વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૧૦/૮ પાન ૧૮
  • પો મ્પે ઈ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પો મ્પે ઈ
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • વર્ષ ૭૯ સી.ઈ.નો વિસ્ફોટ
  • હર્ક્યુલેનીયમમાં અસલામતી
  • સમય થંભી ગયો
  • અંગત જીવન
  • પગલાં લેવાનો સમય છે
  • વિશ્વાસમાં જાગૃત રહેવાનો આ જ સમય છે!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • ઊંઘતા રાક્ષસની ગોદમાં જીવન
    સજાગ બનો!—૨૦૦૭
  • સર્વ આફતનો અંત જલદી જ આવશે
    સજાગ બનો!—૨૦૦૬
સજાગ બનો!—૧૯૯૬
g96 ૧૦/૮ પાન ૧૮

પો મ્પે ઈ

જ્યાં સમય થંભી ગયો

સ જા ગ બ નો ! ના ઈ ટા લી માં ના ખ બ ર પ ત્રી ત ર ફ થી

ચૂલા પર તપેલીઓવાળાં રસોડાં, સરસામાનથી ખડકેલી દુકાનો, નિર્જળ ફુવારા, અખંડ ફળિયાં—નિર્જન, ખાલી તથા વેરાન થયેલા એક શહેરમાં એવાને એવાં છે. એ પોમ્પેઈ છે, જ્યાં સમય થંભી ગયો હોય એમ લાગે છે.

બધી બાબતો લગભગ ૧,૯૦૦ વર્ષ અગાઉ એ મહાન દુર્ઘટનાના દિવસે હતી એવી જ રહેવા પામી છે જ્યારે નેપલ્સના કિનારાથી દેખાતો જ્વાળામુખી માઉન્ટ વિષુવિયસ ફાટ્યો હતો. એણે પોમ્પેઈ, હર્ક્યુલેનીયમ, સ્ટેબિયા તથા આસપાસના ગામડાં રાખ તથા લાવારસથી દાટી દીધાં.

પુસ્તક પોમ્પેઈ કહે છે કે, “પ્રાચીન સમયના લોકોને વિષુવિયસની જ્વાળામુખીમય પ્રકૃતિ વિષે માત્ર થોડોક ખ્યાલ હતો અને તેઓ એને એક લીલોછમ પર્વત ગણતા જ્યાં ગાઢાં જંગલો અને વચમાં વચમાં આહ્‍લાદક દ્રાક્ષવાડીઓ છવાયેલાં હતાં.” પરંતુ ઓગસ્ટ ૨૪, ૭૯ સી.ઈ.ના રોજ ઘણાં વર્ષોના મૌન પછી એ પર્વત એક પ્રચંડ વિસ્ફોટ સાથે જાગી ઊઠ્યો.

વર્ષ ૭૯ સી.ઈ.નો વિસ્ફોટ

જ્વાળામુખીએ વાયુ, કાદવ, અને ભંગારને ઊંચા સ્તંભાકારમાં બહાર ફેંક્યા જેણે આકાશને અંધકારમય કરી દીધું અને રાખ તથા લાવાકણનો ભયંકર વરસાદ વરસાવ્યો. પોમ્પેઈ તથા ગ્રામ્યપ્રદેશનો મોટો વિસ્તાર બે દિવસમાં જ ૨.૫ મીટરની સરેરાશ ઊંડાઈવાળા જાડા સ્તરથી ઢંકાઈ ગયો. હિંસક કંપન જમીનને ધ્રુજાવી રહ્યાં હતાં ત્યારે, અદૃશ્ય પરંતુ જીવલેણ ઝેરી વાયુઓનું એક વિશાળ વાદળ શહેર પર ફરી વળ્યું તથા એને ઘાતક આલિંગનથી જકડ્યું. પોમ્પેઈ ધીમેધીમે દટાઈ રહ્યું હતું ત્યારે, હર્ક્યુલેનીયમ તત્કાળ અદૃશ્ય થઈ ગયું. રેસ્કોપ્રિર પોમ્પેઈ (પોમ્પેઈનું પુનઃસંશોધન) પુસ્તક અનુસાર, હર્ક્યુલેનીયમ “કાદવ તથા લાવાના ભૂક્કા”ના વહેણમાં ડૂબી ગયું “જેની ઊંડાઈ કાંઠા પાસે બાવીશ મીટર [૭૨ ફીટ] સુધી પહોંચી.”

પોમ્પેઈના લગભગ ૧૫,૦૦૦ જેટલા રહેવાસીઓનો ભિન્‍ન પ્રત્યાઘાત હતો. તાત્કાલિક નાસી છૂટનારાઓ જ પોતાને બચાવી શક્યા. જોકે, કેટલાક પોતાનાં ઘરો તથા એમાં જે કંઈ હતું એ છોડવા માગતા ન હતા, તેથી તેઓ જોખમ ટાળવાની આશાએ પાછળ રહ્યા. બીજાઓ, પોતાની મૂલ્યવાન વસ્તુઓ બચાવવાની ચિંતા કરતા હોવાથી નાસવાનું નક્કી કરવા પહેલાં અચકાયા, તેથી તેઓ રાખના વજનથી ભાંગી પડેલા પોતાનાં ઘરોના છાપરાં તળે ચગદાઈ ગયા.

“ફાઉનના ઘર”ની માલિકણ એનું એક ઉદાહરણ છે, જે દેખીતી રીતે જ પોતાની મિલકત છોડવા રાજી ન હતી. રોબર્ટ એટિએન પોતાના પુસ્તક લા વી કોટીડિયેન એ પોંપેઈ (પોમ્પેઈ ખાતે રોજિંદુ જીવન)માં કહે છે કે “એ માલિકણે ઝડપભેર પોતાનાં સૌથી કીમતી ઝવેરાત—સર્પાકાર સોનાની બંગડીઓ, વીંટીઓ, વાળના સોયા, કાનની બુટ્ટીઓ, ચાંદીનો એક અરીસો, સોનાના સિક્કાથી ભરેલી એક થેલી—ભેગાં કર્યાં અને નાસવા તૈયાર થઈ.” કદાચ પડી રહેલી રાખથી ગભરાઈને તે ઘરમાં જ રહી. “થોડીવાર પછી જ,” એટિએન કહેવાનું ચાલું રાખે છે, “છાપરું ભાંગી પડ્યું જેમાં પેલી દુઃખી સ્ત્રી અને તેનો ખજાનો દટાઈ ગયાં.” બીજાઓ સર્વત્ર પ્રસરેલા ઝેરી વાયુથી ગૂંગળાઈ ગયા.

નાસવા માટે અચકાયા તેઓએ પોતાનાં જીવન બચાવવા માટે ત્યાં સુધીમાં જામી ચૂકેલી લાવારસની રાખના સ્તર પરથી નાસવું પડ્યું. તેઓ ઘાતક શ્વસનથી ગૂંગળાઈ જવાથી પડ્યા ત્યાં જ મરણ પામ્યા, અને સતત પડતી બારીક રાખના વરસાદને પરિણામે ઢંકાઈ ગયા. તેઓના દયાજનક અવશેષો સૈકાઓ પછી મળ્યા, જેઓની કીમતી વસ્તુઓ હજુ પણ તેઓને પડખે હતી. શહેર તથા એના રહેવાસીઓ રાખના ૬ મીટરથી વધારે ઊંડા સ્તર હેઠળ દટાઈ ગયા હતા.

પરંતુ, એ ઘાતક વર્ષાનો આભાર, કેમ કે શહેરના રહેવાસીઓ પુનઃદૃશ્યમાન થયા છે. તમે જાણો છો કઈ રીતે? આ પાન પરના ચિત્રમાં બતાવવામાં આવેલો તેઓના શરીર પરનો ઢોળ જુઓ. એ કઈ રીતે બનાવવામાં આવ્યો હતો? શરીર સડવાથી રાખમાં થયેલા પોલાણમાં પુરાતત્ત્વશાસ્ત્રીઓએ પ્લાસ્ટર ઓફ પેરિસ રેડીને ભોગ બનનારાઓનો છેલ્લો વેદનાકારી હાવભાવ જોવા આપણને શક્તિમાન કર્યા—“પોતાના હાથ ઉપર માથું રાખી પડેલી યુવતી; એક માણસ જેનું મોઢું રૂમાલથી ઢાંકેલું છે જે ધૂળ તથા ઝેરી વાયુઓ શ્વાસમાં જતા રોકી શક્યો નહિ; જાહેર સ્નાનાગારના કર્મચારીઓ શ્વાસ રુંધાવાથી તાણ અને આંચકી ખાતા કઢંગી સ્થિતિમાં પડ્યા છે; . . . એક માતા પોતાની નાની બાળકીને છેલ્લું દયામણું તથા વ્યર્થ આલિંગન આપી રહી છે.”—આરકેઓ.

હર્ક્યુલેનીયમમાં અસલામતી

પોમ્પેઈથી થોડાક માઈલ દૂર આવેલા હર્ક્યુલેનીયમમાંથી જેઓ જલદીથી નાસી ન ગયા તેઓ ફસાઈ ગયા. ઘણાઓ કદાચ સમુદ્ર મારફતે નાસી છૂટવાની આશાએ ઉતાવળે કિનારા તરફ નાઠા, પરંતુ હિંસક સમુદ્રકંપે હોડીઓને સમુદ્રમાં જતાં રોકી. હર્ક્યુલેનીયમ ખાતેના પ્રાચીન કિનારા પર તાજેતરના ખોદકામે ૩૦૦થી વધારે હાડપિંજરો શોધી કાઢ્યાં છે. તેઓએ સમુદ્ર સામે દેખાતી પાળ હેઠળ શરણ શોધ્યું તેમ, એ લોકો કાદવ અને લાવારસના ભયંકર વહેણથી જીવતાં જ દટાઈ ગયાં. અહીંયા પણ ઘણાંએ પોતાની સૌથી મૂલ્યવાન માલમત્તા બચાવવા પ્રયત્ન કર્યો હતો: સોનાના આભૂષણો, ચાંદીના પાત્રો, શસ્ત્રક્રિયાના સાધનોનો એક આખો સેટ—એ બધું વ્યર્થપણે ત્યાં તેઓના માલિકોના અવશેષો પાસે હતું.

સમય થંભી ગયો

પોમ્પેઈ કુદરતના બળો સામે જીવનની નિર્બળતાનો આબેહૂબ પુરાવો આપે છે. જગતમાંના કોઈ પણ પુરાતત્ત્વીય સ્થળથી અનોખી રીતે, પોમ્પેઈના ખંડેરો તથા આસપાસના વિસ્તારો એક છાપ પૂરી પાડે છે જે આધુનિક વિદ્વાનો અને જિજ્ઞાસુ લોકોને પ્રથમ સદી સી.ઈ.ના રોજિંદા જીવનનો અભ્યાસ કરવા શક્તિમાન કરે છે.

એ પ્રદેશની આબાદી ખાસ કરીને ખેતીવાડી, ઉદ્યોગ, અને વેપાર પર આધારિત હતી. ફળદ્રુપ ગ્રામ્યવિસ્તારો માનવ બળ—ગુલામો તથા સામાન્ય માણસોને મજૂરીએ રાખતા—ના અતિશય ઉપયોગથી મબલખ પાક પકવતા. શહેરની ઘણી પ્રવૃત્તિઓ ખાદ્યસામગ્રીના ધંધા સાથે સંબંધિત હતી. પોમ્પેઈનો કોઈ પણ મુલાકાતી મકાઈ દળવાની ઘંટીઓ, શાકભાજીનું બજાર, અને ફળફળાદી વેચનારાઓ તથા દારૂના વેપારીઓને હજુ પણ જોઈ શકે છે. એક વખત વેપાર—ઊન તથા શણ કાંતવા અને મોટા પાયા પર કપડું કાંતવા તથા વણાટકામ કરવા—માટે વાપરવામાં આવેલી ઈમારતો તમે જોઈ શકો છો. ઝવેરીની દુકાનથી માંડીને હાર્ડવેરની દુકાન સુધીના બીજા ડઝનબંધી લઘુ ઉદ્યોગોવાળી ઈમારતો ઉપરાંત ઘરો એક શહેર રચતા હતા.

એક વખતનાં ગીર્દીવાળા, સાંકળા ફળિયામાં પથ્થરના બ્લોકથી ફરસ બનાવવામાં આવી છે. એની બન્‍ને બાજુ ચાલવાના ઊંચા રસ્તા તથા જાહેર ફુવારા બનાવવામાં આવ્યા છે જે પાણીની કૃત્રિમ નહેરની કુશળ વ્યવસ્થાથી ચાલે છે. મુખ્ય ફળિયાઓના ખૂણે જિજ્ઞાસાભરી વિગત જોઈ શકાય છે. આધુનિક રાહદારી માર્ગના પ્રાચીન પૂર્વજોની જેમ, ફળિયાની વચ્ચે રાખવામાં આવેલા મોટા ઊંચા પથ્થરના બ્લોક રાહદારીઓના પ્રવાહને સુગમતા આપતા અને વરસાદ પડે ત્યારે, તેઓને પોતાના પગ પલળતા અટકાવતા. શહેરમાં ગાડું ચલાવનાર કોઈ પણ વ્યક્તિ પાસે એ ઊંચા પથ્થરોને ટાળવા કુશળતા હોવી જરૂરી હતી. એ પથ્થરો હજુ પણ ત્યાં છે! કંઈ પણ બદલાયું નથી.

અંગત જીવન

પોમ્પેઈવાસીઓના અંગત જીવનોને ઘેરતાં બંધનો પણ આધુનિક સમયના લોકોને અવિવેકીપણે જોતાં અટકાવી શકતાં નથી. ભવ્ય આભૂષણથી ઢંકાયેલી એક સ્ત્રી મલ્લ યોદ્ધાના ઉતારામાં તેના હાથમાં મરેલી પડી છે. ઘરો અને દુકાનોનાં બારણાં ખુલ્લાં છે. જાણે કે એક મિનિટ પહેલાં એને તરછોડી દેવામાં આવ્યું હોય એવું રસોડું જોઈ શકાય છે, જેમાં ચૂલા પર તપેલાં છે, ભઠ્ઠીમાં કાચી રોટલી હજુ પણ છે, અને મોટી બરણીઓ દીવાલને ટેકવેલી છે. ઓરડાને પ્રભાવશાળી પ્લાસ્ટર, ચિત્રો, અને મોઝાઈક ટાઈલ્સથી શણગારવામાં આવ્યા છે, જ્યાં ચાંદીના કપ અને આશ્ચર્યકારક કુશળતાથી બનાવેલાં પાત્રો મિજબાની માટે વાપરવામાં આવતાં. સ્તંભોની હાર અને અત્યારે ચાલતા નથી એવા આહ્‍લાદક ફુવારાથી શાંત આંતરિક બગીચાઓ શણગારેલા છે. આરસ તથા કાંસામાંથી બનાવેલા પૂતળાંની ઉત્કૃષ્ટ હસ્તકલા અને કૌટુંબિક દેવોની વેદીઓ પણ જોવા મળે છે.

જોકે, મોટા ભાગનાઓની જીવનઢબ સામાન્ય હતી. ઘણાઓ પાસે ઘરે રાંધવાની સગવડ ન હતી તેઓ અવારનવાર ઘણા પીઠાંએ જતા. ત્યાં તેઓ વધારે ખર્ચ કર્યા વગર ગપસપ કરી શકતા, જુગાર રમી શકતા, કે ખોરાક કે પીણું ખરીદી શકતા. એમાંના કેટલાક વેશ્યાવાડાઓ હોવા જ જોઈએ જ્યાંની સ્ત્રી કર્મચારીઓ, જેઓ ઘણીવાર ગુલામ છોકરીઓ હતી, તેઓ ગ્રાહકોને પીણું આપ્યા પછી વેશ્યાઓ તરીકે કામ કરતી. એ પ્રકારના અસંખ્ય પીઠાં હોવા ઉપરાંત, ખોદકામે બીજા કેટલાય વેશ્યાવાડાઓ શોધી કાઢ્યા છે, જે ઘણીવાર તદ્દન બીભત્સ ચિત્રો તથા લખાણોથી ઓળખાયા છે.

પગલાં લેવાનો સમય છે

પોમ્પેઈનો અચાનક થયેલો વિનાશ વ્યક્તિને વિચાર કરતી કરી શકે. દેખીતી રીતે જ, ત્યાં નાશ પામેલાં હજારોએ ઝઝૂમી રહેલા વિનાશની ચેતવણીરૂપ નિશાનીઓ—વારંવારના ધરતીકંપ, જ્વાળામુખીના વિસ્ફોટો, અને લાવાના બારીક ભૂક્કાનો ભયંકર વરસાદ—નો પૂરતી ચપળતાથી પ્રત્યાઘાત પાડ્યો નહિ. તેઓ પોતાનું એશઆરામવાળું જીવન તથા પોતાની મિલકત જતી કરવા માગતા ન હતાં, કદાચ એ કારણે તેઓ અચકાયા હતા. કદાચ તેઓએ એવી આશા રાખી હશે કે જોખમ જતું રહેશે અથવા બાબત વણસશે તો નાસી છૂટવાનો હજુ પણ સમય હશે. દુઃખદપણે, તેઓ ભૂલ કરી રહ્યા હતા.

શાસ્ત્રવચનો આપણને માહિતગાર કરે છે કે આજે આખું જગત એવી જ પરિસ્થિતિમાં છે. આપણે રહીએ છીએ એ ભ્રષ્ટ સમાજ દેવથી વિમુખ થયેલો છે. એનો અચાનક જ નાશ કરવાનો સમય પાકી ચૂક્યો છે. (૨ પીતર ૩:૧૦-૧૨; એફેસી ૪:૧૭-૧૯) બધા પુરાવા દર્શાવે છે કે એ સમય પાસે છે. (માત્થી ૨૪:૩-૪૨; માર્ક ૧૩:૩-૩૭; લુક ૨૧:૭-૩૬) અને પોમ્પેઈના કરુણ અવશેષો અનિર્ણાયકતાની મૂર્ખતાના મૂક સાક્ષી તરીકે ઊભા છે. (g96 9/8)

પાન ૧૯ પરના ફોટા: Soprintendenza Archeologica di Pompei

કલિગ્યુલાની કમાન જેમાં વિષુવિયસ પર્વત પાર્શ્વભૂમિકામાં છે

ઉપર: પ્લાસ્ટરમાં ઢાળેલા પોમ્પેઈના રહેવાસીઓ

ડાબે: નીરોની કમાન અને જ્યુપિટરના મંદિરના ભાગનું દૃશ્ય

ખ્રિસ્તી ક્રોસ?

બેકરીની એક દીવાલના પ્લાસ્ટરમાંના એક ક્રોસનો સમાવેશ કરતાં પોમ્પેઈમાં મળી આવેલા વિવિધ ક્રોસનું, કેટલાક લોકોએ શહેરના ૭૯ સી.ઈ.માં થયેલા વિનાશ પહેલા એમાં ખ્રિસ્તીઓની હાજરીનો પુરાવો હોવા તરીકે અર્થઘટન કર્યું છે. શું એ ધારણા પ્રમાણિત છે?

દેખીતી રીતે જ નહિ. એન્ટોનિઓ વેરોન પોતાના પુસ્તક પ્રેઝેન્સ જ્વેડાએકે એ ક્રેસ્ત્યાની એ પોમ્પા (પોમ્પેઈમાં યહુદી અને ખ્રિસ્તી હાજરી)માં કહે છે કે “ક્રોસની એક પદાર્થ તરીકે ઉપાસના કરતો ચુસ્ત સંપ્રદાય શોધવા આપણને ચોથી સદી સુધી રાહ જોવાની જરૂર છે, જ્યારે સમ્રાટ [કોન્સ્ટંટાઈન]નું ધર્માંતર થવાનું હતું અને મૂર્તિપૂજકોનાં ટોળાં તેઓની આત્મિકતાના વધુ સુમેળમાં હોય એવા રૂપની પૂજા કરવાનાં હતાં.” “બીજી અને ત્રીજી સદીમાં અને કોન્સ્ટંટાઈનના સમય સુધી,” વેરોન ઉમેરે છે, “એ સંજ્ઞા ભાગ્યે જ મળતી જે ખ્રિસ્તી ધર્મ સાથે સંબંધ દર્શાવતી હોય.”

એ સંજ્ઞાઓ ખ્રિસ્તી ન હતી તો, એનાં મૂળ કયાં હોય શકે? ક્રોસ માનવામાં આવતી એ સંજ્ઞાઓની ઓળખાણ અને એ જ બેકરીમાં સાપના રૂપમાં દેવતાના ચિત્રની શોધ વિષેની શંકાની બીજી તર્ફે, ત્યાં “કેટલીક અત્યંત બીભત્સ વસ્તુઓ છે જેનો બેકરીના ભાડૂતની ધારવામાં આવેલી ખ્રિસ્તી આત્મિકતા સાથે સુમેળ કરવો મુશ્કેલ છે,” વેરોન કહે છે. તે ઉમેરે છે: “એ પ્રચલિત છે કે સંસ્કૃતિની શરૂઆતથી માંડીને, ક્રોસ ઉદ્ધારનું ચિહ્‍ન બન્યો એના પહેલાં, ક્રોસના આકારનું ચિહ્‍ન સ્પષ્ટપણે જાદુ અને ધાર્મિક ક્રિયા માટે વાપરવામાં આવતું.” એ વિદ્વાન સમજાવે છે કે, પ્રાચીન સમયોમાં ક્રોસ પિશાચી અસર દૂર કરવા કે વિનાશ કરવા સક્ષમ ગણવામાં આવતો, ખાસ કરીને એનો એક માદળિયા તરીકે ઉપયોગ કરવામાં આવતો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો