યહોવાના સાક્ષીઓ એવા લોકો સાથે કેમ ફરી વાત કરે છે, જેઓએ પહેલાં કહ્યું હતું, “મને રસ નથી”?
યહોવાના સાક્ષીઓ ઈશ્વરને અને લોકોને ખૂબ પ્રેમ કરે છે, એટલે તેઓ બધા લોકોને ખુશીથી બાઇબલનો સંદેશો જણાવે છે. અરે, તેઓને પણ જણાવે છે, જેઓએ પહેલાં કહ્યું હતું કે “મને રસ નથી.” (માથ્થી ૨૨:૩૭-૩૯) ઈશ્વર માટેના પ્રેમને લીધે અમને તેમના દીકરાની આજ્ઞા પાળવા ઉત્તેજન મળે છે. તેમણે આજ્ઞા આપી હતી કે ‘પૂરેપૂરી સાક્ષી આપો.’ (પ્રેરિતોનાં કાર્યો ૧૦:૪૨; ૧ યોહાન ૫:૩) એટલે અમે વારંવાર લોકોને ઈશ્વરનો સંદેશો જણાવીએ છીએ. પહેલાંના સમયના પ્રબોધકો પણ એમ જ કરતા હતા. (યર્મિયા ૨૫:૪) અમે દરેકને પ્રેમ કરતા હોવાથી જીવન બચાવનાર ‘રાજ્યની ખુશખબર’ જણાવવાનો પ્રયત્ન કરીએ છીએ. (માથ્થી ૨૪:૧૪) એમાં એવા લોકો પણ આવી જાય જેઓએ પહેલાં કહ્યું હતું, “મને રસ નથી.”
ઘણી વાર એવું બને કે જે ઘરમાં અગાઉ કોઈએ રસ ન બતાવ્યો હોય, ત્યાં ફરી વાર જઈએ તો કોઈ રસ બતાવે પણ ખરું. એનાં ત્રણ કારણો હોય શકે:
કદાચ લોકો ઘર બદલે.
કદાચ ઘરના બીજા સભ્યો સંદેશામાં રસ લે.
કદાચ લોકોના સંજોગો બદલાય. દુનિયામાં અને લોકોના જીવનમાં ફેરફાર થતા રહે છે. એટલે બની શકે કે અમુક લોકોમાં “ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ” વધે અને તેઓ બાઇબલના સંદેશામાં રસ લે. (માથ્થી ૫:૩) પ્રેરિત પાઊલની જેમ એવા લોકોનું પણ મન બદલાય, જેઓ પહેલાં વિરોધ કરતા હતા.—૧ તિમોથી ૧:૧૩.
અમારો સંદેશો સાંભળવા અમે કોઈને બળજબરી કરતા નથી. (૧ પિતર ૩:૧૫) અમારું માનવું છે કે કોની ભક્તિ કરવી એ દરેક વ્યક્તિનો પોતાનો નિર્ણય છે.—પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦.