આનો રચનાર કોણ?
કાર્પેન્ટર કીડીની પોતાનાં એન્ટેના સાફ કરવાની કળા
તમે કીડી-મકોડાને ચઢ-ઉતર કરતા, ઊડતા અથવા આજુબાજુની જગ્યાનું નિરીક્ષણ કરતા ચોક્કસ જોયા હશે. એ માટે તેઓ પોતાનાં શિંગડાં જેવાં એન્ટેનાનો ઉપયોગ કરે છે. પણ શું તમે જાણો છો કે જો તેઓનાં એન્ટેના ચોખ્ખાં ન રહે, તો તેઓ ઘણું બધું નહિ કરી શકે. દાખલા તરીકે, જો તેઓનાં એન્ટેના ગંદાં હોય, તો તેઓ રસ્તો ભટકી જઈ શકે, બીજી કીડીઓ સાથે વાત નહિ કરી શકે અને કંઈ સૂંઘી પણ નહિ શકે. એલેકઝાંડર હેકમેન પ્રાણીશાસ્ત્રી છે. તેમનું કહેવું છે: “એવું કોઈ જીવજંતુ નથી જે ગંદું રહેતું હોય. ભલે તેઓ આજુબાજુની ગંદકીના કારણે દૂષિત થઈ જતા હોય, પણ તેઓએ પોતાને ચોખ્ખા રાખવાનો રસ્તો શોધી લીધો છે.”
જાણવા જેવું: કાર્પેન્ટર કીડીની એક પ્રજાતિ (કૈંપોનોટસ રૂફીફીમુર) પોતાનાં એન્ટેના સાફ કરવાની કળામાં કુશળ હોય છે. એ વિશે હેકમેન અને તેમની સાથે કામ કરતા લોકોએ અભ્યાસ કર્યો છે. તેઓને જાણવા મળ્યું કે, આ કીડી પગથી પોતાનાં એન્ટેના સાફ કરે છે. તે પોતાના પગ વાળીને, એમાં એન્ટેનાને ફસાવે છે. પછી એ એન્ટેનાને ખેંચે છે. એના પગ પર કડક વાળ હોવાને લીધે એન્ટેના પર લાગેલી ગંદકી નીકળી જાય છે. પણ અમુક ગંદા કણો એકદમ નાના હોય છે. એ કીડીનાં એન્ટેનામાં ફસાયેલા હોય તો, એને સાફ કરવાની પણ રીત છે. એ કણો દૂર કરવા માટે કીડીના પગ પર ખૂબ પાતળા અને ઝીણી કાંસકી જેવા વાળ હોય છે. આ વાળ વચ્ચેની જગ્યા, એ કીડીનાં એન્ટેનાની રુંવાટીની જાડાઈ જેટલી હોય છે. એટલે એ કાંસકી જેવા વાળથી એન્ટેનાની રુંવાટી પણ સાફ થઈ જાય છે. જો એ એન્ટેના પર માણસના વાળની જાડાઈ કરતાં ૮૦ ગણાં નાના કણ લાગ્યા હોય, તો એને પણ કીડી પોતાના પગથી સાફ કરી શકે છે. કારણ કે, એના પગ પર બહુ જ પાતળા બ્રશ જેવા વાળ હોય છે.
જુઓ કે, કાર્પેન્ટર કીડી કઈ રીતે પોતાનાં એન્ટેના સાફ કરે છે.
હેકમેન અને તેમની ટીમનું માનવું છે, કે કીડીઓની એન્ટેના સાફ કરવાની રીત, ઇલેક્ટ્રોનિક સાધનોના નાનાં નાનાં ભાગો બનાવતી વખતે ઘણી કામ આવી શકે છે. દાખલા તરીકે, ઇલેક્ટ્રોનિક સાધનોમાં વપરાતા નાના કે સૂક્ષ્મ ભાગો બનાવતી વખતે એની ચોખ્ખાઈનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કેમ કે, જો એ ભાગો થોડા પણ ગંદા થાય તો એ ખરાબ થઈ શકે છે. એટલે કીડીઓ જે રીતે સફાઈ કરે છે, એ રીત વાપરીને ઇલેક્ટ્રોનિક સાધનોના સૂક્ષ્મ ભાગોની સફાઈનું ધ્યાન રાખી શકાય છે.
તમને શું લાગે છે? કાર્પેન્ટર કીડીમાં પોતાનાં એન્ટેના સાફ કરવાની રીત પોતાની મેળે આવી કે પછી એનો કોઈ રચનાર છે?