યહોવાના સાક્ષીઓ પર લાગેલા બધા જ આરોપને તેઓ કેમ ખોટા સાબિત નથી કરતા?
યહોવાના સાક્ષીઓ બાઇબલમાં આપેલી સલાહને લીધે, તેઓના પર લાગેલા બધા આરોપને ખોટા સાબિત નથી કરતા. અરે, તેમની મશ્કરી કરનાર દરેકને જવાબ પણ નથી આપતા. દાખલા તરીકે બાઇબલમાં લખ્યું છે: “જે મશ્કરી કરનારને સુધારે છે, તેની ફજેતી થાય છે.” (નીતિવચનો ૯:૭, ૮; ૨૬:૪) એટલે, અમે બધા આરોપને ખોટા સાબિત કરવાને બદલે ઈશ્વરને ખુશ કરવા પર ધ્યાન આપીએ છીએ.—ગીતશાસ્ત્ર ૧૧૯:૬૯.
બાઇબલમાં એ પણ જણાવ્યું છે કે “ચૂપ રહેવાનો સમય અને બોલવાનો સમય” હોય છે. (સભાશિક્ષક ૩:૭) એટલે જો કોઈ વ્યક્તિ બાઇબલ સત્ય જાણવા માંગે તો તેને જણાવીએ છીએ, પણ તેની સાથે નકામી દલીલો કરતા નથી. આ રીતે અમે ઈસુ અને શરૂઆતના ખ્રિસ્તીઓના દાખલાને અનુસરીએ છીએ.
ઈસુ પર પિલાતે ખોટા આરોપ મૂક્યા ત્યારે, તેમણે કોઈ જવાબ આપ્યો નહિ. (માથ્થી ૨૭:૧૧-૧૪; ૧ પિતર ૨:૨૧-૨૩) અરે તેમને દારૂડિયા અને ખાઉધરા કહ્યા ત્યારે, જવાબ આપવાને બદલે તેમણે પોતાનાં કામોથી એ આરોપોને ખોટા સાબિત કર્યાં. તેમણે બાઇબલનો આ સિદ્ધાંત પાળ્યો: “જ્ઞાન પોતાનાં પરિણામોથી ખરું સાબિત થાય છે.” (માથ્થી ૧૧:૧૯, ફૂટનોટ) જોકે જરૂર પડી ત્યારે, ખોટા આરોપ લગાવીને બદનામ કરતા લોકોને ઈસુએ કડક શબ્દોમાં જવાબ આપ્યો.—માથ્થી ૧૫:૧-૩; માર્ક ૩:૨૨-૩૦.
ઈસુએ પોતાના શિષ્યોને સમજાવ્યું કે જો કોઈ તેમના પર ખોટા આરોપ મૂકે તો તેઓએ નિરાશ ન થવું જોઈએ. તેમણે કહ્યું: “જ્યારે લોકો મારે લીધે તમારી નિંદા કરે, તમારી સતાવણી કરે અને જૂઠું બોલીને તમારા વિશે અનેક પ્રકારની ખરાબ વાતો કરે, ત્યારે તમે સુખી છો.” (માથ્થી ૫:૧૧, ૧૨) તેમણે એ પણ કહ્યું કે જો એવા સંજોગોમાં સંદેશો આપવાની તક મળે, તો ચોક્કસ સંદેશો જણાવો. એવું કરવા ઈસુ મદદ કરશે, કેમ કે તેમણે વચન આપ્યું છે: “હું તમને શબ્દો અને બુદ્ધિ આપીશ. પછી બધા વિરોધીઓ મળીને પણ તમારો સામનો કરી શકશે નહિ.”—લૂક ૨૧:૧૨-૧૫.
પ્રેરિત પાઉલે ખ્રિસ્તીઓને સલાહ આપી કે તેઓ વિરોધીઓ સાથે નકામી દલીલો ન કરે. કેમ કે એવી દલીલો અને ઝઘડાથી “કંઈ લાભ થતો નથી અને એ બધું નકામું છે.”—તિતસ ૩:૯; રોમનો ૧૬:૧૭, ૧૮.
પ્રેરિત પિતરે ખ્રિસ્તીઓને ઉત્તેજન આપ્યું કે શક્ય હોય ત્યારે પોતાની શ્રદ્ધા વિશે લોકોને જણાવે. (૧ પિતર ૩:૧૫) જોકે તેમણે એ પણ જણાવ્યું કે શ્રદ્ધા બતાવવાની સૌથી સારી રીત એ છે કે પોતાનાં કામોથી પોતાને નિર્દોષ સાબિત કરીએ. તેમણે જણાવ્યું: “તમે સારાં કામ કરીને એ મૂર્ખોનાં મોં બંધ કરી દો, જેઓ વિચાર્યા વગર તમારી વિરુદ્ધ બોલે છે.”—૧ પિતર ૨:૧૨-૧૫.