોને તેઓએ પૂરો ટેકો આપ્યો. જેમ કે, લેવી કુળના મૂસા, એફ્રાઈમ કુળના યહોશુઆ અથવા બિન્યામીન કુળના રાજા શાઉલ. આજે આપણે પણ એવી દરેક વ્યક્તિને પૂરેપૂરો ટેકો આપીએ, જેમને યહોવાએ આગેવાની લેવા પસંદ કર્યા છે.—હિબ્રૂ. ૬:૧૨.
૧૯. યાકૂબે પોતાની મરણ પથારીએ કરેલી ભવિષ્યવાણીમાંથી આપણને યહોવા વિશે શું શીખવા મળ્યું?
૧૯ યાકૂબે પોતાની મરણ પથારીએ કહેલા શબ્દોમાંથી આપણને અત્યાર સુધી શું શીખવા મળ્યું? એ વાત એકદમ સ્પષ્ટ છે કે “માણસની જેમ ઈશ્વર જોતા નથી.” (૧ શમુ. ૧૬:૭) યહોવા ખૂબ ધીરજ રાખે છે અને દિલથી માફ કરે છે. ખરું કે તે ખોટાં કામો ચલાવી નથી લેતા, પણ તેમના ભક્તોથી કદી ભૂલ નહિ થાય એવી આશા પણ નથી રાખતા. જો કોઈ વ્યક્તિએ અગાઉ મોટી ભૂલ કરી હોય, પણ પછી પસ્તાવો કરીને ખરાં કામો કરવા લાગી હોય, તો યહોવા તેને પણ આશીર્વાદ આપી શકે છે. આવતા લેખમાં આપણે જોઈશું કે યાકૂબે પોતાના બાકીના આઠ દીકરાઓને શું કહ્યું હતું.
ગીત ૧૮ યહોવાનો અમૃત પ્રેમ