વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w03 ૮/૧૫ પાન ૪-૮
  • અમુક લોકો ફૂલોની જેમ મહેકતા રહ્યા છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અમુક લોકો ફૂલોની જેમ મહેકતા રહ્યા છે
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • અબીગાઈલ—બુદ્ધિમાન સ્ત્રી
  • પીતરની શાખ કેવી હતી?
  • લોકો ઈસુને કઈ રીતે યાદ કરે છે?
  • સ્ત્રીઓ માટે ઈસુની લાગણી
  • આજના વિષે શું?
  • તેણે સમજી-વિચારીને પગલાં ભર્યાં
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • “તારી ચતુરાઈને ધન્ય હો”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • બાઇબલનું દૃષ્ટિબિંદુ
    સજાગ બનો!—૧૯૯૭
  • યહોવાહના માર્ગમાં ચાલતી સ્ત્રીઓ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
w03 ૮/૧૫ પાન ૪-૮

અમુક લોકો ફૂલોની જેમ મહેકતા રહ્યા છે

લગભગ ત્રણ હજાર વર્ષો પહેલાની વાત છે. ઈસ્રાએલના રાજા શાઊલની નજરથી દાઊદ આજે અહીં તો કાલે ત્યાં નાસ-ભાગ કરી રહ્યા હતા. દાઊદે પોતાના સાથીઓને નાબાલ નામના એક ધનવાન માણસ પાસે મોકલ્યા, અને કંઈક ખાવા-પીવાનું આપવાની વિનંતી કરી. શું દાઊદ નાબાલનો ફાયદો ઉઠાવી રહ્યા હતા? ના, કેમ કે કટોકટીના સમયે દાઊદે નાબાલના ઘેટાં સાચવીને તેના પર અહેસાન કર્યું હતું. તેમ છતાં, નાબાલે કોઈ પણ મદદ કરવાની ઘસીને ના પાડી. એટલું જ નહિ, તેણે દાઊદના માણસોને ધમકાવીને કાઢી મૂક્યા. આમ, નાબાલ ભૂખ્યા સિંહના મોંમાં હાથ નાખી રહ્યો હતો.—૧ શમૂએલ ૨૫:૫, ૮, ૧૦, ૧૧, ૧૪.

નાબાલના દેશમાં રિવાજ હતો કે આંગણે આવેલા મહેમાનોને કદી પાછા ન કઢાય. અરે, અજાણ્યા મુસાફરની પણ આગતા-સ્વાગતા થતી. પરંતુ, નાબાલ તો એ રિવાજ પાળવામાં પણ પાછો પડ્યો. નાબાલે કેવી છાપ પાડી? બાઇબલ બતાવે છે કે તે “માણસ અસભ્ય તથા પોતાના વ્યવહારમાં દુષ્ટ હતો.” તે તેના નામ પ્રમાણે જ જીવ્યો જેનો અર્થ નાદાન થાય છે. (૧ શમૂએલ ૨૫:૩, ૧૭, ૨૫) પરંતુ, શું તમે એવા બનવાનું ચાહશો? શું તમે દાઝેલાને ડામ દેવાને બદલે, તેઓને મલમ ચોપડી મદદ નહિ કરો? વિચારો કે તમે કેવી શાખ ઊભી કરો છો?

અબીગાઈલ—બુદ્ધિમાન સ્ત્રી

નાબાલે પોતાની મૂર્ખતાને લીધે પોતાના જ પગ પર કુહાડો માર્યો. દાઊદ અને તેના ૪૦૦ માણસો નાબાલને પાઠ ભણાવવા નીકળી પડ્યા. પરંતુ નાબાલની પત્ની, અબીગાઈલ સમજુ હતી. તેણે આ બધું સાંભળ્યું. તે તરત જ સમજી ગઈ કે આનું પરિણામ શું આવી શકે. શું તે ચૂપચાપ બેસી રહી? ના, અબીગાઈલે તરત જ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું અને બીજું જરૂરી ખાવા-પીવાનું લઈને દાઊદ અને તેના માણસોને મળવા નીકળી પડી. તે તેઓને રસ્તામાં મળી ત્યારે, તેણે દાઊદને આજીજી કરી કે તે ખૂન-ખરાબા ન કરે. આમ, તેણે દાઊદનો ગુસ્સો શાંત પાડ્યો. આ બનાવના થોડા દિવસો પછી, નાબાલ મરણ પામ્યો. તેથી, અબીગાઈલની સૂઝ-સમજના અનુભવી, દાઊદે તેને પોતાની પત્ની બનાવી.—૧ શમૂએલ ૨૫:૧૪-૪૨.

અબીગાઈલે કેવી શાખ બનાવી? તે “ઘણી બુદ્ધિમાન” હતી. તેમ જ, તે ઘણી સમજુ અને ચાલાક હતી. તે જાણતી હતી કે જરૂર પડ્યે ક્યારે અને કેવાં પગલાં લેવા જોઈએ. તેણે પોતાના મૂર્ખ પતિ અને તેના કુટુંબને મોટી આફતમાંથી બચાવી લીધા. સમય જતાં, તે મરણ પામી, પણ તે બુદ્ધિમાન સ્ત્રી તરીકે જાણીતી થઈ ગઈ!—૧ શમૂએલ ૨૫:૩.

પીતરની શાખ કેવી હતી?

ચાલો આપણે પ્રથમ સદીના ઈસુના બાર પ્રેષિતોનો વિચાર કરીએ. એમાંના એક પીતર હતા, જે પહેલા માછીમારનો ધંધો કરતા હતા. તે બોલવામાં ઉતાવળા હતા, અને પોતાની લાગણીઓ જણાવતા જરાય અચકાતા ન હતા. દાખલા તરીકે, એક પ્રસંગે ઈસુએ પોતાના શિષ્યોના પગ ધોયા. પીતરનો વારો આવ્યો ત્યારે તેમણે શું કર્યું?

પીતરે ઈસુને કહ્યું: “પ્રભુ, શું તું મારા પગ ધૂએ છે? ઈસુએ ઉત્તર આપ્યો, કે હું જે કરૂં છું, તે તું હમણાં જાણતો નથી; પણ હવે પછી તું સમજશે. પીતર તેને કહે છે, કે હું તને કદી મારા પગ ધોવા દઈશ નહિ.” અહીં નોંધ લો કે પીતર ઈસુને કેવો નમ્ર જવાબ આપે છે. પરંતુ, ઈસુએ પીતરને શું કહ્યું?

“ઈસુએ તેને ઉત્તર આપ્યો, કે જો હું તને ન ધોઉં, તો મારી સાથે તારો કંઈ લાગભાગ નથી. સીમોન પીતર તેને કહે છે, કે પ્રભુ, એકલા મારા પગ જ નહિ, પણ મારા હાથ તથા માથું પણ ધો.” હવે, અહીં પીતર તરત જ વિચાર બદલે છે! પરંતુ, પીતરથી કોઈએ ગભરાવાની જરૂર ન હતી, કેમ કે તેમના મનમાં કંઈ પાપ ન હતું.—યોહાન ૧૩:૬-૯.

પીતર આપણા જેવા જ હતા અને ભૂલો કરતા હતા. દાખલા તરીકે, લોકોએ જ્યારે કહ્યું કે પીતર ઈસુ સાથે હતા ત્યારે, તરત જ તેમણે ના પાડી. એક વાર, બે વાર જ નહિ, પણ ત્રણ વાર ના પાડી. પોતાની ભૂલનું ભાન થયું ત્યારે, પીતર ખૂબ રડ્યા. આ બનાવ વિષે પીતરે પોતે જ લખ્યું. એ જ બતાવે છે કે, પીતર તરત જ પોતાની ભૂલો કબૂલ કરીને માફી માંગી લેતા હતા. શું તમે પીતરની જેમ તરત જ પોતાની ભૂલ સ્વીકારો છો?—માત્થી ૨૬:૬૯-૭૫; માર્ક ૧૪:૬૬-૭૨; લુક ૨૨:૫૪-૬૨; યોહાન ૧૮:૧૫-૧૮, ૨૫-૨૭.

પીતરે ઈસુનો નકાર કર્યો એના થોડા જ સમય પછી, તેમના પર પવિત્ર આત્મા રેડવામાં આવ્યો. પેન્તેકોસ્તમાં તેમણે હિંમતથી હજારો યહુદીઓને પ્રચાર કર્યો. એ બતાવે છે કે સજીવન થયેલા ઈસુને પીતરમાં પૂરેપૂરો વિશ્વાસ હતો.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૪-૨૧.

બીજા એક પ્રસંગે પીતર ફરી એક ફાંદામાં ફસાયા, જેના વિષે પ્રેષિત પાઊલ જણાવે છે. અંત્યોખમાં અમુક યહુદી ભાઈબહેનો આવ્યા એ પહેલાં, યહુદી ન હતા તેઓ સાથે પીતર હળતા-મળતા હતા. પરંતુ, યરૂશાલેમમાંથી આવેલા “સુનતીઓથી બીને” પીતર બદલાઈ ગયા. પાઊલે પીતરનો આ ઢોંગ ખુલ્લો પાડ્યો.—ગલાતી ૨:૧૧-૧૪.

પરંતુ, બીજા એક કિસ્સામાં ઈસુ પોતાના શિષ્યોને શરીર ખાવા અને લોહી પીવાના મહત્ત્વ વિષે કંઈક નવી બાબત શીખવી રહ્યા હતા. તેમણે કહ્યું: “જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ, અને તેનું લોહી ન પીઓ, તો તમારામાં જીવન નથી.” ઈસુના મોટા ભાગના શિષ્યોને એ સાંભળીને આઘાત લાગ્યો અને કહ્યું: “આ કઠણ વાત છે, એ કોણ સાંભળી શકે?” ત્યાર પછી શું થયું? “આ સાંભળીને તેના શિષ્યોમાંના ઘણાક પાછા જઈને ત્યાર પછી તેની સાથે ચાલ્યા નહિ.” એ સમયે કોણ હિંમતથી ઈસુને વળગી રહ્યા?—યોહાન ૬:૫૦-૬૬.

ઈસુએ પોતાના ૧૨ શિષ્યોને પૂછ્યું: “શું તમે પણ જતા રહેવા ચાહો છો?” પીતરે જવાબ આપ્યો: “પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તારી પાસે છે. અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ, કે દેવનો પવિત્ર તે તુંજ છે.”—યોહાન ૬:૬૭-૬૯.

અહીં પીતરનો કયો ગુણ જોવા મળે છે? પીતરનો પ્રમાણિક અને નિખાલસ સ્વભાવ તરત જ દેખાય આવે છે. તેમ જ, તેમની વફાદારી અને પોતાની ભૂલો સ્વીકારીને જે નમ્રતા બતાવી, એ કોણ ભૂલી શકે! ખરેખર, પીતરે કેવી સરસ શાખ ઊભી કરી છે!

લોકો ઈસુને કઈ રીતે યાદ કરે છે?

ઈસુએ પૃથ્વી પર ફક્ત સાડા ત્રણ વર્ષ સેવા કરી હતી. તોપણ, ઈસુના શિષ્યો તેમને કઈ રીતે યાદ રાખે છે? તે સંપૂર્ણ હતા એટલે શું તે બધાથી અલગ રહેતા હતા? તે દેવના દીકરા હોવાથી શું તેમણે બીજાઓ પર રોફ જમાવ્યો? શું તે કડક સ્વભાવના હતા? શું તે એટલા બીઝી રહેતા, કે તેમને લાચાર, બીમાર કે મુશ્કેલીમાં હોય એવા લોકો અને બાળકો માટે ટાઈમ ન હતો? શું એ જમાનાની જેમ તે બીજી જાતિના લોકો અને સ્ત્રીઓ માટે ભેદભાવ રાખતા હતા? ઈસુની શાખ કેવી હતી?

ઈસુએ લોકોને ઘણી જ મદદ કરી હતી. તેમણે ઘણા અપંગ લોકોને સાજા કર્યા. તેમને બાળકો પણ ખૂબ જ ગમતા હતા. તેમણે શિષ્યોને કહ્યું: “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને વારો મા.” ત્યાર પછી, ઈસુએ “તેઓને બાથમાં લીધાં, ને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ દીધો.” ઈસુની જેમ, શું તમે બાળકો માટે પણ સમય કાઢો છો?—માર્ક ૧૦:૧૩-૧૬; માત્થી ૧૯:૧૩-૧૫.

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે યહુદીઓ, ધાર્મિક નીતિ-નિયમોના બોજ નીચે દબાઈ ગયા હતા. એનું કારણ, ધર્મગુરુઓએ પોતાને મન ફાવે એમ નીતિ-નિયમો બનાવી દીધા હતા. તેઓએ લોકોને નીતિ-નિયમોના બોજ નીચે દબાવી દીધા હતા, પણ તેઓ પોતે મદદ કરવા કંઈ જ કરતા ન હતા. (માત્થી ૨૩:૪; લુક ૧૧:૪૬) ઈસુ તેઓથી તદ્દન જુદા જ હતા! તેમણે કહ્યું: “ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ.”—માત્થી ૧૧:૨૮-૩૦.

લોકો ઈસુ પાસે જતા ત્યારે તેઓને ખૂબ જ તાજગી મળતી હતી. ઈસુએ શિષ્યોને ડરાવી દીધા ન હતા કે તેઓ પોતાની લાગણીઓ જણાવતા પણ ગભરાય. એના બદલે, ઈસુએ તો તેઓના દિલની વાત કઢાવી. (માર્ક ૮:૨૭-૨૯) ખ્રિસ્તી વડીલોએ પણ ઈસુના જેવું જ વલણ રાખવું જોઈએ. વડીલોએ પોતાને પૂછવું જોઈએ: ‘ઈસુની જેમ શું હું પણ ભાઈબહેનો પર સારી છાપ પાડી રહ્યો છે? શું બીજા વડીલો મારી સાથે ખુલ્લાં મને વાત કરે છે કે પછી મારી પાસે આવતા અચકાય છે?’ જો વડીલો ધ્યાનથી સાંભળે અને કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર વિચારોની આપ-લે કરે તો કેટલી રાહત મળે છે! પરંતુ, જો વડીલોમાં એવા ગુણો નહિ હોય તો, ખુલ્લા મને વાતચીત કરવી ઘણી જ અઘરી થઈ પડશે. અરે, ભાઈબહેનો વડીલો પાસે જતા પણ ગભરાશે.

ઈસુ, પરમેશ્વરના દીકરા હોવા છતાં, તેમણે કદી પણ પોતે કંઈક છે, એવું કદી જણાવા ન દીધું. એના બદલે, તેમણે લોકો સાથે ખુલ્લા દિલથી ચર્ચા કરી. દાખલા તરીકે, ફરોશીઓએ ઈસુને ફસાવવા ચાલાકીથી પૂછ્યું: “કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ?” ઈસુએ તેઓ પાસે એક સિક્કો મંગાવ્યો. પછી તેઓને પૂછ્યું: “આ સૂરત તથા લેખ કોનાં છે?” તેઓએ કહ્યું: “કાઈસરનાં.” તેથી, ઈસુએ કહ્યું: “જે કાઈસારના તે કાઈસારને, તથા જે દેવનાં તે દેવને ભરી આપો.” (માત્થી ૨૨:૧૫-૨૧) આમ, ઈસુએ સાદી રીતે સમજાવીને તેઓના પ્રશ્નનો જવાબ આપ્યો.

શું ઈસુ કાયમ સીરિયસ સ્વભાવના હતા? ના, બાઇબલમાંથી તેમની અમુક વાતો વાંચીને આપણને હસવું આવી શકે. દાખલા તરીકે, તેમણે કહ્યું કે, ધનવાનને આકાશના રાજ્યમાં પેસવા કરતાં, ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે. (માત્થી ૧૯:૨૩, ૨૪) અરે, એક ઊંટ સોયના નાકામાંથી કઈ રીતે પસાર થઈ શકે? ઈસુએ એ મુદ્દો કેટલી જોરદાર રીતે શીખવ્યો! એ જ રીતે, બીજું એક ઉદાહરણ આપતા ઈસુએ કહ્યું: ‘તારા ભાઈની આંખમાં તણખલું જોવા કરતાં તારી પોતાની આંખનો ભારોટિયો પહેલાં જો.’ (લુક ૬:૪૧, ૪૨) આ પણ બતાવે છે કે ઈસુ કંઈ લશ્કરી અધિકારી જેવા કડક ન હતા. પરંતુ, વાત-વાતમાં મહત્ત્વની વાત શીખવતા હતા. ઈસુ જેવા બનવાથી, મુશ્કેલીનો સમય પણ આપણે હસતા-હસતા સહી લઈશું.

સ્ત્રીઓ માટે ઈસુની લાગણી

સ્ત્રીઓને ઈસુનો સ્વભાવ કેવો લાગતો? ઘણી સ્ત્રીઓએ ઈસુનું શિક્ષણ સ્વીકાર્યું હતું, જેઓમાં તેમની પોતાની મા પણ હતી. (લુક ૮:૧-૩; ૨૩:૫૫, ૫૬; ૨૪:૯, ૧૦) સ્ત્રીઓ પણ મદદ માટે ઈસુ પાસે જતા મૂંઝાતી નહિ. એટલી હદ સુધી કે એક સ્ત્રી જે “પાપી” તરીકે જાણીતી હતી, તેણે પોતાના આંસુઓથી ઈસુના પગ ધોયા. તેમ જ તેમના પગ પર અત્તર લગાડ્યું. (લુક ૭:૩૭, ૩૮) બીજી એક સ્ત્રીને ઘણાં વર્ષોથી લોહીવા થયો હતો. તે ટોળામાંથી આવીને ઈસુના કપડાંને અડકીને સાજી થઈ. ઈસુએ તેના વિશ્વાસની કદર કરી.—માત્થી ૯:૨૦-૨૨.

બીજા એક પ્રસંગે, ઈસુએ કૂવા પાસે એક સમરૂની સ્ત્રી સાથે વાત કરી. તેને એટલી નવાઈ લાગી કે તેણે પૂછ્યું: “હું સમરૂની સ્ત્રી છતાં તું યહુદી થઈને મારી પાસે પાણી કેમ માગે છે?” એ સમયે યહુદીઓ, સમરૂની લોકો જોડે કોઈ પણ વહેવાર ન રાખતા, તો સ્ત્રીઓ સાથે વાત કરવાની વાત તો બાજુએ જ રહી. પરંતુ, ઈસુએ એ સમરૂની સ્ત્રીને ‘અનંતજીવન સુધી ઝર્યા કરે એવા પાણી’ વિષે શીખવ્યું. આમ, ઈસુ સ્ત્રીઓ સાથે વાત કરતા કદી ખચકાતા ન હતા. તેમ જ, સ્ત્રીઓ પણ હંમેશાં ઈસુનું સાંભળવા તૈયાર હતી.—યોહાન ૪:૭-૧૫.

ઈસુને તેમના સુંદર ગુણોને લીધે યાદ કરવામાં આવે છે. ઈસુએ આપણા માટે એક સરસ નમૂનો બેસાડ્યો છે. શું તમે ઈસુના પગલે ચાલી રહ્યા છો?—૧ કોરીંથી ૧૩:૪-૮; ૧ પીતર ૨:૨૧.

આજના વિષે શું?

આજે પણ ઘણા યુવાન અને વૃદ્ધ ભાઈબહેનો, મરણ સુધી પરમેશ્વરને વફાદાર રહ્યા છે. તેમ જ, તેઓ સારી છાપ ઊભી કરતા ગયા છે. દાખલા તરીકે, ક્રિસ્ટલ નામની બહેનનો વિચાર કરો. તે ૯૦ વર્ષની ઉંમરે મરી ગયા. પરંતુ, તેમના મળતાવડા સ્વભાવ અને પ્રેમને લીધે તેમને યાદ કરવામાં આવે છે. બીજા એક ભાઈ ડર્ક લગભગ ૪૩ વર્ષના હતા ત્યારે મરણ પામ્યા. તેમનો સ્વભાવ પણ આનંદી હતો. તેમ જ, તે બીજાઓને હંમેશાં મદદ કરવા તૈયાર રહેતા હતા. એના લીધે તેમને યાદ કરવામાં આવે છે.

ચાલો હવે સ્પેનના હોસેનો વિચાર કરીએ. વર્ષ ૧૯૬૦ના પછીના વર્ષોમાં યહોવાહના સાક્ષીઓના પ્રચાર કાર્ય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હોસે અને તેની પત્નીને ત્રણ દીકરીઓ હતી. બારસલોના શહેરમાં હોસેની કાયમી નોકરી હતી. પરંતુ, સ્પેનના દક્ષિણ ભાગમાં એક વડીલની જરૂર હતી. હોસેએ પોતાની નોકરી છોડી દીધી અને તેમના કુટુંબ સાથે માઆલગા શહેરમાં રહેવા ગયા. તેઓને પૈસાની ખૂબ જ તંગી પડવા લાગી. અરે, ઘણી વખતે તો તેમને કોઈ જ કામ મળતું ન હતું.

તેમ છતાં, હોસેએ કદી પણ પ્રચાર કાર્ય પડતું મૂક્યું નહિ. આમ, તેમણે એક સારો નમૂનો બેસાડ્યો. તેમ જ, તેમણે પોતાની પત્ની કારમેલાની મદદથી દીકરીઓનો સારો ઉછેર કર્યો. વળી, એ દેશમાં જ્યારે પણ સંમેલનો ગોઠવવામાં આવતા ત્યારે, હોસે હંમેશાં મદદ કરતા હતા. પરંતુ, પચાસેક વર્ષના થયા ત્યારે ગંભીર બીમારીમાં તે મરણ પામ્યા. તેમ છતાં, તેમણે એક મહેનતુ વડીલ તરીકે સરસ કામ કર્યું. તેમ જ, તેમણે એક પતિ અને પિતા તરીકે પણ સારી શાખ બનાવી.

આ લેખ વાંચ્યા પછી, તમે તમારી શાખ કેવી બનાવવા ઇચ્છો છો? જો તમે ગઈ કાલે મરણ પામ્યા હોત તો, આજે લોકોએ તમને કઈ રીતે યાદ કર્યા હોત? હવે પોતાને પૂછો કે, ‘મારી શાખ કેવી છે અને હું હજુ શું કરી શકું?’

આપણે પોતાનું નામ કેવી રીતે સારું બનાવી શકીએ? આપણે બાઇબલમાં બતાવેલા પવિત્ર આત્માના ગુણો કેળવવા જોઈએ. જેમ કે, આપણે પ્રેમાળ અને માયાળુ બનવું જોઈએ. તેમ જ, આપણે ધીરજ અને સંયમ રાખવા જોઈએ અને બીજાઓનું ભલું કરવું જોઈએ. (ગલાતી ૫:૨૨, ૨૩) ખરેખર, “સારી શાખ અતિ મૂલ્યવાન અત્તર કરતાં વધારે કીમતી છે. માણસના જન્મદિન કરતાં તેનો મૃત્યુદિન વધારે સારો છે.”—ઉપદેશક ૭:૧, IBSI; માત્થી ૭:૧૨.

[પાન ૫ પર ચિત્ર]

અબીગાઈલ એક સમજુ સ્ત્રી તરીકે જાણીતી થઈ

[પાન ૭ પર ચિત્ર]

પીતર ભલે બોલવામાં ઉતાવળા હતા, પણ તેમનામાં કોઈ કપટ ન હતું

[પાન ૮ પર ચિત્ર]

ઈસુએ બાળકોને પણ સમય આપ્યો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો