શું યહોવાના સાક્ષીઓ પોતાની સારવાર કરાવે છે?
હા, યહોવાના સાક્ષીઓ સારવાર કરાવે છે અને દવાઓ પણ લે છે. અમે અમારું ધ્યાન રાખીએ છીએ અને તંદુરસ્ત રહેવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ. અમને પણ ક્યારેક ડૉક્ટર કે “વૈદની જરૂર” પડે છે. (લૂક ૫:૩૧) પહેલી સદીમાં લૂક નામના એક ડૉક્ટર હતા. આજે પણ અમુક યહોવાના સાક્ષીઓ ડૉક્ટર છે.—કોલોસીઓ ૪:૧૪.
અમુક સારવાર બાઇબલ સિદ્ધાંતોને આધારે નથી હોતી, એટલે અમે એવી સારવાર લેતા નથી. દાખલા તરીકે સારવાર કરાવતી વખતે અમે લોહી લેતા નથી. કેમ કે, બાઇબલમાં આજ્ઞા આપી છે કે લોહીથી દૂર રહેવું. (પ્રેરિતોનાં કાર્યો ૧૫:૨૦) એવી જ રીતે બાઇબલમાં જણાવ્યું છે, કે મેલીવિદ્યા સાથે જોડાયેલી બીજી કોઈ વિધિ કે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એવી સારવાર પણ ન લેવી જોઈએ.—ગલાતીઓ ૫:૧૯-૨૧.
તેમ છતાં, સારવારની એવી ઘણી રીતો છે, જેમાં બાઇબલના સિદ્ધાંતો તૂટતા નથી. દરેક વ્યક્તિ જાતે નક્કી કરશે કે તે કેવી સારવાર લેશે. એટલે બની શકે કે સારવારની રીત અને દવાની પસંદગી વિશે યહોવાના એક સાક્ષીનો નિર્ણય બીજા સાક્ષી કરતાં અલગ હોય.—ગલાતીઓ ૬:૫.