આજે પણ ઉપયોગી
“મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે; તે મારા માર્ગને માટે અજવાળારૂપ છે.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫.
બાઇબલ કઈ રીતે જુદું પડે છે? અમુક પુસ્તકો સારું સાહિત્ય ગણાઈ શકે, પણ એ જીવનમાં માર્ગદર્શન આપી શકતાં નથી. સલાહ આપતાં આજનાં પુસ્તકોમાં સતત ફેરફારો કરવા પડે છે. જ્યારે કે બાઇબલ દાવો કરે છે, “જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું.”—રોમનો ૧૫:૪.
એક દાખલો: જોકે, બાઇબલ ઇલાજ સૂચવતું પુસ્તક નથી, પણ એમાં તન-મનની તંદુરસ્તી માટે સૂચનો આપ્યાં છે. જેમ કે, એ જણાવે છે કે “હૃદયની શાંતિ શરીરનું જીવન છે.” (નીતિવચનો ૧૪:૩૦) બાઇબલ આમ પણ ચેતવે છે કે “જે જુદો પડે છે તે પોતાની ઇચ્છા સાધવા મથે છે, તે રીસથી સઘળા સુજ્ઞાનની વિરુદ્ધ થાય છે.” (નીતિવચનો ૧૮:૧) જ્યારે કે એ જણાવે છે, “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.
સંશોધન શું બતાવે છે? મનની શાંતિ, ગાઢ મિત્રતા અને ઉદારતા તમારી તંદુરસ્તી સુધારી શકે છે. ધ જર્નલ ઑફ ધી અમેરિકન મેડિકલ ઍસોસિયેશન જણાવે છે: “જે પુરુષો પોતાના ગુસ્સાને કાબૂમાં રાખે છે, તેઓ કરતાં જેઓ ગુસ્સાથી ભભૂકી ઊઠે છે, તેઓને લકવો થવાની બમણી શક્યતા રહે છે.” ઑસ્ટ્રેલિયામાં દસ વર્ષના અભ્યાસ પછી જોવા મળ્યું કે જે ઘરડા લોકોને “ઘણા મિત્રો હતા અને બીજાને અંગત વાતો કરી શકતા હતા,” તેઓ મોટા ભાગે વધારે લાંબું જીવતા. ૨૦૦૮માં કૅનેડા અને અમેરિકાના સંશોધકોને ખબર પડી કે “પોતાની ઉપર પૈસા ખર્ચવાને બદલે, બીજાઓ પર ખર્ચવાથી ખુશીમાં વધારો થાય છે.”
તમને શું લાગે છે? શું તમે આશરે ૨,૦૦૦ વર્ષ પહેલાં લખાયેલા પુસ્તકમાં આપેલી તંદુરસ્તીની સલાહ પર ભરોસો રાખશો? કે પછી બાઇબલ અજોડ છે? (w12-E 06/01)
[પાન ૮ પર બ્લર્બ]
“બાઇબલ મને બહુ જ આકર્ષે છે, કેમ કે એમાં તંદુરસ્તીને લગતી ઉત્તમ સલાહ છે.”—હાવર્ડ કૅલી, એમ.ડી., ધ જ્હોન હોપકીન્સ યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિનની સ્થાપના કરનાર એક અધ્યાપક